ગુજરાત ચૂંટણીનું આજે પરિણામ, 37 કેન્દ્રો પર મતગણતરી

મોદી અને રાહુલ Image copyright Getty Images

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં થયેલી વિધાનસભાની ચૂંટણીઓનું પરિણામ આજે છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે.

ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 સીટો અને હિમાચલ પ્રદેશની કુલ 68 બેઠકો માટે ચૂંટણી થઈ હતી.

ગુજરાતમાં બે તબક્કામાં અને હિમાચલ પ્રદેશમાં એક તબક્કામાં મતદાન થયું હતું.

ગુજરાત ચૂંટણી મોદી અને અમિત શાહ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે.

તો તાજેતરમાં જ કોંગ્રેસના અધ્યક્ષ બનેલા રાહુલ ગાંધી માટે પણ કોંગ્રેસને ગુજરાતમાં 22 વર્ષ બાદ સત્તામાં પરત લાવવાનો પડકાર છે.

ગુજરાતના 33 જિલ્લામાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 37 કેન્દ્રો પર મતગણતરી થશે.

ગુજરાતમાં બે તબક્કામાં થયેલાં મતદાનમાં સરેરાશ 68.41 ટકા મતદાન થયું હતું.

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે પ્રથમ તબક્કામાં 89 બેઠકો અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થયું હતું.

ભાજપે તમામ 182 બેઠકો પર તો કોંગ્રેસે 177 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા.

આજે કુલ 1828 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બંને નેતાઓએ આ વખતે ગુજરાતની ચૂંટણીમાં તેની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી.

મોદી અને રાહુલ બંનેએ ચૂંટણી પ્રચાર માટે 30થી વધુ સભાઓ કરી હતી.

મતદાન બાદ થયેલા એગ્ઝિટ પોલમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ભાજપને બહુમતી મળતી હોવાના અનુમાન થયાં છે.

જોકે, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ જીતના દાવા કર્યા છે. ઈવીએમમાં સીલ થયેલું ઉમેદવારોનું ભાગ્ય આજે ખુલશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો