દિલીપ કુમાર-મધુબાલા : 'મેડ ફૉર ઇચ અધર' ગણાતાં યુગલનો પ્રેમ અધૂરો કેમ રહી ગયો?

  • રેહાન ફઝલ
  • બીબીસી સંવાદદાતા
દિલીપકુમારની તસવીર

ઇમેજ સ્રોત, SAIRA BANO

ઇમેજ કૅપ્શન,

દિલીપકુમારની ભૂતપૂર્વ વડપ્રધાન જવાહરલાલ નહેરુ સાથેની તસવીર

"મારા પિતા મારી મમ્મીને ચીડવતા કે હું મધુબાલાને પ્રેમ કરું છું, પણ મારી અમ્મી નિશ્ચિંત હતી, તે જાણતી હતી કે લાખો લોકો મધુબાલાને પ્રેમ કરે છે. ફરક એ વાતથી પડે છે કે મધુબાલા કોને પ્રેમ કરે છે?"

2016માં રજૂ થયેલી ફિલ્મ 'હૅપી ભાગ જાયેગી'માં અભય દેઓલ તથા અલી ફઝલ વચ્ચેનો આ સંવાદ દિલીપ કુમારના અભિનય સમ્રાટના જીવનની 'ટ્રૅજેડી' તથા 'અપૂર્ણ અધ્યાય'ની વાત કહી જાય છે.

દિલીપ કુમારે તેમની છ દાયકા લાંબી ફિલ્મ કારકિર્દીમાં માત્ર 63 ફિલ્મોમાં અભિનય કર્યો, પરંતુ હિંદી સિનેમાજગતમાં તેમણે અભિનયની નવી વ્યાખ્યા આપી છે.

એક જમાનામાં દિલીપ કુમાર ભારતના ફૂટબૉલ ખેલાડી બનવાનું સપનું સેવી રહ્યા હતા.

ખાલસા કૉલેજમાં તેમની સાથે અભ્યાસ કરનારા રાજ કપૂર જ્યારે પારસી યુવતીઓ સાથે ફ્લર્ટ કરતા રહેતા, ત્યારે તેઓ ઘોડાગાડીના ખૂણામાં બેસી આ બધું જોતા રહેતા.

કોને ખબર હતી કે આ વ્યક્તિ એક દિવસ ભારતના ફિલ્મરસિકોને મૌનની ભાષા શીખવાડશે, અને તેમની એક નજર તે બધું કહી જશે, જે સંખ્યાબંધ પાનાંઓ ભરીને લખાયેલા સંવાદો પણ ન કહી શકે.

ઇમેજ સ્રોત, MOHAN CHURIWALA

ઇમેજ કૅપ્શન,

દિલીપકુમાર, રાજ કપૂર અને દેવ આનંદને ભારતીય ફિલ્મજગતની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે

દિલીપ કુમાર, રાજ કપૂર અને દેવ આનંદને 'ભારતીય ફિલ્મજગતની ત્રિમૂર્તિ' તરીકે ઓળખવામાં આવે છે.

જેટલાં બહુમુખી પાસાંઓ દિલીપ કુમારના અભિનયમાં હતા, તેટલાં કદાચ અન્ય બેના અભિનયમાં નહોતા.

રાજ કપૂરે ચાર્લી ચેપ્લિનને પોતાના આદર્શ ગણાવ્યા હતા તો બીજી તરફ દેવાનંદ ગ્રેગરી પેકનો અંદાજ ધરાવનારા, સુસંસ્કૃત અને અદાઓથી ભરપૂર અભિનેતાની છબીમાંથી બહાર નહોતા આવી શક્યા.

દિલીપ કુમારે 'ગંગા જમના' ફિલ્મમાં એક મુફલિસના પાત્રને જેટલી આગવી રીતે ભજવ્યું, તેટલી જ આગવી રીતે તેમણે 'મુઘલ-એ-આઝમ'માં એક મુઘલ શાહજાદાનું પાત્ર ભજવ્યું હતું.

અભિનેત્રી દેવિકા રાની સાથે થયેલી તેમની સંજોગવશાત્ મુલાકાતે તેમના જીવનમાં આમૂલ પરિવર્તન આણ્યું હતું.

1940ના દાયકામાં ભારતીય ફિલ્મજગતમાં દેવિકા રાની સારી એવી નામના ધરાવતાં હતાં. પેશાવરના ફળોના વેપારીના પુત્ર યુસુફખાનને 'દિલીપ કુમાર' બનાવ્યા તેમાં તેમનું મોટું યોગદાન હતું.

એક ફિલ્મનું શૂટિંગ જોવા 'બૉમ્બે ટૉકીઝ' ગયેલા હેન્ડસમ યુસુફ ખાનને દેવિકા રાનીએ પૂછ્યું કે શું તમે ઉર્દૂ જાણો છે? યુસુફ ખાને 'હા' કહેતા જ તેમણે બીજા સવાલ કર્યો હતો, 'શું તમે અભિનેતા બનશો?' પછી જે બન્યું તે ઇતિહાસ છે.

યુસુફખાન ઉર્ફે દિલીપ કુમાર

ઇમેજ સ્રોત, SAIRO BANO

ઇમેજ કૅપ્શન,

ફિલ્મજગત સાથે જોડાયેલા લોકો વિશે દિલીપ કુમારના પિતાનો અભિપ્રાય બહુ સારો નહોતો

દેવિકારાનીનો અભિપ્રાય હતો કે રોમૅન્ટિક હીરોનું 'યુસુફ ખાન' નામ હોવું વધારે આકર્ષક નહીં નીવડે.

તે સમયે 'બૉમ્બે ટૉકીઝ'માં ફરજ બજાવતા અને બાદમાં હિંદી સાહિત્યના જાણીતા કવિ તરીકે નામના પામેલા નરેન્દ્ર શર્માએ ત્રણ નામ સૂચવ્યા હતા. જહાંગીર, વાસુદેવ અને દિલીપ કુમાર.

યુસુફ ખાને પોતાનું નવું નામ 'દિલીપ કુમાર' અપનાવ્યું હતું. આમ કરવાનું અન્ય એક કારણ એ પણ હતું કે તેમના રૂઢિગત વિચારો ધરાવનારા પિતાને પોતાના અસલી વ્યવસાય વિશે તેઓ જાણ થાય એવું નહોતું ઇચ્છતા.

ફિલ્મજગત સાથે જોડાયેલા લોકો વિશે દિલીપ કુમારના પિતાનો અભિપ્રાય બહુ સારો નહોતો અને તેઓ ફિલ્મજગતના લોકોને 'નૌટંકીવાલા' કહી મજાક ઉડાવતા હતા.

રસપ્રદ વાત એ છે કે તેમણે પોતાની સમગ્ર કારકિર્દીમાં માત્ર એકવાર જ મુસ્લિમ વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું. તે ફિલ્મ હતી કે. આસિફની 'મુઘલ-એ-આઝમ'.

સિતારની તાલીમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

'મુઘલ-એ-આઝમ' ફિલ્મમાં દિલીપકુમારે ખૂબ નામના મેળવી હતી

છ દાયકાની ફિલ્મ કારકિર્દીમાં દિલીપ કુમારે કુલ 63 ફિલ્મો કરી અને દરેક પાત્રમાં પોતાની જાતને ડૂબાડીને અભિનય કર્યો.

ફિલ્મ 'કોહિનૂર'માં એક ગીતમાં સિતારવાદકનું પાત્ર ભજવવા માટે તેમણે વર્ષો સુધી ઉસ્તાદ અબ્દુલ હલીમ ઝાફર ખાન પાસે સિતારવાદન શીખ્યું હતું.

બીબીસી સાથેની વાતચીત દરમિયાન દિલીપ કુમારે કહ્યું હતું, "સિતાર કેવી રીતે પકડવું તે શીખવા માટે મેં વર્ષો સુધી સિતાર વગાડવાની તાલીમ લીધી હતી. સિતારના તારના કારણે મારી આંગળીમાં ઈજા પણ પહોંચી હતી."

'નયા દૌર' ફિલ્મના નિર્માણ સમયે તેમણે ઘોડાગાડી ચલાવવાની તાલીમ લીધી હતી. આ જ કારણ હતું કે જાણીતા ફિલ્મ દિગ્દર્શક સત્યજિત રેએ તેમને સર્વશ્રેષ્ઠ ''મૅથડ્ અભિનેતા'ની ઉપમા આપી હતી.

આમ તો દિલીપ કુમારે ઘણી અભિનેત્રીઓ સાથે કામ કર્યું હતું, પરંતુ મધુબાલા સાથેની તેમની જોડી સૌથી વધુ લોકપ્રિય બની હતી. જેમની સાથે તેમને પ્રેમ પણ થયો હતો.

મધુબાલા સાથે અણબનાવ

ઇમેજ સ્રોત, MUGHAL-E-AZAM

ઇમેજ કૅપ્શન,

પોતાની આત્મકથામાં દિલીપકુમાર સ્વીકારે છે કે તેઓ મધુબાલા પ્રત્યે આકર્ષિત હતા

પોતાની આત્મકથામાં દિલીપ કુમાર સ્વીકારે છે કે તેઓ મધુબાલા પ્રત્યે આકર્ષિત હતા, એક અભિનેતા તરીકે પણ અને એક પુરુષ તરીકે પણ.

દિલીપ કુમાર કહે છે કે મધુબાલા ખૂબ જ જાજરમાન અને સ્ફૂર્તિલા હતાં. મારા જેવા શરમાળ અને સંકોચ અનુભવતા વ્યક્તિને પણ તેમની સાથે વાતચીત કરવામાં કોઈ મુશ્કેલી નહોતી પડતી.

મધુબાલાના પિતાના કારણે આ પ્રણયકથા વધુ સમય સુધી નહોતી ટકી શકી.

મધુબાલાનાં નાના બહેન મધુર ભૂષણ યાદ કરે છે, "મારા પિતાને એવું લાગતું હતું કે દિલીપ કુમાર મધુબાલાથી ઉંમરમાં મોટા છે."

જો કે તેઓ બન્ને 'મેડ ફૉર ઇચ અધર' હતાં. ખૂબ સુંદર યુગલ હતું, પરંતુ પિતા આ બાબતે મંજૂર નહોતી આપતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

સાયરાબાનુ સાથે દિલીપકુમારનાં લગ્ન બાદ મધુબાલા ખૂબ બીમાર પડ્યાં હતાં

"મારી બહેન તેમની વાત ન માનતી અને કહેતી કે તે દિલીપ કુમારને પ્રેમ કરે છે, પરંતુ જ્યારે બી.આર. ચોપરાની 'નયા દૌર' ફિલ્મ માટે કોર્ટ કેસ થયો, ત્યારે મારા પિતા અને દિલીપ કુમાર વચ્ચે અણબનાવ થયો હતો."

મધુર ભૂષણ કહે છે, "કોર્ટમાં તેઓ બન્ને વચ્ચે સમાધાન પણ થયું હતું. બાદમાં દિલીપ કુમારે મારી બહેનને લગ્ન કરવાનું કહ્યું હતું."

"મારી બહેને કહ્યું હતું, હું તમારી સાથે ચોક્કસપણે લગ્ન કરીશ, પરંતુ તેની પહેલાં તમે મારા પિતાને 'સૉરી' કહી દો, પરંતુ દિલીપ કુમારે આ વાતનો ઇન્કાર કર્યો હતો."

"પછી મારી બહેને એમ કહ્યું કે તમે ઘરે આવી તેમને ગળે મળો, પરંતુ દિલીપ કુમાર માન્યા નહીં. ત્યારથી બન્ને વચ્ચે બ્રેકઅપ થયું હતું."

પોતાની જીવનીમાં દિલીપ કુમારે લખ્યું છે: 'મધુબાલાના પિતા ઇચ્છતા હતા કે હું અને મધુબાલા માત્ર તેમની જ પ્રોડક્શન કંપનીની ફિલ્મોમાં જ કામ કરીએ.'

'હું મધુબાલાના પિતાના હાથનું રમકડું નહોતો બનવા માગતો. આ મુદ્દે મધુબાલાએ પણ મને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હું ન માન્યો અને...'

અણબનાવ વચ્ચે થયો પ્રેમ

ઇમેજ સ્રોત, KABIR M ALI

ઇમેજ કૅપ્શન,

દિલીપ કુમાર

'મુઘલ-એ-આઝમ' બની રહી હતી ત્યારે વાત ત્યાં સુધી આવી પહોંચી હતી કે બન્ને વચ્ચે વાતચીત પણ નહોતી થતી.

'મુઘલ-એ-આઝમ'ના ક્લાસિક ગણાતા મયુરપંખના રોમેન્ટિક દૃશ્યનું આ સમયગાળા દરમિયાન ફિલ્માંકન કરવામાં આવ્યું હતું.

ત્યારે મધુબાલા અને દિલીપ કુમારે જાહેરમાં એકબીજાને ઓળખવાનું પણ બંધ કરી દીધું હતું.

સાયરાબાનુ સાથે દિલીપ કુમારના લગ્ન બાદ મધુબાલા ખૂબ બીમાર પડ્યાં હતાં. ત્યારે તેમણે સંદેશો મોકલાવ્યો હતો કે તેઓ દિલીપ કુમારને મળવા માગે છે.

જ્યારે દિલીપ કુમાર મળવા ગયા, ત્યારે મધુબાલા ખૂબ અશક્ત હાલતમાં હતા. જે જોઈને દિલીપ કુમારને ખૂબ દુખ થયું હતું.

હંમેશાં હસતાં રહેતાં મધુબાલાનાં હોઠો પર તે દિવસે ઘણા પ્રયત્નો બાદ ફિક્કું સ્મિત આવ્યું હતું.

મધુબાલાએ તેમની આંખો જોઈને કહ્યું હતું, "અમારા શાહજાદાને તેમની શાહજાદી મળી ગઈ, હું ખૂબ ખુશ છું."

23 ફેબ્રુઆરી, 1969ના રોજ મધુબાલાનું અવસાન થયું હતું.

રાજ કપૂરે કરી પ્રશંસા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

અમિતાભ બચ્ચન કહેતા હોય છે કે તેમણે 'ગંગા જમના' ફિલ્મ વારંવાર જોઈ હતી

'મુઘલ-એ-આઝમ' પછી દિલીપ કુમારે જે ફિલ્મ દ્વારા સૌથી વધુ નામ મેળવ્યું કે ફિલ્મ હતી 'ગંગા જમના'

અમિતાભ બચ્ચન કહેતા હોય છે કે જ્યારે તેઓ અલાહાબાદમાં અભ્યાસ કરી રહ્યા હતા, ત્યારે તેમણે 'ગંગા જમના' ફિલ્મ વારંવાર જોઈ હતી.

અમિતાભ જોવા માગતા હતા કે એક પઠાણ જેને ઉત્તરપ્રદેશ સાથે દૂર-દૂર સુધી કોઈ સંબંધ નથી, તે ઉત્તરપ્રદેશની બોલી પરફેક્શન સાથે કેવી રીતે બોલી શકે છે?

બાદમાં તેમણે બન્નેએ રમેશ સિપ્પીની ફિલ્મ 'શક્તિ'માં સાથે અભિનય કર્યો હતો.

તેમના સમકાલીન હરીફ અને બાળપણના મિત્ર રાજ કપૂરે 'શક્તિ' ફિલ્મ જોયા બાદ બેંગલુરુથી ફોન કરી દિલીપ કુમારને કહ્યું હતું, "દોસ્ત, આજે ફેંસલો થઈ ગયો, તું આજ સુધીનો સૌથી મહાન કલાકાર છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો