CRPFના જવાને સાથીઓ પર વરસાવી ગોળીઓ, 4નાં મૃત્યુ

જવાનની સાંકેતિક તસવીર Image copyright CG KHABAR
ફોટો લાઈન CRPFના જવાને તેના સાથીઓ પર ગોળીઓ વરસાવી 4નો જીવ લીધો

છત્તીસગઢના માઓવાદ પ્રભાવિત બીજાપુર જિલ્લામાં CRPFના ચાર જવાનોની ગોળી મારી હત્યા થઈ છે.

પોલીસનું કહેવું છે કે CRPFના જ એક જવાને તેની AK-47થી ગોળીઓ વરસાવી હતી. તેમાં બે સબ ઇન્સ્પેક્ટર, એક આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અને એક કૉન્સ્ટેબલનું મૃત્યુ થયું છે.

આ હુમલામાં એક સિપાહી ઘાયલ પણ થયા છે, જેમને સારવાર અર્થે રાયપુરની હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

વિસ્તારના ડીઆઈજી પી સુંદરરાજના જણાવ્યા અનુસાર, "બીજાપુર જિલ્લાના બાંસાગુડા કેમ્પમાં CRPFની 168મી બટાલિયનમાં એક જવાન દ્વારા પોતાના સાથીઓ પર ગોળીઓ વરસાવવાની ઘટના સામે આવી છે."

"તેમાં CRPFના ચાર જવાનોનાં મૃત્યુ થયા છે. આ ઘટના પાછળ કારણ શું હતું તે અંગે તપાસ કરવામાં આવી રહી છે."

તમને આ પણ વાંચવું ગમશે


તણાવની વાત

Image copyright CG KHABAR
ફોટો લાઈન તપાસમાં જાણવા મળ્યું ગોળીઓ ચલાવવા વાળા જવાન સનત કુમાર તણાવમાં હતા

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ગોળીઓ ચલાવવા વાળા જવાન સનત કુમાર પોતાની ડ્યૂટીને કારણે તણાવમાં હતા.

આ બાબતે તેમનો અધિકારીઓ અને બીજા સહયોગીઓ સાથે ઝઘડો થયો હતો, જ્યારબાદ તેમણે આ પગલું ભર્યું હતું.

જવાન સનત કુમારની પોલીસે ધરપકડ કરી લીધી છે.

પોલીસના એક ઉચ્ચ અધિકારીનું કહેવું છે કે બસ્તર, બીજાપુર, દંતેવાડા, કાંકેર, કોડાગાંવ અને સુકમા એવા માઓવાદ પ્રભાવિત વિસ્તારો છે, જેમાં જવાનોની કામ કરવાની પરિસ્થિતિ ખૂબ જ પ્રતિકૂળ છે.

કામનું દબાણ, બીમારી, અધિકારીઓ સાથે ઝઘડો, સુવિધાઓમાં ખામી અને રજા ન મળવાને કારણે જવાનો તણાવમાં રહે છે.

આ પરેશાનીઓના કારણે જવાન જીવ લઈ રહ્યા છે અથવા તો જીવ આપી રહ્યા છે.

આ વર્ષે માત્ર ઑક્ટોબર મહિનામાં જ 36 જવાનોએ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ રેકોર્ડમાં અત્યાર સુધી આટલી મોટી સંખ્યામાં ક્યારેય જવાનોએ આત્મહત્યા નથી કરી.

આત્મહત્યાના આંકડા જણાવે છે કે ગત વર્ષે કુલ 12 જવાનોએ આત્મહત્યા કરી હતી. આ પહેલા વર્ષ 2015માં 6, 2014માં 7 અને 2013માં પાંચ જવાનોએ આત્મહત્યા કરી હતી.

આત્મહત્યા સિવાય માઓવાદીઓની સાથે અથડામણમાં સુરક્ષાબળના જવાનોની શહાદત પણ રાજ્ય સરકાર માટે ચિંતાનો વિષય છે.


'મારીશું અને શહીદ પણ થઈશું'

Image copyright CG KHABAR
ફોટો લાઈન પરેશાનીઓના કારણે જવાન જીવ લઈ રહ્યા છે અથવા તો જીવ આપી રહ્યા છે

આ વર્ષે સુરક્ષાબળોએ અલગ અલગ જગ્યાએ થયેલી અથડામણમાં 71 માઓવાદીઓને મારી નાખ્યા હતા.

પરંતુ આ અથડામણમાં શહીદ થયેલા જવાનોનો આંકડો પણ ઓછો નથી. છેલ્લા 11 મહિનામાં સુરક્ષાબળોએ 59 જવાન છત્તીસગઢમાં શહીદ થયા છે.

આ આંકડાઓમાં જો આત્મહત્યા કરનારાઓના આંકડા પણ જોડી દેવામાં આવે તો આ આંકડો 95 પર પહોંચી જાય છે.

આ વર્ષે રાજ્યના માઓવાદ પ્રભાવિત વિસ્તારમાં 27 સામાન્ય નાગરિકોનાં પણ મૃત્યુ થયા છે. પરંતુ ભારતીય પોલીસ સેવાના એક અધિકારી આ આંકડાઓ પાછળ પોતાના તર્ક રજૂ કરે છે.

નામ ન જણાવવાની શર્તે તેમણે કહ્યું, "બસ્તરમાં જવાન માઓવાદીઓનો મુકાબલો કરી રહ્યા છે, તેના માટે જાનહાનિ તો જોવા મળી રહી છે. મુકાબલો કરીશું તો મારીશું પણ અને શહીદ પણ થઈશું."

અધિકારીએ કહ્યું કે તેની પહેલા બસ્તરમાં થયેલી અથડામણો પર સતત સવાલ ઉઠતા રહ્યા છે.

ઘણા કેસ તો હાઈ કોર્ટ સુધી પણ પહોંચ્યા છે. પરંતુ આ વર્ષે આ પ્રકારના મામલાની સંખ્યા નહીંવત્ છે.


'2022 સુધી છત્તીસગઢને નક્સલવાદ કરવાનું લક્ષ્ય'

Image copyright CG KHABAR
ફોટો લાઈન રાજ્યના ગૃહમંત્રી રામસેવક પૈંકરા પણ માને છે કે રાજ્યમાં સુરક્ષાબળના જવાન માઓવાદીઓને પડકાર આપી રહ્યા છે

રાજ્યના ગૃહમંત્રી રામસેવક પૈંકરા પણ માને છે કે રાજ્યમાં સુરક્ષાબળના જવાન માઓવાદીઓને પડકાર આપી રહ્યા છે, માઓવાદીઓ પર દબાણ વધી રહ્યું છે.

પૈંકરા કહે છે, "નક્સલી ગભરાઈને ઘટનાઓને અંજામ આપી રહ્યા છે પરંતુ રાજ્યની રમણ સિંહની સરકારે 2022 સુધી રાજ્યને નક્સલમુક્ત કરવાનો નિર્ણય લીધો છે."

"આ દિશામાં અમે ઝડપથી કામ કરી રહ્યા છીએ. તમે જોશો, અમે અમારા લક્ષ્યમાં સફળ થઈશું."

જો કે વર્ષ 2013માં પણ રાજ્ય સરકારે છત્તીસગઢને 2018 સુધી નક્સલવાદમુક્ત કરવાનો દાવો કર્યો હતો.

પરંતુ પરિસ્થિતિ હજુ પણ નથી બદલાઈ. તેવામાં ગૃહમંત્રી રામસેવક પૈંકરાના દાવા પર વિશ્વાસ કરવા માટે હાલ તો આગામી ચાર વર્ષ સુધી રાહ જોવી પડશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો