હાર્દિક પટેલનો ભલે દાવો હોય પણ ‘EVMનું હેકિંગ અશક્ય’

ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન
ફોટો લાઈન ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારથી લઈને પરિણામના દિવસ સુધી EVM સાથે ચેડાં થતાં હોવાની વાતથી સતત વિવાદ થતો રહ્યો છે. આજે પરિણામના દિવસે પણ હાર્દિક પટેલે ભાજપની જીત ભલે સ્વીકારી પરંતુ તેમાં પણ તે EVMમાં ચેડાં થયા હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે હજી પણ તંત્રનો દાવો છે કે, EVM સાથે ચેડાં શક્ય નથી.

પરિણામ બાદ હાર્દિક પટેલે કહ્યું હતું કે, અમદાવાદ, સુરત અને રાજકોટમાં જે બેઠકો પર જીતનું અંતર ઓછું રહ્યું છે, ત્યાં EVM વિશે શંકા છે.

હાર્દિક પટેલે કહ્યું કે, "તમે મને પૂછો કે જે પાટીદાર વિસ્તારોમાં તમારી રેલીઓમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી હતી, ત્યાં તમારો જાદુ કેમ ન ચાલ્યો?

"હું કહીશ કે EVM સાથે છેડછાડ કરી ભાજપે જીત મેળવી છે."

તમને આ વાંચવું પણ ગમશે:

ગુજરાત વિધાન સભાની ચૂંટણીમાં જ્યારે પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ થયું, ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) ખામીયુક્ત હોવાની ફરિયાદો મળી.

એટલું જ નહીં કોંગ્રેસ પક્ષના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ પોરબંદરમાં બ્લૂ-ટુથ ટેક્નોલોજીના માધ્યમથી ચેડા થઈ રહ્યા હોવાનું નિવેદન પણ કર્યું .


Image copyright Getty Images

આ વિશે ગોવાના મુખ્ય ચૂંટણી અધિકારી કુણાલે દાવો કર્યો હતો કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ) ફૂલ-પ્રૂફ છે અને તેમાં કોઈ પણ રીતે ગડબડ કરવી શક્ય નથી.

બીબીસી સાથે વાત કરતાં કુણાલે કહ્યું હતું, ''ઈવીએમ ચીપ આધારિત મશીન છે. તેને માત્ર એક વખત પ્રોગ્રામ કરી શકાય છે.

એ પ્રોગ્રામ મારફત જ તમામ ડેટા સ્ટોર કરી શકાય છે, પણ એ ડેટાની કોઈ પણ પ્રકારની કનેક્ટિવિટી હોતી નથી.''

તેથી ઈવીએમનું હેકિંગ કે રિપ્રોગ્રામિંગ શક્ય નથી અને ઈવીએમ સંપૂર્ણપણે સલામત છે.

ઈવીએમમાં મત સીરિયલ નંબરથી સ્ટોર થતા હોય છે. તેને પક્ષને આધારે સ્ટોર કરવામાં આવતા નથી.


સલામતીની સજ્જડ વ્યવસ્થા

ફોટો લાઈન ઈવીએમની દરેક તબક્કે કરવામાં આવે છે ચકાસણી

કુણાલે ઉમેર્યું હતું, “તમામ ઈવીએમ મશીન મુખ્ય ચૂંટણી અધિકારી એટલે કે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા કલેક્ટરના નિયંત્રણ હેઠળ હોય છે.

સલામતી દળો તેના પર 24 કલાક નજર રાખતાં હોય છે.

દરેક ઉમેદવારને તેના પ્રતિનિધિને ત્યાં હાજર રાખવાનો અધિકાર હોય છે.”

કુણાલના જણાવ્યા અનુસાર, ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં મોકલવામાં આવે છે અને એ કામ કેન્દ્રીય સલામતી દળોની દેખરેખમાં થાય છે.

મશીનોને લોક કરવાનો, તેના પર સહી કરવાનો, મહોર લગાવવાનો અથવા પોતાના પ્રતિનિધિને મશીન સાથે મોકલવાનો અધિકાર પણ દરેક ઉમેદવારને હોય છે.

ઉમેદવારો ઈચ્છે તો સ્ટ્રોંગ રૂમ બહાર પણ તેમના પ્રતિનિધિને હાજર રાખી શકે છે.

બધાં ઈવીએમને એક જગ્યાએ એકઠાં કરીને તેમની યાદી બનાવવામાં આવે છે અને પછી મતગણતરી માટે મોકલવામાં આવે છે.

આ સમગ્ર કામગીરી ઉમેદવારોના પ્રતિનિધિઓની હાજરીમાં થતી હોય છે.


એન્જિનિઅર્સ કરે છે ચકાસણી

ફોટો લાઈન ઈવીએમનું ચેકિંગ બે સ્તરે ચેકિંગ કરવામાં આવે છે

કુણાલે એમ પણ કહ્યું હતું, ''ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ કે ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન લિમિટેડના એન્જિનિઅર્સ ઈવીએમની ચકાસણી કરે છે.

તેમાં ઉમેદવારોનાં નામ, તેમના ચૂંટણી ચિન્હ વગેરે પણ એ એન્જિનિઅર્સ જ ફીડ કરે છે.''

ઈવીએમ મતદાન માટે મોકલવામાં આવે ત્યારે વધુ એકવાર તેનું ચેકિંગ કરવામાં આવે છે, જે બીજા સ્તરને ચેકિંગ હોય છે.

કુણાલે કહ્યું હતું, ''ઉમેદવારોના નામનું સંકલન વર્ણમાળાને આધારે કરવામાં આવે છે.

રાષ્ટ્રીય પક્ષો, ક્ષેત્રીય પક્ષો અને અપક્ષ ઉમેદવારો એમ તેના ત્રણ સેટ હોય છે.

ઉમેદવારોનાં નામનું સંકલન પક્ષને આધારે નહીં, પણ નામને આધારે કરવામાં આવે છે.

તેમને મળેલા મતોની નોંધ પણ ક્રમાંકને આધારે થતી હોય છે. તેમાં કોઈ પણ રીતે ગડબડની શક્યતા હોતી નથી.''

કુણાલના જણાવ્યા અનુસાર, ઈવીએમને હેક કરવાનો દાવો કરતા તમામ લોકોને ચૂંટણી પંચે બોલાવ્યા હતા.

એ લોકો ઈવીએમને હેક કરી શક્યા ન હતા. તેથી હેકિંગનો દાવો હવે આધારવિહોણો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ