નરેન્દ્ર મોદીનાં ભાષણોમાં હવે વિકાસ કેમ ખોવાયો?

મોદી Image copyright Getty Images

ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ રાજકીય પક્ષો હવે તેમનું તમામ જોર બીજા તબક્કાના મતદાન પર લગાવી રહી છે.

ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.

બીજા તબક્કાના પ્રચારમાં શું ખાસ વાત છે એ વિશે જાણીતા લેખક, રાજકીય વિશ્લેષક રાશિદ કિદવઈ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી હતી.

રાશિદ કિદવઈના કહ્યું કે બીજા તબક્કાના પ્રચારમાં મને લાગે છે કે વડા પ્રધાન વિકાસના મુદ્દાથી ભટકી ગયા છે.

તમને આ પણ વાંચવું ગમશે

અત્યારના તેમનાં ભાષણોમાં તેઓ જનતાને ઇમોશનલ કરી રહ્યા છે. હિંદુત્વની વાત કરી રહ્યા છે.

તેમની પાસે જનતાને આપવા માટે બીજા નવાં વચનો નથી રહ્યાં અને અત્યાર સુધી આપેલાં બધાં વચનો તેઓ હજી સુધી પૂરાં કરી પણ નથી શક્યા.


વ્યક્તિ કેન્દ્રિત પ્રચાર

Image copyright Getty Images

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એવી ફરિયાદ કરતા હતા કે કેન્દ્ર સરકાર ગુજરાત સાથે ઓરમાયું વર્તન કરે છે. એ કહેતા ગુજરાતના વિકાસમાં કેન્દ્ર સરકારની મદદ નથી મળતી.

પરંતુ હવે કેન્દ્ર સરકારમાં તેમની પોતાની સત્તા છે. તેઓ ધારે તો ગુજરાતની કાયા પલટ કરી શકે છે.

પરંતુ નવા પેકેજ, વિદેશી રોકાણ કે વિકાસની વાત કરવાના બદલે તેઓ લોકો સમક્ષ ભાવનાત્મક ભાષણો કરી રહ્યા છે.

તે જ્યાં પ્રચારમાં જાય છે ત્યા ઇમોશનલ કાર્ડ ફેંકે છે. તેઓ કહે છે 'હું ગુજરાતનો દીકરો છું' 'હું તમારો ભાઈ છું'. 'તમારો એક માણસ દિલ્હીમાં બેઠો છે.'

આવાં ભાષણો સાંભળીને લાગે છે કે રાજ્યમાં ચૂંટણી મુખ્યમંત્રી માટેની છે પણ પ્રચાર વ્યક્તિ કેન્દ્રિત થઈ રહ્યો છે.


ગુજરાતી કાર્ડ

Image copyright FB/NAMO

જ્યારે બીજી તરફ ગુજરાતમાં રાહુલ ગાંધી ગંભીર અને મજબૂત નેતાના રૂપમાં આગળ વધી રહ્યા છે.

ગુજરાત મોદીનું ઘર છે. આરએસએસનો ગઢ છે. આમ છતાં રાહુલ ગાંધીને જનસભાઓમાં વ્યાપક જનસમર્થન મળી રહ્યું છે.

રાહુલ ગાંધી ધારે તો ગુજરાતી કાર્ડ રમી શકે છે. તેમના દાદા ફિરોઝ ગાંધી પારસી હતા.

પારસી ગુજરાતી ભાષા જ બોલતા હોય છે. રાહુલ તેમના નામનો સહારો લઈને તેમનાં મૂળ પણ ગુજરાતમાં છે એવુ કહી શકે છે.

પરંતુ તેઓ આ વિશે વાત નથી કરી રહ્યા તેઓ લોકોના મુદ્દા અને સમસ્યાઓ પર વાત કરી છે. તેઓ ખેડૂતો અને બેરોજગારીના પ્રશ્નોની વાત કરી રહ્યા છે.


રાજનીતિક મર્યાદા

Image copyright FB/RG

આ પ્રશ્નો પર વડા પ્રધાન ચૂપ છે. તેમને ખેડૂતોની અને બેરોજગારીની સમસ્યા નથી દેખાતી તેઓ જનસભાઓમાં મણિશંકર ઐયરનો ઉલ્લેખ કરી સહાનુભૂતિ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

મણિશંકરની અભદ્દ ટિપ્પણી પછી કોંગ્રેસે પાર્ટીમાંથી તેમને તાત્કાલિક હાંકી કાઢ્યા.

આમ છતાં મોદીજી તેમની જનસભાઓમાં વારંવાર તે ઘટનાનો ઉલ્લેખ કરે છે.

એવું નથી કે આ પહેલાં કોઈ રાજનેતાની જીભ લપસી નથી. પરંતુ પહેલા બધા એક બીજાને ભૂલીને માફ કરી દેતા હતા.

હવે એ વસ્તુને વારંવાર વાગોળીને એના પર રાજનીતિ કરવામાં આવે છે.

આ સિવાય પીએમ સહઝાદ પૂનાવાલા અને સલમાન નિઝામી કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા કે પાર્ટીના સભ્યો નથી એમનાં નિવેદનોનો ઉલ્લેખ કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

વડાપ્રધાને રાજનીતિક મર્યાદાની પરિભાષા બદલી નાંખી છે.


પ્રતિષ્ઠાનો પ્રશ્ન

Image copyright Getty Images

આજની સ્થિતિમાં ભાજપ માટે ડરવા જેવી કોઈ વાત નથી. ભાજપની 18 રાજ્યોમાં સરકાર છે. કોંગ્રેસ હાંસિયા પર છે.

આમ છતાં વડા પ્રધાન ગુજરાતની ચૂંટણીને તેમની પ્રતિષ્ઠા સાથે જોડી રહ્યા છે.

લોકતંત્રમાં ચૂંટણી એક પર્વ છે અને એમાં હાર જીતની મજા છે.

આજ કાલ ચૂંટણીમાં હાર તમારી પ્રતિષ્ઠા સાથે જોડાઈ જાય છે.

વડાપ્રધાનની પ્રતિષ્ઠા એટલે મોટી પણ હોય છે કારણ કે તેઓ તેમની 40 મંત્રીઓના લશ્કર સાથે ચૂંટણી પ્રચારમાં લાગી જાય છે.

તેમનું આખું તંત્ર ચૂંટણીનાં કામે લાગી જાય છે. આવું અમે અગાઉ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઝારખડં અને ઉત્તરાખંડની ચૂંટણીમાં પણ જોયું છે.

એટલે જો પરિણામ તેમની અપેક્ષાથી ઊંધું આવશે તો ભૂકંપ આવવા જેવું થશે. તેમની પ્રતિષ્ઠાને મોટી ઠેસ વાગશે.

જ્યારે કે રાહુલ ગાંધીની અપેક્ષા વિરુદ્ધ પરિણામ આવશે તો તેમને આત્મચિંતન કરવું પડશે. તેમના માટે આ આઘાત સમાન હશે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ