સી-પ્લેનઃ વિમાન અને બોટના મિશ્રણથી તૈયાર થયેલી રચના

સી-પ્લેનની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાબરમતી નદી પરથી સી-પ્લેનમાં ઉડાન ભરી મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમ સુધી પહોંચ્યા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાબરમતી નદી પરથી સી-પ્લેનમાં ઉડાન ભરી મહેસાણા જિલ્લાના ધરોઈ ડેમ સુધી પહોંચ્યા હતા.

અહીંથી તેમણે અંબાજી મંદિરે દર્શન કર્યાં હતા. વડાપ્રધાને અગિયારમી ડિસેમ્બરે ટ્વીટ કરી તેઓ સી-પ્લેન દ્વારા ધરોઇ ડેમ પહોંચશે તેની માહિતી આપી હતી.

પરંતુ આ સી-પ્લેન છે શું અને કેવી રીતે કામ કરે છે તેના વિશે થોડી માહિતી.

તમને આ પણ વાંચવું ગમશે


શું છે સી-પ્લેન?

Image copyright Getty Images
ફોટો લાઈન પાણીમાં લેન્ડ તેમજ ટેક-ઑફ કરી શકે તેવા ઉપરાંત પાણીમાં તરી શકે તેવા એરક્રાફ્ટને સી-પ્લેન તરીકે ઓળખવામાં આવે છે

એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાં ઉપલબ્ધ માહિતી પ્રમાણે પાણીમાં લેન્ડ તેમજ ટેક-ઑફ કરી શકે એવાં ઉપરાંત પાણીમાં તરી શકે એવાં એરક્રાફ્ટને સી-પ્લેન તરીકે ઓળખવામાં આવે છે.

આ પ્લેનના અમુક ભાગોની બનાવટ બોટના ઢાંચા જેવી હોવાથી તેને ફ્લાઈંગ બોટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

વિશ્વનું સૌથી પહેલું સી-પ્લેન વર્ષ 1911માં ઉડાડવામાં આવ્યું હતું અને પાણી પર પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો. ગ્લેન એચ. કર્ટિસ નામના અમેરિકન ઇજનેરે આ પ્રકારનું પહેલું એરક્રાફ્ટ બનાવ્યું હતું.

પ્રથમ વિશ્વયુદ્ધમાં સી-પ્લેનનો સારો એવો ઉપયોગ થયો હતો. યુદ્ધ પૂર્ણ થયા બાદ આ પ્લેનનો વ્યાપારી હેતુસર ઉપયોગ પણ થવા લાગ્યો હતો.

બીજા વિશ્વયુદ્ધમાં પણ આ પ્લેન કામ લાગ્યા હતા. જોકે, બીજા વિશ્વયુદ્ધ બાદ પણ સી-પ્લેનનો ઉપયોગ નાના પાયે જ થતો હતો.

Image copyright Getty Images
ફોટો લાઈન સી-પ્લેનની નીચે પગથિયા જેવું તળિયું હોય છે, જે ટેકઑફમાં મદદરૂપ થાય છે

વિમાનના મુખ્ય ઢાંચાને ફ્યૂઝલાજ તરીકે ઓળખવામાં આવે છે.

સરળ શબ્દોમાં સમજીએ તો સી-પ્લેનમાં ફ્યૂઝલાજ અને ફ્લોટબોટ(એક પ્રકારની બોટ)ના ઢાંચાને એક કરી વિમાન જેવી રચના બનાવવામાં આવે છે.

સી-પ્લેનની નીચે પગથિયાં જેવું તળિયું હોય છે, જે ટેકઑફમાં મદદરૂપ થાય છે.

જ્યારે સી-પ્લેનની ગતિ અને ઉપર ઉઠવાની ક્ષમતા વધે છે ત્યારે તે આ પગથિયા પર ઉપર ઉઠે છે જેથી પાણીની સપાટી સાથેનું તેનું ઘર્ષણ ઓછામાં ઓછું હોય.

પાણી પર ઓછાં સમયમાં ટેકઑફ અને લેન્ડ કરી શકે તે રીતે સી-પ્લેનનું નિર્માણ કરવામાં આવે છે. ટેકઑફમાં સરળતા રહે તે માટે આ પ્લેનનું તળિયું બોટ જેવું રાખવામાં આવે છે.

ટેકઑફ સમયે સી-પ્લેનનું પાણી સાથે ઓછામાં ઓછું ઘર્ષણ થાય તેવી રીતે ચાલે છે અને ટેકઑફ કરે છે.

બીજા વિશ્વયુદ્ધ પછી આ પ્લેનની બનાવટમાં ફેરફારો કરી વિવિધ પ્રકારની સપાટીઓ જેમ કે બરફ, કાદવ અને ઘાસવાળી જમીન પર ઉતરાણ કરી શકે તેવા પ્લેનની શોધ પણ કરવામાં આવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો