'મોદીની કારકિર્દી બનાવવામાં મણિશંકરનો સિંહફાળો ગણાશે'

નેતાનો ફોટો Image copyright Getty Images

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે ફરી એક વખત નરેન્દ્ર મોદી સામે વિવાદાસ્પદ નિવેદન કરીને તેમને 'નીચ' કહ્યા છે.

વિવાદાસ્પદ વિધાનો કરવા માટે જાણીતા થયેલા કોંગ્રેસી નેતાની આ ટિપ્પણીને નરેન્દ્ર મોદીએ તરત જ પકડીને તેની સામે સુરતની રેલીમાં પોતાનાં ભાષણમાં જવાબ આપી દીધો હતો.

આખો દિવસ વિવાદ ચાલ્યા બાદ મોડી સાંજે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી મણિશંકર ઐયરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

આ બાબતે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ પણ કર્યું હતું.

તમને આ વાંચવું પણ ગમશે:

મોદીએ કહ્યું કે, તેમને કોંગ્રેસ પક્ષનાં નેતાઓ તરફથી ગાળો આપવામાં આવી છે, તેમને પહેલા "મોત કા સૌદાગર" કહ્યું હતું, પછી ગધેડો અને હવે નીચ.

પરંતુ આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરનારને જવાબ આપવાનો ન હોય. ગુજરાતની જનતા આ વાતનો જવાબ તેમના મતથી આપી દેશે.

જોકે, ઐયરે કરેલી આ ટિપ્પણીની કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ તરત જ ટીકા કરી હતી અને તેમણે ઐયરને આ બાબતે મોદીની માફી માગવા જણાવ્યું હતું.

આં અંગે અમે દર્શકોને પ્રશ્ન પૂછ્યો હતો કે આ બનાવની ગુજરાતની ચૂંટણી પર શું અસર થશે, તો તેના પ્રતિભાવરૂપે દર્શકોએ નીચે પ્રમાણેની વાત રજૂ કરી હતી.

દિનેશ પટેલ નામના યૂઝરે જણાવ્યું કે ભાષામાં પણ જેમ તેમ બોલવાનો વિકાસ થયો હોય એમ લાગે છે.

નિસર્ગ નામનાં યૂઝરે જણાવ્યું કે મનની વાત બહાર નીકળી, કંઈ ફરક ના પડે.

ભાવિન નામનાં યૂઝરે જણાવ્યું કે આમને તો ખોટું પણ લાગી જાય, પ્રધાનમંત્રી છે કે અભિનેતા?

કેયુર વસાવડાએ જણાવ્યું કે અમિતાભની કારકિર્દી બનાવવામાં સલીમ જાવેદની સ્ક્રીપ્ટનો બહુ મોટો હાથ હતો, એમ જ મોદીની કારકિર્દી બનાવવામાં મણિશંકર ઐય્યરના બોલનો હંમેશા સિંહફાળો ગણાશે.

દિપક નામનાં યૂઝરે પોસ્ટ કરી હતી કે લોકો ભાજપની લાગણીઓની ભાષામાં ભરમાશે નહીં અને વિકાસ અને સુશાસનના મુદ્દે જ વોટ આપશે.

જુનેદ નામનાં યૂઝરે જણાવ્યું કે પ્રધાનમંત્રી પ્રત્યે આટલી ખરાબ ભાષાનો પ્રયોગ કરવો યોગ્ય નથી.

સહદેવ સિંહ નામનાં યૂઝરે જણાવ્યું હતું કે હવે આ લોકોએ ખોટું બોલવામાં હદ કરી નાખી છે. હું કોંગ્રેસી નથી પણ આ સરકારને હવે કાઢો.

જોતેન્દ્ર નામનાં યૂઝરે જણાવ્યું હતું કે ઔચિત્ય જાળવવું એ ઉચ્ચ નેતાઓએ રાહુલ ગાંધી પાસે શીખવું પડે.

વાજિદ ખાને જણાવ્યું હતું કે આ તો આવી વાત થઈ કે ભાજપ બોલે તો લીલા અને બીજા બોલે તો ભવાઈ...

દર્શન નામનાં યૂઝરે જણાવ્યું હતું કે જેવું વાવો તેવું લણવાનું થાય. બીજેપીએ મનમોહન સિંહની ગરિમા જાળવી હોત તો આવું ન થાત.

આ અંગે પ્રતિભાવ આપતા પ્રશાંત પરમાર નામનાં યૂઝરે જણાવ્યું કે કોની કેવી ભાષા છે, એ ગુજરાત ચૂંટણીનો મુદ્દો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો