રૂપાણીને બીજી વખત મળ્યું ગુજરાતનું રાજ

વિજય રૂપાણી Image copyright Getty Images

સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બનેલા વિજય રૂપાણીની રાજકીય યાત્રા સતત આગળ જ વધતી રહી છે. તેની પાછળ તેમનો વ્યક્તિગત સ્વભાવ અને ભારતીય જનતા પક્ષ માટે સંપૂર્ણ સમર્પણથી કરેલું કામ કારણરૂપ છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના માથે રાજ્યના વહિવટની જવાબદારી જે પરિબળોને કારણે આવી હતી, તે પરિબળો ગુજરાતની વિધાનસભાની ચૂંટણી સુધી ભારતીય જનતા પક્ષ સામે સતત પડકારભરી સ્થિતિનું નિર્માણ કરતાં રહ્યાં હતી.

જોકે, રૂપાણીએ આ બધી જ સ્થિતિને અવગણીને સતત ‘વિકાસ’ના મુદ્દાને સતત આગળ ધપાવે રાખ્યો હતો.

તમને આ વાંચવું પણ ગમશે:

વજુભાઈ વાળા કર્ણાટકના રાજ્યપાલ બનવાને કારણે ખાલી થયેલી રાજકોટ પશ્ચિમની બેઠક પર થયેલી પેટાચૂંટણીમાં વિજયી બનેલા વિજય રૂપાણીએ છેલ્લી ચૂંટણીમાં રાજકોટ પશ્ચિમની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ઇંદ્રનીલ રાજ્યગુરુ સામે વિજયમેળવ્યો હતો.

વર્ષોથી ભારતીય જનતા પક્ષ અને તે પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્વયંસેવક, અને કોલેજકાળમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે ઘડાયેલા વિજય રૂપાણીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહની ગુજરાતમાં ગેરહાજરી છતાં મુખ્યમંત્રી તરીકે રાજ્યનો કારભાર ભાજપના વિકાસના એજન્ડા પર ચલાવ્યો છે.


વિજય રૂપાણીની આ ચૂંટણી પર અસર

Image copyright FACEBOOK/VIJAYRUPANIBJP
ફોટો લાઈન વિજય રૂપાણી જીતે કે હારે તેને 2019ની લોકસભાની ચૂંટણીઓ માટે સંગઠનની મહત્વની જવાબદારીઓ મળી શકે

વડાપ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ચૂંટણી માટે ઔપચારિક રીતે પ્રચાર શરૂ નહોતો કર્યો ત્યારે વિવિધ સરકારી કાર્યક્રમોના માધ્યમથી પ્રજાભિમુખ નિર્ણયો કરીને પક્ષના વિજય માટેનો તખ્તો તૈયાર કરવામાં વિજય રૂપાણીએ મહત્ત્વની ભૂમિકા ભજવી.

આશા વર્કર્સ, વિદ્યા સહાયક શિક્ષકો, આંગણવાડી વર્કર્સ જેવા વિવિધ સરકારી સેવાઓ સાથે જોડાયેલાં અસંતુષ્ટ કર્મચારીના હિતમાં નિર્ણયો કરીને તેમણે ભાજપ તમામ વર્ગોના હિત માટે કાર્યરત હોવાનો સંદેશો આપવાની કોશિશ કરી હતી.

સામાન્ય જનતા માટે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો, શ્રમજીવી વર્ગો માટે દસ રૂપિયામાં અન્નપૂર્ણા યોજના જેવા પગલાંથી તેમણે સામાન્ય જનતાના અસંતોષને ઓછો કરવાનું પણ કામ કર્યું.

અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણીના નેતૃત્વ હેઠળ થયેલાં જ્ઞાતિ અને વર્ગ આધારિત આંદોલનોની મોટી અસર ખાળવા માટે વિજય રૂપાણીએ બચાવની સ્થિતિમાં આવવાને બદલે આક્રમકતાપૂર્વક સરકારની કામગીરીને લોકો સમક્ષ મૂકી.

એટલું જ નહીં, ચૂંટણીના ઉમેદવારી પત્રો ભરાયા બાદ પણ અપક્ષ તરીકે વિવિધ બેઠકો પરથી ઉમેદવારી નોંધાવનારા તેમની જ્ઞાતિના આગેવાનોને પણ ઉમેદવારી પાછી ખેંચવા માટે આગ્રહ પણ કર્યા.


વિજય રૂપાણીની રાજકીય કારકિર્દી

Image copyright facebook/Vijay Rupani

વિજય રૂપાણીની મજબૂત રાજકીય કારકિર્દીનો પાયો બાળપણથી જ તૈયાર થયો છે.

RSSની શાખામાં બાળપણથી જ સ્વયંસેવક તરીકે સંઘના સંસ્કાર મેળવી ચૂકેલા વિજય રૂપાણીનું નેતૃત્વ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે તેમના કોલેજકાળ દરમિયાન ખીલ્યું.

સંગઠનમાં કામ કરવાની આગવી સૂઝ અને જાહેર જીવનમાં પોતાના કામથી જન સામાન્ય પર પ્રભાવ ઊભો કરવાની કુશળતાને કારણે વિજય રૂપાણી રાજકારણમાં સતત આગેકૂચ કરતા રહ્યા છે.

તેમની કાર્યપદ્ધતિને કારણે આજે પણ તેમની ટીકા કરવા માટે તેમના વિરોધીઓ પાસે તેમની વિરુદ્ધ કોઈ વ્યક્તિગત મુદ્દા જોવા મળતાં નથી.

રાજકોટમાં પણ તેમનો અનેક લોકો સાથે આજે પણ સતત અને સીધો સંપર્ક છે.

Image copyright Getty Images

તેમની રાજકીય કારકિર્દી રાજકોટમાં ઘડાઈ અને મજબૂત બની. 1987માં તે મ્યુનિસિપ કોર્પોરેટર બન્યા. ભાજપના શહેર પ્રમુખ તરીકે પણ કામ કર્યું.

રાજકોટના મેયર બનવા ઉપરાંત તેમણે ભાજપના પ્રવક્તા અને મહામંત્રી તરીકે પણ કામગીરી કરી.

આ ઉપરાંત તે રાજ્યસભામાં ગુજરાતના સભ્ય રહી ચૂક્યા છે.

આનંદીબહેન પટેલનાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં વિજય રૂપાણી માર્ગ પરિવહન તથા પાણી પુરવઠા મંત્રી તરીકે પણ સરકારમાં કામગીરી કરી ચૂક્યા છે.


વિજય રૂપાણીનું વ્યક્તિત્વ

Image copyright facebook/vijay rupani

વિજય રૂપાણીનો જન્મ જૈન પરિવારમાં રંગૂનમાં અને ઉછેર રાજકોટમાં થયો છે.

તેમના વ્યક્તિત્વની નોંધપાત્ર બાબત એ છે તે પોતે ભારતીય જનતા પક્ષના ગુજરાત રાજ્યના પ્રમુખ બન્યા તે પહેલાં ભાજપના ત્રણ પ્રદેશ પ્રમુખો રાજેન્દ્રસિંહ રાણા, પુરુષોતમ રૂપાલા અને આર.સી. ફળદુના નેતૃત્વમાં રાજ્યકક્ષાએ પક્ષના વિવિધ હોદ્દા પર મળેલી જવાબદારીઓને અસરકારક રીતે નિભાવી.

વ્યક્તિગત જીવનમાં પોતાનો પુત્ર ગુમાવી ચૂકેલા વિજય રૂપાણીએ અંગત જીવનને બદલે જાહેર જીવનને પ્રાથમિકતા આપી છે.

પોતાના પુત્રની યાદમાં શરૂ કરેલાં ટ્રસ્ટ મારફતે તે સમાજસેવાનું અનોખુ કામ સતત કરતા રહે છે.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યો તે પહેલાં પણ વિજય રૂપાણી પ્રસિદ્ધિથી દૂર રહીને પક્ષનું કામ કરવામાં વ્યસ્ત રહેતા હતા.

તેમના પત્ની અંજલી રૂપાણી પણ ઘર-પરિવારની જવાબદારીઓ નિભાવવામાં તેમના પૂરક બની ખરા અર્થમાં તેમના સાથી બની રહ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો