મુસ્લિમ મજૂરની હત્યાનો વીડિયો વાયરલ, આરોપીની ધરપકડ

પોલીસે વીડિયો જોઈ આરોપીની ઓળખ શંભુલાલ તરીકે કરી છે Image copyright VIDEO GRAB

રાજસ્થાનના રાજસમંદમાં એક વ્યક્તિનો હત્યા કરવાનો વીડિયો વાયરલ થયો છે.

આ મામલે આરોપી શંભુલાલની ધરપકડ કરી લેવાઈ છે.

ઉદયપુરના સુપ્રિટેન્ડન્ટ આનંદ શ્રીવાસ્તવે બીબીસીને કહ્યું, "આરોપી શંભુલાલની આજે સવારે ધરપકડ કરવામાં આવી છે."

શંભુલાલે હત્યાનો વીડિયો ઉપરાંત અન્ય બે વીડિયોઝ પણ શૅર કર્યા છે.

એક વીડિયોમાં તે કોઈ મંદિરની અંદર હત્યાની જવાબદારી સ્વીકારતો જોઈ શકાય છે.

બીજા વીડિયોમાં તે ભગવા ધ્વજની સામે બેસીને 'લવ જેહાદ' અને 'ઇસ્લામિક જેહાદ' વિરુદ્ધ ભાષણ આપે છે.

આરોપી અને મૃતક મોહમ્મદ અફરાઝુલ વચ્ચે કોઈ અણબનાવ હોવાનું પોલીસને જાણવા નથી મળ્યું.

હજુ સુધીની તપાસમાં બન્ને વચ્ચે કોઈ ઓળખાણ હોય એવી માહિતી પણ સામે નથી આવી.

પોલીસના જણાવ્યા અનુસાર મૃતક મોહમ્મદ અફરાઝુલ છેલ્લાં 12 વર્ષથી શહેરમાં રહેતા હતા.

અફરાઝુલ મૂળ બંગાળના હતા અને રાજસમંદમાં રહીને મજૂરી કરતા હતા.

Image copyright VIDEO GRAB

આનંદ શ્રીવાસ્તવે બીબીસીને કહ્યું, "આરોપી શંભુલાલના પરિવારમાંથી કોઈ પણ મહિલાએ આંતરજ્ઞાતિય કે આંતરધર્મીય લગ્ન નથી કર્યા."

તેમણે ઉમેર્યું, "આરોપીએ વીડિયોમાં નફરતભરી ભાષાનો પ્રયોગ કર્યો છે."

"અમે લોકોને અપીલ કરીએ છીએ કે આ વીડિયો શેર ના કરે."

તેમના કહેવા અનુસાર, 'ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં લઈ રજસમંદ, ઉદયપુર અને આસપાસના વિસ્તારોમાં ઇન્ટરનેટ બંધ કરી દેવાયું છે.

અહીં મોટા પ્રમાણમાં સુરક્ષાદળોને પણ તૈનાત કરી દેવાયાં છે.

આ ઘટનાની પ્રતિક્રિયા રૂપે કોઈ અણછાજતો બનાવ ના બને એ માટે બન્ને સમુદાયો વચ્ચે બેઠક પણ યોજવામાં આવી છે.'


'લવ જેહાદ'નો બદલો

આરોપી વીડિયોમાં કહે છે, "તમે લવ જેહાદ કરો છો અમારા દેશમાં. દરેક જેહાદીની હાલત આવી જ કરાશે. લવ જેહાદ બંધ કરી દો."

આરોપીએ કુલ ત્રણ વીડિયો શૅર કર્યા છે. જેમાના એક વીડિયામાં તેણે હત્યાની કબૂલાત કરી છે.

બીજા વીડિયોમાં તેણે મેવાડી સમુદાય સામે કોર્ટમાં હાજર થવાની વાત કરી છે.

તો ત્રીજા વીડિયોમાં આરોપી સામે એક છોકરી પણ જોવા મળે છે.

જેની સામે તે 'લવ જેહાદ' અને 'ઇસ્લામિક જેહાદ' વિરુદ્ધ ભાષણ આપતો જોઈ શકાય છે. આપને આ વાંચવું ગમશે :

વીડિયો શેર ના કરવા અપીલ

પોલીસ સુપ્રિટેન્ડન્ટ આનંદ શ્રીવાસ્તવે લોકો અને મીડિયા સંસ્થાનોને વીડિયો શેર ના કરવા અપીલ કરી છે.

તેમણે કહ્યું છે, "આ ઉશ્કેરણીજનક વીડિયો શૅર ના કરો બચો અને સામાજિક સદ્દભાવના જાળવી રાખો."

"કેટલીક ચેનલ્સ આ વીડિયો બતાવી રહી છે. મીડિયાએ પોતાની જવાબદારી સમજવી જોઈએ."

શ્રીવાસ્તવ અનુસાર હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાની કલમ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે.

આરોપી વિરુદ્ધ અન્ય કલમો હેઠળ પણ ગુનો દાખલ કરવાનું વિચારાઈ રહ્યું છે.

આ વીડિયો વાયરલ થયા બાદ રાજસ્થાન સરકારે એસઆઇટીની રચના કરી તપાસના આદેશ આપી દીધા છે.

મમતાએ નિંદા કરી

આ ઘટનાની પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટીકા કરી છે.

સમગ્ર ઘટનાને દુઃખદ ગણાવતા મમતાએ ટ્વીટ કર્યું કે, "લોકો આટલા અમાનવીય કઈ રીતે થઈ શકે?"

નોંધનીય છે કે મૃતક અફરાઝુલ મૂળ બંગાળના હતા અને રાજસ્થાનમાં મજૂરી કરતા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો