પટનાની મહિલા કૉલેજોમાં જીન્સ કેમ નથી પહેરતી વિદ્યાર્થિનીઓ?

કૉલેજની વિદ્યાર્થિનીઓ Image copyright PWC/BBC
ફોટો લાઈન પટનાની કૉલેજોમાં મહિલાઓના જીન્સ પહેરવા તેમજ લિપસ્ટિક લગાવવા પર પ્રતિબંધ લગાવાયો છે

કૉલેજની વિદ્યાર્થિનીઓએ શું પહેરવું જોઈએ? તેમણે મેકઅપ કરવો જોઈએ કે નહીં? શું મહિલાઓ જીન્સ અથવા તો લેગિંગ્સ પહેરે છે તો છેડતીને પ્રોત્સાહન મળે છે?

આ ચર્ચાઓ હાલ પટનાની મહિલાઓ કૉલેજોમાં ચાલી રહી છે. પરંતુ આ ચર્ચાઓ વિદ્યાર્થિનીઓની વચ્ચે નહીં, કૉલેજના સત્તાધિશો વચ્ચે ચાલી રહી છે.

આ ચર્ચાઓનું પરિણામ એ બહાર આવ્યું છે કે પટનાની સર્વશ્રેષ્ઠ કૉલેજોમાંથી એક મગધ મહિલા કૉલેજમાં જીન્સ અને લેગિંગ્સ પહેરવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

એટલું જ નહીં, વિદ્યાર્થિનીઓને સલાહ આપવામાં આવી છે કે લિપસ્ટિક અને આઈ લાઇનર લગાવીને કૉલેજ ન આવે.

વિદ્યાર્થિનીઓ માટે એક ડ્રેસ કોડ પણ નક્કી કરી દેવાયો છે- સલવાર, કુરતી, દુપટ્ટો અને કૉલેજનું બ્લેઝર.

આ સિવાય તેઓ કંઈ પહેરે છે તો તેમને કૉલેજમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

તમને આ પણ વાંચવું ગમશે


'કો-એડ કૉલેજોમાં આવી પાબંદી નથી'

Image copyright ALKA/SHAMBHAVI/BBC
ફોટો લાઈન મહિલા કૉલેજમાં નિયમો પાળવા માટે વિદ્યાર્થિનીઓને મજબૂર કરાય છે

આ પરિસ્થિતિ માત્ર મગધ મહિલા કૉલેજની નથી. પટના વૂમેન્સ કૉલેજમાં પણ આ જ પ્રકારના નિયમ વિદ્યાર્થિનીઓ પર લાગુ થાય છે.

આ નિર્ણય કડકાઈ સાથે લાગુ કરવામાં આવે છે. વિદ્યાર્થિનીઓ કાર્યવાહીના ડરથી તેનો વિરોધ નથી કરતી.

બીબીસીએ આ વિષય પર ઘણી વિદ્યાર્થિનીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ કંઈ બોલવા તૈયાર ન થઈ.

પટના વૂમેન્સ કૉલેજમાંથી આ વર્ષે પાસ થયેલી શામ્ભવી શોભના અને અલકાએ બીબીસીને પોતાના અનુભવો જણાવ્યા હતા.

શામ્ભવી કહે છે, "આવા પ્રતિબંધો પટનાની કો-એડ કૉલેજમાં નથી જોવા મળતા."

"પણ પટના વુમેન્સ કૉલેજમાં આ પ્રકારના પ્રતિબંધોને પાળવા માટે વિદ્યાર્થિનીઓને મજબૂર કરાય છે. વિદ્યાર્થિનીઓએ પણ તે સહન કરવું પડે છે."

અલકા કહે છે, "અમે એક મહિલા કૉલેજમાં ભણી રહ્યાં છીએ તો ત્યાં યુવકો તો હશે નહીં. માહોલ સુરક્ષિત હોય છે તો પછી શા માટે પહેરવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે?"


કૉલેજના તર્ક

ફોટો લાઈન કૉલેજનું કહેવું છે કે આ નિયમ ધનવાન અને ગરીબો વચ્ચે ભેદભાવ મિટાવવા માટે લાગુ કરાયા છે

જીન્સ અને લેગિંગ્સ પર રોક લગાવવા પાછળ કૉલેજના સત્તાધિશોના પોતાના તર્ક છે.

મગધ મહિલા કૉલેજના પ્રધાનાચાર્યા ડૉ. શશિ શર્મા કહે છે કે આ કોઈ નવો નિર્ણય નથી.

તેઓ કહે છે, "આ ડ્રેસ કોડ પહેલેથી જ લાગુ છે, મેં બસ તેને ફરી એક વખત લાગુ કર્યો છે. ડ્રેસ કોડ ધનવાન અને ગરીબ વિદ્યાર્થિનીઓ વચ્ચે ભેદભાવ મિટાવવાના ઉદ્દેશ્યથી લાગુ કરાયો છે."

તેઓ દાવો કરે છે કે તેને વિદ્યાર્થિનીઓની માંગ પર લાગુ કરાયો છે.

આ તરફ પટના વુમેન્સ કૉલેજના મીડિયા કો-ઓર્ડિનેટર મિનતી ચકલાનવિસ પણ આ જ પ્રકારના વિચાર રજૂ કરે છે.

આ બન્ને અધિકારીઓને જ્યારે પૂછવામાં આવ્યું કે ડ્રેસ કોડમાં જીન્સ કે લેગિંગ્સને સામેલ કેમ નથી કરાઈ, તે પણ એક પહેરવેશ છે. તો આ મુદ્દા પર બન્નેમાંથી કોઈએ કંઈ ન કહ્યું.

વિદ્યાર્થિનીઓ ડ્રેસ કોડનું પાલન કરે તેની તપાસ માટે કૉલેજોમાં સ્ટૂડન્ટ કેબિનેટ પણ સક્રીય રહે છે.

મગધ મહિલા કૉલેજની સ્ટૂડન્ટ કેબિનેટના વર્તમાન સાંસ્કૃતિક સચિવ નેહા કુમારી કહે છે કે જો છોકરીઓ જીન્સ કે લેગિંગ્સ પહેરે છે તો છેડતીની શક્યતા વધી જાય છે.

તેનું કારણ છે કે કપડાં શરીર સાથે ચોટી જાય છે અને ભડકાઉ લાગે છે.


'પિતૃસત્તા વિચારોને પ્રોત્સાહન આપે છે કૉલેજ'

Image copyright MMC/PWC/BBC
ફોટો લાઈન મગધ મહિલા કૉલેજ અને પટના મહિલા કૉલેજમાં વિદ્યાર્થિનીઓના પહેરવેશ મામલે કાયદા છે

છેડતીનો શિકાર થવાની શક્યતા પર અલકા કહે છે કે દરેક પ્રકારના પ્રતિબંધો વિદ્યાર્થિનીઓ પર થોપવામાં આવે છે. છોકરાઓને કંઈ પણ કહેવામાં આવતું નથી.

અલકા એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહે છે, "એક વખત હું સવારે છ વાગ્યે બહાર જઈ રહી હતી. મેં પંજાબી ડ્રેસ પહેર્યો હતો. તે છતાં મને એક યુવકે ખૂબ હેરાન કરી હતી."

"હંમેશા છોકરીઓને જ કેમ શરીર ઢાંકવા માટે કહેવામાં આવે છે. 21મી સદીમાં પણ લોકો આમ વિચારે છે, તે તો ખોટું છે."

આ તરફ શામ્ભવી શોભના માને છે કે આ પ્રકારના ડ્રેસ કોડ લાગુ કરીને મહિલા કૉલેજ પિતૃસત્તા વિચાર ધરાવતા સમાજના એજેન્ડાને પ્રોત્સાહન આપે છે.

એ પ્રથાને હવે તોડવાની જરૂર છે.


'સરકાર હસ્તક્ષેપ કરે'

Image copyright SEETU TIWARI/BBC
ફોટો લાઈન મહિલાઓ મુખ્યમંત્રી નીતિશ કુમારના હસ્તક્ષેપની માગ કરે છે

ઑલ ઇન્ડિયા પીપલ વેલફેર એસોસિએશનના રાષ્ટ્રીય મહાસચિવ મીના તિવારી કહે છે કે બિહાર સરકાર એક તરફ છોકરીઓની આશાઓને સાઇકલના માધ્યમથી પ્રોત્સાહન આપી રહી છે.

બીજી તરફ મહિલા કૉલેજ આ પ્રકારના નિર્ણય લઈને તેમની પાંખો કાપવાના પ્રયાસ કરે છે.

તેઓ કહે છે, "આજે મહિલાઓની સ્વતંત્રતાની વાત ચાલી રહી છે અને શિક્ષણ સંસ્થાઓ મહિલાઓની લિપસ્ટિક પર પણ પ્રતિબંધ મૂકી રહી છે."

મીના કહે છે કે આ વિચિત્ર વિચાર કે જેના અંતર્ગત મહિલાઓ શું પહેરે અને શું કરે, તેનો નિર્ણય બીજા કોઈ લે છે.

તેઓ આશા વ્યક્ત કરે છે કે બિહારના મુખ્યમંત્રી આ પ્રકારના નિર્ણય પર પ્રતિબંધ લગાવશે અને મહિલાઓને એક ઉત્તમ માહોલ મળશે.

શામ્ભવી અને અલકા માને છે કે સમાજમાં દરેક પ્રકારના પહેરવેશને પ્રોત્સાહન મળવું જોઈએ.

તેનાંથી લોકો બધા જ પ્રકારના પરિધાનોનો સહજતાથી સ્વીકાર કરી શકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો