દૃષ્ટિકોણ : રાહુલ ગાંધીની સૌથી મોટી મુશ્કેલી તેઓ પોતે જ

રાહુલ ગાંધી Image copyright PTI

રાહુલ ગાંધીએ કોંગ્રેસનાં અધ્યક્ષપદનો કાર્યભાળ સંભાળ્યો. ગુજરાત ચૂંટણીઓ સમયે જોવા મળ્યું કે, રાહુલે લોકોને સંબોધવાની ક્ષમતા વિકસાવી લીધી છે.

કેન્દ્રમાં સત્તામાં રહેલો ભાજપ પણ હવે તેને હળવાશમાં લેવાનું વિચારી નથી શકતો.

ત્યારે રાહુલ ગાંધી માટે પાર્ટીની આ નવી જવાબદારી અને આવનારાં વર્ષોમાં કોંગ્રેસને તેનાથી શું હાંસલ થશે તેના પર બીબીસીએ વરિષ્ઠ પત્રકાર કલ્યાણી શંકર સાથે વાતચીત કરી હતી.

તમને આ પણ વાંચવું ગમશે


રાહુલ ગાંધી નવા અવતારમાં

Image copyright PTI

ગુજરાત ચૂંટણીમાં રાહુલ ગાંધી નવા અવતારમાં જોવા મળ્યા. અગાઉ જે 'પપ્પૂ' બોલાતું હતું, તે હવે ગાયબ થઈ ગયું છે. તેના બદલે વિપક્ષના એક વિશ્વસનીય નેતાના તરીકે તેમની છાપ ઊભી થઈ છે.

ગુજરાત ચૂંટણીમાં વધારે સીટો મળવાની આશા હતી, પરંતુ એગ્ઝિટ પોલનાં અનુમાનો બાદ કોંગ્રેસમાં ઉત્સાહ થોડો ઓછો થયો છે.

કોંગ્રેસનું અધ્યક્ષપદ રાહુલ ગાંધી માટે 'કાંટાળો તાજ' છે. તેમની પાર્ટી સત્તામાં નથી. લોકસભામાં બેઠકો ઓછી છે. કોંગ્રેસ એકબાદ એક વિધાનસભાની ચૂંટણીઓ હારી રહી છે.

ગુજરાતની ચૂંટણીમાં રાહુલનું વ્યક્તિત્વ પહેલાં કરતાં વધારે નિખર્યું છે, પણ હજુ તેમના માટે મુશ્કેલીઓનો પાર નથી.

રાહુલની સામે સૌથી મોટો પ્રશ્ન

Image copyright Getty Images

રાહુલ ગાંધી કહે છે કે મોદીએ યુવાનોને નોકરીઓ આપી નથી, પરંતુ માત્ર તેમની ટીકા કરવાથી નહીં ચાલે.

યુવાનોને નોકરી આપવા અને તેમના જીવનને વધુ સારું બનાવવા માટે રાહુલ ગાંધી પાસે શું યોજના છે?

આ મામલે તેમનો દૃષ્ટિકોણ શું છે? આ કામ તેઓ કઈ રીતે કરશે? રાહુલ ગાંધીની આર્થિક નીતિ, વિદેશ નીતિ શું છે? તેમણે પોતાનું વિઝન દેશને બતાવવું પડશે.

આ કામ સરળ નથી. રાહુલ ગાંધી સામે આ મોટો પડકાર છે.


જૂની પેઢીનો પ્રશ્ન

Image copyright Getty Images

આ ઉપરાંત જૂની પેઢીના સોનિયા ગાંધીનાં નજીકના લોકો પણ રાહુલ ગાંધી માટે પડકારરૂપ સાબિત થશે.

કોંગ્રેસના જ કેટલાક નેતા અને રાહુલ ગાંધીના સમર્થકોના મતે આ લોકો અત્યારસુધી રાહુલ ગાંધીના અધ્યક્ષ બનવાના માર્ગમાં આડખીલી હતા.

હવે રાહુલ ગાંધી અધ્યક્ષ બની ગયા છે તો તેમને અનુભવી લોકો પણ જોઇશે અને યુવાનો પણ જોઇશે.

બંનેને સાથે રાખીને આગળ વધવું પણ તેમના માટે એક મુશ્કેલ કામ હશે. તેઓ કોને સાથે રાખશે કોને નહીં રાખે એ આવનારા સમયમાં જ ખબર પડશે.

જ્યોતિરાદિત્ય સિંધિયા, સચિન પાયલટ, દીપેન્દ્ર હુડ્ડા, જિતિન પ્રસાદ, સુષ્મિતા દેવ જેવા લોકો પરિવારવાદની પૃષ્ઠભૂમિ ધરાવે છે. તેમની આગળપાછળના મોટાભાગના લોકો આવી જ પૃષ્ઠભૂમિ ધરાવે છે.


અહેમદ પટેલનું નામ નથી?

Image copyright Getty Images

એવું જાણવા મળી રહ્યું છે કે, અહેમદ પટેલ અને મોતી લાલ વોરા જેવા નેતા રાહુલનાં લિસ્ટમાં નથી. 65-70થી વધારે ઉંમરના નેતાઓને પાર્ટીમાં પદ આપવામાં આવશે નહીં.

જોકે, રાહુલ ગાંધી પોતાની ટીમમાં પી. ચિંદમ્બરમ, આનંદ શર્મા, કપિલ સિબ્બલ જેવા લોકોને રાખે તેવી શક્યતા શકે છે.

આ ઉપરાંત, રાહુલ માટે સૌથી મોટો પડકાર પક્ષને ફરીથી ઊભો કરવાનો હશે. એક બાજુ, ગુજરાત જીતવું જરૂરી છે.

બીજી બાજુ, પાર્ટીમાં લોકો ઉત્સાહિત થઈને કામ કરી રહ્યા નથી. પ્રદેશ કોંગ્રેસ કમિટી (પીસીસી), જિલ્લા કોંગ્રેસ કમિટી (ડીસીસી) કામ કરી રહી નથી. 2019ની ચૂંટણી સુધી રાહુલ ગાંધી માટે આટલાં કામ એકલા હાથે કરવા ખૂબ જ મુશ્કેલ હશે.


પ્રદેશ કક્ષાએ નેતા

રાહુલ ગાંધી પાસે કોંગ્રેસમાં પ્રદેશ કક્ષાએ કોઈ નેતા નથી. તેમણે બીજી હરોળના નેતા તૈયાર કરવા પડશે. એ પણ યાદ રાખવું પડશે કે નહેરુના સમયમાં પક્ષમાં રાજ્ય સ્તરે દિગ્ગજ નેતાઓ હતા.

એ સમયે બંગાળમાં વિધાન ચંદ્ર રૉય, તમિલનાડુમાં કે. કામરાજ, આંધ્રપ્રદેશમાં નીલમ સંજીવ રેડ્ડી અને મહારાષ્ટ્રમાં યશવંતરાવ બલવંતરાવ ચવ્હાણ જેવા નેતાઓનું પ્રભુત્વ હતું.

પરંતુ ઇંદિરા ગાંધીનાં ઉદય બાદ પાર્ટીમાં બીજી હરોળના કોઈ નેતા ના રહ્યા અને સોનિયા ગાંધીએ પણ આ જ નીતિને આગળ વધારી હતી.


કોંગ્રેસનું ભવિષ્ય

Image copyright Getty Images

કોંગ્રેસ પક્ષ પાસે માત્ર ગણ્યાંગાઠ્યાં રાજ્યોમાં જ સત્તા છે અને ચૂંટણી લડવાના પૈસાની પણ અછત છે. વળી, સંગઠનાત્મક રીતે પણ પક્ષ કમજોર જણાય રહ્યો છે.

રાહુલે પક્ષને ફરીથી સંગઠિત કરવો પડશે. લોકોની વચ્ચે જવું પડશે. સોનિયા ગાંધીને પક્ષના નેતાઓએ સમજાવ્યું હતું કે, મોદી ચૂંટણીનાં વચનો પૂર્ણ નહીં કરી શકે અને લોકો ફરીથી કોંગ્રેસ પાર્ટી તરફ વળશે.

એટલે કોંગ્રેસ નિષ્ક્રિય બેઠી રહી, પરંતુ એવું ના થયું. કોંગ્રેસ હવે હવે પાયાની રાજનીતિ કરવી પડશે. એનાં વિના કોંગ્રેસનું ભવિષ્ય નથી.

(બીબીસી સંવાદદાતા અભિજીત શ્રીવાસ્તવ સાથેની વાતચીત પર આધારિત)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો