ન્યૂ યોર્કના મેનહટનમાં બસ ટર્મિનલ પાસે બ્લાસ્ટ

ન્યૂ યોર્ક પોલીસ વિભાગ
ફોટો લાઈન પોર્ટ ઑથોરિટી બસ ટર્મિનલમાં ન્યૂ યોર્ક પોલીસના અધિકારીઓ

ન્યૂ યોર્કના મેનહટન પાસે આવેલા બસ ટર્મિનલમાં બ્લાસ્ટ થયો છે. ન્યૂ યોર્ક પોલીસ વિભાગે જણાવ્યું છે કે સ્થિતિને પહોંચી વળવા માટે એ યોગ્ય પગલાં લઈ રહ્યાં છે.

આ ઘટના સોમવારે સવારે ટાઇમ્સ સ્ક્વેર પાસેનાં પોર્ટ ઑથોરિટી બસ ટર્મિનલ પાસે ઘટી હતી.

ન્યૂ યોર્કના પોલીસ વિભાગે ટ્વીટ કર્યું હતું કે, "એનવાયપીડી (ન્યૂ યોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટ) અજાણ્યા કારણોસર 42મી સ્ટ્રીટ અને 8મા ઍવન્યૂ ધડાકાના અહેવાલોને સંદર્ભે યોગ્ય પગલાં લઈ રહ્યો છે. #Manhattan"

"હાલમાં A, C અને E લાઇનને ખાલી કરાવવામાં આવી રહી છે. આ પ્રાથમિક માહિતી છે, વધુ માહિતી અમને મળતાં જ અહીં જણાવીશું."

તમને આ વાંચવું પણ ગમશે:

ABC News દ્વારા પોલીસ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે, આ એક સંભવિત પાઇપ બોમ્બ હતો, જે ટર્મિનલના ભોંયતળિયે મુસાફરોના પસાર થવાનાં રસ્તામાં ફાટ્યો હતો.

શહેરના અગ્નિશમન વિભાગના જણાવ્યા અનુસાર ત્યાં “એક વ્યક્તિને જીવનું જોખમ ન હોય તે પ્રકારની ઈજા થઈ છે.”

સુરક્ષા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર NBC સાથે જોડાયેલી એક વ્યક્તિને જણાવ્યું હતું કે, એક શંકાસ્પદ વ્યક્તિ આ બોમ્બ સાથે પોર્ટ ઑથોરિટીમાં ગઈ હતી અને એ બોમ્બ સમય પહેલાં જ ફૂટ્યો. તે વ્યક્તિની અટકાયત કરી લેવામાં આવી છે.

WPIX TVને પોલીસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, અન્ય એક વ્યક્તિને “સંભવિત રીતે બીજા સાધન” સાથે મેટ્રો ટ્રેઇનના સ્ટેશનમાં જતી વખતે જ ઝડપી લેવામાં આવી હતી.

ન્યૂ યોર્ક ટેલિવિઝન સ્ટેશનના જણાવ્યા અનુસાર એ શંકાસ્પદ વ્યક્તિના કપડાંમાંથી “વાયર્સ બહાર” આવતા જોવા મળ્યા હતા..

વ્હાઇટ હાઉસના પ્રેસ મંત્રી સારાહ હકાબી સેન્ડર્સે જણાવ્યું છે કે, પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને આ ઘટના બાબતે માહિતગાર કરવામાં આવ્યા છે.

પોર્ટ ઑથોરિટી બસ ટર્મિનલ અમેરિકાનું સૌથી મોટું બસ ટર્મિનલ છે. અહીંથી દર વર્ષે 6.5 કરોડ લોકોની અવર જવર થાય છે.

આ પરિવહનના આ મુખ્ય કેન્દ્રની નીચે ટાઇમ્સ સ્ક્વેર 42મી સ્ટ્રીટનું મેટ્રો ટ્રેઇનનું સ્ટેશન પણ આવેલું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ