ગુજરાત માટેના બીજેપીના સંકલ્પ પત્રમાં શું છે ખાસ?

બીજેપીના સંકલ્પ પત્રનું મુખપૃષ્ઠ Image copyright TWITTER/BJP
ફોટો લાઈન બીજેપીના સંકલ્પ પત્રનું મુખપૃષ્ઠ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના મતદાનના આગલા દિવસે શુક્રવારે ભારતીય જનતા પાર્ટી(બીજેપી)એ સંકલ્પ પત્ર બહાર પાડ્યો હતો.

બીજેપીએ ચૂંટણી ઢંઢેરો બહાર ન પાડ્યો હોવાથી પાટીદાર નેતા હાર્દિક પટેલે શુક્રવારે બીજેપીને ટોણો માર્યો હતો.

હાર્દિક પટેલે એવું ટ્વીટ કર્યું હતું કે ''સીડી બનાવવાના ચક્કરમાં બીજેપી ચૂંટણી ઢંઢેરો બનાવવાનુ ભૂલી ગઈ. કાલે મતદાન છે.

ગુજરાતમાં વિકાસની સાથે ચૂંટણી ઢંઢેરો પણ ગાયબ થઈ ગયો છે. સાહેબ, તમને કોઈ કંઈ નહીં કહે. તમે મહેરબાની કરીને ચૂંટણી ઢંઢેરામાં તમારી શૈલીમાં કંઈક ફેંકી દો.''

તમને આ પણ વાંચવું ગમશે

હાર્દિક પટેલના આ ટ્વીટના કેટલાક કલાકો પછી જ કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી અને બીજેપીના ગુજરાતના પ્રમુખ જીતુ વાઘાણીએ પક્ષનો સંકલ્પ પત્ર બહાર પાડ્યો હતો.

અરુણ જેટલીએ કહ્યું હતું, ''ગુજરાતમાં વિકાસનો દર અમે વધાર્યો છે અને એ જળવાઈ રહે એ અમારા વિઝન ડોક્યુમેન્ટનો હેતુ છે. વૈશ્વિક મંદી દરમિયાન પણ અમે એ ગતિ જાળવી શકીશું તો તેને જાળવી રાખીશું.''


અરુણ જેટલીએ શું-શું કહ્યું?

Image copyright Getty Images
ફોટો લાઈન પાટીદાર નેતા હાર્દિક પટેલ અને કેન્દ્રીય નાણાં પ્રધાન અરુણ જેટલી

• સમસ્ત ગુજરાતને એક રાખવું અને તમામ વર્ગની ચિંતા કરવી અમારું મુખ્ય લક્ષ્ય છે. કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં જે વચનો આપ્યાં છે તેની સાથે જોડાયેલી યોજનાઓ કેન્દ્ર સરકાર અગાઉથી જ ચલાવી રહી છે.

• ગુજરાતમાં સામાજિક ધ્રુવિકરણનો કોંગ્રેસનો પ્રયાસ સમાજ માટે નુકસાનકારક સાબિત થશે. કોંગ્રેસે જે વચનો આપ્યાં છે એ બંધારણીય રીતે ખોટાં છે.

• ગુજરાતનો જીડીપી ગ્રોથ દેશમાં સૌથી વધારે છે. છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતે સરેરાશ 10 ટકાના દરે વિકાસ સાધ્યો છે.

• અમારો હેતુ દરેક ક્ષેત્રમાંનાં સાધનોને વધારવાનો છે. આવાસ યોજના હેઠળ દરેક નાગરિકને પોતાનું ઘર મળે એ હેતુ પણ છે.

• ગુજરાતમાં મેડિકલ કોલેજોની સંખ્યા વધારવા પર પણ અમે ભાર મૂકીશું. અમને અમારી કામગીરીનો ગર્વ છે. અમે તેના આધારે જ આગળ વધીશું.


પત્રકારોને શું કહ્યું?

ગઈ ચૂંટણીમાં આપવામાં આવેલા વચનો વિશે પત્રકારોએ સવાલ કર્યા હતા.

તેના જવાબમાં અરુણ જેટલીએ જણાવ્યું હતું કે અમારો વૃદ્ધિદર અમારો ઈતિહાસ દર્શાવે છે. અમે ભૂતકાળની વાતો નહીં કરીએ.

વાત રહી ભ્રષ્ટાચાર અને શિક્ષણની. એ તો આખા દેશના મુદ્દા છે.


શું છે સંકલ્પ પત્રમાં ખાસ?

Image copyright TWITTER
ફોટો લાઈન બીજેપીના સંકલ્પ પત્રનું એક પૃષ્ઠ

•આધુનિક ઉપકરણોનો સમાવેશ.

•શિક્ષણની ગુણવત્તાનો વિસ્તાર.

•જિલ્લા હોસ્પિટલોમાં ગંભીર બીમારીના ઉપચારની સુવિધાનો વિસ્તાર.

•જેનરિક અને સસ્તી દવાઓના કેન્દ્રોની સંખ્યામાં વધારો.

•મોબાઈલ ક્લિનિક અને 252 સરકારી ડાયગ્નોસ્ટિક લેબોરેટરીની સ્થાપના.

•પાણીને કારણે થતી બીમારીઓથી ગુજરાતને 2022 સુધીમાં મુક્ત કરવાનું લક્ષ્યાંક.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો