મણિશંકર ઐયરના ઘરે મળેલી બેઠકમાં શું થયું હતું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી Image copyright Getty Images
ફોટો લાઈન વડાપ્રધાને કહ્યું કે પાકિસ્તાન ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં દખલગીરી કરી રહ્યું છે

રવિવારેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ અધિકારીઓ વચ્ચે દિલ્હી ખાતે થયેલી એક ગુપ્ત બેઠકની વાત કરી હતી.

તેમણે કોંગ્રેસ અને પાકિસ્તાનના પૂર્વ અધિકારીઓ વચ્ચે સાંઠગાંઠના આક્ષેપ કર્યા હતા.

મોદીએ એવા આક્ષેપો કર્યા હતા કે તાજેતરમાં થોડા દિવસો પહેલા દિલ્હી સ્થિત મણિશંકર ઐયરના બંગલે એક બેઠક યોજાઈ હતી.

જેમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્ત, પૂર્વ વિદેશ મંત્રી, ભારતના પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘ અને ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી હાજર રહ્યા હતા.

રવિવારે બનાસકાંઠા-પાલનપુર ખાતે ચૂંટણી સભા સંબોધતા વડાપ્રધાને કહ્યું હતું કે પાકિસ્તાન ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીમાં દખલગીરી કરી રહ્યું છે.

વધુમાં વડાપ્રધાને ઉમેર્યું હતું કે પાકિસ્તાનના એક ભૂતપૂર્વ અધિકારી ઈચ્છે છે કે કોંગ્રેસ નેતા અહેમદ પટેલ ગુજરાતના આગામી મુખ્યમંત્રી બને.

તમને આ પણ વાંચવું ગમશે

બીબીસી સંવાદદાતા કુલદીપ મિશ્રાએ વરિષ્ઠ પત્રકાર પ્રેમશંકર ઝા સાથે વાત કરી હતી.

પ્રેમશંકર ઝાનો દાવો છે કે મોદીએ જે બેઠકનો ઉલ્લેખ કર્યો છે તેમાં તેઓ પણ હાજર હતા.

સાથે-સાથે ઝાએ એવો પણ દાવો કર્યો છે કે આ વાતચીતમાં ગુજરાત અથવા તો અહેમદ પટેલનો ઉલ્લેખ સુદ્ધાં નહોતો થયો.


આ બેઠક ક્યારે અને કોણે બોલાવી હતી?

Image copyright Getty Images
ફોટો લાઈન ખુર્શીદ મહમૂદ કસૂરી અને મણિશંકર ઐયર જૂના મિત્રો છે

પ્રેમશંકર ઝાએ કહ્યું કે આ બેઠક 6 ડિસેમ્બરે યોજાઈ હતી અને લગભગ ત્રણ કલાક સુધી ચાલી હતી.

આ બેઠકમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદ મહમૂદ કસૂરી હાજર રહ્યા હતા.

પ્રેમશંકર ઝાના જણાવ્યા મુજબ, "તે એક ખાનગી મુલાકાત હતી. કસૂરી સાહેબ અને મણિશંકર ઐયર જૂના મિત્રો છે."

"આ મીટિંગમાં ભારત-પાક સંબંધોને કેવી રીતે સુધારવા તે વિશે વાત કરવામાં આવી હતી."

"કસૂરી સાહેબ થોડા મોડા આવ્યા હતા, એમના પહોંચ્યા પછી અમે ભોજન લીધું."

ભોજનના થોડા કલાકો પહેલાં અંદાજે દોઢેક કલાક પહેલાં અમે ચર્ચાઓ કરી હતી અને ભોજન દરમિયાન પણ એટલા જ લાંબા સમય માટે અમારી વાતચીત ચાલુ રહી હતી.


કયા મુદ્દા પર વાતચીત થઈ?

Image copyright Getty Images
ફોટો લાઈન 'બેઠકમાં કાશ્મીરની સમસ્યા વિશે વાત થઈ હતી'

કોંગ્રેસના નેતાઓ અને પાકિસ્તાની અધિકારીઓ વચ્ચેની બેઠકમાં શું વાતચીત થઈ છે તે અંગે વડાપ્રધાને પ્રશ્નો ઊભા કર્યા છે.

આ વિશે, પ્રેમશંકર ઝાએ કહ્યું, "ભારત-પાક સંબંધો અંગેની ચર્ચા થઈ હતી."

"સાથે સાથે કાશ્મીરની સમસ્યા પર પણ વાત થઈ હતી."

"કાશ્મીરની સમસ્યા એ બંને દેશો વચ્ચેના સંબંધમાં સૌથી મોટો અવરોધ છે."

"તેથી આ સમસ્યાને હલ કરવા માટે બીજા ક્યા રસ્તાઓ અપનાવી શકાય તે અંગે પણ ચર્ચાઓ થઈ હતી."


ગુજરાત વિશે શું વાતચીત થ?

Image copyright Getty Images
ફોટો લાઈન 'ગુજરાત મામલે બેઠકમાં કોઈ ચર્ચા થઈ નહોતી'

વડાપ્રધાને તેમનાં ભાષણમાં એવા આક્ષેપો કર્યા છે કે આ બેઠકમાં ગુજરાતની ચૂંટણીઓ સંદર્ભે વાતચીત થઈ હતી.

વડાપ્રધાને સાથે સાથે એવો આક્ષેપ પણ કર્યો હતો કે પાકિસ્તાન આર્મીના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ સરદાર અરશદ રફિકે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અહેમદ પટેલને જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

પ્રેમશંકર ઝાએ જણાવ્યું હતું કે આ મીટિંગમાં ગુજરાતની કોઈ ચર્ચા જ થઈ નથી.

તેમણે કહ્યું હતું કે, "આ મીટિંગમાં ગુજરાતની ચૂંટણીઓને લઇને કોઈ ઉલ્લેખ થયો ન હતો, ત્યાં સુધી કે આ બેઠકમાં ગુજરાતનું નામ સુદ્ધાં લેવામાં આવ્યું ન હતું."

સાથે સાથે પ્રેમશંકર ઝાએ એવો પણ દાવો કર્યો હતો કે આ બેઠકમાં અહેમદ પટેલનું નામ પણ ઉચ્ચારવામાં આવ્યું નહોતું.


બેઠકમાં કોણ હાજર હતા?

Image copyright Getty Images
ફોટો લાઈન હમીદ અન્સારી અને ડૉ. મનમોહન સિંઘ પણ આ બેઠકમાં હાજર હતા

પ્રેમશંકર ઝાએ જણાવ્યું હતું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હમીદ અંસારી અને ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘ પણ આ બેઠકમાં હાજર હતા.

હું કાશ્મીરના મુદ્દા પર લખું છું અને મણિશંકર ઐયરનો મિત્ર પણ છું એટલે તેમણે મને પણ બોલાવ્યો હતો.

અમે લોકો એકબીજાને મળ્યા તો શું અમે દેશદ્રોહી થઈ ગયા? શું એકબીજા સાથે મુલાકાતો કરવી તે રાજદ્રોહ કે દેશદ્રોહ છે?

પ્રેમશંકર ઝા એક વરિષ્ઠ પત્રકાર છે અને તેમણે કાશ્મીર પર પુસ્તક લખ્યું છે.

તેમણે કહ્યું કે તેઓ છેલ્લાં 29 વર્ષથી કાશ્મીરના મુદ્દે લખી રહ્યા છે.

પ્રેમશંકર ઝા ભૂતપૂર્વ વડાપ્રધાન વી.પી. સિંહના માહિતી સલાહકાર પણ રહી ચુક્યા છે.


મોદીને આ બેઠક વિશે માહિતી કેવી રીતે મળી?

Image copyright Getty Images
ફોટો લાઈન આ બેઠકની માહિતી વિદેશ મંત્રાલયને આપવામાં આવી નથી?

કથિત બેઠક પર ભાજપે પણ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શા માટે આ બેઠકની માહિતી વિદેશ મંત્રાલયને આપવામાં આવી નથી?

પ્રેમશંકર ઝાએ કહ્યું હતું કે આની કોઈ જરૂર જણાઈ નથી અને એ જરૂરી પણ નથી.

ઝાએ કહ્યું કે, "કસૂરી અને મણિશંકર ઐયર કોલેજ સમયથી મિત્રો છે. બંને પાસે કોઈ સત્તાવાર પદ નથી. અમે દેશના સામાન્ય નાગરિકો છીએ અને કોઈને મળવાનો અમારો અધિકાર છે, મળવું એ શું ગુનો છે? ''

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે વડાપ્રધાન મોદીને આ બેઠક વિશે કેવી રીતે માહિતી મળી, ત્યારે પ્રેમશંકર ઝાએ કહ્યું હતું કે તેમાં શું છૂપાવવાનું છે?

જ્યારે મેં મારી કાર બહાર રોકી ત્યારે વીસેક લોકો બહાર ઊભા હતા.

અમારી પર (આ બેઠકનું આમંત્રણ આપતા) ઓછામાં ઓછા છ ઇ-મેઇલ્સ આવ્યા હતા.

બે કે ત્રણ વખત (આ બેઠક સંદર્ભે મણિશંકર ઐયર સાથે) અમે ફોન પર પણ વાત કરી હતી.

આ લોકો મણિશંકર ઐયરની દરેક વાત સાંભળી રહ્યા છે."

ભૂતપૂર્વ પાકિસ્તાની વિદેશ પ્રધાન કસૂરીની હાજરીમાં તેમણે કહ્યું હતું કે કસુરી સાહેબ ભારત આવતા રહે છે.

બે વર્ષ પહેલાં કસૌલી સાહિત્ય મહોત્સવમાં તેમના પુસ્તકનું વિમોચન થયું હતું ત્યારે પણ તેઓ ભારત આવ્યા હતા.

ભારત સરકાર તેમને (કસૂરીને) વિઝા આપે છે.

"જો તંત્ર ન ઇચ્છતું હોય કે અમે તેમને મળીયે તો પછી તેઓ શા માટે તેમને વિઝા આપે છે?"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો