પ્રથમ મહિલા ફોટોગ્રાફર હોમાય વ્યારાવાલાને 'કબાડીવાલા' કેમ કહેતાં?

હોમાય વ્યારાવાલાની તસવીર Image copyright Biren Kothari
ફોટો લાઈન હોમાય પાસે કોઈ મિસ્ત્રીની પાસે પણ ન હોય એવી ટૂલકિટ હતી

હોમાય વ્યારાવાલાની આજે 104મી જન્મ જયંતી છે. ઓળખ ભારતની સહુ પ્રથમ મહિલા ન્યૂઝ ફોટોગ્રાફર તરીકે આપી શકાય, પણ તેમને એ એકમાત્ર ઓળખમાં સીમિત કરવાં તેમના વ્યક્તિત્ત્વને અન્યાય કરવા બરાબર છે.

ફોટોગ્રાફી તો તેમણે છેક 1970 માં મૂકી દીધી હતી, અને ત્યાર પછી છેક 2012 માં તેમનું દેહાવસાન થયેલું.

છેલ્લાં દસેક વર્ષ મારે તેમની સાથે અંગત પરિચય રહ્યો એ દરમિયાન તેમના વ્યક્તિત્ત્વનાં અનેક પાસાંઓને નિકટથી નિહાળવાનું બન્યું.

હોમાય ન્યૂઝ ફોટોગ્રાફીના ક્ષેત્રમાં તેમના પતિ માણેકશા વ્યારાવાલા થકી પ્રવેશ્યાં હતાં, અને આ ક્ષેત્ર ત્યારે માત્ર પુરુષોનો એકાધિકાર કહી શકાય એવું હતું. 1942માં તેઓ મુંબઈથી દિલ્હી આવ્યાં.

અહીં તેમને દેશના ઇતિહાસની અનેક મહત્ત્વની ઘટનાઓ કેમેરામાં ઝડપવાનું બન્યું. રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ સાથે પરિચય કેળવાયો. એ આખું અલાયદું પ્રકરણ છે.

ધાર્યું હોત તો શેષ જીવન વ્યતિત કરવા માટે આધારરૂપ કહી શકાય એવો ખરા અર્થમાં ભવ્ય ભૂતકાળ હતો, પણ તેઓ હંમેશાં વર્તમાનમાં જ જીવ્યાં.

Image copyright Biren Kothari

હોમાયે અનેક શોખોને તેમણે વિકસાવ્યા. ખરેખર તો તેમનો મુખ્ય શોખ સર્જકતાનો હતો. તેઓ જે કંઈ પણ કરે તેમાં તેમની સર્જકતા નીખરી આવતી. ચાહે તે કોઈ વાનગી બનાવવાની હોય કે પોતાના ઉપયોગની કોઈ ચીજ બનાવવાની હોય.

દિલ્હીની એક આઇસક્રીમની દુકાનમાં દરોડો પડ્યો અને બનનાં જથ્થાબંધ પેકેટ પકડાયાના સમાચાર તેમણે છાપામાં વાંચ્યાં, ત્યારે તેમને કુતૂહલ થયું.

તેને વશ થઈને હોમાયે ઘરબનાવટના આઇસક્રીમમાં બન ઉમેરવાનો અખતરો કર્યો, અને પાણીના સ્ફટિક વિનાનો આઇસક્રીમ બનાવ્યો. તેઓ સર્જકતાને ગમે ત્યાંથી 'સૂંઘી' લેતાં.

એક વખત હોમાયે મને પૂછ્યું, 'ડેન્‍સિટી મીટર ક્યાં મળે?' મને બહુ નવાઈ લાગી. મારાથી પૂછાઈ ગયું, 'તમારે એની શી જરૂર પડી?' તેમણે કહ્યું, 'હું એક પ્રયોગ કરી રહી છું, એના માટે મારે જોઇશે કદાચ.'

મેં તપાસ કરી, પણ મને પહેલી વારમાં એ મેળવવામાં સફળતા ન મળી. એ વાત પણ ભૂલાઈ ગઈ. ઘણા મહિનાઓ વીત્યા.

એક વાર અમે તેમને ત્યાં ગયાં તો કહે, 'એક ચીજ તમને ટેસ્ટ કરાવવાની છે. તમને વાંધો ન હોય તો!' મેં કહ્યું, 'અમને શો વાંધો?'

તેમણે કહ્યું, 'આંબળામાંથી મેં વાઈન બનાવ્યો છે. આ તો તમને વાઈન માટે એવું કંઈ હોય તો......' મને ત્યારે ખબર પડી કે ડેન્‍સિટી મીટર તેમને આ 'પ્રયોગ' માટે જોઇતું હતું.

Image copyright Biren Kothari

હોમાય પાસે કોઈ મિસ્ત્રીની પાસે પણ ન હોય એવી ટૂલકિટ હતી. કરવત, વિવિધ સાઇઝનાં પાનાં, સ્ક્રૂ, ખીલીઓ, નટ, જાતજાતના તાર અને બીજી કેટકેટલી ચીજો! આ બધું તેઓ કુશળતાથી વાપરી જાણતાં.

આ કારણે મિત્રોમાં તેઓ 'કબાડીવાલા' તરીકે જાણીતાં બનેલાં. કોઈ પણ ચીજ તેમના માટે નકામી ન હતી. તેઓ કદી 'જાતે બનાવ્યું છે' કહીને ખોટો જશ ઉઘરાવવાનો પ્રયત્ન ન કરતાં, પણ પોતાને ખપ લાગે એ મુજબની ચીજ આબેહૂબ બનાવી લેતાં.

ઉંમરને કારણે તેમના પગની એક આંગળી બીજી આંગળી પર ચડી ગયેલી. આથી સામાન્ય સ્લીપર કે ચપ્પલ પહેરવામાં તેમને ઘણી મુશ્કેલી પડતી.

આનો ઉપાય તેમણે જાતે જ વિચાર્યો અને એ આંગળીઓ ભેરવી શકાય એવી સ્લીપર જાતે જ બનાવી. એના સોલ તરીકે ટ્રકના ટાયરમાં વપરાતી ટ્યૂબનો ઉપયોગ કરેલો.

આવી તો અનેકવિધ ચીજો તેઓ પોતાના માટે નવાં બનાવે, કાં તૈયાર મળતાં હોય તેમાં પોતાની જરૂરિયાત મુજબ ફેરફાર કરે. તેઓ કંઈ પણ સર્જન કરે, તેમનો 'સ્મૉલ, સીમ્પલ એન્‍ડ બ્યુટિફૂલ'નો મંત્ર તેમાં પ્રતિબિંબિત થયા વિના રહે નહીં.

શીખવા માટે ઉંમરનો કોઈ બાધ નથી હોતો એ હકીકતનું તેઓ મૂર્તિમંત ઉદાહરણ.

Image copyright Biren Kothari

એક વખત તેમને ત્યાં હું અને (મારી પત્ની) કામિની અમારી રાબેતા મુજબની મુલાકાતે ગયેલાં. થોડી વાર પછી હોમાય અંદર ગયાં અને ઓવનમાં મૂકવા માટે વપરાતી બિસ્કિટ ટ્રે લઈને બહાર આવ્યાં, જેમાં બે બિસ્કિટ મૂકી શકાય એમ હતું.

તેમણે અમારા હાથમાં એ મૂકી એટલે અમે જોઈ.

હોમાયે પૂછ્યું, 'આ કેટલા બિસ્કિટની ટ્રે હશે?' અમને સવાલ સમજાયો નહીં, એટલે તેમણે ફોડ પાડતાં કહ્યું, 'અસલમાં આ છ બિસ્કિટ માટેની ટ્રે હતી. એ મારા માટે વધુ પડતી મોટી પડે. એટલે મેં તેને કાપીને બેની કરી દીધી.'

તેમણે કહ્યું પછી મેં એ ટ્રેની ધાર જોઈ અને મને ખ્યાલ આવ્યો કે તે હેક્સોથી કપાયેલી હતી. પણ એટલી સફાઈપૂર્વક તેમણે એ કાપેલી કે ખ્યાલ જ ન આવે.

Image copyright Biren Kothari

દાદર ચડતાં લાકડાં અને તારની બનાવેલી એક ઝાંપલી ખોલીને જવું પડતું. આ ઝાંપલી હોમાયે જાતે બનાવેલી. તેઓ કહેતાં, 'હવે એ જરા હાલી ગઈ છે, એટલે ફરીથી એની પર કામ કરવું પડશે.' અને ફરી વખત અમે ગયાં, ત્યારે તેમણે એ સરખી કરી દીધી હતી.

કાને એમને ઓછું સંભળાતું હોવાથી શરૂમાં તેમણે મોબાઇલ ફોન બાબતે બહુ ધ્યાન નહીં આપેલું, પણ એના વિશે જાણવાની જિજ્ઞાસા સંતોષી લીધેલી. એનાથી શું શું થઈ શકે એ બધું પૂછ્યું

થોડા સમય પછી તેમણે મોબાઇલ ફોન ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી, ત્યારે તેમની વય 92-93 ની હશે. અમે તેમને મોબાઇલ ફોન ખરીદી આપ્યો.

ઘણી મથામણ પછી, મૅન્યુઅલમાં વાંચી વાંચીને, ક્યારેક ભૂલથી ખોટેખોટા કૉલ લાગી જાય તો અમને ઊંચાનીચા કરીને પણ છેવટે તેઓ મોબાઇલ વાપરતાં શીખી ગયાં.

હોમાયને ટેક્સ્ટ મૅસેજમાં બહુ ફાવટ આવી ગઈ. તેથી અમારો વ્યવહાર ફોન કરતાં ટેક્સ્ટ મૅસેજથી વધુ ચાલવા લાગ્યો. પછી તો છેક જમશેદપુર રહેતી પુત્રવધૂ ધનની સાથે પણ એમનો વ્યવહાર એસ.એમ.એસ. દ્વારા જ ચાલતો.

Image copyright Biren Kothari

છેલ્લાં ત્રણ-ચાર વરસથી મારો મિત્ર પરેશ પ્રજાપતિ એમના ઘરની નજીક રહેવા આવ્યો. પોતાની નિષ્ઠા અને નેકીથી એણે હોમાયબેનના દિલમાં બહુ ટૂંકાગાળામાં એવું સ્થાન પ્રાપ્ત કરી લીધું.

હોમાયબેન કહેતાં,"ખોદાયજીએ એવનને મારે વાસ્તે જ અહીં મારા ઘરથી નજીક મોકલ્યા છે."

યોગાનુયોગ એવો છે કે પરેશની પત્ની પ્રતિક્ષાનો જન્મદિન પણ આ જ દિવસે છે, એટલે હોમાયબેનને ત્યાં જ કેક કાપવાનો તેમનો ક્રમ થઈ ગયેલો.

હોમાય એકલાં હતાં, પણ કદી એકલવાયાં નહોતાં. કોઈ આગોતરી જાણ કર્યા વિના ટપકી પડે તો તેઓ સ્પષ્ટ રીતે અણગમો પ્રગટ કરતાં.

પોતાની અવસ્થાની કોઈ દયા ખાય એ તો એ ચલાવી જ શી રીતે લે? તેમને મળવા આવનાર કોઈ ફળો લઈને આવે તો તેઓ અકળાઈને કહેતાં, 'તમે મને 'સીક' સમજો છો?'

Image copyright Biren Kothari

તેમને ફૂલો બહુ પસંદ હતાં, પણ પોતાને મળતાં બુકે અને એ નિમિત્તે થતા પુષ્પોના વેડફાટ સામે તીવ્ર અણગમો.

છેવટે તેમણે ગુલાબમાંથી ગુલકંદ બનાવવાની રીત શીખી લીધી અને પોતાને મળતા બુકેમાં આવતાં ગુલાબનો સદુપયોગ કરવા લાગ્યાં.

ઈકેબાના હોમાયને બહુ પ્રિય હતું. એક વખત મારે ઘેર તેઓ આવ્યાં ત્યારે અમે તેમને ઈકેબાના શીખવવા કહ્યું. મુશ્કેલી એ હતી કે મારે ત્યાં ફૂલોવાળા છોડ નહિવત્ હતા. તેઓ ગયાં અને જાતે કેટલીક ડાળીઓ તેમજ પાંદડા મારા બગીચામાંથી તોડી લાવ્યાં.

હોમાય તેને ગોઠવતાં ગોઠવતાં તેની ટીપ્સ આપતાં ગયાં અને ઈકેબાનાનો પાયાનો સિદ્ધાંત જણાવતાં કહ્યું, 'બહુ બધાં ફૂલો હોય તો જ ઈકેબાના કરી શકાય એ માન્યતા સાવ ખોટી છે.' અમારી વચ્ચે વિવિધ પ્રકારના રોપાઓની લેવડદેવડ નિયમીતપણે ચાલતી રહેતી.

Image copyright Biren Kothari

પોતાના ભવ્ય ઇતિહાસનો કે દીર્ઘ જીવનનો તેમને કદી ભાર નહોતો કે તે અંગે વાત પણ તેઓ ભાગ્યે જ કરતાં. પણ વાતવાતમાં ક્યારેક તેઓ એવું કશું કહી દે કે જીવન જીવવાની ગુરુચાવી મળી જાય.

શોખ વિશે એક વાર તેમણે કહેલું, 'દરેકે હાથ વડે કામ થઈ શકે એવા એક બે શોખ વિકસાવી રાખવા જોઇએ. કારકિર્દીમાં સમય ન મળે, પણ પછી પાછલી અવસ્થામાં એ બહુ મદદરૂપ બની રહે છે.'

જીવન પ્રત્યે કોઈ પણ જાતની ફરિયાદ તેમના મોંએ સાંભળી નથી. ક્યારેક તેઓ કહેતાં, 'ખોદાયજીએ મને આંય મોકલી તો મારી સંભાલ લેવાની જવાબદારી પન એવનની જ છે, એમ હું માનું છું.'

મારો તેમની સાથે પરિચય થયો ત્યારે જ તેમની ઉંમર 88-89ની હશે. આ પરિચય બહુ ઝડપથી પારિવારિક મૈત્રીમાં ફેરવાયો ત્યારે અમારો સાથ કેટલાં વર્ષ ટકશે એ શંકા હતી.

આમ છતાં, દસ-બાર વર્ષ એ લાભ મળી શક્યો. તેમનું દેહાવસાન થઈ શકે, પણ જીવન આખું સભર બની રહે એવી સ્મૃતિઓથી તેઓ અમારા મનોજગતમાં જીવંત રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા