મોદીને 'નીચ' કહેનાર ઐયર કોંગ્રેસમાંથી સસ્પેન્ડ

મણીશંકર ઐયર

ઇમેજ સ્રોત, Getty Images

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે ફરી એક વખત નરેન્દ્ર મોદી સામે વિવાદાસ્પદ નિવેદન કરીને તેમને 'નીચ' કહ્યા છે.

વિવાદસ્પદ વિધાનો કરવા માટે જાણીતા થયેલા આ કોંગ્રેસી નેતાની આ ટિપ્પણીએ નરેન્દ્ર મોદીએ તરત જ પકડીને તેની સામે સુરતની રેલીમાં પોતાના ભાષણમાં જવાબ આપી દીધો હતો.

આખો દિવસ વિવાદ ચાલ્યા બાદ મોડી સાંજે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી મણિશંકર ઐયરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતાં. આ બાબતે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ પણ કર્યું હતું.

મોદીએ કહ્યું કે, તેમને કોંગ્રેસ પક્ષનાં નેતાઓ તરફથી ગાળો આપવામાં આવી છે, તેમને પહેલા “મોત કા સૌદાગર” કહ્યું હતું, પછી ગધેડો અને હવે નીચ.

પરંતુ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરનારને જવાબ આપવાનો ન હોય. ગુજરાતની જનતા આ વાતનો જવાબ તેમના મતથી આપી દેશે.

તમને આ વાંચવું પણ ગમશે:

જોકે, ઐયરે કરેલી આ ટિપ્પણીની કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તરત જ ટીકા કરી હતી અને તેમણે ઐયરને આ બાબતે મોદીની માફી માગવા જણાવ્યું હતું.

ઐયરે માફી માગી

ઇમેજ સ્રોત, Getty Images

આ વિવાદ વકરતા ઐયરે પોતાની અંગ્રેજી ભાષામાં વિચારવાની શૈલીને જવાબદાર ગણીને અંગ્રેજી ભાષામાં રજૂઆત માટે પસંદ કરેલા શબ્દના હિંદી અનુવાદમાં ભૂલ કરીને ખોટો શબ્દ વાપર્યો હોવાની વાત કહી.

તેમની ટિપ્પણીને કારણે થયેલા વિવાદ બદલ મોદીની માફી પણ માંગી હતી.

આજે સવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંબેડકર ભવનનું ઉદઘાટન કરતી વખતે, જવાહરલાલ નહેરુનું નામ લીધા વિના કરેલી ટિપ્પણીના જવાબમાં ઐયરે મોદી માટે આ શબ્દોનો પ્રયોગ કર્યો હતો.

મોદીએ તેમનાં ભાષણમાં કહ્યું હતું, "આ દેશના ઘડતરમાં બાબા સાહેબ આંબેડકરનું પ્રદાન ખૂબ જ મહત્ત્વનું છે, પરંતુ તેમની ભૂમિકાને ઓછી આંકવાના નિષ્ફળ પ્રયાસો થયા છે."

મોદીની આ ટિપ્પણીના જવાબમાં પ્રતિભાવ આપતાં ઐયરે સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું હતું કે જવાહરલાલ નહેરુએ બાબા સાહેબ આંબેડકરનાં સપનાને સાકાર કરવા માટે મોટું પ્રદાન આપ્યું હતું.

ઐયરે શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images

ત્યારબાદ તેમણે મોદી માટે નિવેદન કર્યું, "આ માણસ ખૂબ જ નીચ પ્રકારનો માણસ છે, તેનામાં કોઈ સભ્યતા નથી, અને આવા સમયે આવી ગંદી રાજનીતિ કરવાની શું જરૂર છે?”

રાહુલ ગાંધીએ આ નિવેદન પર તરત ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી.

તેમણે ટ્વીટકહ્યું કે ભાજપ અને વડાપ્રધાન કોંગ્રેસ પર હુમલો કરવા માટે હંમેશા ગંદી ભાષાનો ઉપયોગ કરે છે. કોંગ્રેસ પક્ષની સંસ્કૃતિ અલગ છે.

હું મણિશંકર ઐયરે જે ભાષાનો ઉપયોગ કર્યો છે તેને ટેકો નથી આપતો. હું અને મારી પાર્ટી ઇચ્છીએ છીએ કે મણિશંકર ઐયર માફી માગે.

ઉલ્લેખનીય છે કે, મણિશંકર ઐયરે વર્ષ 2014ની લોકસભા ચૂંટણીઓમાં પણ નરેન્દ્ર મોદી માટે "ચાયવાલા" (ચા વાળો) શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

જેને કારણે ભારતીય જનતા પક્ષે એમના એ નિવેદનને લઈને કોંગ્રેસ પર વળતો પ્રહાર કર્યો હતો કે, કોંગ્રેસ પક્ષ ધનિકોનો પક્ષ છે અને તેને ગરીબોની કોઈ દરકાર નથી.

જે બાદ ચૂંટણીમાં એ મુખ્ય મુદ્દાઓમાનો એક બની ગયો હતો. આ નિવેદન બાદ સોશિઅલ મીડિયામાં #ManiShankarAiyar ટ્રેન્ડ થવા લાગ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો