પાટીદાર મતદારોના પ્રભુત્વની એ આઠ બેઠકની શું રહી સ્થિતિ?

હાર્દિક પટેલ Image copyright Getty Images
ફોટો લાઈન પાટીદાર મતદારોના પ્રભુત્વવાળી એ સાત બેઠકો પર શું પરિણામ આવ્યું? તેના પર એક નજર

2015માં પાટીદારોના અનામત આંદોલન બાદ રાજ્યમાં એક નવો જુવાળ શરૂ થયો.

આ જુવાળે ધીમે ધીમે સમગ્ર રાજ્યમાં આંદોલનની આગ પ્રસરાવી હતી.

હાર્દિક પટેલ અને પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનરોને જેલ પણ થઈ.

14 પાટીદાર યુવાનોનાં મૃત્યુ પણ થયા. આ આંદોલન આનંદીબેન પટેલની મુખ્યમંત્રીની તરીકેની ખુરશી જવા પાછળનું કારણ પણ બન્યું હતું.

ધીરે ધીરે આ આંદોલન ભાજપ સરકાર માટે ગળાની ગાંઠ સમાન બની ગયું.

આ આંદોલન બાદ બીજા પણ જ્ઞાતિવાદી સમીકરણો સર્જાયાં હતાં.

તમને આ વાંચવું પણ ગમશે

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જ્ઞાતિ આધારિત મુદ્દાઓને લઈને જ લડાઈ.

ત્યારે પાટીદાર મતદારોના પ્રભુત્વવાળી એ આઠ બેઠકો પર શું પરિણામ આવ્યું? તેના પર એક નજર.

ફોટો લાઈન બીજા તબક્કાના મતદાન માટે કતારમાં યુવાનો

ઊંઝા વિધાનસભા બેઠક પર 38 ટકાથી વધારે પાટીદારોનું પ્રભુત્વ છે.

જોકે, ઘણાં વર્ષો પછી ભાજપને આ બેઠક પર હારનો સામનો કરવાનો વારો આવ્યો છે.

ભાજપના નારાયણ પટેલને કોંગ્રેંસના ડૉ. આશા પટેલે 29529 મતથી પરાજય આપ્યો છે.

આ બેઠક પર 2012માં ભાજપના નારાયણ પટેલ જીત્યા હતા. 1995થી આ બેઠક પર નારાયણ પટેલ એટલે કે ભાજપનો કબજો હતો.

વિજાપુર વિધાનસભા બેઠક પર 36 ટકાથી વધારે પાટીદારોનું પ્રભુત્વ છે.

પાટીદાર આંદોલનનાં મુખ્ય કેન્દ્રો પૈકીના એક આ વિસ્તારમાં ભાજપને વિજય મળ્યો છે.

વિજાપુરમાં ભાજપના રમણ પેટેલે 1164 મતોથી કોંગ્રેસના નાથાભાઈ પટેલને પરાજય આપ્યો છે.

આ બેઠક પર 2012માં કોંગ્રેસના પ્રહલાદ પટેલ જીત્યા હતા. 2002 અને 2007માં આ બેઠક પર ભાજપનો વિજય થયો હતો.

વિસનગર વિધાનસભા બેઠક પર 30 ટકાથી વધારે પાટીદારોનું પ્રભુત્વ છે.

અહીં ભાજપના ઋષિકેશ પટેલે કોંગ્રેસના મહેન્દ્રકુમાર પટેલને 2869 મતોીથી પરાજય આપ્યો છે.

2012માં પણ અહીં ઋષિકેશ પટેલ જીત્યા હતા. 1995થી આ બેઠક પર ભાજપનો કબજો છે.

Image copyright Getty Images
ફોટો લાઈન વિસનગરમાં ભાજપના ઋષિકેશ પેલને ફરી વિજય મળ્યો છે

સુરતની મહુવા વિધાનસભા બેઠક પર 29 ટકાથી વધારે પાટીદારોનું પ્રભુત્વ છે.

જોકે, આ બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. અહીં ભાજપના મોહન ધોડિયાએ કોંગ્રેસના તુષાર ચૌધરીને 6433 મતોથી હરાવ્યા છે.

આ બેઠક પર 2012માં પણ મોહન ધોડિયા આ આ બેઠક પર વિજયી બન્યા હતા.

સુરતની ઓલપાડ વિધાનસભા બેઠક પર 28 ટકાથી વધારે પાટીદારોનું પ્રભુત્વ છે.

ભાજપના મુકેશ પટેલે કોંગ્રેસના યોગેન્દ્રસિંહ બાકરોલાને 61,812 મતોથી પરાજય આપ્યો છે.

2012માં પણ અહીં ભાજપના મુકેશ પટેલ જીત્યા હતા. 1990થી આ બેઠક પર ભાજપનો કબજો છે.

બેચરાજી વિધાનસભા બેઠક પર 25 ટકાથી વધારે પાટીદારોનું પ્રભુત્વ છે.

અહીં કોંગ્રેસના ભરતજી ઠાકોરે ભાજપના રજનીકાંત પટેલને 15,811 મતથી પરાજય આપ્યો છે.

આ બેઠક પર 2012માં ભાજપના રજનીકાંત પટેલ જીત્યા હતા. 2007માં પણ તેમની જ જીત થઈ હતી.

Image copyright Reuters
ફોટો લાઈન ગુજરાત રાજ્યમાં પટેલ સમુદાય 24% થી 27% વસ્તી વર્ચસ્વ ધરાવતો સમુદાય છે

મોરબીમાં પણ પાટીદાર મતોનું સારું એવું પ્રભુત્વ છે.

ભાજપની પીઢ નેતા કાંતિ અમૃતિયાને આ વખતે અહીં હારનો સામનો કરવો પડ્યો છે.

કોંગ્રેસના બ્રિજેશ મેરજાએ તેમને 3419 મતોથી પરાજય આપ્યો છે. કાંતિ અમૃતિયા 1995થી અહીં સતત વિજય મેળવતા આવ્યા છે.

ધોરાજી પણ પાટીદારો મતોનું ઘણું પ્રભુત્વ છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ છોડી કોંગ્રેસમાં જોડાયેલા લલિત વસોયાને ધોરાજી બેઠક પર વિજય મળ્યો છે.

તેમણે ભાજપના હરિભાઈ પટેલને 25,085 મતથી પરાજય આપ્યો છે.

રાજકીય વિશ્વેષક ડૉ. શિરીષ કાશીકરે પરિણામો વિશે માહિતી આપતા કહ્યું કે, "પાટીદાર અનામત આંદોલનના આધારે જે જુવાળ ઊભો થયો હતો તેનો ભાજપને મોટો સ્તરનો કોઈ ફટકો નથી પડ્યો."

"હા, સૌરાષ્ટ્રની કેટલીક મહત્વની બેઠકો પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે."

"જ્યાંથી પાટીદાર અનામત આંદોલને મોટું સ્વરૂપ લીધુ તે વિસનગર અને મહેસાણામાં ભાજપને જીત મળી છે અને સુરતના વરાછામાં પણ ભાજપ વિજયી બન્યું છે."

"પાટીદારોની એકતા જોઈ ગુજરાતમાં ઘણાં સમુદાયો એક થયા હતા અને ભાજપના સમર્થનમાં આવ્યા હતા. જેના કારણે કોંગ્રેસને પાટીદાર મતોનો જેટલો લાભ મળવો જોઈતો હતો તેટલો નથી મળ્યો."

(આ તમામ આંકડા ચૂંટણી પંચ પાસેથી મેળવેલા છે.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો