ગુજરાતમાં મોદીની સભાઓ કરતા હાર્દિકની સભાઓમાં ભીડ વધારે?

હાર્દિક પટેલની રાજકોટની રેલી Image copyright Bipin tankariya
ફોટો લાઈન હાર્દિક પટેલની રાજકોટની રેલી

આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રીના ઉમેદવાર નથી અને ભાજપની પડખે ઊભો રહેતો પાટીદાર વર્ગ ભાજપથી જ નારાજ હોય તેવું જણાય છે.

આ બધાં સમીકરણોના આધારે રાજકીય વિશ્લેષકો અને નિરીક્ષકો એવું કહી રહ્યા છે કે ગુજરાતમાં હાર્દિક પટેલ વિરુદ્ધ મોદીનું 'સભા યુદ્ધ' ચાલી રહ્યું છે.

હાર્દિકની સભાઓમાં ભીડ સ્વયંભૂ છે, જ્યારે મોદીની સભાઓમાં ભીડ લાવવી પડે છે.

ભાજપનું કહેવું છે કે, વડાપ્રધાનની સભાઓને કારણે કાર્યકર્તાઓમાં જોશનો સંચાર થયો છે. તેમની સભાઓને મળેલા પ્રતિસાદથી પાર્ટી સંતુષ્ટ છે.

તમને આ પણ વાંચવું ગમશે


'હાર્દિકની સભાઓમાં ભીડ સ્વયંભૂ'

Image copyright Getty Images

રાજકોટના સિનિયર પત્રકાર કિરીટસિંહ ઝાલાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "ગયા રવિવારે (3 ડિસેમ્બર) મોદીએ રાજકોટમાં સભા સંબોધી હતી. રાજકોટ એ ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી વિજય રૂપાણીનું હોમ ગ્રાઉન્ડ છે.

"હાર્દિકે પણ રાજકોટમાં ગયા અઠવાડિયે જનસભા કરી હતી. આ બંને સભાઓની તુલના કરીએ તો હાર્દિકની સભામાં ભીડ વધારે હતી.

"બીજું કે હાર્દિકની સભામાં લોકો સ્વયંભૂ આવે છે, જ્યારે મોદીની સભામાં લોકોને લાવવા પડે છે''

ઝાલાએ વધુમાં ઉમેર્યુ કે "મહત્ત્વની વાત એ છે કે હાર્દિકને હવે અટકાવવો અઘરો છે અને એટલા માટે જ પોલીસ મંજૂરી ન હોવા છતાંય રાજકોટમાં સભા કરી હતી અને એક રીતે ભાજપ સરકારને તેની તાકાતનો પરચો આપ્યો હતો.''

વરિષ્ઠ પત્રકાર દર્શન દેસાઈએ કહ્યું, "પહેલી વખત એવું બની રહ્યું છે કે મોદીની સભાઓ કરતાં હાર્દિકની સભાઓમાં લોકો વધારે આવી રહ્યા છે.

"એક કિસ્સામાં તો મોદીની સભાનું સ્થળ બદલવું પડ્યું છે. મોદીની કેટલીક સભાઓમાં મેં જોયું કે સભા મોડી શરૂ કરવી પડી છે''

દેસાઈએ વધુમાં જણાવ્યું,"યુવાનો હાર્દિક તરફ આકર્ષાયા છે. કેમ કે, હાર્દિક તેમને સ્પર્શતા પ્રશ્નોની વાત કરે છે. બેકારી, ખેડૂત આત્મહત્યા, ખેત-પેદાશોના ભાવની વાત કરે છે. આ બધા મુદ્દાઓ લોકો માટે મહત્વના છે.

"શિક્ષણ અને આરોગ્યનાં ખાનગીકરણની વાત પણ બધાને સ્પર્શે છે. એટલે જ લોકો અને એમાંય ખાસ કરીને યુવાનોમાં હાર્દિક લોકપ્રિય છે.''


મોદીએ યાદ કરાવ્યા હુલ્લડ

Image copyright Getty Images

ભાવનગર સ્થિત પત્રકાર વિપુલ હિરાણીએ કહ્યું કે પહેલી વખત ભાજપે બે જ્ઞાતિઓ વચ્ચે વિખવાદ થાય તેવી વાત કરવી પડી.

હિરાણી કહે છે, "૨૯ નવેમ્બરનાં રોજ મોદીએ પાલિતાણામાં એક સભા કરી હતી. આ સભામાં તેમણે વર્ષો પહેલાં માનગઢ ગામમાં પટેલો અને ક્ષત્રિયો વચ્ચે થયેલા હત્યાકાંડનો ઉલ્લેખ કર્યો.

"આ વાતથી પટેલો અને ક્ષત્રિયોમાં ખૂબ નારાજગી જોવા મળી. બંને સમાજના લોકો એ જૂની વાતને ભૂલી ગયા છે. એ વેરઝેર ભૂલી ગયા છે.

"મોદીની આ વાતથી નારાજ થઈ, ભાવનગરના ક્ષત્રિય સમાજના આગેવાનોએ હાર્દિક પટેલને ટેકો જાહેર કર્યો છે.''


મોદીની પ્રતિષ્ઠા દાવ પર

ફોટો લાઈન મોદીની કડોદરાની સભામાં ઓછી મેદની જોવા મળી હતી.

સિનિયર પત્રકાર ફયસલ બકીલીએ બીબીસીને જણાવ્યું, "રવિવારે (ડિસેમ્બર ૩) હાર્દિક પટેલનો રોડ-શો અને એના પછીની તેની સભા અભૂતપૂર્વ હતી.

"હાર્દિકનો રોડ-શો અને સભામાં ઊભા રહેવાની જગ્યા નહોતી, જ્યારે બીજી તરફ, આ જ દિવસે, નરેન્દ્ર મોદીની આમોદની સભામાં ખુરશીઓ ખાલી રહી હતી અને ઓછા લોકો આવ્યા હતા એવા અહેવાલો આવ્યા છે.

"આ બે દ્રશ્યો ભાજપ માટે ચોક્કસ ચિંતાનું કારણ બનશે. લોકો હાર્દિકની સભામાં જોડાઈને, સરકાર પ્રત્યેની તેમની નારાજગી દર્શાવી રહ્યાં છે."

બકીલીએ વધુમાં કહ્યું, "આ દ્રશ્યો જોતાં એવું લાગી રહ્યું છે કે, આ ચૂંટણીમાં વન મેન આર્મી (હાર્દિક પટેલ) અને ગુજરાતી વડાપ્રધાન મોદીની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.''

પ્રતિસાદથી ભાજપ સંતુષ્ટ


Image copyright Getty Images

બીજી તરફ આ વિશે ભાજપના પ્રવક્તા યમલ વ્યાસે જણાવ્યું, "વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને હાર્દિક પટેલ વચ્ચે સરખામણી ના થઈ શકે.

"મોદી દેશના સૌથી મોટા નેતા છે અને તેમની સભાઓમાં અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે, તેનાથી પાર્ટી સંતુષ્ટ છે. મોદીની સભાઓથી કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર થયો છે. અમે 150થી વધારે સીટો જીતીશું."

દક્ષિણ ગુજરાતમાં એક જગ્યાએ સભાની જગ્યા બદલવા વિશે સવાલ પૂછતા તેમણે જણાવ્યું કે સુરક્ષાના કારણોસર જગ્યા બદલવી પડી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો