મોદીએ રેલીમાં ટ્રિપલ તલાકનો મુદ્દો ઉઠાવ્યો પરંતુ મુસ્લિમના મત મળશે?

ટ્રિપલ તલાક Image copyright Getty Images

ધંધુકામાં થયેલી ચૂંટણી પ્રચાર રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાબા સાહેબ આંબેડકરને તેમના નિર્વાણ દિને યાદ કર્યા તો અયોધ્યામાં રામ મંદિરના મુદ્દાને પણ ઉઠાવ્યો.

ખેડૂતો માટે પાણી વીજળીની વાતો કર્યા બાદ, તેમણે ખૂબ જ સૂચક રીતે ચૂંટણીમાં ટ્રિપલ તલાકને પણ યાદ કર્યો.

તમને આ વાંચવું પણ ગમશે:

ગુજરાતની ચૂંટણીમાં એક તરફ જ્યારે હિંદુત્વના મુદ્દાને આગળ વધારી રહેલો ભાજપ શું ટ્રિપલ તલાકના મુદ્દાની વાત કરીને મુસ્લિમ મહિલા મતદારોના મત આકર્ષવાની કોશિશ કરી રહ્યો છે?


ધાર્મિક માન્યતા શું છે?

Image copyright Getty Images

આ વિશે વાત કરતા મુસ્લિમ અગ્રણી પ્રો. જે. એસ. બંદુકવાલાએ જણાવ્યું કે, "ભારતમાં જે રીતે ટ્રિપલ તલાક આપવામાં આવે તે કુરાનની વિરુદ્ધમાં છે.”

“ઇન્સ્ટન્ટ તલાક બિલકુલ ખરાબ અને ખોટી પ્રથા છે. આ એક ધાર્મિક મુદ્દો છે. પરંતુ મુસ્લિમ દેશોમાં પણ ઇન્સ્ટન્ટ તલાક આપવા પર પ્રતિબંધ છે.”

તેમણે વધુમાં કહ્યું, "આ મુદ્દાની રાજકીય બાજુ એ છે નરેન્દ્ર મોદીને મુદ્દો જોઈતો હતો અને તે તેમને મળી ગયો છે."

"મને નથી લાગતું કે ભાજપને હાલ આ મુદ્દે વાત કરવાથી મુસ્લિમ મહિલા મતદારોના મતો મળે.”

“કારણ કે અમારા મુસ્લિમ સમાજમાં ભણેલી ગણેલી અને પોતાની વાત રજૂ કરી શકે તેવી મહિલાઓની સંખ્યા ખૂબ ઓછી છે."


તલાકનું સામાજિક કારણ

Image copyright Getty Images

આ બાબતે વાત કરતાં અમદાવાદમાં મુસ્લિમ કન્યા શાળાનાં નિવૃત્ત આચાર્યા શરિફુન્નિસા કાઝી કહે છે, "ટ્રિપલ તલાકનો મુદ્દો ધાર્મિક કરતાં સામાજિક વધુ છે."

"જ્યાં ટ્રિપલ તલાક પર પ્રતિબંધ છે ત્યાં છુટાછેડાંનું પ્રમાણ ઓછું છે એવું નથી.”

તેમણે ઉમેર્યું, “જે દંપતીને એકબીજા સાથે બનતું જ નથી, તેમને ઇન્સ્ટન્ટ રીતે તલાકથી છૂટાં થવાનું હોય કે કાયદાની ચોક્કસ પ્રક્રિયાથી, એ તો છુટાં પડશે જ.”

“એનાં સામાજિક કારણો જોવા જરૂરી છે, જેમાં બેરોજગારી, ગરીબી અને નિરક્ષરતા મુખ્ય છે."

"તેને કારણે પતિ તેની પત્ની અને પરિવારનો આર્થિક ભાર સહન ન કરી શકે ત્યારે પણ આ પ્રકારનાં પગલાં ભરાય છે."

તેમણે વધુમાં જણાવ્યું, "ધાર્મિક રીતે આ બાબતે મતમતાંતર છે, એટલે હું તે બાબતે ટિપ્પણી નહીં કરું.”

“જોકે, કોઈ ઇસ્લામનાં નિયમોની છટકબારી શોધીને તેનો દુરુપયોગ કરે તેમ બને. પરંતુ તેવા પુરુષોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે જે ઇન્સ્ટન્ટ ટ્રિપલ તલાક જેવું પગલું ભરે.”

“હકીકતમાં ઇસ્લામમાં જીવન બોજ ન લાગે અને સહેલું બને તેવા નિયમો છે."

તેમણે કહ્યું કે, "ભાજપને ક્યારેય મુસ્લિમ મતો નથી જોઈતા, ભલે તેના નેતા જાહેરમાં આ મુદ્દાની વાતો કરતા હોય."

“બીજી બાબત એ પણ છે કે, નરેન્દ્ર મોદી જો ટ્રિપલ તલાકની વાત કરે તો તેમની વાત મુસ્લિમ મહિલાઓ સુધી પહોંચે અને તેમનાં મત ભાજપને મળે તેવી સંભાવના ખૂબ જ ઓછી છે."


ભાજપની લાંબાગાળાની વ્યૂહરચના

Image copyright Getty Images

આ મામલે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર મનીષ મહેતા માને છે કે ભાજપનું આ લાંબાગાળાનું આયોજન છે.

તેમણે કહ્યું, "આ નરેન્દ્ર મોદીની લાંબા ગાળાની વ્યૂહરચના છે. મુસ્લિમોમાં ભાજપવિરોધી અને ખાસ કરીને નરેન્દ્ર મોદી વિરોધી છે, એવી જે છાપ છે, એ ભૂંસવા માટે આ એક બહુ મોટો સુધારો છે."

"આ મુદ્દો કોઈ પણ સરકાર કરી શકતી હતી, પરંતુ કોંગ્રેસની સરકારે ન કર્યો અને નરેન્દ્ર મોદી માટે બાકી રાખ્યો. મોદી આવી કોઈપણ તક જતી કરતા નથી.”

મહેતાએ વધુમાં કહ્યું, "ટ્રિપલ તલાકના આ સુધારાથી ઇન્ટેલેક્ચુઅલ મુસ્લિમો અને મુસ્લિમ મહિલાઓ ખુશ છે.”

“આ ઉપરાંત નવી પેઢીનાં જે મુસ્લિમ યુવક, યુવતીઓ છે, એ પણ ખુશ છે."

"કારણ કે એ લોકો બહારની દુનિયા સાથે વધુ જોડાયેલાં છે. એટલા માટે એમને એવું લાગે છે કે, આ કંઈક પ્રોગ્રેસિવ થિંકિંગ છે.

“આ સુધારો પ્રોગ્રેસિવ થિંકિંગનો એક ભાગ છે. એટલા માટે ટ્રિપલ તલાકનો આ મુદ્દો ભાજપ માટે લાંબાગાળે ફાયદાકારક નીવડી શકે."

મનીષ મહેતા કહે છે, "જોકે, આજની રેલીમાં નરેન્દ્ર મોદીની ટ્રિપલ તલાકની વાતથી ભાજપને મતની રીતે કોઈ સીધી અસર પડે તેમ નથી લાગતું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો