ગુજરાત ચૂંટણી : સરેરાશ 68% મતદાન, સૌથી વધુ 75%, સૌથી ઓછું 60%

મતદાન કરવા આવેલી યુવતીઓ Image copyright Manish panvala

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન પાંચના ટકોરે જ પૂર્ણ થઈ ગયું છે.

પ્રથમ તબક્કામાં પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ 68% મતદાન થયું છે.

મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચે પત્રકાર પરીષદ યોજી હતી. જેમાં મતદાનને લગતા આંકડા કહ્યું કે ચોક્કસ આંકડા આવતા હજુ સમય લાગશે.

કેટલાક સ્થળો પર પાંચ વાગ્યા બાદ પણ મતદાન ચાલતું હોવાથી ચોક્કસ આંકડા મેળવી શકાયા નથી.


જિલ્લાવાર મતદાન

 • કચ્છ 63%, સુરેન્દ્રનગર 65%
 • મોરબી 75%, રાજકોટ 70%
 • જામનગર 65%, દેવભૂમિ દ્વારકા 63%
 • પોરબંદર 60%, જૂનાગઢ 65%
 • ગિર સોમનાથ 70%, અમરેલી 67%
 • ભાવનગર 62%, બોટાદ 60%
 • નર્મદા 73%,ભરૂચ 71%
 • સુરત 70%,તાપી 73%
 • ડાંગ 70%, નવસારી 75%
 • વલસાડ 70%
 • કુલ 68%

પાંચ વાગ્યા બાદ પણ મતદાન

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી બી બી સ્વેઇને જણાવ્યું મતદાનની પ્રક્રિયા સાંજે પાંચ કલાકે પૂરી થઈ જાય છે.

પરંતુ પ્રક્રિયા પૂર્ણ થાય તે પહેલાં જે મતદારો મતદાન મથક બહાર લાઇનમાં ઊભા રહ્યા હશે તેમને મતદાન કરવા દેવામાં આવશે.

સુરત અને રાજ્યમાં અન્ય સ્થળોએ ઈવીએમમાં ખામી ઊભી થવાના મુદ્દે સ્વેઇને જણાવ્યું હતું કે, જે સ્થળેથી પણ ઈવીએમની ખામીઓની ફરિયાદો મળી હતી.

તે દરેક સ્થળે જે ક્ષતિયુક્ત ઈવીએમ બદલી નાખવામાં આવ્યા હતાં અને મતદાન શરૂ થઈ ગયું હતું.

ચૂંટણી પંચના આંકડા મુજબ બપોરના 2 વાગ્યા સુધીમાં કુલ સરેરાશ 45.61 ટકા મતદાન થયું હતું.

તાપી જિલ્લામાં 57.26 ટકા સાથે સૌથી વધારે અને પોરબંદર જિલ્લામાં 40.06 ટકા સૌથી ઓછું મતદાન થયું હતું.


લોકોએ શું કહ્યું?

ગુજરાતમાં 3 વાગ્યા સુધી મતદાનનો ધમધમાટ ચાલી રહ્યો છે. કુલ 89 સીટો પર લોકો મતદાન કરી રહ્યાં છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે 12 વાગ્યા સુધીમાં કુલ 31.31% મતદાન થયું છે.

અનેક મતદાન મથકો પર મતદારોની લાંબી લાઇનો જોવા મળી રહી છે.

સુરતમાં એક મતદાન મથક પર લગ્ન પહેલાં ભાઈ-બહેન મતદાન કરવા આવ્યા હતા. જેમાં નીચેના ફોટામાં દેખાતી યુવતીનાં 10 ડિસેમ્બરે લગ્ન છે. જ્યારે તેની સાથે ઊભેલા તેના ભાઈનાં 11 ડિસેમ્બરે લગ્ન છે.

Image copyright Manish panvala
ફોટો લાઈન લગ્ન પહેલાં મતદાન કરવા આવેલાં ભાઈ-બહેન

મતદાનનો બહિષ્કાર

Image copyright Bharat Savseta

આજે ગુજરાત વિધાન સભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે.

પરંતુ સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગજડી ગામે મતદાનનો બહિષ્કાર કર્યો છે. ગ્રામજનો પાણીની વ્યવસ્થા અને સારા રસ્તા ન હોવાના પ્રશ્નનો લાંબા સમયથી ઉકેલ ન આવ્યો હોવાથી નારાજ છે.

આ ગામના સ્થાનિક ભરતભાઈ સવસેતાએ જણાવ્યું, “અમારા ગામમાં વર્ષોથી પાણી સમસ્યા છે. અમે દરેક ચૂંટણીમાં મતદાન કરતા આવ્યા છીએ. પણ અમારી સમસ્યાઓનો કોઈ જ ઉકેલ આવ્યો નથી.

જો અમે મત આપીએ તો પણ અમારા પ્રશ્નો ઉકેલાતા ન હોય તો મત આપીને શું ફાયદો? જેને કારણે આ વખતે અમે મતદાનનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે.”

હાલ ગામમાં સવારથી એક પણ મત પડ્યો નથી અને મતદાન મથકમાં કોઈ જ ચહલપહલ નથી.


ગુજરાતના સૌથી વૃદ્ધ મતદાર

Image copyright kiritsinh zala
ફોટો લાઈન સદી વટાવી ચૂકેલાં અજીબહેને મતદાન કર્યું હતું

ઉપલેટામાં રહેતા ગુજરાતના સૌથી વૃદ્ધ મતદાર અજીબહેને પણ મતદાન કર્યું હતું.

હાલ તેમની ઉંમર લગભગ 126 વર્ષ છે.

ઉંમરને કારણે તેમને ચાલવામાં મુશ્કેલી પડતી હોવાથી પરિવારજનોની મદદથી તેમને મતદાન મથકે લાવવામાં આવ્યાં હતાં.


12 વાગ્યા સુધી કેટલું મતદાન

બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યનું કુલ મતદાન 30.31 ટકા નોંધાયું હોવાનું ચૂંટણી પંચ તરફથી જણાવવામાં આવ્યું છે.

જેમાં સૌથી વધુ મતદાન તાપી જિલ્લામાં 38.07 ટકા જેટલું નોંધાયું છે. સૌથી ઓછું મતદાન નર્મદા જિલ્લામાં 25.67 ટકા નોંધાયું છે.

મોરબીમાં લેઉઆ પટેલ સમાજની બહુમતી છે.

તમને આ વાંચવું પણ ગમશે:

સૌથી ઓછું મતદાન રાજ્યનાં ડાંગ જિલ્લામાં 5.97 ટકા જેટલું નોંધાયું છે.


ઈવીએમમાં ખામીની અનેક ફરિયાદ

Image copyright Getty Images

સુરત અને કચ્છ-સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લામાં ઈવીએમમાં ખામીની સંખ્યાબંધ ફરિયાદો મળી હતી.

સુરેન્દ્રનગરમાં કુલ 5 ઈવીએમમાં ખામીની ફરિયાદ મળી હતી અને એક મતદાન મથક પર તો મતદાન પણ ચાલું થઈ શક્યું નહોતું.

દક્ષિણ ગુજરાતમાં સુરતનાં ગ્રામ્ય અને શહેર વિસ્તારોમાં 70 ઈવીએમમાં ખામીની ફરિયાદો હોવાનું સુરતના સ્થાનિક પત્રકાર મનીષ પાનવાલાએ જણાવ્યું છે.

કચ્છમાં કુલ 9, (ભૂજમાં 5, મુંદ્રામાં 2, રાપર અને અબડાસામાં 1-1) રાજકોટ જિલ્લામાં 16, પોરબંદરમાં 8 અને અમરેલીમાં 3, રાજુલા અને સાવરકુંડલા તાલુકામાં એક-એક મતદાન મથકોએ ઈવીએમમાં ખામી હોવાનું ચૂંટણી કર્મચારીઓ પાસેથી જાણવા મળ્યું છે.

જોકે, આ મથકો પર મતદાન ન અટકે તે માટે તાત્કાલિક ઈવીએમ બદલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ પોતાના પક્ષો માટે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં કરેલો ચૂંટણી પ્રચાર કેટલો કારગર નીવડ્યો એ વાત નક્કી થશે.

એક તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના ઘણા નેતાઓ તેમનો મત આપવા જતા પહેલાં જૈન દેરાસર અને મંદિરોમાં પહોંચ્યા હતા. તેમણે મતદાન બાદ ટ્વિટર પર પોતાનો ફોટોગ્રાફ પણ મૂક્યો હતો.

જોકે, મતદારોએ મોદી અને રાહુલમાંથી કોની વાત વધુ સાંભળી અને કોને વધુ મત આપ્યા તે તો 18 ડિસેમ્બરે જ ખબર પડશે.

આ દરમિયાન હાર્દિક પટેલે ફેસબુક લાઇવના માધ્યમથી લોકો સાથે વાતચીત કરી હતી.

તેમણે કરેલા ફેસબુક લાઇવમાં પાટીદારો પર થયેલાં પોલીસ દમનની યાદ અપાવી. તેમણે હીરાના કર્મચારીઓના પ્રશ્નોની વાત કરી હતી.


અત્યાર સુધીના મતદાનનાં મહત્ત્વનાં મુદ્દા

 • લોકશાહીના ઉત્સવ જેવી આ ચૂંટણીમાં મતદાન મથકોમાં આજે 2.12 કરોડથી વધુ ગુજરાતીઓ 977 જેટલાં રાજકારણીઓનાં ભાગ્યવિધાતા બનશે.
 • કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં 19 જિલ્લાની 89 વિધાન સભા બેઠકો માટે મતદાન થશે. મોટાભાગનાં મત વિસ્તારોમાં વહેલી સવારથી જ મતદાતાઓની લાંબી કતારો જોવા મળી રહી છે.
 • રાજકોટ ગ્રામ્ય બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વસરામ સાગઠિયાના મતદાન સમયે મોબાઇલ ફોનથી વીડિયોગ્રાફી થવાના મામલે જિલ્લા ચૂંટણી અધિકારીએ ઝોનલ ચૂંટણી અધિકારીને તપાસ કરીને અહેવાલ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

કેવી છે હાલની સ્થિતિ?

આ ચૂંટણીમાં ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી સતત સત્તામાં રહેલા ભારતીય જનતા પક્ષ (ભાજપ) સામે અસંતોષ ઊભો થયો છે.

છેલ્લાં 14 વર્ષથી રાજ્યના એકમાત્ર મુખ્યમંત્રી બની રહેલા નરેન્દ્ર મોદી, જેવા 2014માં વડાપ્રધાન બન્યા ત્યારથી માત્ર બે ત્રણ વર્ષમાં ગુજરાતે ભાજપનાં બે મુખ્યમંત્રીનું શાસન જોયું.

જ્ઞાતિ આધારિત આંદોલનો ઉપરાંત જીએસટી, નોટબંધી, અને મોંઘવારીને મુદ્દે ભાજપે લોકોના અસંતોષનો સામનો કરવો પડી રહ્યો છે.


નેતાઓએ ટ્વીટ કરી મોટી સંખ્યામાં મતદાનની અપીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગુજરાતી ભાષામાં ટ્વીટ કરીને વિશાળ સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે.

કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ મતદાન માટે આગ્રહ કર્યો.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંગ્રેજી ભાષામાં ટ્વીટ કરીને ગુજરાતના મતદારોને મતદાન કરવાનો અનુરોધ ક્યો.


કોંગ્રેસને કેવો ફાયદો?

Image copyright AFP/GETTY IMAGE
ફોટો લાઈન ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બે પાર્ટીઓ વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે

આ સમગ્ર સ્થિતિ કોંગ્રેસ માટે લાભકારક સાબિત થઈ રહી છે. લોકોની ભાજપ સામેની નારાજગીનો ફાયદો કોંગ્રેસને થયો છે.

એક તરફ ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી તેમણે પોતાના મુખ્યમંત્રીના સમયકાળમાં ગુજરાતે કરેલી પ્રગતિ અને વિકાસના મુદ્દે લોકોના મત માગ્યા.

તેમણે નહેરુ-ગાંધી પરિવારના સભ્યો અને કોંગ્રેસની ઉદાહરણો આપીને ટીકા કરવાની કોશિશ કરી. જેમાંથી કેટલાક મુદ્દા વિવાદસ્પદ પણ રહ્યા.

જ્યારે બીજી તરફ કોંગ્રેસના એકમાત્ર સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીએ આક્રમકતાપૂર્વક ભાજપને સવાલો પૂછ્યાં, જેનો જવાબ આપવો ભાજપને અઘરો પડ્યો.

રાહુલે સોમનાથ મંદિરમાં તેમના પ્રવેશની નોંધ વિશે તે શિવ ભક્ત હોવાની સ્પષ્ટતા કરવી પડી.

એટલું જ નહીં નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરનારા મણિશંકર ઐયરને કારણે બચાવની સ્થિતિમાં આવવું પડ્યું અને તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા પડ્યા.


નોંધપાત્ર બાબત

Image copyright Getty Images
ફોટો લાઈન પટેલની સાથે સાથે ઓબીસી વોટ બેન્કનું કોકટેલ આ ચૂંટણીમાં જીતનું નવું સમીકરણ બની રહ્યું છે

આ ચૂંટણીની મહત્ત્વની બાબત એ રહી છે કે, બન્ને પક્ષોએ સોફ્ટ હિંદુત્વથી બહુમતી મતદારોને રિઝવવાની કોશિશ કરી છે.

મુખ્યમંત્રીમાંથી વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદી અને દેશમાં સૌથી લાંબા સમય સુધી સત્તા ભોગવી ચૂકેલા પરિવારના રાહુલ ગાંધી બન્ને દિલ્હીથી ઊડીને ગુજરાતના મતદારોને રિઝવવા છેલ્લાં બે મહિનામાં અસંખ્ય સભાઓ કરી ચૂક્યા છે.

હવે જોવાનું એ રહે છે કે, ગુજરાતનાં મતદારો તેમનો અસંતોષ કે અનુકૂળતામાંથી કોને વધુ મહત્ત્વ આપીને મતદાન કરે છે.

આ ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતમાં કોઈની પણ સરકાર આવે, પણ આજે તો ગુજરાતના છેવાડાનો નાગરિક રાજા છે, કારણ કે તેની પાસે મત છે. જે બધા જ ઉમેદવારોને જોઇએ છે.


પ્રથમ તબક્કાની ચૂંટણીમાં છવાયેલા વિવાદો

 • ઇંદિરા ગાંધીએ મોરબી હોનારતની મુલાકાત વખતે મોં પર રૂમાલ રાખ્યો હતો : નરેન્દ્ર મોદી
 • રાહુલે સોમનાથ મંદિરની મુલાકાત વખતે 'બિનહિંદુ' મુલાકાતીઓના રજિસ્ટરમાં નોંધ કરી હોવાનો વિવાદ
 • મણિશંકર ઐયરે નરેન્દ્ર મોદીને 'નીચ' કહ્યા
 • સુરતમાં અહેમદ પટેલને મુખ્યમંત્રી બનાવવા માટે કોંગ્રેસને મત આપવાની અપીલ કરતાં પોસ્ટર્સ લાગ્યાં
 • અયોધ્યા રામ જન્મભૂમિ કેસમાં સુપ્રિમ કોર્ટમાં કપિલ સિબ્બલની 2019ની લોકસભા ચૂંટણીઓને કારણે કેસની સુનાવણી ટાળવાની વિવાદાસ્પદ દલીલ
 • હાર્દિક પટેલની વિવિધ મહિલાઓ સાથેની કથિત સીડી

શું હતી 2012ની સ્થિતિ?

Image copyright Getty Images

વર્ષ 2012માં થયેલી વિધાન સભાની ચૂંટણીઓમાં ભાજપને 115, કોંગ્રેસને 61, ગુજરાત પરિવર્તન પાર્ટીને બે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને બે, અપક્ષને એક, જનતા દળ યુનાઇટેડને એક બેઠકો મળી હતી.

જે વર્ષ 2017નાં અંત સુધીમાં ભાજપની કુલ બેઠકો 120, કોંગ્રેસની 43, કોંગ્રેસનાં ધારાસભ્યો અને ભાજપના અમિત શાહે આપેલા રાજીનામાને કારણે 15 બેઠકો ખાલી અને ચાર બેઠકો અન્ય પાસે હોવાની સ્થિતિ હતી.

કોંગ્રેસને વર્ષ 2012ની ચૂંટણીમાં 40.59 ટકા મત મળ્યા હતા. જ્યારે ભાજપને 48.30 ટકા મળ્યા હતા. જ્યારે વર્ષ 2007ની વિધાન સભા ચૂંટણીમાં કોંગ્રેસને 39.63 ટકા અને ભાજપને 49.12 ટકા મત મળ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ