મોદી, આનંદીબહેન અને વિજય રૂપાણીમાંથી સારું કોણ?

નરેન્દ્ર મોદી, આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણીનું રેખાચિત્ર
ફોટો લાઈન આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણીએ નરેન્દ્ર મોદી જેવી છબી ઉપસાવવાના પ્રયાસ કર્યા હતા

આ ઘટના 2010ની છે. ગુજરાત તેનો પચાસમો સ્થાપના દિવસ ઊજવવાનું હતું. ગુજરાત સાથે સંબંધ ધરાવતાં તમામ કોર્પોરેટ ગૃહો પહેલી મેએ યોજાનારા ભવ્ય કાર્યક્રમમાં 'સહયોગ' આપી રહ્યાં હતાં.

દેશના અગ્રણી બિઝનેસ ગ્રુપે સૌથી વધુ વિખ્યાત સંગીતકાર પાસે આ માટે એ જિંગલ બનાવવાની યોજના ઘડી હતી.

કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલું જિંગલ લઈને કોર્પોરેટ ગ્રુપના ટોચના અધિકારી મુખ્ય પ્રધાને સંભળાવવા પહોંચ્યા હતા.

મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ જિંગલ સાંભળતાં પહેલાં સવાલ કર્યો હતો, ''જિંગલ બનાવનાર ક્યાં છે?''

જવાબ મળ્યો, ''સર, તેઓ આવી શકે તેમ નથી.''

તમને આ પણ વાંચવું ગમશે

એ જિંગલ મુખ્ય પ્રધાનને પસંદ પડી ન હતી. તેમણે તેમના અધિકારીઓને કહ્યું હતું, ''વધુ શોધ કરો. ગુજરાતમાં ઘણા પ્રતિભાશાળી લોકો છે.''

આખરે એક એવા યુવકની જિંગલ સિલેક્ટ કરવામાં આવી જેને કોઈ જાણતું ન હતું.

ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી આ સ્ટાઈલમાં કામ કરતા હતા.

તેને હિન્દી ફિલ્મોના ડાયલોગ સ્વરૂપે કહેવું હોય તો એમ કહી શકાય કે ''મેં જહાં ખડા હો જાતા હું, લાઈન વહીંસે શુરુ હોતી હૈ.''


આનંદીબહેને શું શિખવાડ્યું?

Image copyright PIB
ફોટો લાઈન આનંદીબહેન પટેલ

ઉપરોક્ત ઘટનાના પાંચ વર્ષ બાદ 2015ની એક બપોરે મુખ્ય પ્રધાનની એ જ ઓફિસમાં બેઠેલાં આનંદીબહેન પટેલ કેટલીક ફાઈલો જોઈ રહ્યાં હતાં.

તેમણે અચાનક એક કર્મચારીને બોલાવ્યો હતો અને 'પુસ્તકો ફાટી ન જાય અને ખરાબ ન લાગે એટલા માટે તેના પર કઈ રીતે કવર ચડાવવું જોઈએ' એ વીસ મિનિટ સુધી શિખવાડ્યું હતું.

ફાઈલોને દોરી વડે બાંધી રાખવાનું પણ તેમણે એ કર્મચારીને શિખવાડ્યું હતું.

રાજકારણમાં આવીને ગુજરાતનાં પહેલાં મુખ્ય પ્રધાન બનતાં પૂર્વે આનંદીબહેન એક સ્કૂલમાં ટીચર અને પ્રિન્સિપાલ હતાં.

વિજય રૂપાણીને જીતની ખાતરી ન હતી

એ ઘટનાના એક જ વર્ષ બાદ ગુજરાતના વર્તમાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણી એ જ ઓફિસના ઈન્ચાર્જ બન્યા હતા.

થોડા દિવસ પહેલાં જ તેમણે કોઈને જણાવ્યું હતું કે ''જીતવાનું તો પછીની વાત છે, હું રાજકોટ દક્ષિણ બેઠક પરથી ચૂંટણી લડી શકીશ કે કેમ એની પણ મને ખાતરી ન હતી.''

વાસ્તવમાં એ બેઠક ગુજરાત બીજેપીના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાની હતી.

વજુભાઈ એ બેઠક પર 1985થી જીતી રહ્યા હતા અને 2002માં પેટા ચૂંટણી માટે તેમણે એ બેઠક નરેન્દ્ર મોદી માટે 'ખાલી કરી આપી હતી.'

કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ સરકારની રચનાના થોડા મહિના બાદ જ વજુભાઈની નિમણૂંક કર્ણાટકના ગવર્નર તરીકે કરવામાં આવી હતી.

વિજય રૂપાણીને પહેલાં બેઠક અને તેના દોઢ વર્ષ પછી મુખ્ય પ્રધાનપદ મળ્યું હતું.


કેવો હતો મુખ્ય પ્રધાન મોદીનો કાર્યકાળ?

Image copyright Getty Images
ફોટો લાઈન નરેન્દ્ર મોદી 4,610 દિવસ સુધી ગુજરાતના મુખ્ય પ્રધાનપદે રહ્યા હતા

નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં શાસન તેમની આસપાસ ફરતું રહેતું હતું, જ્યારે આનંદીબહેન અને વિજય રૂપાણીના કાર્યકાળમાં એ વિખેરાયેલું દેખાયું હતું.

વડાપ્રધાન બન્યા એ પહેલાં 4,610 દિવસ સુધી મુખ્ય પ્રધાનપદે રહેલા નરેન્દ્ર મોદીનું કદ ગુજરાતમાં ઘણું મોટું થઈ ગયું હતું.

એ વખતે નરેન્દ્ર મોદી સાથે કામ કરી ચૂકેલા લોકો કહે છે, ''નરેન્દ્ર મોદી બહુ ઓછું બોલતા હતા. સમયસર ટાર્ગેટ પુરો ન થાય ત્યારે ખતરનાક પણ લાગતા હતા.''

પોતાના પહેલા કાર્યકાળમાં નરેન્દ્ર મોદીએ ચોક્કસ આઈએએસ અધિકારીઓને પસંદ કરી લીધા હતા.

ગાંધીનગરના મુખ્ય પ્રધાન આવાસમાં જવાની છૂટ એ અધિકારીઓને જ હતી. અન્ય પ્રધાનો કે ધારાસભ્યો ત્યાં ફરકતા પણ ન હતા.

કેશુભાઈ પટેલ મુખ્ય પ્રધાન હતા ત્યારે પ્રધાનો અને ધારાસભ્યો ત્યાં નિયમિત રીતે એકઠા થતા હતા.

2006માં વિધાનસભાના સત્ર દરમિયાન પક્ષના એક ધારાસભ્યે કોઈને ફરિયાદ કરી હતી કે ''નરેન્દ્રભાઈ સાથે વ્યક્તિગત મુલાકાત સાડા ત્રણ વર્ષ પહેલાં થઈ હતી.''

તેમની નજીકના કેટલાક લોકો કહે છે, ''નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા એ પહેલાં એક પણ ચૂંટણી લડ્યા ન હતા. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પર ભરોસો કરતાં તેઓ કદાચ એ કારણસર ખચકાતા હતા.''


ગુજરાત પર મોદીની પકડ યથાવત

Image copyright Getty Images
ફોટો લાઈન નરેન્દ્ર મોદીના સમર્થકોમાં મહિલાઓ મોટા પ્રમાણમાં છે

વડાપ્રધાન મોદીએ ગુજરાત સરકાર અને વહીવટીતંત્ર પર આજે પણ 'પોતાની પસંદગીના સનદી અમલદારો' મારફત પકડ જાળવી રાખી છે તેનું કારણ કદાચ આ જ છે.

કે. કૈલાસનાથન એક એવા અધિકારી છે કે જેમને 2013માં નિવૃત્તિ બાદ એક ખાસ પોસ્ટ 'ચીફ પ્રિન્સપલ સેક્રેટરી'' તરીકે નિમવામાં આવ્યા હતા.

કેકે તરીકે ઓળખાતા કૈલાસનાથનની આ પોસ્ટ આનંદીબહેન પટેલ અને વિજય રૂપાણીના કાર્યકાળમાં યથાવત છે.

તેમને નજીકથી ઓળખતી એક વ્યક્તિના જણાવ્યા મુજબ, ''કેકે ગુજરાતમાં બીજેપીના અધ્યક્ષ અમિત શાહ જેટલા જ પાવરફૂલ છે.''

ઘણા એવા અધિકારીઓ પણ છે કે જેમને નરેન્દ્ર મોદીએ દિલ્હી બોલાવી લીધા છે અને મોટાં પદો પર નિયુક્ત કર્યા છે.

તેમાં કેન્દ્રીય મહેસુલ સચિવ હસમુખ અઢિયા, નરેન્દ્ર મોદીના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી પી.કે. મિશ્રા અને વડાપ્રધાનની ઓફિસમાં વડા જનસંપર્ક અધિકારી જે.એમ. ઠક્કરનો સમાવેશ થાય છે.

વડાપ્રધાનના અંગત સચિવ રાજીવ ટોપનોને પણ ગુજરાત કેડરમાંથી જ લાવવામાં આવ્યા છે.

નરેન્દ્ર મોદીની 'અગ્નિ પરીક્ષા'માંથી પસાર થવું પડ્યું હોય તેવા અધિકારીઓ પણ છે.


નરેન્દ્ર મોદીએ આપ્યા ઝીરો માર્ક્સ

Image copyright Getty Images
ફોટો લાઈન ચૂંટણી સભાને સંબોધી રહેલા નરેન્દ્ર મોદી

એક મહત્વના વિભાગના વડા સચિવ આગળ જતાં નરેન્દ્ર મોદીના માનીતા બન્યા હતા.

એ સચિવ એક દિવસ પ્રેઝન્ટેશન રજૂ કરી રહ્યા હતા. પોતાના વિભાગે કરેલા ઉત્તમ કામો વિશે તેમણે પ્રેઝન્ટેશનમાં માહિતી આપી હતી.

તેમની વાત શાંતિથી સાંભળ્યા બાદ મુખ્ય પ્રધાન મોદીએ કહ્યું હતું, ''તમે કામ તો બહુ સારું કર્યું છે, પણ મારા હિસાબે હું તમને ઝીરો માર્ક્સ આપીશ.''

નરેન્દ્ર મોદીએ ઉમેર્યું હતું, ''આ સારા કામ વિશે લોકોને ખબર નહીં પડે તો મારી સરકારને યશ કઈ રીતે મળશે? આ કામનો પ્રચાર કેમ નથી કર્યો?''

નરેન્દ્ર મોદી આ રીતે પણ કામ કરતા હતા.

એક સિનિયર અધિકારીના જણાવ્યા અનુસાર, ''નરેન્દ્ર મોદીના સમયમાં અધિકારીઓ પર પ્રેશર બહુ રહેતું હતું. તેઓ દિલ્હી ગયા એટલે અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે.''


આનંદીબહેનના સમયમાં શું થયું હતું?

Image copyright Getty Images
ફોટો લાઈન આનંદીબહેનના કાર્યકાળમાં 'કન્યા કેળવણી યોજના' શરૂ કરવામાં આવી હતી

આનંદીબહેન મુખ્ય પ્રધાન બન્યાં કે તરત જ પરિસ્થિતિ બદલાવા લાગી હતી.

તેમને નજીકથી ઓળખતા લોકોનો અભિપ્રાય સારો હોય કે ખરાબ, પણ એકસમાન જ છે.

મોટાભાગના માને છે કે નરેન્દ્ર મોદી પછી આનંદીબહેન જ મજબૂત નેતા હતાં અને તેમને મોદીએ જ પસંદ કર્યાં હતાં.

આનંદીબહેન શિક્ષણ અને મહેસુલ જેવાં મહત્ત્વના મંત્રાલયો સંભાળી ચૂક્યાં હતાં.

આનંદીબહેનના કાર્યકાળમાં સચિવાલયમાં પ્રધાનો તથા પક્ષના નેતાઓની અવરજવર વધી ગઈ હતી.

જોકે, આનંદીબહેનની ''મુશ્કેલી તેમનો મિજાજ હતો, કારણ કે તેઓ એક પળમાં ગુસ્સે અને બીજી ક્ષણે સામાન્ય થઈ જતાં હતાં.''

આનંદીબહેનના કાર્યકાળમાં છોકરીઓના શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવા 'કન્યા કેળવણી યોજના' શરૂ કરવામાં આવી હતી.

એ યોજના સાથે જોડાયેલા એક અધિકારી કોઈ કારણસર રજા પર ઉતર્યા હતા.

તેઓ ડ્યુટી પર પાછા ફર્યા ત્યારે આનંદીબહેને તેમને અને બે સિનિયર સચિવોને બોલાવ્યા હતા.

''તેઓ કોઈ સવાલ કર્યા વિના સરકારી અધિકારીઓની કાર્યપદ્ધતિ વિશે 40 મિનિટ સુધી બરાડતાં રહ્યાં હતાં. ''

આનંદીબહેન શાંત થયાં પછીની ત્રણ-ચાર મિનિટની ખામોશી બાદ એક અધિકારીએ પૂછ્યું હતું, ''મેડમ, મીટિંગ પુરી થઈ ગઈ? અમે લોકો જઈએ?''

આનંદીબહેને જવાબ આપ્યો હતો, ''હા. તમે જઈ શકો છો.''


આનંદીબહેન પાસેથી મુખ્ય પ્રધાનપદ શા માટે ગયું?

Image copyright Getty Images
ફોટો લાઈન આનંદીબહેનના કાર્યકાળમાં ભ્રષ્ટાચારના આક્ષેપો વધતાં બીજેપીને નુકસાન થવા લાગ્યું હતું

નરેન્દ્ર મોદીના ત્રણેય કાર્યકાળમાં ભ્રષ્ટાચારનો કોઈ આક્ષેપ થયો ન હતો, પણ આનંદીબહેનના કાર્યકાળ એવા આક્ષેપો વધવા લાગ્યા હતા.

''તેનો ફીડબેક સીધો નરેન્દ્ર મોદી પાસે દિલ્હી પહોંચતો હતો.''

અફવાઓ લોકોના કાન સુધી પહોંચતી હતી. તેને કારણે પ્રદેશ બીજેપીના નુકસાન થતું હતું.

બીજી તરફ પાટીદાર આંદોલનનું વાવેતર થઈ ગયું હતું. વિજય રૂપાણીની કથા ત્યાંથી શરૂ થઈ હતી.

વિજય રૂપાણીને માત્ર અમિત શાહનો જ નહીં, પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પણ ટેકો હતો.

વિજય રૂપાણી વિશે આજે પણ એવું માનવામાં આવે છે કે ''તેઓ સારા માણસ છે અને તેમના સુધી પહોંચવું મુશ્કેલ નથી.''

ગાંધીનગરના જાણકારો કહે છે, ''રૂપાણી બધાને મળતા રહે છે અને નરેન્દ્ર મોદી તથા અમિત શાહના આદેશોનું તેઓ ચોકસાઈપૂર્વક પાલન કરે છે.''

વિજય રૂપાણી સાથે તાજેતરમાં જ કલાકો સુધી વાતચીત કરી ચૂકેલી એક વ્યક્તિએ કહ્યું હતું, ''સામાન્ય લોકો વિજય રૂપાણી આજે પણ મુખ્ય પ્રધાન ઓછા તથા બીજેપીના કાર્યકર વધારે ગણે છે અને એ મુશ્કેલી છે.''


મોદી, રૂપાણી અને આનંદીબહેનમાંથી સારું કોણ?

Image copyright VIJAY RUPANI/INSTAGRAM
ફોટો લાઈન વર્તમાન મુખ્ય પ્રધાન વિજય રૂપાણી

આ ત્રણે આગવું વ્યક્તિત્વ ધરાવતા હોવાનું ગુજરાતના સામાન્ય લોકો માને છે. વાસ્તવમાં એ ત્રણમાં બહેતર કોણ છે તેનો ક્યાસ કાઢવાનો ઉપક્રમ મીડિયામાં ચાલી રહ્યો છે.

નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન તરીકેના તેમના કાર્યકાળની શરૂઆતથી મીડિયાથી દૂર રહેવા લાગ્યા હતા.

તેનું મુખ્ય કારણ 2002ના ગોધરા કાંડ બાદ સરકાર અને નેતાગીરીની રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મીડિયામાં થયેલી બદનામી હતું.

2003-04થી નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાન તરીકે ટોચની પબ્લિક રિલેશન અને બ્રાન્ડ મેનેજમેન્ટ એજન્સીઓનો ઉપયોગ શરૂ કર્યો તેનું કારણ કદાચ આ જ હતું.

નરેન્દ્ર મોદી તેમની ઈમેજ બાબતે એટલા સતર્ક થઈ ગયા હતા કે ''કેમેરા શૂટ્સ વખતે ક્યા એંગલથી ફોટો ક્લિક કરવામાં આવશે તેનો નિર્ણય પણ નરેન્દ્ર મોદી કરતા હતા.

પ્રચાર સંબંધી ફોટોગ્રાફ્સ અને સુત્રોને અંતિમ મંજુરી નરેન્દ્ર મોદી ખુદ આપતા હતા.''

એક જાણકારે કહ્યું હતું, ''પોતાની બ્રાન્ડ ઈમેજ મજબૂત બનાવવા તેમને આંધ્ર પ્રદેશ અને ચંદ્રાબાબુ નાયડુનું મોડેલ દેખાડવામાં આવ્યું હતું.

કોર્પોરેટ જગત સાથે બિઝનેસ કરવાનું મોડેલ તેમણે ત્યાંથી અપનાવ્યું હતું.''

વિશ્લેષકો જણાવે છે કે ગુજરાતમાં બીજેપીને બદલે નરેન્દ્ર મોદીને તેથી વધારે લાભ થયો હતો.

2017ની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ માટે મત માગવા નરેન્દ્ર મોદીએ ખુદ મેદાનમાં ઉતરવું પડ્યું છે તેનું કારણ એ જ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો