પરિણામોમાંથી મોદી-શાહે શીખવા જેવું શું?

મોદી સમર્થકની તસવીર Image copyright Getty Images

ગુજરાતમાં પાતળી સરસાઈ સાથે ભાજપનો વિજય થયો છે, જેનાં કારણે પાર્ટીએ રાહતનો શ્વાસ લીધો છે. ભાજપ માટે આ ચૂંટણી 'જીતવી જ પડે' એવી સ્થિતિ હતી.

ગુજરાત એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે. જ્યાં ભાજપના નબળા પ્રદર્શન કે પરાજયની અસર રાજ્ય બહાર પણ જોવાં મળી હોત.

ભાજપને અત્યાર સુધી સરળતાથી વિજય મળી જતો હતો.

જોકે, આ વખતે પાર્ટીને ભારે મહેનત કરવી પડી છે. સરકારનું નબળું પ્રદર્શન અને સતત 22 વર્ષનાં ભાજપનાં શાસનને કારણે જનતા થાકી ગઈ હતી.

ઉપરાંત નોકરીમાં અનામતની માંગ સાથે પાટીદારોએ હાથ ધરેલાં આંદોલન અને દલિતો તથા અન્ય જ્ઞાતિઓના અસંતોષને કારણે ભાજપની સમસ્યાઓ વધી ગઈ હતી.

ભાજપને તેના જ સૌથી મોટા ગઢમાં પડકારવા માટે કોંગ્રેસે આ કઢંગુ જોડાણ સાધ્યું હતું.

ઉપરાંત રાહુલ ગાંધીએ ભાજપના કવચમાં ખૂબ જ ચોક્કાસઇપૂર્વક વાર કર્યા હતા.

તેમણે ખેડૂતોના ગુસ્સા અને ચિંતા તથા જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટેક્સ) અંગે વેપારીઓની ચિંતાને વાચા આપી.

તમને આ પણ વાંચવું ગમશે


કેવી રીતે બીજેપીને બહુમતી મળી?

Image copyright Getty Images
ફોટો લાઈન રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસે હળવા હિંદુત્વની દિશા પકડી

ચૂંટણીઓ પહેલાં કરવામાં આવેલાં દરેક સર્વેક્ષણમાં સ્પષ્ટ જણાઈ રહ્યું હતું કે ભાજપનું પ્રદર્શન કથળી રહ્યું છે.

સીએસડીએસ-લોકનીતિનાં સરવેમાં ભાજપ અને કોંગ્રેસના મતોની ટકાવારી સરખી રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

સૌથી મોટો સવાલ એ છે કે ભાજપને સંભવિત પરાજય કે નામોશીમાંથી પાંખી બહુમતી કેવી રીતે મળી? ચૂંટણી પ્રચારનાં અંતિમ તબક્કામાં મોદીએ જાતે જ ગુજરાતી અસ્મિતાનો પ્રશ્ન ઉઠાવ્યો.

ઉપરાંત ગુજરાત ચૂંટણીને પાકિસ્તાન પ્રભાવિત કરવા પ્રયાસરત હોવાનો ઉલ્લેખ કરીને હિંદુ મતોને સંગઠિત કરવાનો પ્રયાસ કર્યો હતો.

કોંગ્રેસના નેતા મણિશંકર ઐય્યર તથા કપિલ સિબ્બલે અજાણતાં જ મોદીને ગુજરાતની અસ્મિતા તથા હિંદુ મતોને સંગઠિત કરે તેવા મુદ્દાઓ આપ્યા.


કોંગ્રેસ માટે પરિણામો 'કડવાં-મીઠાં'

Image copyright Getty Images
ફોટો લાઈન રાહુલ ગાંધીએ ભાજપની નબળાઈ પર ચોક્કસાઈપૂર્વક પ્રહાર કર્યાં

કોંગ્રેસ માટે આ પરિણામો 'કડવાં-મીઠાં' રહ્યાં. જેણે સિંહને તેની બોડમાં પડકાર્યો, છતાંય વિજય ન મળ્યો.

રાહુલ ગાંધીએ દરેક સકારાત્મક બાબત કરી અને સ્થાનિક દિગ્ગજ નેતૃત્વ વગર પાર્ટીનું પ્રદર્શન સુધાર્યું છે, જેનો શ્રેય તેઓ લઈ શકે છે.

ગુજરાત ચૂંટણીનાં પરિણામ પૂર્વે તેઓ પાર્ટીના અધ્યક્ષ બન્યા, આથી તેમને થોડી હતાશા થઈ હશે.

જનતા 'જબરદસ્ત' મતદાન કરશે, તે વાત ખરી સાબિત નથી થઈ. કોઈપણ પાર્ટી માટે 'જબરદસ્ત' મતદાન નથી થયું. આ ચૂંટણી પરિણામો મોદી કે ભાજપ માટે શું સંકેત આપે છે.

મુખ્ય પાંચ સંકેતો :

Image copyright Getty Images
ફોટો લાઈન આ ચૂંટણી પરિણામો ભાજપ માટે ચિંતા જન્માવનરા

પહેલો સંકેત એ છે કે ભાજપે સ્વીકારવું પડશે કે ખેડૂતો તથા નાના વેપારીઓ આર્થિક કારણોસર પક્ષથી નારાજ છે.

રોજગારીએ સમસ્યા છે અને ભાજપે એ દિશામાં કંઇક કરવું પડશે. પાટીદારોમાં નોકરી બાબતે અસંતોષ છે.

ગુજરાતની જેમ જ અન્ય રાજ્યોમાં પણ નાના અને અસંગઠિત ક્ષેત્રના વેપારીઓમાં જીએસટી અંગે અસંતોષ છે. વર્તમાન કરમાળખામાં અનેક સુધારાની જરૂર છે.


કોંગ્રેસે લઘુમતી તરફી વલણ ત્યજ્યું

Image copyright Getty Images
ફોટો લાઈન રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવામાં આવ્યા તે સમયે કોંગ્રેસી કાર્યકરોએ કરેલી ઉજવણીની તસવીર

બીજું, ભાજપની પરંપરાગત હિંદુ વોટબેન્ક તેના હાથમાંથી સરકી રહી છે. રાહુલ ગાંધીનાં નેતૃત્વમાં કોંગ્રેસે સ્પષ્ટ લઘુમતી તરફી વલણને ત્યજ્યું છે.

આનો મતલબ એ થયો કે કોંગ્રેસ તરફ સરકી રહેલા નિષ્ઠાવાન મતદારોને ભાજપે ફરી તેની પડખે લેવાં પડશે.

ત્રીજું, 2019ની ચૂંટણીઓને ધ્યાને રાખીને મોદી સરકાર તેની આર્થિક નીતિઓ તથા રાજકીય એજન્ડામાં પરિવર્તન લાવવા પર ધ્યાન કેન્દ્રીત કરશે. વધુ લોકરંજક જાહેરાતો થઈ શકે છે.


પડકારોથી ભરેલું રહેશે 2018

Image copyright Getty Images
ફોટો લાઈન સિલીગુડીમાં ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી

ચોથું, ગુજરાતનાં ચૂંટણી પરિણામોએ અમિત શાહ તથા મોદીની નબળાઈઓ છતી કરી દીધી છે. 2019માં સાથી પક્ષો તેમની સાથે જ રહેશે તે અંગે બંને આશ્વસ્ત નહીં રહી શકે.

હવે ભાજપે સાથી પક્ષો પ્રત્યે નરમ વલણ અપનાવવું પડશે. અગાઉ ભાજપે ક્યારેય નરમ વલણ નથી દાખવ્યું.

પાંચમું, ભાજપ સામે 2018માં કર્ણાટક, મધ્યપ્રદેશ, છત્તીસગઢ તથા રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીરૂપી પડકાર ઊભા છે.

ગુજરાતથી વિપરીત આ રાજ્યોમાં સ્થાનિક નેતૃત્વએ કૌવત દેખાડવું પડશે અને મોદી માત્ર 'ઉમેરા' સમાન હશે. ભાજપની સ્થિતિ સામે પડકારો આ પાશેરામાં પહેલી પૂણી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )