ગુજરાતની જનતાએ છ મંત્રીઓને ઘરભેગા કર્યા!

શંકર ચૌધરીની તસવીર Image copyright Facebook/Shankar Chaudhary

ગુજરાતના વિકાસ માટે જેમના પર ભારતીય જનતા પક્ષ આધાર રાખે છે, તેવા રાજ્ય મંત્રીમંડળના ઘણાં મંત્રીઓનો આ ચૂંટણીમાં રકાસ થયો છે.

જો ભાજપ જીતે તો મંત્રી પદના દાવેદાર બની શકે તેવા ઉમેદવારોને પણ જનતાએ ઘેર પરત મોકલી દીધા છે.

જાણો ભાજપના કયા મંત્રીઓની હાર થઈ છે.

તમને આ વાંચવું પણ ગમશે

પાણી-પુરવઠામંત્રી નાનુ વાનાણી, મહિલા અને બાળવિકાસ મંત્રી નિર્મલા વાધવાણી, ગ્રામ્યવિકાસ મંત્રી જયંતિ કાવડિયાને આ ચૂંટણીમાં ટિકિટ પણ નહોતી આપવામાં આવી.


કેબિનેટ કક્ષાના મંત્રીઓનો પરાજય

Image copyright facebook.com/pg/ramanlalvora
ફોટો લાઈન વિધાનસભા અધ્યક્ષ તરીકે વરણી પામેલા રમણલાલ વોરા દસાડાની બેઠક પર હારી ગયા છે

રાજ્યના ઊર્જા અને કૃષિ મંત્રી ચિમન સાપરિયા જામજોધપુરની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ચિરાગ કાલરિયાથી 2518 મતના તફાવતથી હારી ગયા છે.

મહિલા, બાળ વિકાસ અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી આત્મારામ પરમારનો ગઢડાની બેઠક પરથી કોંગ્રેસના પ્રવીણ મારુ સામે 9424 મતથી પરાજય થયો છે.

ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય બન્યા બાદ લાંબો સમય મંત્રી રહ્યા બાદ વિધાનસભા અધ્યક્ષ તરીકે વરણી પામેલા રમણલાલ વોરા દસાડાની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નૌશાદજી સોલંકી સામે હારી ગયા છે.


રાજ્ય કક્ષાના મંત્રીઓનો પરાજય

Image copyright facebook.com/pg/JasabhaiBarad1
ફોટો લાઈન પાણીપુરવઠા વિભાગના રાજ્યમંત્રી જશા બારડને સોમનાથ બેઠક પર પરાજય મળ્યો છે

શંકર ચૌધરી સરકારમાં ભલે રાજ્ય કક્ષાના મંત્રીનો હોદ્દો ભોગવતા હોય પણ પક્ષમાં તેમનું કદ ઘણા કેબિનેટ મંત્રીઓ કરતાં પણ વધુ છે.

જોકે, બનાસકાંઠાના વાવથી ચૂંટણી લડી રહેલા શંકર ચૌધરી કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોર સામે 6874 મતથી હારી ગયા છે. શંકર ચૌધરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી હતા.

પાણીપુરવઠા વિભાગના રાજ્યમંત્રી જશા બારડ પણ સોમનાથ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચૂડાસમા સામે 20 હજાર 450 મતથી હારી ગયા છે.

આદિવાસી કલ્યાણ મંત્રાલયનો કારભાર સંભાળી રહેલા શબ્દશરણ તડવીને જિલ્લાની નાંદોદ બેઠક પર કોંગ્રેસના પ્રેમસિંહ વસાવાએ પરાજય આપ્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો