ચૂંટણી પ્રચારના અંતે વિકાસ 'ધાર્મિક' થઈ ગયો

ગુરૂવારે ગુજરાત વિધાન સભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટેનો પ્રચાર પૂર્ણ થયો.
'વિકાસ'ના મુદ્દા પર શરૂ થયેલા ચૂંટણી પ્રચારમાં વિકાસ 'ગાંડો' થયેલો જોવા મળ્યો અને ચૂંટણી પ્રચારના અંતમાં વિકાસ 'ધાર્મિક' બની ગયો છે.
હવે લોકો 'ગાંડા' વિકાસને મત આપે છે કે, 'ધાર્મિક' વિકાસને એ તો 18 ડિસેમ્બરે જ ખબર પડશે. ગુજરાતની આ ચૂંટણીના પ્રચારમાં ઘણી બધી વાતો નવી અને આશ્ચર્યજનક હતી.
કોંગ્રેસ 'સોફ્ટ હિંદુત્વ'ના મુદ્દે આક્રમક રીતે આગળ વધતી જોવા મળી.
તમને આ વાંચવું પણ ગમશે:
- 'મને 'નીચ' કહેનારને ગુજરાત જવાબ આપશે'
- ગુજરાતને નરેન્દ્ર મોદીની ખોટ સાલે છે?
- ગુજરાતનું રાજકારણ અને સ્વામીનારાયણ સંપ્રદાય
તો ભાજપને પણ વિકાસના મુદ્દાને બાજુમાં મૂકીને રામ મંદિર, ટ્રિપલ તલાક અને કોંગ્રેસે ગુજરાત અને ગુજરાતના નેતાઓને કરેલા કથિત રાજકીય અન્યાયની વાતો કરવી પડી છે.
સૌથી મહત્ત્વની બાબત એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાઓ કરતાં હાર્દિક પટેલની સભાઓમાં વધુ પ્રમાણમાં લોકો ઊમટી પડતા હોવાની વાતે પણ ભાજપને ચિંતિત કર્યું છે.
વિકાસ 'ધાર્મિક' બની ગયો
સરદાર પટેલ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના વડા પ્રો. બલદેવ આગ્જા કહે છે, "આ ચૂંટણીમાં ગુજરાતની છેલ્લી 13 વિધાન સભાની ચૂંટણીઓ કરતાં સૌથી અલગ પ્રકારનો પ્રચાર જોવા મળ્યો છે.
"કોંગ્રેસે તેની લઘુમતી તુષ્ટિકરણ કરતા પક્ષની છબી તોડીને 'સોફ્ટ હિંદુત્વ'નો માર્ગ અપનાવ્યો છે.
"તેના ઉપ પ્રમુખ રાહુલ ગાંધીએ પ્રચાર દરમિયાન સંખ્યાબંધ મંદિરોની મુલાકાત લીધી.
"કોંગ્રેસે શહેરી મધ્યમ વર્ગ અને ગ્રામીણ વર્ગ સાથે હિંદુત્વને મુદ્દે જોડાવાની કોશિશ કરી."
પ્રો. આગ્જાએ વધુમાં કહ્યું, "ભાજપે પણ તેના ચૂંટણી પ્રચારની શરૂઆત વિકાસની વાતોથી કરી.
પરંતુ તેમના વિકાસના દાવા છેવાડાના માણસો સુધી પહોંચ્યા ન હોવાથી લોકોમાં તેનો કોઈ ખાસ પ્રભાવ જોવા નથી મળ્યો.
"આથી શરૂઆતના 10 દિવસના વિકાસ આધારિત પ્રચાર બાદ ભાજપ પણ હિંદુત્વના મુદ્દા તરફ વળ્યો, એમનો વિકાસ છેવટે ધાર્મિક બની ગયો. "
‘વિકાસ ગાંડો થયો’ - લોકોના અસંતોષનું પ્રતીક
ગુજરાત ઘટના પરસ્ત રાજ્ય છે. અહીં થતી મોટી ઘટનાની અસર ખૂબ લાંબા સમય સુધી લોકોના માનસ પર રહે છે.
આથી જ 2015માં થયેલું પાટીદાર અનામત આંદોલન આ ચૂંટણીમાં પાટીદારોને ભાજપની વિરુદ્ધમાં કરી રહ્યું છે. ચૂંટણીના પ્રચારમાં વિકાસના મુદ્દાને ભાજપ માનતું હશે, પણ ગુજરાત નથી માનતું.
ભાજપને તેના વિકાસના મુદ્દાને બદલે 1979ના મોરબી હોનારતમાં ઇંદિરા ગાંધીએ મોઢા પર રૂમાલ રાખવો પડ્યો, જેવા મુદ્દા ઊઠાવ્યા પણ તેને ધારેલાં પરિણામ ન મળ્યાં.
આ વિશે વાત કરતા રાજકીય અવલોકનકાર ઉર્વિશ કોઠારી કહે છે, "આ ચૂંટણીના પ્રચારની શરૂઆત કોઈ પક્ષે નહોતી કરી. 'વિકાસ ગાંડો થયો છે', એ ટ્રેન્ડ સોશિઅલ મીડિયા પર વાઇરલ થયો એ મારા હિસાબે ખૂબ જ નિર્ણાયક ઘટના હતી.
"આ ટ્રેન્ડની શરૂઆત માટે ચોમાસા પછી રસ્તા પર પડેલા ખાડા જ તેનું ટ્રિગર બન્યાં.”
કોઠારીએ કહ્યું, “ગુજરાતની ચૂંટણીઓમાં નજીકના ભૂતકાળમાં આવું નથી બન્યું કે, જ્યારે લોકોમાંથી કોઈ મુદ્દો આવે અથવા લોકોનો અસંતોષ એક ચોક્કસ મુદ્દા તરીકે ચેનલાઇઝ થાય. એ એક પ્રકારે વિરોધ પક્ષની ભૂમિકા રચે.
“કોંગ્રેસે તો માત્ર આ મુદ્દા પર સવારી જ કરવાની હતી. જે એ થોડા ઘણા અંશે કરી શકી છે. કોંગ્રેસ રાબેતા મુજબ પ્રચાર માટે મોડો જાગ્યો. વિકાસ ગાંડો થયો છે ટ્રેન્ડ ચાલ્યો ,ત્યારે કોંગ્રેસ પાર્ટી જાગૃત ન હતી.
“પણ જ્યારે તેણે આ ચાલું કર્યું, ત્યારે રાહુલ ગાંધી તેમના ભાષણો માટે વધુ સારા કોપીરાઇટર સાથે જોવા મળ્યા. તેમના ભાષણોમાં આ વખતે એક પ્રકારની છટા જોવા મળી. જેના માટે તે જાણીતા નથી.
“એ લોકો જેમના માટે બદનામ થયાં હોય છે, તે કથિત કે સાચી રીતે લઘુમતી (મુસ્લિમ અને ખ્રિસ્તી બંને)ની તરફેણ તેમાં રાહુલ ગાંધીએ મુસ્લિમ વર્ગથી ખૂબ જ ગણતરીપૂર્વકનું અંતર રાખ્યું છે. એને કારણે તેમના વિરોધી પક્ષને એવી તક ન મળી.”
ભાજપ આ વખતે ડિફેન્સિવ રહ્યો
કોઠારી વધુમાં કહે છે, “ભાજપે તેમના પ્રચારમાં વિકાસ ગાંડો થયો છે, તે ટ્રેન્ડનો વિરોધ કરવો પડ્યો, કારણ કે તેમના માટે તેમનું ગુજરાત મોડેલ દાવ પર લાગેલું છે.
“તેમણે એક તરફ ખરેખર વિકાસ કર્યો છે, તેને જસ્ટીફાય કરવાનું છે, અને બીજી તરફ કોંગ્રેસ એ જૂની પુરાણી, દાગી ભ્રષ્ટાચારી કોંગ્રેસ છે એ સાબિત કરવાનું છે.
“ભાજપનો ચૂંટણી પ્રચાર વિકાસના મુદ્દે ખૂબ જ ડિફેન્સિવ,(રક્ષણાત્મક) રહ્યો, પણ જ્યારે બાકીના મુદ્દે આક્રમક બનવા ગયા પણ કોઈ અગમ્ય કારણોસર (સંભવિત કારણ લોકોનો અસંતોષ) તેમનો આક્રમક પ્રચાર પકડાયો જ નહીં.
“છેલ્લા એક મહિનામાં ભાજપે 15-20 વખત જુદાજુદા પ્રયત્નો જુદા જુદા મુદ્દા સાથે કર્યો. પરંતુ એક પણ મુદ્દો લોકોમાં તેમના તરફી અસર ઊભી નથી કરી શક્યો. જે પહેલાંની ચૂંટણીઓ કરતાં અલગ છે.”
કોઠારીએ વધુમાં કહ્યું, “પહેલાંની ચૂંટણીઓમાં ભાજપ એક મુદ્દો મૂકતી, જેને લોકોમાં અસર ઊભી કરતો અને તેના પર સવાર થઈને ચૂંટણીનું પરિણામ નક્કી થઈ જતું. આ વખતે એવું જોવા નથી મળી રહ્યું. આ ભાજપના આ ચૂંટણીમાં પ્રચારની નિષ્ફળતા દેખાડે છે.”
કોઠારીએ ઉમેર્યું, “સોશિઅલ મીડિયા અને પ્રચાર બન્નેમાં ભાજપનું પલડું જે હંમેશા ભારે ગણાતું હતું, તેવું આ સમયે નથી લાગી રહ્યું.
“સામે પક્ષે કોંગ્રેસ લોકોના પ્રશ્નોની વાત જે પહેલાં નહોતો કરતો તે હવે તેની વીડિયો જાહેરખબરોમાં કરી રહ્યો છે.
“એમાં ગુજરાતની અસ્મિતાથી માંડી, નોકરીઓ, સ્ત્રીઓની સુરક્ષા એ દરેક મુદ્દા પર કોંગ્રેસે ખુલીને તેના પ્રચારની જાહેરખબરોમાં આવરી લીધા છે.”
રાહુલ મસ્જિદમાં કેમ ન ગયા?
આ વિશે વાત કરતા સેફોલોજિસ્ટ ડૉ. આઈ. એમ. ખાન, "રાહુલ ગાંધી 'સોફ્ટ હિંદુત્વ' તરફ ગયા છે. તે બહુમતીને ધ્યાનમાં રાખીને વાત કરે છે, જે કામ પહેલાં ભાજપ કરતી હતી.
"જે મુસ્લિમો વર્ષોથી કોંગ્રેસના વફાદાર મતદારો રહ્યાં છે, તેમનો સવાલ છે કે રાહુલ પ્રચાર માટે મંદિરમાં ગયા તો મસ્જિદમાં કેમ નથી ગયા?
"આ ઉપરાંત ઉત્તર પ્રદેશની વિધાન સભા ચૂંટણી વખતે ભાજપે જાદુગરો મારફતે પ્રચાર કરવાનો પ્રયોગ ગુજરાતમાં પણ કર્યો છે.
"ગુજરાતનાં ઓછી આવક ધરાવતા જૂથોમાં આ પ્રયોગ કેટલો સફળ રહેશે તે પણ જોવાનું રહ્યું."
ડૉ. ખાને વધુમાં કહ્યું, "ભાજપે પણ જીએસટી અને નોટબંધીનાં જેવા વિવાદાસ્પદ નિર્ણયો અને મોંઘવારીનાં મુદ્દાનો બચાવ કરવાનો પ્રયાસ નથી કર્યો.
"ભાજપ હાલ ગુજરાત અને ગુજરાતીના મુદ્દાને ઉઠાવે છે. સૌથી સૂચક વાત આ વખતે બે માંથી કોઈ પણ પાર્ટી કૉમ્યુનલ વાત નથી કરતી.
"રામ મંદિરના મુદ્દાને પણ કૉમ્યુનલ ટચ આપવાનો પ્રયાસ નથી કર્યો, જેના કારણે બન્ને પાર્ટી કૉમ્યુનલ મુદ્દાથી આયોજનપૂર્વક દૂર રહ્યા છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો