નેપાળ : ‘દર વર્ષે વેચવામાં આવે છે 12 હજાર છોકરીઓ’

નેપાળનો એક બારમાં નાચી રહેલા યુવતી
ફોટો લાઈન નેપાળના એક બારમાં નાચી રહેલા યુવતી

નેપાળના શહેરની આ ઝગમગાટભરી શેરીઓનો અંત કોઈને કોઈ ડાન્સ બાર પર જ થાય છે. સૂરજ આથમતાની સાથે એ ડાન્સ બાર્સમાં મહેફિલ શરૂ થાય છે.

સજીધજીને ફિલ્મી ગીતો પર ડાન્સ કરતી છોકરીઓ સાથે બીજા લોકો પણ નાચવા લાગે છે. રાત ઘેરાતી જાય છે અને લોકોનું એક અન્ય જૂથ ડાન્સ બારમાં દાખલ થાય છે.

એ લોકો છોકરીઓ ખરીદે છે અને બારમાં હાજર છોકરીઓની બોલી લગાવે છે. સોદો નક્કી થઈ જાય છે અને એ મહેફિલ સવાર સુધી આવી જ રીતે ચાલતી રહે છે.

આ રીતે ખરીદવામાં આવેલી છોકરીઓને પછી મોટાં શહેરોમાંના ડાન્સ બારોમાં લઈ જવામાં આવે છે.


વર્ષો જૂની સમસ્યા

ફોટો લાઈન નેપાળ પોલીસના પ્રવક્તા મનોજ નેઉપા

નેપાળમાં છોકરીઓની આ રીતે થતી હેરફેર નવી વાત નથી. 2015ના વિનાશકારી ધરતીકંપ બાદ છોકરીઓની હેરફેરમાં અચાનક થયેલા વધારાથી નેપાળ સરકાર અને ત્યાંની પોલીસની ચિંતા વધી ગઈ છે.

બીબીસીએ નેપાળ પોલીસના પ્રવક્તા મનોજ નેઉપાએ સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું, "નેપાળ પોલીસે આ નવેમ્બર સુધીમાં 2,700થી વધારે નેપાળી છોકરીઓને આવા ખરીદદારો અને દલાલોની ચૂંગાલમાંથી છોડાવી હતી.

"આ સમસ્યા કેટલી મોટી છે તેનો અનુમાન એ હકીકત પરથી કરી શકાય."


દુનિયાભરમાં ફેલાયેલી જાળ

ફોટો લાઈન ભારત-નેપાળ સીમા પરનું પ્રવેશ દ્વાર

મનોજ નેઉપાએ કહ્યું હતું, "માનવ તસ્કરીની આ જાળ બહુ મોટી છે અને એ નેપાળથી ભારત અને વિશ્વના અન્ય દેશો સુધી ફેલાયેલી છે.”

"માનવ તસ્કરીની વધતી ઘટનાઓને ધ્યાનમાં લઈને નેપાળ પોલીસે વિશેષ વિભાગની રચના કરી છે. અમને સફળતા મળે છે, પણ જોઇએ એટલી સફળતા મળી નથી."

એક અમેરિકન સંસ્થાના એક અહેવાલ અનુસાર, નેપાળની 12,000 છોકરીઓ દર વર્ષે માનવ તસ્કરીનો શિકાર બને છે.

રોજ નેપાળથી 4,000 છોકરીઓ સીમા પાર કરીને ભારત જતી હોવાનું પણ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

ભારત અને નેપાળની 1,751 કિલોમીટર લાંબી સીમાની સુરક્ષા સશસ્ત્ર સીમા બળ પાસે છે. તેના અધિકારીઓનું માનવું છે કે, માનવ તસ્કરી રોકવાનું મુશ્કેલ જ નહીં, અશક્ય છે.


પુખ્ત વયની છોકરીઓને અટકાવવી મુશ્કેલ

ફોટો લાઈન ભારત-નેપાળ સીમાના પ્રવેશ દ્વાર કરવામાં લોકોની જડતી લેવામાં આવે છે.

ઉત્તર પ્રદેશના ગોરખપુર સાથેની સોનૌલી બોર્ડર પર ફરજ બજાવતા નાયબ અધિકારી દિલીપકુમાર ઝા સાથે બીબીસીએ વાત કરી.

તેમણે કહ્યું, "પુખ્ત વયની હોય અને પોતાની મરજીથી સરહદ પાર કરતી હોય એવી છોકરીઓને રોકવાનું મુશ્કેલ છે. ઘણી છોકરીઓ તેમનાં સગાસંબંધી સાથે હોય છે."

ઝાએ ઉમેર્યું, "આ છોકરીઓ માનવ તસ્કરીનો શિકાર બને છે એ અમે જાણીએ છીએ. તેમ છતાં અમે કંઈ કરી શકતા નથી, કારણ કે મોટાભાગે તેમની પાસે યોગ્ય દસ્તાવેજો હોય છે અને છોકરીઓ પુખ્ત વયની હોય છે.”

“અમારી શંકા દ્રઢ હોય એવા કિસ્સામાં ઘણી છોકરીઓને નેપાળ પોલીસના કે નેપાળી સામાજિક સંગઠનોને હવાલે કરી દઈએ છીએ, આ સમસ્યા ઘણી મોટી છે."

“નેપાળના અધિકારીઓ તથા ભારતીય સીમા સુરક્ષા દળના જણાવ્યા અનુસાર, આ સમસ્યાનું સૌથી મોટું કારણ ગરીબી છે.”

નેપાળના અંતરિયાળ વિસ્તારોમાં રોજગારના પૂરતાં સાધનો ઉપલબ્ધ ન હોવાથી લોકો મોટા પ્રમાણમાં અન્યત્ર જઈ રહ્યા છે.


સુનીતા દાનુવરની કથા

ફોટો લાઈન માનવ તસ્કરીનો ભોગ બનેલી છોકરી સ્વદેશ પાછી ફરે છે તો પરિવાર કે સમાજ તેમને અપનાવતો નથી.

સુનીતા દાનુવર નાની વયમાં જ માનવ તસ્કરીનો શિકાર બન્યાં હતાં. તેમને મુંબઈ લઈ જવામાં આવ્યાં હતાં.

ત્યાં સુનીતા પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને તેને દેહવ્યાપારમાં ધકેલી દેવામાં આવ્યાં હતાં.

જોકે, એક દિવસ પોલીસે દરોડો પાડ્યો અને ત્યાંથી મળી આવેલાં સુનીતાને નેપાળ પરત મોકલી આપ્યાં. આ બધું ભારતનાં મહાનગરો સુધી જ મર્યાદિત નથી.

સુનીતાએ જણાવ્યું હતું કે નેપાળી છોકરીઓને ચીન, શ્રીલંકા અને આરબ દેશોમાં પણ વેચી નાખવામાં આવે છે.

એ દેશોમાં નેપાળી છોકરીઓને દેહ વ્યાપાર અપનાવવા મજબૂર કરવામાં આવે છે.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
નેપાળ : માનવ તસ્કરીનો શિકાર બનેલી પીડિતાઓને એક મહિલા આપે છે આશ્રય

જોકે, માનવ તસ્કરીનો ભોગ બનેલી છોકરી સ્વદેશ પાછી ફરે છે ત્યારે પણ તેમની પીડાનો અંત આવતો નથી.

સ્વદેશમાં તેમને તેમનો પરિવાર કે સમાજ ફરી અપનાવતો નથી.

કાઠમાંડુના એક પુનર્વસન કેન્દ્રમાં રહેતી એક પીડિતાએ કહ્યું હતું, "મને સારી નોકરીની લાલચ આપીને દિલ્હી લઈ જવામાં આવી હતી.”

"હું દિલ્હી પહોંચી ત્યારે મને એક નાનકડા, ગંદા ઓરડામાં રાખવામાં આવી હતી. એ ઓરડામાં બીજી નેપાળી છોકરીઓ પણ હતી.”

"હું મજબૂર હતી અને મને બળજબરીથી વેશ્યા વ્યવસાયમાં ધકેલવામાં આવી હતી. મહિનાઓ સુધી સબડ્યાં બાદ હું ત્યાંથી ભાગી શકી હતી."

એક અન્ય નેપાળી છોકરી પણ માનવ તસ્કરીનો શિકાર બની હતી.

તેણે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે તેને લગ્નની લાલચ આપીને લઈ જવામાં આવી હતી અને દેહ વ્યાપારમાં ધકેલી દેવામાં આવી હતી.

એ છોકરીએ કહ્યું હતું, "હું એક છોકરાને પ્રેમ કરતી હતી. તેણે મને મુંબઈમાં બહેતર જિંદગીની ખાતરી આપી હતી.”

"હું તેની સાથે દિલ્હી પહોંચી ત્યારે એ મને એક વયોવૃદ્ધ પુરુષના હવાલે કરીને ભાગી છૂટ્યો હતો.”

"એ શખ્સે મારા પર દુષ્કર્મ કર્યું હતું, પછી હું દેહ વ્યાપારમાં ધકેલાઈ ગઈ હતી."


પીડિતાએ બનાવ્યું સામાજિક સંગઠન

ફોટો લાઈન પીડિત છોકરીઓના પુનર્વસનનું કામ શરૂ થયું છે

સુનીતા દાનુવર કેમેરા સામે આવીને આપવીતી સંભળાવવામાં ખચકાતાં નથી. એટલું જ નહીં સુનીતાએ એક સામાજિક સંગઠન બનાવ્યું છે અને પીડિત છોકરીઓનાં પુનર્વસનનું કામ શરૂ કર્યું છે.

સુનીતા કહે છે, "પીડિત છોકરીઓ બહાર જઈને નોકરી કરી શકે અને ગુજરાન ચલાવી શકે એટલા માટે અમે શરૂઆતમાં તેમને ટ્રેનિંગ આપતાં હતાં.

"ટ્રેનિંગ પામેલી છોકરીઓ ગુજરાન ચલાવતી થઈ ગઈ હતી, પણ એ છોકરીઓ માનવ તસ્કરીનો શિકાર થયેલી છે એવી લોકોને ખબર પડી પછી લોકો છોકરીઓનો લાભ લેવાના પ્રયાસ કરવા લાગ્યા હતા.”

"હવે અમે પીડિતાઓ માટે અહીં જ રોજગારની તક વધારવાના પ્રયાસ કરી રહ્યા છીએ."

નેપાળમાં પૂરતાં સંસાધનો નથી એટલે પીડિત છોકરીઓએ વધારે સંઘર્ષ કરવો પડે છે. કેટલાંક સામાજિક સંગઠનો પીડિત છોકરીઓને ફરી મુખ્યધારામાં લાવવાના પ્રયાસ કરી રહ્યાં છે.

અલબત, દેહ વ્યાપારમાં ધકેલવામાં આવેલી આ નેપાળી છોકરીઓનાં આત્મા પર લાગેલા ઘા તેમને આજીવન પીડા આપતાં રહેશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો