ઝાયરા વસીમ: એ શખ્સ પોતાનો પગથી ગળા અને પીઠને સ્પર્શી રહ્યો હતો

ઝાયરાનો ફોટો Image copyright PTI

'દંગલ' અને 'સિક્રેટ સુપરસ્ટાર' ફિલ્મમાં આમિર ખાન સાથે અભિનય કરનારી અભિનેત્રી ઝાયરા વસીમ સાથે ફ્લાઇટમાં છેડતી થઈ હોવાના અહેવાલ બહાર આવ્યા છે.

આ મામલે મુંબઈ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સ્થાનિક પત્રકાર સુપ્રિયા સોગલેના જણાવ્યા પ્રમાણે આરોપીનું નામ વિકાસ સચદેવ છે.

સોશિયલ મીડિયામાં તેમણે આ અંગે એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને ફ્લાઇટમાં પાછળની સીટ પર બેઠેલા મુસાફર પર છેડતીનો આરોપ મૂક્યો હતો.

તમને આ વાંચવું પણ ગમશે:

ઝાયરા આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવવા ઇચ્છતાં હતાં, પરંતુ લાઇટની ઉણપનાં કારણે શક્ય બન્યું ન હતું.

તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરી જણાવ્યું, "હું વિસ્તારા એરલાઇન્સની દિલ્હી-મુંબઈ ફ્લાઇટમાં સફર કરી હતી અને ફરિયાદ કરવા છતાંય એરલાઇન્સનાં કર્મચારીઓએ કોઈ પગલા લીધા નહોતા."

વીડિયોમાં પોતાની વાત રજૂ કરતાં ઝાયરા રડી પડ્યાં હતાં.

ઝાયરાએ વધુમાં લખ્યું હતું કે તેઓ ઊંઘમાં હતાં, ત્યારે તેમની પાછળ બેઠેલો શખ્સ પોતાના પગથી ઝાયરાનાં ગળા અને પીઠ પર સ્પર્શ કર્યો હતો.

આ અંગે વિસ્તારા એરલાઇન્સે નિવેદનમાં જણાવ્યું, "અમે ગત રાત્રીએ ફ્લાઇટમાં એક અન્ય યાત્રી દ્વારા ઝાયરા વસીમ સાથે ખરાબ વર્તન વિશેની જાણ થઈ છે.

"અમે આ મામલે તપાસ કરી રહ્યાં છીએ અને ઝાયરાની મદદ કરવાનો પ્રયત્ન કરીશું. અમે આવી ઘટનાને ક્યારેય હળવાશથી નહીં લઇએ."

મિસ વર્લ્ડ 2017નો ખિતાબ જીતનાર માનુશી છિલ્લરે ઝાયરાનો વીડિયો પોસ્ટ કરી પૂછ્યું, "લોકો આવું કઈ રીતે કરી શકે?"

ઝાયરાએ મુંબઈ પહોંચી સમગ્ર ઘટના અંગે એક વીડિયોમાં જણાવ્યું, "હું હાલમાં જ ફ્લાઇટમાંથી ઉતરી છું. હું તમને આ જણાવવા ઇચ્છું છું કે તે વ્યક્તિએ શું કર્યું.

"આ કોઈ રીત નથી. કોઈ છોકરી સાથે આવું વર્તન ન કરવું જોઈએ કેમ કે, તે ભયાનક છે. કોઈ છોકરી સાથે વર્તન કરવાની આ રીત અયોગ્ય છે.

"જ્યાર સુધી આપણે પોતાની મદદ કરવાનો નિર્ણય નહીં કરીએ, ત્યારસુધી કોઈ મદદ નહીં કરે. આ સૌથી ખરાબ વાત છે."

મુંબઈથી સ્થાનિક પત્રકાર સુપ્રિયા સોગલેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગે ઝાયરા સાથે થયેલી ઘટનાને શરમજનક જણાવી હતી અને નાગરિક ઉડ્ડયન નિયામકની કચેરીને આ વિશેની તપાસ કરવા જણાવ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો