ગુજરાત વિધાનસભા ચૂંટણી : હાર્દિક પટેલ ભાજપ માટે મોટો પડકાર

હાર્દિક પટેલ Image copyright facebook/hardik patel
ફોટો લાઈન વર્ષ 2015માં ઉત્તર ગુજરાતમાં હાર્દિકની રેલીની તસવીર

ગુજરાતના નાનકડા ગામના ધૂળિયા રસ્તાઓ પર શિયાળાના સૂર્યપ્રકાશમાં લોકો શાંતિથી એક વ્યક્તિની રાહ જોઈ રહ્યા છે.

ઘણા માને છે કે આ યુવકે ભારતના શક્તિશાળી વડાપ્રધાનની ઊંઘ હરામ કરી દીધી છે. આ વ્યક્તિ છે હાર્દિક પટેલ. તેનામાં થોડી આક્રમકતા છે અને થોડી નમ્રતા પણ છે.

વાણિજ્ય પ્રવાહમાં સ્નાતક અને વેપારીના પુત્ર હાર્દિક પટેલ ખરેખર મધ્યમવર્ગીય છે. ભારતના કાયદા મુજબ ચૂંટણી લડવા માટે તેની ઉંમર પણ હજી યોગ્ય નથી થઈ.

તમને આ પણ વાંચવું ગમશે


મોદી માટે પડકાર?

એક નિરીક્ષકના શબ્દોમાં કહીએ તો તે બે વર્ષથી પણ ઓછા સમયમાં વડાપ્રધાન મોદીને સૌથી વધુ પજવનાર વ્યક્તિ બની ગયા છે.

વડાપ્રધાનના ગૃહ રાજ્યમાં થયેલા જ્ઞાતિ આધારિત શક્તિશાળી વિરોધ પ્રદર્શનનો ચહેરો છે.

શનિવારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન છે. હાર્દિક પટેલ પાટીદીર આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે.

તેમની માંગ છે કે પટેલ સમુદાયને નોકરી અને શિક્ષણમાં અનામત આપવામાં આવે.


અનામતની વધી રહેલી માગણી

ગુજરાતમાં પટેલોની 14 ટકા વસ્તી છે. તે સામાજિક રીતે સમૃદ્ધ છે અને ખેતી કરનારો પ્રભાવક સમાજ પણ છે.

નરેન્દ્ર મોદીના સમર્થનમાં તે પારંપરિક રીતે મતદાન કરતો સમાજ રહ્યો છે. જેના બળે નરેન્દ્ર મોદીએ ગુજરતમાં બે દાયકાથી વધુ શાસન કર્યું.

ભૂતકાળમાં અનામતના વિરોધમાં પટેલ સમુદાયે હિંસક વિરોધ પ્રદર્શન કર્યું હતું અને માગણી કરી હતી કે સરકારી નોકરીઓ અને શિક્ષણમાં બેઠક માટે મેરીટ જ આધઆર હોવો જોઈએ, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.

ભારતમાં હવે એક નવી સમસ્યા આકાર લઈ રહી છે જેમાં ખેતીને બિન-નફાકારક અને અન્ય વ્યવસાયોની સરખામણીએ ઓછા પ્રતિષ્ઠિત વ્યવસાય તરીકે જોવામાં આવી રહી છે.

જમીન ધરાવતા અન્ય જ્ઞાતિ અને સમુદાય પણ અનામતની માંગણી કરી રહી રહ્યા છે.

હરિયાણામાં જાટ સમુદાય અને મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને શિક્ષણ અને સરકારી નોકરીઓ મેળવવા તેમની પાસે સાધનોની અછત હોવાનું લાગી રહ્યું છે.

ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતી સરકારી કોલેજોની સંખ્યા ઓછી છે. બીજી તરફ બિલાડીની ટોપની જેમ ખુલી રહેલી સ્વ-નિર્ભર કોલેજોનું મોંઘું શિક્ષણ લોકોને પરવડે એવું નથી.


ખેતીના વ્યવસાયની પ્રતિષ્ઠાની દુર્દશા

વળી ખેતીના આવકમાં ઘટાડો લોકોને શહેરમાં સ્થળાંતર કરવા ફરજ પાડી રહ્યો છે. અને શહેરોમાં નોકરીઓ વધુ નહીં હોવાથી સ્પર્ધા ખૂબ જ તીવ્ર બની જાય છે.

ચીનમાંથી આયાત સસ્તા માલ-સામાનને લીધે ગુજરાતમાં પટેલોની માલિકીવાળી 48,000 જેટલી નાની અને મધ્યમ ફેક્ટરીઓ બંધ થઈ ગઈ છે.

આથી તેમને તેમના ભવિષ્યની ચિંતા સતાવા લાગી છે, એટલે સમુદાય દ્વારા આનામતની માંગણી માટે આંદોલન કરવામાં આવી રહ્યું છે.

પણ અનામતની મર્યાદા પચાસ ટકા જ હોવાથી તેમને અનામત મળવાનો અવકાશ ઓછો છે.


પટેલ સમુદાયનું હાર્દિકને સમર્થન

વકીલ આનંદ યાગ્નિક કહે છે, "પટેલોને લાગે છે કે તે પાછળ રહી ગયા છે. સમુદાયના મોટા ભાગના લોકોનું અનામત માટે સમર્થન છે."

વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે કુલ 182 બેઠકોમાંથી 115 બેઠકો જીતી હતી.

તેના બે વર્ષ બાદ લોકસભામાં ભવ્ય વિજય સાથે કેન્દ્રમાં સરકાર બનાવી, ત્યારથી ગુજરાતમાં નરેન્દ્ર મોદી જેવો કોઈ રાજનેતા જોવા નથી મળ્યા. આ કારણે ગુજરાતમાં ભાજપ અજેય રહે એવી શક્યતા પર સવાલ છે.

હાર્દિક પટેલના સમુદાયે ભાજપ માટે ચૂંટણીમાં પડકાર સર્જ્યો છે, અને છઠ્ઠી વખત વિજયને તે નુકશાન પહોંચાડશે તેવી ચીમકીને પગલે ભાજપે એકાએક પીછેહઠ કરી છે.


ચૂંટણીમાં પાટીદાર પરિબળની કેટલી અસર?

પટેલ સમુદાય 70થી વધુ બેઠકો પર અસર કરી શકે છે. ભાજપ તેને મનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે એવું જણાઈ રહ્યું છે.

બે વર્ષ અગાઉ પાટીદારોએ કરેલા અનામત આંદોલનમાં 12 પાટીદારોના મૃત્યુ થયા હતા.

હાર્દિક પટેલ પર પણ રાજદ્રોહનો ગુનો લગાવવામાં આવ્યો હતો અને તેમણે નવ મહિના જેલની સજા ભોગવી.

વળી, છ મહિના રાજ્યની બહાર રહેવાની શરતે તેમને કોર્ટે જામીન આપ્યા હતા.

જેલ અને રાજ્યની બહાર રહેવાની બાબતે હાર્દિક પટેલને પાટીદારોની નજરમાં હીરો બનાવી દીધા. તલાળાના એક નાનકડા ગામમાં સમર્થકો તેને મસીહા તરીકે વધાવે છે.

અને હાર્દિકને ગીરના સિંહોની તસવીર ભેટ કરે છે. તેમાંના એક સમર્થકે મને કહ્યું, "અમારી વચ્ચે તે એક સાચો સિંહ છે."

મોદી સરકાર પર પુસ્તક લખનાર અને વરિષ્ઠ પત્રકાર ઉદય મહુરકર કહે છે, "2002 બાદ આ વખતે ભાજપ માટે ચૂંટણી પહેલી વાર પડકારજનક છે.

"હાર્દિક પટેલની ચેતવણી ગંભીર છે. અને તે ગુજરાત ચૂંટણીની સૌથી મોટી સ્ટોરી છે."


હાર્દિકની લોકપ્રિયતા

આથી જ્યારે હાર્દિક પટેલ સિલ્વર રંગની એસયુવીમાં ત્રણ કલાક મોડેથી પહોંચે છે, ત્યારે સમર્થકો તેની એક ઝલક માટે ધસી જાય છે.

તેમાં બાઈક પર સવાર સંખ્યાબંધ યુવાનો છે. તેમની પાસે સ્માર્ટફોન છે અને તેમણે ચશ્મા પહેરેલા છે. તેમના નેતાના ફોટો સાથેની ટી-શર્ટ પણ પહેરી છે.

જો તેમની પાસે નોકરીઓ છે તો તેમાં તેમને યોગ્ય પગાર નથી મળતો, જ્યારે કેટલાક પાસે નોકરી જ નથી.

19 વર્ષીય ભવદીપ મારડિયા કહે છે, "તેમને શંકા છે કે સ્નાતક થયા પછી પણ નોકરી મળશે કે નહીં. સરકારી નોકરી માટે તેમને અનામતની જરૂર પડશે."

ઉપરાંત પ્લાસ્ટિકના એક નાના વેપારી 42 વર્ષીય કીર્તિ પનારા કહે છે તેમની દીકરીને તે તબીબ અથવા ઇજનેર બનાવવા ઇચ્છે છે.

તેઓ નથી ઇચ્છતા કે દીકરી ગામમાં મજૂરી કરે. તેમના વિસ્તારની એક માત્ર ખાણની ફેક્ટરી વર્ષોથી બંધ છે.

અને બીજી તરફ ડિજિટલ જીવનની જાહેરાતો સ્થાનિકો માટે દંભ માત્ર પુરવાર થઈ રહી છે.


હાર્દિકનું આહવાન : ભાજપને હરાવો

હાર્દિક તેમની કારમાંથી જ લોકોનું અભિવાદન કરે છે અને પછી તેમાંથી ઉતરીને સમર્થકોને મળવા જાય છે.

મહિલાઓ તેમના લલાટ પર તિલક કરે છે અને મીઠાઈ ખવડાવી તેની સાથે સેલ્ફી લે છે. કોઈ પણ જાતના પક્ષ વગરના આ ચાહકો છે પણ તેમનું સમર્થન ખૂબ જ નોંધનીય છે.

સમર્થકો એક સૂરમાં સૂત્ર ઉચ્ચારે છે, "હાર્દિક તમે આગળ વધો, અમે તમારી સાથે છીએ."

સમર્થકોને ભાજપના વિરોધમાં મતદાન કરવાનું આહવાન કર્યા બાદ તે સાંકડા રસ્તા પરથી એક રેલી કરે છે. નજીકના સ્કૂલના મેદાનમાં તેઓ જનમેદનીને સંબોધે છે.

તેમના ચેક્સના શર્ટ અને ડેનિમમાં શૈલી મુજબ તેઓ નરેન્દ્ર મોદી અને ભાજપ પર પ્રહાર કરે છે.

તેઓ ખેડૂતોની દયનીય હાલતની વાત કરે છે. તેઓ નોકરી, ગામ-શહેરની વાત કરે છે.

જ્યારે યુવાઓ પાસે તેઓ પ્રતિક્રિયા માંગે છે, ત્યારે યુવાનો તેમની વાતને વધાવવા મોબાઇલ ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરી તેમને એકસાથે રોશની કરે છે.


કોંગ્રેસની ભૂમિકા

ગત મહિને હાર્દિકે કોંગ્રેસને ટેકાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ ગુજરાતમાં છેલ્લે 1885માં ચૂંટણી જીતી હતી.

પણ રાજ્યની ચૂંટણીમાં લોકપ્રિય 30 ટકા મત મેળવવામાં તે સતત સફળ રહ્યો છે.

રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પણ આક્રમક બની છે અને તેણે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને દલિત નેતા જિગ્નેશ મેવાણી સાથે જોડાણ કર્યું છે. ત્રણેયનો હેતુ ભાજપને હરાવવાનો જ છે.

આ એક અલગ પ્રકારનું જોડાણ છે, જેમાં ભાજપને હરાવનારા એક મંચ પર ભેગા થયા છે. તેમાં અનામતનો લાભ લેનારા ઓબીસી અને દલિત પણ છે, તો અનામતની માંગણી કરતા પટેલ પણ છે.

ભૂતકાળમાં આ બન્ને જૂથોની માગણી એકબીજાથી વિરોધાભાસી હતી.


ભાજપની ગણતરી શું છે?

જોકે, ભાજપને આશા છે કે આ જોડાણથી કોંગ્રેસને મતનો ફાયદો નહીં થશે અને ભાજપ જ ચૂંટણીમાં વિજયી થશે.

ગુજરાતમાં ઘણું શહેરીકરણ થયું છે. આ શહેરોમાં મધ્યમવર્ગનો તેમને મોટો ટેકો છે.

પાંચ વર્ષ અગાઉ મોટા શહેરો અને નાના નગરોમાં ભાજપે 84માંથી 71 બેઠકો જીતી હતી. આ વખતે ગ્રામ્યની 98 બેઠકો ભાજપ માટે માથાનો દુખાવો છે.

તેમાં રહેતા ઘણા લોકોનું કહેવું છે કે નોટબંધીથી તેઓ ખુશ નથી. તેનાથી તેમની આવકને ફટકો પડ્યો છે અને પાકની કિંમત પણ ઘટી ગઈ છે.


'ઍન્ટિ-ઇન્કમ્બન્સી' પરિબળ પણ અસર કરી શકે

ભાજપ ગુજરાતમાં છેલ્લા 20 વર્ષથી સત્તામાં હોવાથી 'ઍન્ટિ-ઇન્કમ્બન્સી' પરિબળ પણ અસર કરી શકે છે.

શું તે જાતિવાદ અને વિકાસ તથા હિંદુત્વના મુદ્દાના પડકારોને પહોંચી વળશે કે કેમ તે જોવું રહ્યું.

ચૂંટણીમાં ભંડોળ અને મતદારોને રિઝવવાની બાબત ભાજપની તરફેણમાં છે. તેમ છતાં આ સમય સહેલો નથી.

એક અગ્રણી ઓપિનિયનમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી અને બેઠકોનું અંતર પણ ઓછું હતું, જે બન્ને વચ્ચે મજબૂત ટક્કર હોવાનું પુરવાર કરી શકે છે.


ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર?

જોકે, શહેરોનું મતદાન ભાજપની તરફે બાજી પલટી શકે છે.

રાજ્યમાં ત્રણ વખત સર્વે કરી ચૂકેલા સંજય કુમાર કહે છે, "અત્યાર સુધી જોવા મળેલા સંકેતો-પુરાવા સૂચવે છે કે ભાજપ માટે આ વખતે ચૂંટણી મુશ્કેલ છે. તેમ છતાં ભાજપ ગુજરાતમાં સત્તામાં આવી શકે છે."

બીજી તરફ હાર્દિક પટેલ માને છે કે ભાજપને હરાવવાનો સમય આવી ગયો છે. તેઓ કહે છે, "જો આ વખતે પરિવર્તન નહીં આવે, તો તેનો અર્થ એ છે કે ભાજપ સામે ગુજરાતના લોકો શક્તિહીન છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો