ઍન્ટિબાયૉટિકના કોર્સ દરમિયાન દારૂ પી શકાય કે નહીં?

  • ક્લોડિયા હૈમંડ
  • બીબીસી ફ્યૂચર
દારૂ પીતી મહિલા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

માન્યતા છે કે ઍન્ટિબાયૉટિકના કોર્સ દરમિયાન દારૂ પીવાથી દવાની અસર યોગ્ય રીતે થતી નથી

લોકો ઘણીવાર મૂંઝવણમાં હોય છે કે તેઓ ઍન્ટિબાયૉટિક દવાનું સેવન કરી રહ્યા હોય તો તેમણે દારૂ પીવો જોઈએ કે નહીં?

કેટલીક ગર્ભવતી મહિલાઓને દારૂનો આગ્રહ કરવામાં આવે ત્યારે ગર્ભાવસ્થા છૂપાવવા માટે એવું બહાનું કરતી હોય છે કે તેઓ ઍન્ટિબાયૉટિક લઈ રહી છે.

આવી રીતે તે દારૂ પીવાની પણ ના કહી દે છે અને પોતે ગર્ભવતી છે તે વાત પણ છૂપાવે છે.

કેટલાક લોકો માને છે કે ઍન્ટિબાયૉટિકના કોર્સ દરમિયાન દારૂ પીવામાં આવે તો દવાની અસર યોગ્ય રીતે થતી નથી.

વળી કેટલાક લોકો તો એવો અભિપ્રાય આપે છે કે ઍન્ટિબાયૉટિકના કોર્સ વખતે દારૂનું સેવન કરવામાં આવે તો તેનાં પરિણામો ખરાબ હોઈ શકે છે.

લંડનની જેનીટૂર્નરી ક્લિનિકે આ વિષય પર 300થી વધુ લોકો પર સરવે કર્યો હતો.

81 ટકા લોકો એવું માનતા હતા કે દારૂ પીવાથી ઍન્ટિબાયૉટિકની અસર નથી થતી.

તમને આ પણ વાંચવું ગમશે

બીજી તરફ 71 ટકા લોકો એવું માનતા હતા કે ઍન્ટિબાયૉટિક લઈ રહ્યા હોય ત્યારે દારૂ પીવાથી ઘણી આડઅસરો થાય છે.

શું કહે છે ડૉક્ટરો?

ઇમેજ સ્રોત, Thinkstock

ઇમેજ કૅપ્શન,

લંડનની જેનીટૂર્નરી ક્લિનિકે આ વિષય પર 300થી વધુ લોકો પર આ બાબતે સરવે કર્યો હતો

વાસ્તવિકતા એ છે કે ઍન્ટિબાયૉટિક સાથે જોડાયેલી આ બન્ને માન્યતાઓ તદ્દન ખોટી છે.

ડૉક્ટરો એવું માને છે કે આ પ્રકારની માન્યતા લોકોને દારૂથી દૂર રાખે છે તેથી તેઓ આ માન્યતાને પ્રોત્સાહન આપે છે.

આમ કરવાથી દર્દી સમય પર અને પરેજી રાખી દવા લેતા રહે છે.

સાચી વાત એ છે તે મોટાભાગની ઍન્ટિબાયૉટિક પર આલ્કોહોલની કોઈ અસર થતી નથી.

જોકે, કેટલીક એવી પણ ઍન્ટિબાયૉટિક છે જેના કોર્સ દરમિયાન દારૂ ન પીવો હિતાવહ છે.

સેફાલોસ્પોરિન સેફોટેટાન નામની ઍન્ટિબાયૉટિક લેતી વખતે તમે દારૂનું સેવન કરતા હોવ તો તેના કારણે શરીરને નુકસાન પહોંચી શકે છે.

આ દવા અને દારૂનાં મિશ્રણના કારણે એસિટલ્ડિહાઇડ નામનું રસાયણ બને છે.

જેના કારણે ચક્કર આવવાં, ઊલટી થવી, ચહેરાનો રંગ બદલવો, માથાનો દુખાવો, શ્વાસોચ્છવાસની સમસ્યા અને છાતીમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.

આવી જ સમસ્યા ત્યારે થઈ શકે છે જ્યારે તમે ડાઇસલ્ફિરમ નામની દવા લઈ રહ્યા હોવ. આ દવા શરાબની લત છોડાવવા માટે આપવામાં આવે છે.

આ દવાનાં લક્ષણો એટલા માટે એવાં રાખવામાં આવે છે કે દર્દી તેના કોર્સ દરમિયાન દારૂ પીવે તો તેને આ સમસ્યાઓનો સામનો કરવો પડે અને અંતે તે દારૂ પીવાની લત છોડી દે છે.

દારૂથી પરેજીની સલાહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ડૉક્ટરો એવું માને છે કે આ પ્રકારની માન્યતા લોકોને દારૂથી દૂર રાખે છે

મેટ્રૉનિડાઝોલ નામની ઍન્ટિબાયૉટિકના કોર્સ દરમિયાન પણ દારૂ ન પીવાની ચેતવણી આપવામાં આવે છે.

દાંતમાં ઇન્ફૅક્શન, પગની ઈજાઓ અને અન્ય ઈજાઓના ઇલાજ માટે આ દવા આપવામાં આવે છે.

મેટ્રૉનિડાઝોલના કોર્સ દરમિયાન દારૂ પીવામાં આવે તો ચક્કર આવવા, ઊલટી થવી, માથાનો દુખાવો, અને છાતીમાં દુખાવો થઈ શકે છે.

જોકે, ફિનલેન્ડમાં વર્ષ 2003માં થયેલાં એક સંશોધનમાં એવું તારણ મળ્યું છે કે મેટ્રૉનિડાઝોલ લેતા હોઈએ ત્યારે દારૂ પીવામાં આવે તો તેની કોઈ આડઅસરો થતી નથી.

જોકે, ડૉક્ટરો એવી જ સલાહ આપે છે કે આ દવાના સેવન દરમિયાન દારૂથી દૂર રહેવું જોઈએ.

ટિનિડાઝૉલ, લાઇનેઝૉલિડ અને એઝિથ્રૉમાઇસિન ધરાવતી ઍન્ટિબાયૉટિક પ્રિસ્ક્રાઇબ કરતી વખતે પણ ડૉક્ટરો દારૂથી પરેજી પાળવાનું કહે છે.

કેટલીક એવી પણ ઍન્ટિબાયૉટિક છે જેના કોર્સ દરમિયાન દારૂ પી શકાય છે. આવી દવાઓની યાદી બહુ લાંબી છે.

આ ઍન્ટિબાયૉટિકના કોર્સ દરમિયાન દારૂ પીવાથી કોઈ આડઅસર નથી થતી પરંતુ બીમારીથી છૂટકારો મેળવવામાં વધુ સમય લાગી શકે છે.

શું છે કારણ?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

કેટલીક એવી પણ ઍન્ટિબાયૉટિક છે જેના કોર્સ દરમિયાન દારૂ પી શકાય છે

ઍન્ટિબાયૉટિકનો ઉપયોગ ઘણી બિમારીઓ માટે થાય છે. ઘણી ઍન્ટિબાયૉટિકનો ઉપયોગ તો સેક્સ્યુઅલ ઇન્ફેક્શનના નિદાન માટે થાય છે.

આવા દર્દીઓને ડૉક્ટર દારૂ ન પીવાની સલાહ આપે છે.

ઍન્ટિબાયૉટિકના સેવન દરમિયાન દારૂ ન પીવો જોઈએ તેવી માન્યતા સ્વાસ્થ્ય માટે સારી તો છે જ કારણ કે નુકસાન થવાના ડરથી લોકો દારૂ નથી પીતા.

હવે આ માન્યતાને ખોટી ઠેરવવામાં આવશે તો સ્વાભાવિક છે કે તેઓ દારૂ પીવાની ના કહેશે તો મિત્રો તેમને દારૂ ન પીવાનું કારણ પૂછશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો