2,900 કરોડ રૂપિયાનું પેન્ટિંગ અબુધાબી મ્યુઝિયમમાં કેમ?

લિયોનાર્દો દ વિંચીએ બનાવેલું પેન્ટિંગ Image copyright LOUVRE ABU DHABI
ફોટો લાઈન લિયોનાર્દો દ વિંચીએ બનાવેલું પેન્ટિંગ

ઇટાલીના અવ્વલ કળાકાર લિયોનાર્દો દ વિંચીએ બનાવેલું જિસસ ક્રાઇસ્ટનું 500 વર્ષ પુરાણું પેન્ટિંગ લૂવ્ર અબુધાબી મ્યુઝિયમમાં મોકલવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં જ શરૂ થયેલા 'લૂવ્ર અબુધાબી મ્યુઝિયમ'એ આ જાહેરાત ટ્વિટર પર કરી હતી.

એ પેન્ટિંગને આ મહિનની શરૂઆતમાં યોજાયેલી લિલામીમાં ખરીદવામાં આવ્યું હતું કે કેમ તેની સ્પષ્ટતા મ્યુઝિયમે કરી નથી.

તમને આ પણ વાંચવું ગમશે


2,900 કરોડ રૂપિયામાં લિલામ

Image copyright Getty Images
ફોટો લાઈન લિયોનાર્દો દ વિંચીએ બનાવેલું જિસસ ક્રાઈસ્ટનું 500 વર્ષ પુરાણું પેન્ટિંગ

'સલ્વાટોર મુંદી' અથવા 'દુનિયાના રક્ષક' નામના એ પેન્ટિંગનું લિલામ ન્યૂ યોર્કમાં થયું હતું.

પેન્ટિંગ 450 મિલિયન ડોલરની વિક્રમસર્જક કિંમતે વેચાયું હતું. ભારતીય ચલણમાં ગણતરી કરીએ તો પેન્ટિંગનું મૂલ્ય 2900 કરોડ રૂપિયા થાય છે.

તેને કળાના ક્ષેત્રમાં થયેલું અત્યાર સુધીનું સૌથી મોંઘું લિલામ કહી શકાય.

20 મિનિટ સુધી ચાલેલા લિલામમાં એક અજ્ઞાત ગ્રાહકે ટેલિફોન મારફત બોલી લગાવીને પેન્ટિંગ ખરીદ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયાના પ્રિન્સે પેન્ટિંગ ખરીદ્યું હતું.


કોણે ખરીદ્યું પેન્ટિંગ?

ન્યૂ યોર્ક ટાઈમ્સના એક અહેવાલ મુજબ, સાઉદી અરેબિયાના પ્રિન્સ બાબર બિન અબ્દુલ્લા બિન મોહમ્મદ બિન ફરહાન અલ સઉદે આ પેન્ટિંગ ખરીદ્યું હતું.

કેટલાંક દસ્તાવેજોનો હવાલો આપીને અખબારે આ સમાચાર પ્રકાશિત કર્યા હતા.

લિયોનાર્દો દ વિંચીનું મૃત્યુ ઈ.સ. 1519માં થયું હતું. હાલ તેમનાં 20થી ઓછાં પેન્ટિંગ યથાવત હોવાનું માનવામાં આવે છે.

લિયોનાર્દો દ વિંચીએ 'સલ્વાટોર મુંદી' પેન્ટિંગ ઈ.સ. 1505માં બનાવ્યું હોવાનું માનવામાં આવે છે.

કોઈ વ્યક્તિ માલિકી ધરાવતી હોય તેવું લિયોનાર્દો દ વિંચીનું આ કદાચ એકમાત્ર પેન્ટિંગ છે.


નમૂનેદાર મ્યુઝિયમ

Image copyright TWITTER@LOUVREABUDHABI
ફોટો લાઈન 'લૂવ્ર અબુધાબી મ્યુઝિયમ'ને ડિસેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવ્યું છે.

સંયુક્ત આરબ અમિરાતમાં 'લૂવ્ર અબુધાબી મ્યુઝિયમ' આ મહિનાના પ્રારંભે શરૂ કરવામાં આવ્યું હતું.

આ મ્યુઝિયમનું નિર્માણ એક અબજ પાઉન્ડ એટલે કે અંદાજે 863 કરોડ રૂપિયાના ખર્ચે દસ વર્ષના સમયગાળામાં કરવામાં આવ્યું છે.

આ મ્યુઝિયમમાં 600 કળાકૃતિઓ સ્થાયી સ્વરૂપે મૂકવામાં આવી છે, જ્યારે 300 આર્ટવર્ક ફ્રાન્સ પાસેથી ઉછીના લઈને રાખવામાં આવ્યાં છે.

પેરિસના વિશ્વવિખ્યાત 'લૂવ્ર મ્યુઝિયમ'ની મદદ વડે આ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી છે.

ઉધાર લેવામાં આવેલી કળાકૃતિઓ, 'લૂવ્ર' નામ અને સંચાલન સંબંધિત સેવાઓ માટે અબુધાબી મ્યુઝિયમ પેરિસના મ્યુઝિયમને અબજો રૂપિયા આપે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો