રાજીવ ગાંધીના રાજકારણ પ્રવેશ પાછળ ઓશો હતા?

રાજીવ ગાંધી Image copyright AFP
ફોટો લાઈન રાજીવ ગાંધીને રાજકારણમાં લાવવા ઓશોનાં સચિવ લક્ષ્મીની મદદ લેવાઈ હતી

શું તમે વિચારી શકો કે ભારતના છઠ્ઠા વડાપ્રધાન રાજીવ ગાંધી અને આધ્યાત્મિક ગુરુ ઓશો વચ્ચે કોઈ સંબંધ હોઈ શકે? એક નવા પુસ્તકમાં કંઈક આવો જ દાવો કરવામાં આવ્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર કવિ અને કલાકાર રાશિદ મૅક્સવેલના પુસ્તક 'ધ ઑન્લી લાઇફ : ઓશો, લક્ષ્મી ઍન્ડ ધ વર્લ્ડ ઇન ક્રાઇસિસ'માં આ સંદર્ભે દાવો કરાયો છે.

તેમાં કહેવામાં આવ્યું છે કે ઇંદિરા ગાંધી ઓશોથી પ્રભાવિત હતાં અને તેમણે તેમના દીકરા રાજીવ ગાંધીને રાજકારણમાં લાવવા માટે ઓશોનાં સચિવ લક્ષ્મીની મદદ લીધી હતી.

રાજકારણમાં આવ્યા પહેલા રાજીવ ગાંધી વ્યવસાયી પાઇલટ હતા અને રાજકારણમાં તેમને કોઈ રસ ન હતો.

વિમાન અકસ્માતમાં સંજય ગાંધીનું અવસાન થયા બાદ ઇંદિરા ગાંધી ઇચ્છતાં હતાં કે રાજીવ ગાંધી રાજકારણમાં પ્રવેશ કરે.


ઓશોના સચિવે સમજાવ્યા હતા રાજીવને

Image copyright FACEBOOK @OSHOINDIA11
ફોટો લાઈન ઇંદિરા ગાંધી ઓશોના શબ્દોથી પ્રભાવિત હતાં

પુસ્તકમાં દાવો કરાયો છે કે ઇંદિરા ગાંધી અધ્યાત્મમાં રસ ધરાવતાં હતાં.

તેઓ ઓશોના શબ્દોથી પ્રભાવિત હતાં. પરંતુ ઓશો તે સમયે એક વિવાદાસ્પદ વ્યક્તિ હતા.

એટલે જ ઇંદિરા ગાંધીએ ક્યારેય આશ્રમ જઈને તેમની મુલાકાત કરી ન હતી.

'ધ ઑન્લી લાઇફ : ઓશો, લક્ષ્મી ઍન્ડ ધ વર્લ્ડ ઇન ક્રાઇસિસ'ના આધારે જ્યારે 1977માં જ્યારે ઇંદિરા ગાંધીના હાથમાંથી સત્તા નીકળી તો ઓશોનાં સચિવ લક્ષ્મીને તેમના ઘર કે ઑફિસમાં ગમે ત્યારે પ્રવેશવાની મંજૂરી મળી ગઈ.

Image copyright KEYSTONE/GETTY IMAGES
ફોટો લાઈન ઓશોના સચિવ લક્ષ્મીએ સમજાવ્યા બાદ રાજીવ ગાંધીએ રાજકારણમાં પગ મૂક્યો હતો

વર્ષ 1980માં ઇંદિરા ગાંધીના સત્તામાં પરત ફર્યાં બાદ સંજય ગાંધીનું એક વિમાનદુર્ઘટનામાં મૃત્યુ થયું.

રાશિદ મૅક્સવેલે લખ્યું છે કે તે સમયે જ્યારે ઇંદિરાને મળવાં માટે લક્ષ્મી આવ્યાં ત્યારે તેમણે લક્ષ્મીને આગ્રહ કર્યો કે તેઓ રાજીવ ગાંધીને પાઇલટની નોકરી છોડી રાજકારણમાં આવવા માટે સમજાવે.

ઓશોનાં સચિવ

Image copyright OSHO.COM
ફોટો લાઈન બ્રિટીશ ઇન્ડિયામાં મોટા થયેલાં લક્ષ્મી ઓશોનાં પહેલાં સચિવ હતાં

રાશિદ મૅક્સવેલના જણાવ્યા અનુસાર, "ત્યારબાદ લક્ષ્મીએ તેમના રૂમમાં જઈને લાંબા સમય સુધી વાત કરી હતી. તેમણે રાજીવ ગાંધીને સમજાવ્યા હતા કે કેવી રીતે તેઓ 20મી સદીમાં દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકે."

"ત્યારબાદ રાજીવ ગાંધીએ રાજકારણમાં પ્રવેશવાનો નિર્ણય કર્યો હતો."

વર્ષ 1984માં ઇંદિરા ગાંધીની હત્યા બાદ તેઓ દેશના છઠ્ઠા વડાપ્રધાન બન્યા હતા.

'ધ ઑન્લી લાઇફ : ઓશો, લક્ષ્મી ઍન્ડ ધ વર્લ્ડ ઇન ક્રાઇસિસ' પુસ્તક ઓશોના સચિવ લક્ષ્મીનું જીવનચરિત્ર છે.

બ્રિટીશ ઇન્ડિયામાં મોટાં થયેલાં લક્ષ્મી ઓશોનાં પ્રથમ અંગત સચિવ હતાં.

લક્ષ્મીએ રહસ્યવાદી ઓશોના માર્ગદર્શનમાં લોકોને રસ્તો બતાવ્યો હતો.

આ પુસ્તકમાં લક્ષ્મીના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવ વિશે પણ લખવામાં આવ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો