ભારતના સૌથી વૃદ્ધ ચીમપાનઝીનો બર્થડે ઉજવાયો

રીટા. Image copyright National Zoological Park

દિલ્હી સ્થિત નૅશનલ ઝૂઓલૉજિક્લ પાર્કના અધિકારીઓએ સૌથી વૃદ્ધ ચીમપાનઝી રીટા માટે જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું.

ઝૂના ડિરેક્ટર રેણુસિંહે બીબીસીને જણાવ્યું કે 'બર્થડે ગર્લ'ને ઘણી ભેટ મળી છે અને કેક પણ કાપવામાં આવી.

રીટા નામની આ માદા ચીમપાનઝીનો જન્મ 1960માં ઍમ્સ્ટર્ડમમાં થયો હતો, ત્યારબાદ ચાર વર્ષની ઉંમરે તેને દિલ્હીના ઝૂમાં લાવવામાં આવી હતી.

રીટા ભારતની સૌથી વૃદ્ધ ચીમપાનઝી છે, જેથી તેનાં 57માં જન્મદિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.

રેણુસિંહે કહ્યું કે તેનો સ્વભાવ "ખૂબ જ મિત્રતાભર્યો" છે. તેમને જણાવ્યું, "અમે કેક કાપી અને મેં જ રીટાને મારા હાથે કેક ખવડાવી."

તમને આ પણ વાંચવું ગમશે

Image copyright Getty Images

ગુરુવારે યોજાયેલી આ પાર્ટીમાં સ્કૂલનાં બાળકો પણ જોડાયાં હતાં.

રીટાના જન્મદિવસે ઝૂ બંધ હોવાથી પાર્ટીનું આયોજન એક દિવસ પહેલાં કરવામાં આવ્યું હતું.

જન્મદિવસની ભેટરૂપે ચીમપાનઝીને સોફ્ટ ટૉયઝમાં ફૂટબોલ અને અન્ય રમકડાં, તેમજ નવો બ્લૅન્કેટ પણ આપવામાં આવ્યો.

ડિરેક્ટરના જણવ્યા પ્રમાણે, ચીમપાનઝીને વીડિયો જોવા ગમતા હોવાથી તેના જન્મદિવસે વન્યજીવ સંબંધિત કેટલીક ફિલ્મોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

ચીમપાનઝી તેના પાંજરાની બહાર ભાગ્યે જ નીકળે છે, પરંતુ તેનાં પાંજરાની સામે એક સ્ક્રીન મૂકાઈ હતી.

અહીં બાળકો, પત્રકારો અને અન્ય મુલાકાતીઓ પણ આ ફિલ્મો જોઈ હતી.


સોશિઅલ મીડિયા પર આ વિશે લોકોએ શું કહ્યું?

ચીમપાનઝીને શુભેચ્છા આપતા ટ્વિટર યૂઝર નવીન જલોટાએ ટ્વિટ કર્યું. તેમણે લખ્યું, "ખૂબ જ સરસ... હું તેને જન્મદિવસની શુભેચ્છા આપું છું."

Image copyright Twitter/Navin Jalota

ટ્વિટર હૅન્ડલ પ્રવીણ કાસવાન પરથી ટ્વીટ કર્યું કે મારા તરફથી રીટાને ઝપ્પી.

Image copyright Twitter/Love JanaGanaMana

ટ્વિટર યૂઝર લવ જનગનમનએ લખ્યું, "મારા તરફથી રીટા માટે એક ઝપ્પી."


શું ચીમપાનઝી વિશેની આ વાતો જાણો છો?

Image copyright Getty Images
  • ચીમપાનઝી જંગલમાં રહે તો સરેરાશ 40 વર્ષ સુધી જીવે છે, પરંતુ બંધનાવસ્થામાં વધુ સમય જીવી શકે છે.
  • ચીમપાનઝી મનુષ્યજાતિની સૌથી નજીકની પ્રજાતિ છે, જે માણસ સમાન 98 ટકાથી વધારે જીનેટિક બ્લ્યુપ્રિન્ટ્સ ધરાવે છે.
  • સૌથી મોટી ચીમપાનઝીઓની સંખ્યા મધ્ય આફ્રિકામાં વસે છે, મુખ્યત્વે ગેબૉન, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને કેમેરૂનમાં.
Image copyright Getty Images
  • ચીમપાનઝી કેટલાક પ્રાણીઓનાં સમુદાયોમાં આફ્રિકાનાં વરસાદી જંગલો અને ઘાસનાં મેદાનોમાં રહે છે.
  • ચીમપાનઝી સામાન્ય રીતે ફળો અને વનસ્પતિ ખાનારા હોય છે, પરંતુ તે કીડાં, ઇંડા અને માંસ પણ ખાઈ શકે છે.
  • માદા ચીમપાનઝી 13 વર્ષની ઉંમરે પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરે છે. નર ચીમપાનઝી જ્યાં સુધી 16 વર્ષની ઉંમરના ન હોય, ત્યાં સુધી તે પુખ્ત વયનાં ગણવામાં નથી આવતાં.
  • દેખાવ અને વિતરણમાં તફાવતોના આધારે ચાર ઉપ-પ્રજાતિઓની ઓળખ થઈ છે: વેસ્ટર્ન ચીમપાનઝી, સેન્ટ્રલ ચીમપાનઝી, ઈસ્ટર્ન ચીમપાનઝી અને નાઈજિરીયા-કેમેરૂન ચીમપાનઝી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો