સાપુતારાના આદિવાસીઓ વિકાસથી શા માટે ખુશ નથી?

સાપુતારા હિલ સ્ટેશન
ફોટો લાઈન સાપુતારા હિલ સ્ટેશન

દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાંનાં સુંદર હિલ સ્ટેશન સાપુતારાના વિકાસની ગંદી આડઅસર બાજુના નવાગામમાં જોવા મળી રહી છે.

ડાંગ જિલ્લો જંગલ, પહાડો અને નાની-નાની નદીઓથી ભરપૂર છે. સુંદર હિલ સ્ટેશન સાપુતારાને કારણે પણ ડાંગને એક ઓળખ મળી છે.

સુરત ઉપરાંત મહારાષ્ટ્રના નાસિક જેવાં શહેરોમાંથી પર્યટકો મોટી સંખ્યામાં રજા ગાળવા સાપુતારા આવે છે.

ગુજરાત ટુરિઝમની એક જાહેરાતમાં અમિતાભ બચ્ચન કહે છે, ''ગુજરાતકી આંખકા તારા હૈ-સાપુતારા. ઈસ હિલ સ્ટેશન પર બાત કરને કે લિયે કોઈ નહીં, બાદલોંકે સિવા.''

ગુજરાતના પ્રવાસન વિભાગે દિલ્હીના પત્રકારોને પણ સાપુતારાની સફર કરાવી હતી, જેથી સાપુતારાના વિકાસની વાતોનો પ્રચાર કરી શકાય.

જોકે, પત્રકારોને સાપુતારાથી ત્રણ કિલોમીટર દૂર આવેલા નવાગામ લઈ જવામાં આવ્યા ન હતા.


નવાગામની વાત

ફોટો લાઈન આદિવાસી પરિવારોને સાપુતારાથી હટાવી નવાગામમાં વસાવ્યા છે

મહારાષ્ટ્રને અડીને આવેલા નવાગામમાં અંદાજે 270 ઘર છે અને તેમાં લગભગ 1,400-1,500 લોકો રહે છે.

એ પૈકીના મોટાભાગના પાસે ઓળખપત્રો, આધાર કાર્ડ અને રેશન કાર્ડ છે, પણ તેઓ જે ઘરોમાં રહે છે એ ઘરો તેમના નામનાં નથી.

નવાગામના લોકોનું કહેવું છે કે તેમના પૂર્વજો સાપુતારાની જમીનમાં ખેતી કરતા હતા.

સાપુતારાનો વિકાસ પર્યટન સ્થળ તરીકે કરવા માટે તેમને 1970માં ત્યાંથી હટાવીને નવાગામમાં વસાવવામાં આવ્યા હતા.

તેમને સરકાર તરફથી ઘર આપવામાં આવ્યાં હતાં, પણ એ ઘરોના માલિકી હક્ક માટે આ લોકો આજે પણ ઝઝૂમી રહ્યા છે.


નોટિફાઈડ એરિયા

ફોટો લાઈન ભરતભાઈ પવારનું ઘર ગુજરાતમાં છે અને તેમનાં ઘરની બારીમાંથી જોઈએ તો સામે મહારાષ્ટ્ર દેખાય છે

સાપુતારા અને નવાગામને 1989માં નોટિફાઈડ એરિયા જાહેર કરવામાં આવ્યાં હતાં.

નોટિફાઈડ એરિયા એટલે એવા વિસ્તાર જેને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો નથી, પણ રાજ્ય સરકાર માટે એ મહત્વનો વિસ્તાર છે.

દેશમાંના આદિવાસીઓના બાહુલ્યવાળા ઘણા વિસ્તારોને નોટિફાઈડ એરિયાનો દરજ્જો આપવામાં આવ્યો છે.

નોટિફાઈડ એરિયા હોવાને કારણે નવાગામ વિસ્તાર કોઈ પંચાયતના કાર્યક્ષેત્ર હેઠળ આવતો નથી અને એ કારણે લોકોને પંચાયત તરકથી સરકારી યોજનાઓનો લાભ પણ મળતો નથી.


સ્થાનિક લોકોની અવદશા

ફોટો લાઈન નોટિફાઇડ એરિયાનો ભાગ હોવાથી નવાગામ કોઈ પંચાયતમાં આવતું નથી

ગુજરાતના પ્રવાસન વિભાગની જાહેરાતોમાં સાપુતારા સ્ટારની માફક ચમકી રહ્યું છે.

અલબત, સાપુતારાની સેંકડો એકર જમીન પર જે આદિવાસી પરિવારો ક્યારેક ખેતી કરતા હતા તેમનું જીવન હવે પ્રવાસીઓની કૃપા અને મજૂરી પર નિર્ભર છે.

સાપુતારાના સુંદર તળાવ અને ચમકદાર હોટેલોની પાસે રેંકડીઓની લાંબી કતાર લાગેલી હોય છે.

એ રેંકડીઓમાં નવાગામના લોકો પાવભાજી, ભજીયા, બટાટા વડા અને એવું બીજું સ્ટ્રીટ ફૂડ વેચીને ગુજરાન ચલાવે છે.

નવાગામમાં રહેતા નામદેવભાઈએ કહ્યું હતું, ''અમને આ બધું રાંધતાં આવડતું ન હતું. અમારા પૂર્વજો તો કંદમૂળ અને જંગલી શાકભાજી ખાતા હતા.

બહારના લોકો અહીં આવતા થયા એટલે અમને પણ પાવભાજી વગેરે રાંધતાં આવડી ગયું છે.

હવે તો વર્ષોથી અમે આ વાનગીઓ બનાવી રહ્યા છીએ.''


ચૂંટણીના બહિષ્કારની ચેતવણી

ફોટો લાઈન ચિમનભાઈને એ સમય યાદ છે જ્યારે 1970માં સાપુતારાથી આદિવાસી પરિવારોને હટાવવામાં આવ્યા હતા

મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આ વર્ષે જૂનમાં ડાંગ આવ્યા હતા.

નવાગામના લોકોએ મુખ્ય પ્રધાનને અરજી આપીને જણાવ્યું હતું કે તેમનાં ઘરોને રેગ્યુલરાઈઝ નહીં કરવામાં આવે તો તેઓ વિધાનસભા ચૂંટણીનો બહિષ્કાર કરશે.

એ અરજી આપનારાઓમાં રામુભાઈ ખંડુભાઈ પિઠે પણ હતા.

તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને જિલ્લા કલેક્ટર સુધીના અધિકારીઓને પાછલાં કેટલાંક વર્ષોમાં લખવામાં આવેલા પત્રો રામુભાઈએ મને દેખાડ્યા હતા.

નવાગામના લોકોને વધુ મજૂરી મહારાષ્ટ્રમાં મળે છે. એ ખેતીના કામ સંબંધી હોય છે.

દર વર્ષે ઓગસ્ટમાં અહીંના ઘણા લોકો દ્રાક્ષના બગીચાઓમાં કામ કરવા જાય છે.

એ લોકોએ ત્યાં ઝૂંપડીઓ બનાવીને બે-ત્રણ મહિના રહેવું પડે છે.

આ પ્રક્રિયા દર વર્ષે થતી હોય છે. તેથી તેમનાં બાળકોનો અભ્યાસ દર વર્ષે બે-ત્રણ મહિના માટે અટકી જાય છે.


ખુલ્લામાં કુદરતી હાજત

ફોટો લાઈન ગંગારામ પવાર અને તેમના પત્ની ચંદ્રકલા

રામુભાઈ કહે છે કે શૌચાલય બનાવવાની ઝુંબેશ દેશભરમાં ચાલી રહી છે, પણ નવાગામની દરેક મહિલા, બાળકો, યુવાનો અને વૃદ્ધો ખુલ્લામાં કુદરતી હાજતે જવા મજબૂર છે.

આ લોકો રહે છે ગુજરાતમાં, પણ કુદરતી હાજતે મહારાષ્ટ્રના મેદાનોમાં જાય છે.

''અમારી જમીન પર બહારના લોકો કરે છે મજા''

રામચંદ્ર ચીમન હડસ કહે છે, ''અમારા બાપ-દાદાઓને સાપુતારામાંથી હટાવવામાં આવ્યા ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે અહીં ઓફિસો બનશે.

તેનાથી અમને ફાયદો થશે. અમને નોકરી મળશે.

હવે અમને લાગે છે કે બહારના લોકો અહીં આવીને અમારી જમીન પર મૌજ કરી રહ્યા છે.''

રામુભાઈએ જણાવ્યું હતું કે અમે લોકસભા-વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરી શકીએ છીએ, પણ નવાગામ કોઈ પંચાયતના કાર્યક્ષેત્રમાં ન હોવાથી સરકારી યોજનાનો લાભ અમને મળતો નથી.

ઉજ્જ્વલા યોજના હેઠળ નવાગામમાં કોઈને ગેસ સિલિન્ડર ન મળ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

અહીંના લોકો માટીના ચુલા અને જંગલી લાકડાંનો ઉપયોગ કરે છે.


વહીવટીતંત્ર શું કહે છે?

ફોટો લાઈન નવાગામમાં મોટાભાગે ઝુંપડાં અને કાચાં મકાનો છે

બીજી તરફ વહીવટીતંત્ર માને છે કે આ સમસ્યા વિસ્થાપિતોના પુનર્વસનની ઓછી અને અતિક્રમણની વધારે છે.

ડાંગના જિલ્લા કલેક્ટર બી. કે. કુમારે કહ્યું હતું, ''1970માં પહેલીવાર શિફટિંગ કરવામાં આવ્યું ત્યારે 41 પરિવાર હતા.

સરકારે તેમને ઘર બનાવી આપ્યાં હતાં. પ્રાથમિક શાળા શરૂ કરવામાં આવી હતી. પાણી અને બાકીની સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી.

એ પછી લોકોના પરિવાર વિસ્તરી રહ્યા છે. હવે ત્યાં 134 લોકોએ પરવાનગી વિના મકાન બનાવ્યાં છે.

એમ્યુઝમેન્ટ પાર્ક માટે અનામત રાખવામાં આવેલી જગ્યા પર 53 લોકોએ અતિક્રમણ કર્યું છે.

અમે આ સંબંધે ગુજરાત સરકારને પ્રસ્તાવ મોકલ્યો છે અને આ બાબત ગુજરાત સરકાર સમક્ષ વિચારાધિન છે.''

બી. કે. કુમારે ઉમેર્યું હતું, ''આ વિસ્તારને સાપુતારાના વિકાસ માટે જ નોટિફાઈડ એરિયા જાહેર કરવામાં આવ્યો હતો.

નવાગામના લોકોને નોટિફાઈડ એરિયા વહીવટીતંત્ર તરફથી પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી રહી છે.

લોકોએ અમારી સમક્ષ જે માગ રજૂ કરી છે તેની દરખાસ્ત અમે સરકારને મોકલી આપી છે અને તેનો નિકાલ થવો બાકી છે.''

ડાંગમાં હિલ સ્ટેશન અને પ્રસ્તાવિત ડેમ જેવી યોજનાઓને ગુજરાત સરકાર વિકાસ ગણાવે છે.

જોકે, મોટાભાગના આદિવાસીઓ એ પ્રકારના વિકાસ સાથે સહમત નથી.

સાપુતારા નિશ્ચિત રીતે જ અત્યંત સુંદર સ્થળ છે, પણ તેની સુંદરતા નવાગામના આદિવાસીઓ વિના અધૂરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો