ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી : આજે બીજા તબક્કાનું મતદાન

પોસ્ટર Image copyright Getty Images

ગુજરાતમાં વિધાનસભાની કુલ ૧૮ર બેઠકો પૈકીની 93 બેઠકો માટે ગુરૂવારે બીજા અને છેલ્લા તબક્કામાં મતદાન થશે.

પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર સરેરાશ 68% મતદાન થયું હતું.

બીજા તબક્કામાં પણ ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત હાર્દિક પટેલનો આરક્ષણનો મુદ્દો છવાયેલો રહેશે.

જોકે, પહેલા તબક્કા કરતાં બીજા તબક્કામાં પાટીદાર ફેકટર ધરાવતી બેઠકો ઓછી છે. માત્ર ૧૭ બેઠકો પર આ ફેકટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

તમને આ પણ વાંચવું ગમશે

પહેલા તબક્કાનાં મતદાન દરમ્યાન સૌરાષ્ટ્ર અને સુરતમાં પાટીદારોનું વર્ચસ્વ ધરાવતી રપ બેઠકો પર ધારણા કરતાં ઓછું મતદાન થયું હતું.

હવે બીજા તબક્કાના મતદાનમાં શહેરી મતદાતાઓ ક્યા પક્ષ ભણી ઢળશે તે જોવું રસપ્રદ બની રહેશે.

એ ઉપરાંત પાટીદારોના વર્ચસ્વવાળી બેઠકો પર મતદાન કેટલું થાય છે તેના પર પણ નજર રહેશે.


હાર્દિક, જીગ્નેશ અને અલ્પેશ માટે મહત્વનો તબક્કો

આ ચૂંટણીમાં ગુજરાતમાં છેલ્લા 22 વર્ષથી સતત સત્તામાં રહેલા ભારતીય જનતા પક્ષ (ભાજપ) સામે અસંતોષ ઊભો થયો છે.

છેલ્લાં 14 વર્ષથી રાજ્યના એકમાત્ર મુખ્યમંત્રી બની રહેલા નરેન્દ્ર મોદી, જેવા 2014માં વડાપ્રધાન બન્યા ત્યારથી માત્ર બે ત્રણ વર્ષમાં ગુજરાતે ભાજપનાં બે મુખ્યમંત્રીનું શાસન જોયું.

જ્ઞાતિ આધારિત આંદોલનો ઉપરાંત જીએસટી, નોટબંધી, અને મોંઘવારીને મુદ્દે ભાજપે લોકોના અસંતોષનો સામનો કરવો પડી રહ્યો છે.

હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી, અલ્પેશ ઠાકોર માટે બીજા તબક્કાનું મતદાન મહત્વનું રહેશે.

અમદાવાદની પાંચ બેઠકો સહિત અન્ય 17 બેઠકો પર પાટીદાર ફેક્ટર મહત્વની ભૂમિકા ભજવશે.

પાટીદારોના અનામત આંદોલનનું કેન્દ્ર ગણાતા મહેસાણા જિલ્લાની બેઠકો પર મતદાન કેવું રહેશે તેના પર પણ સૌની નજર રહેશે.


શું હશે મુખ્ય મુદ્દા?

Image copyright Getty Images

બીજા તબક્કાના મતદાન માટે લોકોના મુદ્દા ભલે જૂના હોય, પરંતુ નેતાઓના પ્રચારના મુદ્દા બદલાઈ ગયા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારની શરૂઆત ગુજરાતમાંથી 2022 સુધી ગરીબી હટાવવાની વાતથી કરી હતી.

પ્રચારના છેલ્લા દિવસે સી-પ્લેન લૉન્ચ કરી તેમણે પ્રચાર પર પૂર્ણવિરામ મૂક્યું હતું.

વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ કહે છે, "વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલાં જ વિકાસ ગાંડો થયાની કૅમ્પેનથી ભાજપ અકળાઈ ગયો હતો."


Image copyright Getty Images

ભાજપે વિકાસની વાહ વાહ કરવા અલગથી 'હું છું વિકાસ, હું છું ગુજરાત,' તથા 'અડીખમ ગુજરાત' જેવાં સૂત્રો સાથે પ્રચારમાં ઊતરવું પડ્યું હતું.

બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જીએસટી, નોટબંધી, બેરોજગારી, ખેડૂતોને વીજળી-પાણી, મહિલા સુરક્ષા અને વેપાર જેવા મુદ્દા સાથે પ્રચારની શરૂઆત કરી હતી.

રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને ટોણો મારીને પ્રચાર પર પૂર્ણવિરામ મૂક્યું હતું.

તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી મારા વિશે ભલે કંઈ પણ કહે, હું એમના વિશે કશું નહીં કહું.

બીજા તબક્કાના મતદાન પર પ્રચારની અસર વિશે વરિષ્ઠ પત્રકાર આર. કે. મિશ્રા કહે છે, "બીજા તબક્કાનું મતદાન શહેરી ક્ષેત્રોમાં છે. એક અનુમાન મુજબ, ગ્રામીણ ગુજરાતમાં ભાજપની વિરુદ્ધ મત પડ્યા છે."

તેમના જણાવ્યા મુજબ, બીજા તબક્કાનું મતદાન નિર્ણાયક સાબિત થશે.


કોંગ્રેસનેફાયદો થશે?

Image copyright Getty Images

હાલની સ્થિતિ અને છેલ્લા દિવસોના પ્રચારનો ફાયદો કોંગ્રેસને થશે કે કેમ?

આ બાબતે રાજકીય નિષ્ણાત અચ્ચુત યાજ્ઞિકે કહ્યું, ''આ સમગ્ર સ્થિતિ કોંગ્રેસ માટે લાભકારક સાબિત થઈ રહી છે.

ભાજપ સામેની લોકોની નારાજગીનો ફાયદો કોંગ્રેસને થઈ શકે છે.''

તેમણે ઉમેર્યું કે કોંગ્રેસે શરૂઆતથી જ ભાજપને વિકાસના મુદ્દે પડકાર આપ્યો હતો.

રાહુલનાં ભાષણોમાં શરૂઆતથી જ બેરોજગારીનો મુદ્દો છવાયેલો રહ્યો હતો.


શું હતી 2012ની સ્થિતિ?

Image copyright Getty Images

2012માં યોજાયેલી વિધાન સભાની ચૂંટણીમાં ભાજપને 115, કોંગ્રેસને 61, ગુજરાત પરિવર્તન પાર્ટીને બે, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને બે, અપક્ષને એક, જનતા દળ યુનાઇટેડને એક બેઠક મળી હતી.

2017નાં અંત સુધીમાં ભાજપ પાસે 120 અને કોંગ્રેસ પાસે 43 બેઠકો હતી, જ્યારે ચાર બેઠકો અન્યો પાસે હતી.

કોંગ્રેસના ધારાસભ્યો અને ભાજપના પ્રમુખ અમિત શાહે આપેલા રાજીનામાને કારણે 15 બેઠકો ખાલી પડી હતી.

2012ની ચૂંટણીમાં કોંગ્રેસને 40.59 ટકા, જ્યારે ભાજપને 48.30 ટકા મળ્યા હતા.

2007ની વિધાન સભા ચૂંટણીમાં કોંગ્રેસને 39.63 ટકા અને ભાજપને 49.12 ટકા મત મળ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો