ગુજરાતની ચૂંટણી રાષ્ટ્રીય નેતાઓના સહારે જ લડાઈ રહી છે

મોદી અને રાહુલ Image copyright Getty Images
ફોટો લાઈન બંન્ને પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે રાષ્ટ્રીય નેતાઓને મેદાનમાં ઊતારવામાં આવ્યા છે

ગુજરાતમાં આ પહેલી ચૂંટણી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના રાજયકક્ષાના એક પણ નેતા મેદાનમાં નથી..

બંન્ને પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે રાષ્ટ્રીય નેતાઓને મેદાનમાં ઊતારવામાં આવ્યા છે.

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ પૈકી એક પણ પાસે એવો પ્રાદેશિક નેતા નથી, જેની જાહેર સભામાં સાંભળવા માટે તેમના પક્ષના કાર્યકરો પણ આવે.

તેના કારણે બંન્ને પક્ષોને દિલ્હી સહિત અને અન્ય રાજયમાંથી નેતાઓને પ્રચાર માટે બોલાવવા પડે છે.

જ્યાં સુધી ભાજપનો સવાલ છે, ત્યાં સુધી ગુજરાતની ચૂંટણી ભાજપ માટે આબરૂનો સવાલ છે, કારણ કે ભાજપ ગુજરાત દ્વારા અન્ય રાજયોમાં અને કેન્દ્રમાં પહોંચ્યું છે.

તમને આ વાંચવું પણ ગમશે:

ગુજરાત નરેન્દ્ર મોદીનું હોમ ગ્રાઉન્ડ છે, છેલ્લાં બે દાયકામાં ગુજરાતમાં થયેલી નાની મોટી તમામ ચૂંટણીમાં ભાજપ સામે કોઈ પડકાર જ નહોતો.


નરેન્દ્ર મોદી-વન મેન આર્મી

Image copyright Getty Images
ફોટો લાઈન ભાજપની વનમેન આર્મી નરેન્દ્ર મોદી ગુજરાતમાં જ હતા

ભાજપની વનમેન આર્મી નરેન્દ્ર મોદી ગુજરાતમાં જ હતા. સામે પક્ષે કોંગ્રેસ હજી માંડ આળસ ખંખેરતી હોય ત્યાં તો ચૂંટણી પૂરી થઈ જતી હતી.

પણ ગુજરાત કોંગ્રેસે રાજય સભાની ચૂંટણીમાં પોતાના સિનિયર નેતા અહેમદ પટેલને જીતાડવા પોતાની તમામ તાકાત કામે લગાડી દીધી અને તે જીતી પણ ગયા.

ત્યારે પહેલી વખત કોંગ્રેસને અહેસાસ થયો કે ભાજપ સામે લડીએ તો જીતી પણ શકાય.

ગુજરાત ભાજપમાં છેલ્લાં 16 વર્ષથી નરેન્દ્ર મોદી હોવાને કારણે રાજ્યમાં કયારેય બીજી હરોળની નેતાગીરી તૈયાર થઈ જ નહીં.

વાત નરેન્દ્ર મોદીથી શરૂ થઈ નરેન્દ્ર મોદી સુધી જ પૂરી થઈ જતી હતી.

આમ 2017ની આ પહેલી ચૂંટણી છે, જે નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં ગુજરાત ભાજપે જીતવાની છે.

આ ઉપરાંત મોદી વડાપ્રધાન થયા, પછી ગુજરાત સામે હાર્દિક, જીજ્ઞેશ અને અલ્પેશ જેવા પડકારો પણ આવ્યા.

ચોથા ક્રમે કુભકર્ણની ઊંઘમાંથી જાગેલી ગુજરાત કોંગ્રેસ કંઈક અંશે અસરકારક પણ થઈ હતી.


ભાજપ પાસે વક્તાઓનો અભાવ

Image copyright Getty Images
ફોટો લાઈન ભાજપે અમિત શાહ, નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શીવરાજસિંહ જેવા નેતાઓને પ્રચાર માટે ખડકી દીધા છે

આ તમામ સ્થિતિને પહોંચી વળે તેવો એક પણ પ્રદેશ નેતા ગુજરાત ભાજપ પાસે નથી.

તેના કારણે ચૂંટણીની તમામ જવાબદારી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર આવી ગઈ.

છેલ્લાં ત્રણ મહિનાથી લગભગ અમિત શાહનો મુકામ ગુજરાતમાં જ રહ્યો છે.

ગુજરાતના ચૂંટણી પ્રચારમાં તમામ રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને સામેલ કરી દેવામાં આવ્યા.

કારણ કે ગુજરાત ભાજપ પાસે પરશોતમ રૂપાલા જેવા એકાદ અપવાદને બાદ કરતા કોઈ સારો વકતા પણ નથી, જે લોકોને પોતાનાં ભાષણથી પકડી રાખી શકે.

જેના કારણે પ્રચારમાં અમિત શાહ સહિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, નિર્મલા સીતારામન, અરૂણ જેટલી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શીવરાજસિંહ જેવા નેતાઓને ખડકી દેવામાં આવ્યા છે.

ખુદ નરેન્દ્ર મોદીની 30 સભાઓ ગુજરાતમાં કરવામાં આવી છે. આમ રાજયની ચૂંટણી જીતવા માટે ભાજપે વડાપ્રધાન સહિત સમગ્ર કેન્દ્રીય મંત્રીમંડળને કામે લગાડવું પડયું છે.


કોંગ્રેસની સ્થિતિ કેવી છે?

ફોટો લાઈન રાહુલ ગાંધીએ પોતાની ટીમને છ મહિના પહેલાં ગુજરાત મોકલી હતી

જેની સામે કોંગ્રેસની સ્થિતિ તો ભાજપ કરતાં પણ બદતર છે.

ગુજરાતની ચૂંટણી જીતવા માટે રાહુલ ગાંધીએ પોતાની ટીમને છ મહિના પહેલાં ગુજરાત મોકલી હોમવર્ક કરવાની શરૂઆત કરી હતી.

રાહુલ ગાંધીએ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલકીને સ્કૂલનાં બાળકોને શિક્ષક લખી આપે તે પ્રકારે ક્યાં કેટલી સભાઓ અને મિટિંગ્સ કરવી તેનો લેખિત આદેશ આપ્યો હોવા છતાં ભરતસિંહ અમદાવાદનાં પ્રદેશ કાર્યાલયને છોડી ક્યાંય બહાર નીકળ્યા જ નહીં.

જયારે પ્રદેશ કક્ષાના અન્ય નેતાઓ જેમાં સિદ્ધાર્થ પટેલ, શકિતસિંહ ગોહીલ અને અર્જુન મોઢવાડીયા તેઓ પોતાની ટિકિટ મેળવવા અને ટિકિટ મળ્યા પછી પોતાના મત વિસ્તારમાં કામે લાગી ગયા.

Image copyright Getty Images
ફોટો લાઈન ગુજરાતમાં કોંગ્રેસના કોઈ પણ નેતાની જાહેર સભા થઈ હોય તે એક માત્ર રાહુલ ગાંધીની હતી

આમ તેમનો ગુજરાતની ચૂંટણી જીતવાનો અર્થ માત્ર પોતાની બેઠક જીતી લાવી એટલો જ સીમિત હતો.

જેના કારણે ગુજરાત કોંગ્રેસના એક પણ નેતા પડોશની બેઠક ઉપર પણ પ્રચાર કરવા ગયા નહીં.

જેથી ગુજરાતની ચૂંટણીની જવાબદારી અને પ્રચારકાર્યનો બધો ભાર કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના શિરે આવ્યો.

ગુજરાતમાં કોંગ્રેસના કોઈ પણ નેતાની જાહેર સભા થઈ હોય તે એક માત્ર રાહુલ ગાંધીની હતી.

કોંગ્રેસ પાસે એક માત્ર રાહુલ ગાંધી એવો ચહેરો હતો, જેમને જોવા અને સાંભળવા માટે લોકો આવતા હતા.

બાકીના એક પણ પ્રદેશ નેતા ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં પ્રચાર માટે ગયા જ નહીં.

Image copyright Getty Images
ફોટો લાઈન કોંગ્રેસનો કોઈ પરોક્ષ પ્રચારક રહ્યો હોય તો તે હાર્દિક પટેલ છે, હાર્દિકની સભાઓ અને રોડ-શોએ કોંગ્રેસમાં પ્રાણ ફૂંક્યો છે તેને નકારી શકાય તેમ નથી

જેના કારણે થયું એવું કે નરેન્દ્ર મોદી પોતાની સભામાં નિશાન રાહુલ ગાંધીને બનાવતા હતા, અને રાહુલ ગાંધી પોતાની સભામાં નરેન્દ્ર મોદીની જ ટીકા કરતા હતા.

પણ મોદી અથવા રાહુલે પોતાની એક પણ સભામાં પ્રદેશના કોઈ નેતાની ટીકા અથવા ઉલ્લેખ સુદ્ધાં કર્યો નહીં.

કોંગ્રેસનો કોઈ પરોક્ષ પ્રચારક રહ્યો હોય તો તે હાર્દિક પટેલ છે. હાર્દિકની સભાઓ અને રોડ-શોએ કોંગ્રેસમાં પ્રાણ ફૂંક્યો છે તેને નકારી શકાય તેમ નથી.

પરંતુ ગુજરાતની ભાજપ અને કોંગ્રેસની પ્રદેશ નેતાગીરી 2107માં વામણી પુરવાર થઈ તેમાં કોઈ બેમત નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ