મેડલ વિજેતા મહિલા પ્લેયર્સ કેમ ઇચ્છે છે 'વિકાસ'?

મહિલા વૉલી બૉલ ખેલાડીઓ

ગુજરાતના ગિર-સોમનાથ જિલ્લામાં કોડિનાર તાલુકામાં આવેલું સરખડી ગામ 'મહિલા વૉલીબૉલના ખેલાડીઓ'નાં ગામ તરીકે જાણીતું છે.

અહીંની શાળા અને કૉલેજમાં ભણતી છોકરીઓએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વૉલી બૉલની રમતમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.

તમને આ વાંચવું પણ ગમશે:

તેમણે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની વૉલીબૉલ સ્પર્ધામાં અનેક પદકો જીત્યા છે.

પરંતુ આ ખેલાડીઓને તેમના ભવિષ્યની ચિંતા છે, તેમને લાગે છે કે વૉલીબૉલ રમીને તેમનું ઘર ચાલવાનું નથી.

આ રમતમાં આગળ વધવા તેમને સુવિધાઓ પણ મળતી નથી. તેમને બેરોજગારીનો ભય સતાવે છે.


વૉલીબૉલ ગામ સરખડી

સરખડી ગામમાં આશરે ચાર હજાર લોકો રહે છે. દરિયા કિનારે વસેલા આ ગામના મોટાભાગનાં લોકો ખેતી કામ કરે છે.

બીબીસી ગુજરાતીની ટીમ સવારે આઠ વાગ્યે સરખડી ગામનાં ઝાંપે પહોચી ત્યારે તો હાઇસ્કૂલનું આખુંય પટાંગણ વૉલીબૉલના ખેલાડીઓના અવાજથી ગૂંજતું હતું.

અહીં વૉલીબૉલની પ્રૅક્ટિસ ચાલી રહી હતી. અમે દૂર સુધી નજર દોડાવી તો જોયું, સ્કૂલની ઇમારત ખખડધજ હાલતમાં છે. શૌચાલય વાપરી ના શકાય તેવી જર્જર હાલતમાં છે.

અમે વૉલીબૉલના કોચ અને હાઇસ્કૂલના આચાર્ય વરજાંગભાઇ વાળાને મળ્યા. તેમની મહેનતને કારણે ગામની ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચી શકી છે.


મૂળભૂત સુવિધાઓનો અભાવ

તાજેતરમાં ચીનમાં રમાયેલી બ્રિક્સ ચૅમ્પિયનશિપમાં ભારતની વૉલી બૉલ ટીમનાં કૅપ્ટન ચેતના વાળાએ જણાવ્યું,"મહિલા ખેલાડીઓની જરૂરિયાતો પ્રત્યે વધુ ધ્યાન આપવાની જરૂરિયાત છે.

"જો મહિલાઓને તમે સારી સુવિધાઓ આપશો તો તેઓ જરૂર કંઇક કરી દેખાડશે.''

ચેતનાએ કહ્યું, "અમે જ્યારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમવા જઇએ છીએ, ત્યારે ત્યાં અત્યાધુનિક સુવિધાઓ હોય છે, પણ અમારી ખેલાડીઓ માટે પ્રૅક્ટિસ કરવા ઇન્ડોર સ્ટેડિયમ પણ નથી.

"એટલું જ નહીં જે કમ્પાઉન્ડમાં આ ખેલાડીઓ પ્રૅક્ટિસ કરે છે ત્યાં શૌચાલય પણ નથી. આ ખેલાડીઓને ઠંડી, ગરમી કે વરસાદની ઋતુમાં બહાર જ પ્રૅક્ટિસ કરવી પડે છે.

જો સરકાર મહિલા વૉલીબૉલ માટેની એકૅડેમી સરખડીમાં બનાવે તો, ખેલાડીઓને પ્રોત્સાહન મળી શકે છે.''

સરખડી ગામ અને તેના આસપાસના ગામની છોકરીઓ પણ વૉલીબૉલની રમત રમે છે.

હાલમાં અહીં સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા સેન્ટર ફૉર એક્સલન્સ આપવામાં આવ્યું છે.

જે હેઠળ તાલીમ મેળવનારી વિદ્યાર્થિનીઓને માસિક સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.

૨૦૧૪માં થાઇલેન્ડમાં રમાયેલી યૂથ એશિયન ચૅમ્પિયનશિપમાં ભારતીય ટીમનાં કૅપ્ટન કિંજલ વાળાએ કહ્યું, "મહિલા વૉલીબૉલની ખેલાડીઓને રોજગારીનો પ્રશ્ન સતાવે છે."

"કેમ કે, દિલથી રમીને મેડલ લાવ્યા પછી પણ શું? "

કિંજલે આગળ જણાવ્યું, "રાજ્યમાં વ્યાયામ શિક્ષકોની ભરતી બંધ થઈ ગઈ છે."

"બીજી બાજુ, ઇન્કમટેક્ષ, રેલ્વે અને પોસ્ટલ સેવાઓમાં મહિલા વૉલી બૉલ ખેલાડીઓ માટે ગુજરાતમાં ક્વોટા નથી."

"આથી જો તેમને સ્પોર્ટસના આધાર પર નોકરી ન મળે, તેમનું ભવિષ્ય બગડી જાય.''

જિલ્લા શિક્ષણ અધિકારી મયુર પારેખે બીબીસી ન્યૂઝ ગુજરાતીને જણાવ્યું, "સ્કૂલમાં શૌચાલય ફરજિયાત છે અને આ મામલો દીકરીઓની સલામતી સાથે પણ સંકળાયેલો છે. અમે આ વિશે તપાસ કરીશું''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા