રાહુલે કહ્યું, ‘બીજેપી દેશમાં આગ લગાવી રહી છે’

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી Image copyright Getty Images
ફોટો લાઈન અંદાજે 132 વર્ષ જૂના કોંગ્રેસ પક્ષના પ્રમુખ બનેલા નેહરુ-ગાંધી પરિવારના છઠ્ઠા સભ્ય રાહુલ ગાંધી છે

કોંગ્રેસના અધ્યક્ષપદની જવાબદારી સંભાળ્યા બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી) પર જોરદાર શાબ્દિક આક્રમણ કર્યું હતું.

રાહુલ ગાંધીએ પહેલાં અંગ્રેજી અને પછી હિંદીમાં ભાષણ આપ્યું હતું.

રાહુલ ગાંધીએ કહ્યું હતું, ''એકવાર આગ લાગી જાય તો તેને ઠારવાનું મુશ્કેલ હોય છે. બીજેપીના લોકોને અમે આ વાત જ સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ.''

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું, ''આજે બીજેપીના લોકો આખા દેશમાં આગ લગાડવાના અને હિંસા ફેલાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

તેને રોકવા માટે આખા દેશમાં એકમાત્ર શક્તિ છે અને એ છે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને નેતાઓ. તેઓ તોડે છે, અમે જોડીએ છીએ. તેઓ આગ લગાવે છે, અમે ઠારીએ છીએ.''

રાહુલ ગાંધીએ કહ્યું હતું, ''આજે રાજકારણથી ઘણાં લોકો નિરાશ છે. રાજકારણનો ઉપયોગ લોકોને મજબૂત બનાવવાને બદલે લોકોને દબાવવા માટે કરવામાં આવી રહ્યો હોવાથી તેઓ નિરાશ છે.

''આજના રાજકારણમાંથી કરુણા અને સત્યનો સંપૂર્ણપણે સફાયો થઈ ચૂક્યો છે.''

તમને આ પણ વાંચવું ગમશે


'બર્બર યુગમાં લઈ જઈ રહ્યા છે વડાપ્રધાન'

Image copyright Getty Images
ફોટો લાઈન રાહુલ ગાંધી અને કોંગ્રેસનાં ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાકતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ''કોંગ્રેસે ભારતને 21મી સદીનો દેશ બનાવ્યો હતો, જ્યારે વડાપ્રધાન દેશને ફરી મધ્ય યુગમાં લઈ જઈ રહ્યા છે.

એ યુગમાં અન્યોથી અલગ અભિપ્રાય હોવાને કારણે લોકોની બર્બરતાપૂર્વક હત્યા કરવામાં આવતી હતી.

અલગ અભિપ્રાય ધરાવતા લોકોને પીટવામાં આવતા હતા અને અલગ ખોરાક લેતા લોકોને મારી નાખવામાં આવતા હતા.''

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ''આ ઘૃણાસ્પદ હિંસાને લીધે આપણે આખી દુનિયામાં શરમ અનુભવવી પડે છે.

પ્રેમ અને સંવેદના આ દેશનું ઐતિહાસિક દર્શન હતું, પણ ડરને કારણે તેના પર ડાઘ લાગી ગયો છે.

આ દેશને એટલું મોટું નુકસાન થયું છે કે કોઈ સહાનુભૂતિ તેનું સાટું વાળી શકે તેમ નથી.''

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અત્યાર સુધીનું સૌથી મોટું શાબ્દિક આક્રમણ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ''અત્યારે નરેન્દ્ર મોદી ખુદ દેશનો એકમાત્ર અવાજ બની ગયા છે.

એક વ્યક્તિની ઇમેજ બનાવવા માટે તમામ યોગ્યતાઓ અને વિશેષતાઓને બાજુ પર હડસેલી દેવામાં આવી છે.''


નેહરુ-ગાંધી પરિવારના છઠ્ઠા સભ્ય

Image copyright Getty Images
ફોટો લાઈન કોંગ્રેસના પહેલા અધ્યક્ષ મોતીલાલ નેહરુ હતા. જવાહરલાલ નેહરુ 1946માં કોંગ્રેસના વડા બન્યા હતા. ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી પણ કોંગ્રેસપ્રમુખ બન્યાં હતાં.

રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીના વડામથકે યોજાયેલા સમારંભમાં રાહુલ ગાંધીની તાજપોશી પહેલાં સોનિયા ગાંધીએ પક્ષના અધ્યક્ષ તરીકે છેલ્લું ભાષણ આપ્યું હતું.

સોનિયા ગાંધીએ તેમના પુત્ર રાહુલને નવી ઇનિંગ્ઝ માટે અભિનંદન અને આશીર્વાદ આપ્યા હતા.

કોંગ્રેસનો વારસો કોને મળશે એ વિશે વર્ષો સુધી ચાલેલી અટકળો અને દુવિધા પછી આખરે રાહુલ ગાંધીને પક્ષનું અધ્યક્ષપદ સોંપવામાં આવ્યું છે.

રાહુલ ગાંધીને પક્ષના અધ્યક્ષ તરીકે ચૂંટાયાનું સર્ટિફિકેટ સોનિયા ગાંધીની હાજરીમાં આપવામાં આવ્યું હતું.

રાહુલ ગાંધી કોંગ્રેસનું અધ્યક્ષપદ સંભાળનારા નેહરુ-ગાંધી પરિવારના છઠ્ઠા સભ્ય બન્યા છે.

આ પ્રસંગે પક્ષના વડામથક બહાર ફટાકડાઓ ફોડી તથા મિઠાઈ વહેંચીને કોંગ્રેસી કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી હતી.

કાર્યકરોએ એટલા મોટા પ્રમાણમાં ફટાકડા ફોડ્યા હતા કે ફટાકડા ફૂટવાના અવાજને લીધે એક તબક્કે સોનિયા ગાંધીએ તેમનું ભાષણ અટકાવવું પડ્યું હતું.

કોંગ્રેસી નેતા જનાર્દન દ્વિવેદીની અપીલ બાદ ફટાકડાનો અવાજ ઓછો થયો પછી સોનિયા ગાંધીએ ભાષણ પુરું કર્યું હતું.


સોશિઅલ રિએક્શન

રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ સોશિઅલ મીડિયામાં #CongressPresidentRahulGandhi અને #ThankYouSoniaGandhi ટ્રેન્ડ કરવા લાગ્યાં હતાં.

લોકો મોટા પ્રમાણમાં રાહુલને અને કોંગ્રેસને અભિનંદન આપતાં જણાયાં હતાં. તો ઘણાં લોકો આ નિર્ણયનો વિરોધ કરતાં પણ જોવા મળ્યાં હતાં.

અન્સારી નામના ટ્વિટર હૅન્ડલ પરથી રાહુલને દેશના આગામી વડા પ્રધાન ગણાવતાં લખ્યું,

તો મોહિત અરોરા નામનાં ટ્વિટર હૅન્ડલ પરથી લખ્યું, 'ભવિષ્યનાં મારા વડાપ્રધાન'

વિજય પ્રસાદ સિંહ નામનાં ટ્વિટર યૂઝર દ્વારા રાહુલના અધ્યક્ષ બનવાને 'કોંગ્રેસ મુક્ત ભારત તરફનું એક પગલું' ગણાવ્યું.

દિનેશ ચૌધરીએ લખ્યું કે 'રાહુલ ભાઈને અધ્યક્ષ બનવા બદલ અભિનંદન. હવે ભાજપવાળાઓને જલસા જ જલસા.'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો