એગ્ઝિટ પોલની આ આંટીઘૂંટીઓ આપ જાણો છો?

એગ્ઝિટ પોલ્સ
ફોટો લાઈન એગ્ઝિટ પોલ્સ બાદ ગુજરાતમાં રાજકીય ગરમાટો આવી ગયો છે

ગુજરાત વિધાનસભા 2017ની બીજા તબક્કાનીચૂંટણી પછી જાહેર થયેલા એગ્ઝિટ પોલ બાદ રાજ્યના રાજકીય વાતાવરણમાં શિયાળામાં પણ ગરમાટો આવી ગયો છે.

લગભગ દરેક એગ્ઝિટ પોલમાં ભાજપને સ્પષ્ટ બહુમતી આપવામાં આવી છે.

સામાજિક અને જ્ઞાતિગત ચૂંટણીલક્ષી સમીકરણોને ધ્યાનમાં લેતાં આ એગ્ઝિટ પોલની વિશ્વસનીયતા વિશે અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.

બીબીસીએ આ પ્રકારના સર્વેક્ષણો હાથ ધરતા લોકો અને રાજકીય વિશ્લેષકો સાથે આ સંદર્ભે વાત કરી હતી.

તમને આ પણ વાંચવું ગમશે


એગ્ઝિટ પોલ્સ એટલે...

Image copyright KALPIT BHACHECH
ફોટો લાઈન મતદાન કરીને બહાર આવતા મતદારો સાથે પ્રશ્નોતરી કરીને એગ્ઝિટ પોલ લેવામાં આવે છે
  • મતદાર મત આપીને બહાર નીકળે ત્યારે તેમની સાથે સર્વેક્ષણ કરનારી સંસ્થા દ્વારા નિમાયેલા લોકો પ્રશ્નોત્તરી કરે છે.
  • પ્રશ્નોત્તરીનાં આધારે એવું તારણ કાઢવામાં આવે છે કે જે મતદારનું સર્વેક્ષણ હાથ ધરાઈ રહ્યું છે તેણે પોતાનો મત કોને આપ્યો હશે.
  • આવા અનેક મતદારોના મતદાન વિષેની અંદાજીત માહિતી જુદીજુદી બેઠકો પરથી એકત્રિત કરવામાં આવે છે.
  • આ માહિતીનું પૃથક્કરણ કર્યા બાદ એક અંદાજ કાઢવામાં આવે છે. તેના આધારે જે-તે બેઠકો પર ઊભેલા ઉમેદવારોને કેટલા મતો મળશે, તેનું અનુમાન કરવામાં આવે છે.
  • આવા અનુમાનો દ્વારા મતદાનની અંદાજીત ટકાવારી ક્યા પક્ષની તરફેણમાં કેટલી છે વધી છે કે ઘટી છે એ નક્કી કરવામાં આવે છે. આ સર્વાંગી આંકલનને એગ્ઝિટ પોલ કહેવામાં આવે છે.
Image copyright FACEBOOK/AGP.MDRF
ફોટો લાઈન સીએસડીએસના નિયામક સંજય કુમારના જણાવ્યા મુજબ, એગ્ઝિટ પોલ અને પોસ્ટ-પોલ સર્વેમાં ઘણો ફરક હોય છે.

દિલ્હી સ્થિત સેન્ટર ફોર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ્ (સીએસડીએસ)ના નિયામક સંજયકુમારે આ વિશે બીબીસી સાથેની વાતચીત કરી.

કુમાર એગ્ઝિટ પોલ અને પોસ્ટ-પોલ સર્વે વચ્ચે તફાવત સમજાવતાં કહ્યું હતું, "એગ્ઝિટ પોલ અને પોસ્ટ-પોલ સર્વેમાં એકંદરે ઘણો ફરક છે."

કુમારના જણાવ્યા મુજબ, "તેમની સંસ્થા વર્ષોથી પ્રી-પોલ અને પોસ્ટ-પોલ સર્વે કરી રહી છે. ભારતમાં બીજી અનેક એજન્સીઓ પણ એગ્ઝિટ પોલ હાથ ધરે છે.

"દેશમાં આવી કેટલી એજન્સીઓ કાર્યરત છે અને કેટલા લોકોને આવાં સર્વેક્ષણો દ્વારા રોજગાર મળી રહ્યો છે તે કહેવું શક્ય નથી."

Image copyright FACEBOOK/ARUNGIRI
ફોટો લાઈન અરુણ આનંદગિરી (ડાબે) કહે છે અમેરિકામાં એક જ સંસ્થાચૂંટણીલક્ષી સર્વેક્ષણો હાથ ધારે છે

વિદેશમાં, ખાસ કરીને અમેરિકામાં એક જ સંસ્થા છે જે આવા ચૂંટણીલક્ષી સર્વેક્ષણો હાથ ધરે છે.

ટેક્સસૂત્ર.કોમના ગ્રૂપ એડિટર અને ચૂંટણી વિશ્લેષક અરુણ આનંદગિરીએ સાથે પણ બીબીસીએ વાત કરી હતી.

અરુણે કહ્યું હતું,"અમેરિકામાં બધી ટેલિવિઝન ચેનલોને એક જ સંસ્થા આ પ્રકારની માહિતી આપે છે.

"ભારતમાં એવું નથી. એટલે અહીં હાથ ધરવામાં આવતા સર્વેક્ષણોમાં ઘણી વિવિધતા હોય છે."


એગ્ઝિટ પોલ કેટલા સાર્થક?

આ પ્રશ્નનો જવાબ આપતા કુમારે કહ્યું હતું ''એગ્ઝિટ પોલ અર્થપૂર્ણ હોય જ છે. એની સાર્થકતા કે એની વિશ્વસનીયતા સામે આજ સુધી કોઈ સવાલો ઊભા થયા નથી.''

સ્વરાજ પાર્ટીના પ્રમુખ અને સેફોલોજિસ્ટ ડૉ.યોગેન્દ્ર યાદવનો મત થોડો જુદો છે.

બીબીસી સાથેની વાતચીતમાં ડૉ. યોગેન્દ્ર યાદવે કહ્યું હતું, ''ઓપિનિયન પોલ અને એગ્ઝિટ પોલ એક પ્રકારના માપદંડ હોય છે. એટલે જ તે સમયાંતરે બદલાઈ શકે છે.''


કઈ બાબતો પર મદાર હોય છે?

Image copyright FACEBOOK/YOGENRAYY
ફોટો લાઈન ડૉ. યોગેન્દ્ર યાદવ માને છે કે ઓપિનિયન પોલ્સ અને એગ્ઝિટ પોલ્સ સમયાંતરે બદલાઈ શકે છે

'ક્યા વિસ્તારમાં, ક્યા સમયે અને ક્યા પ્રકારના મતદાતાઓના અભિપ્રાયો હાથ ધરાયેલા સર્વેક્ષણોમાં સામેલ કરવામાં આવ્યા છે તેના પર આવા પોલનો મદાર હોય છે.'

એગ્ઝિટ પોલની સાર્થકતા સામે સવાલ કરતા અરુણે કહ્યું હતું, "અમેરિકામાં પાંચ મુખ્ય ટેલિવિઝન ચેનલો એકમાત્ર સંસ્થા પાસેથી ઓપિનિયન કે એગ્ઝિટ પોલ મેળવે છે, પણ સમાંયતરે આ માહિતી ખોટી ઠરતાં પાંચમાંથી બે ચેનલે એ લેવાનું બંધ કર્યું છે."

અરુણે ઉમેર્યું હતું, "ભારત જેવા દેશમાં આવા સર્વેક્ષણો જ્ઞાતિ આધારિત રાજકીય સમીકરણોને લીધે વૈવિધ્યસભર બને છે.

તેથી તેમાં ક્યારેક કોઈ ખોટા સાબિત થાય છે તો કોઈ સાચા ઠર્યા છે. એગ્ઝિટ પોલને બહુ ગંભીરતાથી ન લેવા જોઈએ"


એગ્ઝિટ પોલ સદંતર ખોટા પણ સાબિત થાય?

ફોટો લાઈન નજીકના ભૂતકાળમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એક્ઝીટ પોલ્સ ખોટા સાબિત થયા હતા

એગ્ઝિટ પોલ ખોટા પડ્યાને અનેક દાખલા છે.

કુમાર કહ્યું હતું, "2004માં લોકસભાની ચૂંટણીમાં એગ્ઝિટ પોલ ખોટા સાબિત હતા. ભાજપને ફરીથી સત્તા મળશે એવું એ સમયે તમામ એગ્ઝિટ પોલમાં જણાવવામાં આવ્યું હતું, પરંતુ તેવું થયું ન હતું.

કોંગ્રેસ પક્ષની આગેવાની હેઠળના યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સે સરકાર બનાવી હતી."

અરુણે ઉમેર્યું હતું, "2004માં અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના પ્રાથમિક એગ્ઝિટ પોલનું તારણ મુજબ, જ્હોન કેરી તેમના પ્રતિસ્પર્ધી જ્યોર્જ ડબલ્યુ. બુશને હરાવવાના હતા, પણ તેવું થયું ન હતું.

2016માં યોજાયેલી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં પણ પ્રાથમિક તારણ એવું આવ્યું હતું કે હિલેરી ક્લિન્ટન તેમના પ્રતિસ્પર્ધી ડોનલ્ડ ટ્રમ્પને માત આપશે, પરંતુ ડોનલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા છે."

આપણે ત્યાં તાજેતરમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એગ્ઝિટ પોલ ખોટા સાબિત થયા હતા.


અલગ-અલગ તારણ

ફોટો લાઈન એગ્ઝિટ પોલ્સમાં એવું તે શું થયું કે ભાજપને મોટા ભાગની સર્વેક્ષણો કરનારી સંસ્થાઓએ તેમના એગ્ઝિટ પોલ્સમાં બહુમતી આપી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પુરું થયા પછી જાહેર કરાયેલા એગ્ઝિટ પોલ પહેલાનાં ઓપિનિયન પોલનાં તારણ અલગ છે.

કુમારે કહ્યું હતું કે "અમે ચૂંટણી પહેલાં ત્રણ જુદાજુદા સર્વેક્ષણો રજુ કર્યા હતા અને દરેક સર્વેક્ષણમાં તારણો જુદાજુદા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ઓગસ્ટ 2017માં હાથ ધરાયેલા સર્વેક્ષણમાં ભાજપ આગળ હતો અને કોંગ્રેસ પાછળ હતો.

સપ્ટેમ્બર-ઓક્ટોબર 2017માં હાથ ધરાયેલ સર્વેક્ષણમાં બંને પક્ષ વચ્ચેનો તફાવત ઘટ્યો હતો.

અંતિમ સર્વેક્ષણ, નવેમ્બર 2017માં હાથ ધરવામાં આવ્યું, જેમાં ભાજપ અને કોંગ્રેસ લગભગ સમાન સ્થિતિમાં હતા."

કુમાર માને છે કે બંન્ને પક્ષે કરેલી ચૂંટણીલક્ષી પ્રચાર-પ્રસારની તૈયારીને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ હશે.

'છેલ્લા તબક્કામાં ભાજપને બહુમતી મળશે એવું કેમ જણાવવામાં આવ્યું હતું?'

આ સવાલના જવાબમાં કુમારે કહ્યું હતું, "છેલ્લા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી સભાઓની અસર તેમાં સ્પષ્ટપણે દેખાય છે."


એગ્ઝિટ પોલથી પ્રજા નારાજ?

Image copyright Getty Images
ફોટો લાઈન એગ્ઝિટ પોલ્સ ચર્ચાનો વિષય બન્યા છે, તે જોતાં સવાલ થાય કે લોકો એગ્ઝિટ પોલ્સને સાનુકૂળ નથી માનતા?

ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણીનું મતદાન પુરું થયા પછી એગ્ઝિટ પોલ્સ ચર્ચાનો વિષય બન્યા છે, તે જોતાં સવાલ થાય કે લોકો એગ્ઝિટ પોલ્સને સાનુકૂળ નથી માનતા?

કુમારે કહ્યું હતું, "અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણીનો જે રીતે રાજકીય પરિદ્રશ્યમાં ઊભર્યા છે તેને જોતાં લાગે છે કે તેઓ મતદારોને કોંગ્રેસની તરફેણમાં આકર્ષવામાં નિષ્ફળ રહ્યા છે.'

ડૉ. યોગેન્દ્ર યાદવે કહ્યું હતું, "આ સર્વેક્ષણ કરનારાઓ ગ્રામ્ય મતદારો સુધી પહોંચ્યા છે કે નહિ તે કહેવું અઘરું છે. કારણ કે ગ્રામ્ય મતદારોનો ગુસ્સો આ એગ્ઝિટ પોલમાં ક્યાંય દેખાતો નથી."

અરૂણે કહ્યું હતું, "મતદાર એવું માનતો હોય છે કે તેણે જેને મત આપ્યો હોય એ જ જીતે, પણ જો સર્વેમાં વિપરીત પરિસ્થિત સર્જાય તો તે સ્વીકારવા તૈયાર નથી હોતો. "

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ