BBC INNOVATORS: મળો એવાં દાદીમાંને... જે બનાવે છે ચેકડેમ

બે એન્જિનિયર સાથે અમલા રૂઇયા
ફોટો લાઈન રાજસ્થાનમાં અમલા રૂઇયાએ એન્જિનિયર્સ સાથે મળીને મોટી સંખ્યામાં ચેક ડેમ બનાવ્યા છે

એવું બની શકે છે અમલા રૂઇયાને તમે એક સામાન્ય મહિલા ગણો. તેમની કાર્યકુશળતાને ઓછી આંકો.

પણ તમને વિશ્વાસ નહીં આવે કે 71 વર્ષની વયે પણ મુંબઈનાં આ મહિલા દુનિયાના શ્રેષ્ઠ ડેમ બનાવે છે.

પોતાનાં આ કાર્યથી તેઓ ભારતમાં દુષ્કાળ જેવી સ્થિતિ સામે લડી રહ્યાં છે.

દર વર્ષે ત્રીસ કરોડ જેટલા લોકો પાણીની તંગીનો સામનો કરે છે.

છેલ્લાં કેટલાક વર્ષોમાં જોવા મળ્યું છે કે વરસાદનું પ્રમાણ ઓછું હોવાને કારણે સરકારે ટ્રેન અને ટેન્કર દ્વારા ગામડાંઓ સુધી પાણી પહોંચાડવું પડ્યું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

ફોટો લાઈન ચેકડેમના માધ્યમથી ભૂગર્ભમાં પાણી ભરાઈ જાય છે અને તેનાંથી કુવાઓમાં પણ પાણી પહોંચે છે

ગામડાંમાં પાણી ન હોવાને કારણે લોકોએ લાંબું અંતર કાપીને પાણી ભરવા જવું પડે છે.

કપરા તાપમાં ચાલવાને કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર થાય છે. ઘણા કિસ્સાઓમાં લોકોનાં મૃત્યુ પણ થયાં છે.

રાજસ્થાનની વાત કરીએ તો અહીં મોટાભાગના વિસ્તારોમાં હંમેશા પાણીની તંગી જોવા મળે છે.

પાણીની તંગીને કારણે અહીં મૃત્યુના અનેક કિસ્સા નોંધાયા છે. દર વર્ષે અહીં મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પણ પામે છે.

અમલા રૂઇયા અને 'આકાર ચેરિટેબલ ટ્રસ્ટ' સાથે મળીને પાણીની આ તંગીને નિવારવા લડી રહ્યાં છે.

છેલ્લાં 10 વર્ષોમાં તેમણે 200 કરતાં વધારે ચેકડેમનું નિર્માણ કર્યું છે.

તેમણે 115 ગામડાંઓમાં રહેતા લોકોનાં જીવનમાં પરિવર્તન લાવ્યું છે. હજુ પણ 193 જેટલાં ગામડાંઓને તેનો લાભ મળશે.


એક પ્રાચીન વ્યવસ્થા

ફોટો લાઈન ડેમ બનાવવા માટે કુદરતી ખાડા ટેકરા ધરાવતી ડુંગરાળ જમીનની પસંદગી કરાય છે

'આકાર ચેરિટેબલ ટ્રસ્ટ' સ્થાનિક લોકો સાથે મળીને કામ કરે છે. તેઓ એવી જગ્યાઓની શોધે છે જ્યાં પાણીનું સંરક્ષણ કરી શકાય.

માનવનિર્મિત જળાશયો બનાવવાને બદલે કુદરતી ખાડા ટેકરા ધરાવતી ડુંગરાળ જમીનની પસંદગી કરવામાં આવે છે.

એવી જમીન કે જ્યાં ઢાળ હોય અને જગ્યા પણ સારી મળી રહે જેથી કરીને પાણી સીધું આ પ્રાકૃતિક ચેક ડેમમાં આવી શકે.

જ્યારે ચોમાસું આવે છે ત્યારે ચેકડેમ છલકાય છે. પાણીની અછતનો ઘટે છે. ગામડાંઓની નજીક આવેલા કૂવાઓમાં પાણી સચવાઈ રહે છે.

જેમાં ખર્ચ પણ ઓછો થાય છે. મોટા ડેમની જેમ ચેકડેમ બનાવવામાં વધારે ખર્ચ લાગતો નથી.

ચેકડેમના નિર્માણમાં ત્યાં રહેતા લોકોનું સ્થળાંતર કરવાની પણ જરૂર નથી પડતી.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
રાજસ્થાનમાં "વોટર મધર"

અમલા રૂઇયા કહે છે, "આ કોઈ નવો ઉકેલ નથી. આ પદ્ધતિને પૂર્વજો દ્વારા પણ અપનાવવામાં આવી છે."

આકાર ચેરિટેબલ ટ્રસ્ટના એન્જિનિયર દ્રિગપાલ સિંઘા કહે છે, "અમે જે રીતે ચેકડેમનું બાંધકામ કરીએ છીએ જેમાં ચેકડેમની વચ્ચે એક જ કૉંક્રિટની દિવાલ હોય છે."

"તેનાંથી જ્યારે પણ પાણીનું પ્રમાણ વધી જાય છે તો તે સહેલાઇથી વહી શકે છે."

"બંને બાજુ માટીની પાળ બનાવવામાં આવે છે. તળિયામાં પણ માત્ર સામાન્ય માટી જ છે."

"જ્યારે પાણી ભરાઈ જાય છે, ત્યારે પાણી સીધું માટીમાં નીતરે છે અને ભૂગર્ભ જળસ્તરને ફરીથી ભરી દે છે. તેનાથી નજીકના કુવાઓમાં પણ પાણીનું સ્તર વધી જાય છે."


ટ્રસ્ટનું યોગદાન

ફોટો લાઈન અમલા રૂઇયા અને આકાર ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાનિકો સાથે મળી ચેક ડેમ બનાવે છે

આકાર ચેરિટેબલ ટ્રસ્ટ ચેકડેમ માટે 60 ટકા ફાળો આપે છે. તેઓ સ્થાનિક લોકો પાસે બાકી ચાલીસ ટકા રકમ માટે અપીલ કરે છે.

બીબીસી ઇનોવેટર સિરીઝ દક્ષિણ એશિયાના સૌથી મોટા પડકારો માટે શોધાયેલા નવીન ઉકેલની એક સિરીઝ છે.

ચેકડેમને જાળવવા પણ જરૂરી છે. તેના માટે ગ્રામ્ય સમૂહો પણ મદદ કરે તે જરૂરી છે. તેનાથી તેઓ ચેકડેમની માલિકીનો અનુભવી કરે છે.

ટ્રસ્ટ અહીં રહે કે ન રહે, પણ તેના ફાયદા અહીં ચોક્કસ રહેશે.

અમલા રૂઇયા કહે છે, "ગ્રામજનો અમારા પર વિશ્વાસ કરવા તૈયાર ન હતા. તેમને લાગતું હતું કે આ બધું કરવા પાછળ અમારો કોઈ છૂપો ઉદ્દેશ છે."

ટ્રસ્ટ દાવો કરે છે કે ચેકડેમનાં કારણે ગામમાં વસતા લોકોનું જીવન બદલાયું છે.

એક સમય હતો જ્યારે ગામડાંમાં રહેતા લોકો ટેન્કર દ્વારા પાણી મેળવતા હતા.

ત્યાં હવે લોકો એકસાથે વર્ષમાં ત્રણ પાકની ખેતી કરે છે અને સાથે જ ઢોર પણ રાખે છે.

ફોટો લાઈન અમલા રૂઇયા કહે છે કે હવે છોકરીઓ પાણી ભરવા જવાને બદલે સ્કૂલે જઈ રહી છે

અમલા રૂઇયા કહે છે કે ચેકડેમ બન્યા બાદ હવે છોકરીઓ સ્કૂલે જઈ શકે છે.

પહેલાં છોકરીઓ સ્કૂલે જવાને બદલે ઘરે રહીને ઘરનું કામ કરતી હતી કેમ કે ઘરની મહિલાઓ દૂર સુધી ચાલીને પાણી ભરવા જતી હતી.

દર વર્ષે આકાર ચેરિટેબલ ટ્રસ્ટ સ્થાનિક કમ્યુનિટી સાથે મળીને સરેરાશ ત્રીસ ચેકડેમ બનાવે છે. પરંતુ અમલા રૂઇયા ઇચ્છે છે કે તેઓ એક વર્ષમાં હવે નેવું ચેકડેમ બનાવવા માગે છે.

તેઓ ઇચ્છે છે કે ચેકડેમની વાત દુનિયાભરમાં થાય.

જો કે સ્થાનિક વૉટર એક્ટિવિસ્ટ પ્રફુલ્લ કદમ કહે છે કે આ ઉકેલ દરેક વ્યક્તિ માટે નથી.

તેઓ કહે છે, "ચેક ડેમ અહીં રહેતા સ્થાનિકો માટે ખૂબ મદદરૂપ છે. ભવિષ્યમાં તે ખેતીમાં પણ ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે."

"જોકે, ચેકડેમની કેટલીક મર્યાદાઓ પણ છે. સમગ્ર ભારતની ભૌગોલિક સ્થિતિ અલગ હોવાથી આ ઇનોવેશનને ભારતભરમાં લાગુ કરી શકાય તેમ નથી."

પરંતુ એવું નથી કે તેનાથી અમલા રૂઇયાએ પોતાની કામગીરીને વિરામ આપ્યો છે.

તેઓ કહે છે, "મેં એક વખત મારા પતિને કહ્યું હતું કે જ્યાં સુધી હું નેવું વર્ષની થઈશ ત્યાં સુધી હું ચેકડેમ પર કામ કરતી રહીશ.

તો તેમણે પૂછ્યું 'આગામી ત્રીસ વર્ષ સુધી તમે શું કરશો? તમે શું 120 વર્ષનાં થશો ત્યાં સુધી કામ કરશો?'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો