ચીનને લીધે આસામના આ ગામડાંના લોકો કેમ ડરે છે?

  • નવીન સિંહ ખડકા
  • પર્યાવરણ સંવાદદાતા, બીબીસી
બિમતી હજારિકા

ઇમેજ સ્રોત, Navin Khadka

ઇમેજ કૅપ્શન,

આસામમાં પૂરને કારણે બિમતી હજારિકા પાંચ વખત પોતાનું ઘર છોડી ચૂક્યાં છે

"નદીએ મને પાંચ વખત ઘર છોડવા માટે મજબૂર કરી" આ શબ્દો છે બિમતી હજારિકાના.

તેઓ ભારતના ઉત્તર પૂર્વી રાજ્ય આસામની બ્રહ્મપુત્ર નદી તરફ ઇશારો કરી રહ્યાં છે.

60 વર્ષનાં બિમતી કહે છે, "આ પાણી તમે જોઈ રહ્યા છો. તેની નીચે મારાં જૂનાં ચાર ગામ દબાયેલાં છે."

ચાર વખત પૂરના કારણે પોતાનું ઘર છોડી ચૂકેલાં બિમતી હવે એક તંબુ જેવા ઘરમાં રહે છે જેને વાંસના સહારે ઊભું બનાવાયું છે.

જોકે, તેઓ ફરી એક વખત ચિંતામાં છે કેમ કે તેમનાં આ ઘર પર પણ હવે ખતરો છે.

તેઓ કહે છે, "જો ફરી એક વખત પૂર આવશે તો ખબર નહીં હું ક્યાં જઈશ?"

તમને આ પણ વાંચવું ગમશે

ચીન બ્રહ્મપુત્ર વિશે જાણકારી છૂપાવે છે

ઇમેજ સ્રોત, BIJU BORO/AFP/Getty Images

ઇમેજ કૅપ્શન,

પૂરના કારણે ગામડાંના લોકોને વિસ્થાપિત થવું પડે છે

બીબીસીએ આ વિસ્તારના ઘણાં ગામોની મુલાકાત લીધી જ્યાં લગભગ બધાં જ ગામડાંની પરિસ્થિતિ એક જેવી જોવા મળી.

ગામનાં વૃદ્ધ લોકો નદી તરફ ઇશારો કરતા એ જગ્યા બતાવવા લાગ્યા જ્યાં ક્યારેક તેમનું ગામ હતું.

હવે તેઓ પૂરના કારણે વિસ્થાપિત થઈ ચૂક્યા છે.

આસામમાં પૂરનો ખતરો વધી રહ્યો છે. આક્ષેપ છે કે ચીન આસામ તરફ વહેતી બ્રહ્મપુત્ર સાથે જોડાયેલી જરૂરી જાણકારી છૂપાવી રહ્યું છે.

આ જાણકારીમાં નદીનાં વહેણ, તેની દિશા, પાણીની ક્વૉલિટી અને નદીમાં પાણીનાં સ્તર અંગેની માહિતીનો સમાવેશ થાય છે.

જે પૂરની સ્થિતિમાં નદીના નીચાણવાળા વિસ્તારમાં ચેતવણી જાહેર કરવા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે.

ગામલોકોની ચિંતા વધી

ઇમેજ સ્રોત, BIJU BORO/AFP/Getty Images

ઇમેજ કૅપ્શન,

ચીન તરફથી જાણકારી ન મળતા ગામલોકોને પૂર પહેલાં તૈયારીનો સમય નહીં મળે

ધનસિરીમુખ ગામના રહેવાસી સંજીવ ડોલે કહે છે, "અમને ચીનના આ નિર્ણય વિશે મીડિયા પાસેથી જાણકારી મળી. હવે અમારી ચિંતા વધી છે."

તેઓ કહે છે કે અત્યાર સુધી અમે લોકો હંમેશા પૂર માટે તૈયારી કરતા હતા અને ગામ ખાલી કરવા માટે પણ તૈયારી રહેતી હતી.

તેઓ કહે છે, "વિચારો હવે જ્યારે ચીન પાસેથી અમને જાણકારી નહીં મળે તો અમે કેવી રીતે તૈયારી કરી શકીશું. અમારાં કોઈ પણ ગામડાં હવે સુરક્ષિત નહીં રહે."

એશિયામાં વહેતી બ્રહ્મપુત્ર નદી તિબેટથી નીકળે છે કે જે ચીનનું સ્વાયત્ત ક્ષેત્ર છે.

આ નદી અહીંથી નીકળીને ભારત તરફ આગળ વહે છે અને બાંગ્લાદેશથી પસાર થઈ બંગાળની ખાડીમાં તે પોતાનો રસ્તો બનાવે છે.

2017માં પૂરના કારણે 300 લોકોનાં મૃત્યુ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

બ્રહ્મપુત્ર નદીમાં આવતા પૂરના કારણે આસામમાં હજારો લોકો બેઘર થઈ જાય છે

બ્રહ્મપુત્ર નદીમાં આવતા પૂરથી દર વર્ષે આસામમાં વિનાશ સર્જાય છે. હજારો લોકો બેઘર બની જાય છે.

આ વર્ષે આવેલા પૂરના કારણે રાજ્યમાં લગભગ 300 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

ભારત અને ચીન વચ્ચે થયેલી એક દ્વિપક્ષીય સમજૂતી અંતર્ગત ચોમાસા દરમિયાન એટલે કે 15 મેથી માંડીને 15 ઑક્ટોબર સુધી ચીને બ્રહ્મપુત્ર નદી સંબંધિત જરૂરી જાણકારી ભારત સાથે શેર કરવી પડે છે.

પરંતુ ચાલુ વર્ષે ઑગષ્ટમાં ભારતીય અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમણે આ વર્ષે ચીન તરફથી કોઈ જાણકારી નથી મળી.

આ પહેલાં હાલ જ ભારત અને ચીનની સેના ડોકલામ વિવાદ મામલે સામસામે આવી હતી. આ તણાવ બે મહિના કરતા વધારે સમય સુધી ચાલ્યો હતો.

ચીન બાંગ્લાદેશ સાથે માહિતી શેર કરે છે

ઇમેજ સ્રોત, LOVELY GHOSH/AFP/Getty Images

ઇમેજ કૅપ્શન,

બાંગ્લાદેશ સાથે ચીન નદી સંબંધિત જાણકારી શેર કરે છે

ત્યારબાદ સપ્ટેમ્બરમાં ચીનના અધિકારીઓએ કહ્યું હતું કે તેમની પાસે તે સમયે શેર કરવા માટે કોઈ ડેટા ન હતો.

કેમ કે તેમના ડેટા રેકૉર્ડ કરતા જળ વિજ્ઞાન સ્ટેશન પર અપ્ડેશનનું કામ ચાલી રહ્યું છે.

આ મુદ્દા પર ચીન તરફથી જે અંતિમ નિવેદન આવ્યું તે આ જ હતું.

પરંતુ બીબીસીને જાણકારી મળી છે કે આ નિવેદન છતાં બ્રહ્મપુત્ર નદીના સૌથી ઓછા પ્રવાહ ધરાવતા બાંગ્લાદેશ સાથે ચીન નદી સંબંધિત જાણકારી શેર કરી રહ્યું હતું.

બાંગ્લાદેશના જળ સંસાધન મંત્રી અનિસુલ ઇસ્લામ મોહમ્મદે સપ્ટેમ્બરમાં બીબીસીને જણાવ્યું હતું કે તેમના દેશને ચીનની નદી સાથે સંબંધિત જરૂરી જાણકારી મળી રહી છે.

આ મુદ્દા પર જાણકારી મેળવવા માટે બીબીસીએ ચીનના અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો.

અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થયું કે ચીન ભારતને જાણકારી આપવાનું ચાલુ રાખશે કે નહીં.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

આસામનું કાજીરંગા અભયારણ્ય લગભગ દર વર્ષે પૂરથી પ્રભાવિત થાય છે

આસામના સ્થાનિક લોકોએ બીબીસીને જણાવ્યું કે જ્યારે ચીન ભારત સાથે માહિતી શેર કરતું હતું ત્યારે પણ પૂર વિનાશકારી જ સાબિત થતું હતું.

પરંતુ હવે જ્યારે તેમને એ વાતની જાણકારી છે કે ભારતીય અધિકારીઓ પાસે નદી વિશે કોઈ જાણકારી નથી તો તેના કારણે તેમનો ડર પહેલાંથી જ પૂર માટે તૈયાર રહેવા તેમને મદદ કરશે.

'સેવ બ્રહ્મપુત્ર' અભિયાનનું નેતૃત્વ કરી રહેલા અને આસામ વિધાનસભાના સભ્ય અશોક સિંઘલ કહે છે, "ચીને એ વિશે સ્પષ્ટપણે વાત નથી કરી કે તે બ્રહ્મપુત્ર નદી મામલે શું કરી રહ્યું છે."

તેઓ કહે છે, "મેં ઘણી વખત તિબેટ જઈને નદીની નજીક જવા માટે પરવાનગી માગી હતી પરંતુ ચીને ક્યારેય મને પરવાનગી ન આપી."

આસામમાં ચિંતાનાં અનેક કારણો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

2016માં આસામમાં પૂરના કારણે 34 લોકોનાં મૃત્યુ થયાં હતાં

ચીનની સરકારે બ્રહ્મપુત્ર નદી પર ઘણા હાઇડ્રોપાવર ડેમ બનાવ્યા છે જેમને તિબેટમાં યારલુંગ જાંગબો કહેવામાં આવે છે.

પરંતુ ચીનનું કહેવું છે કે બ્રહ્મપુત્ર નદીનો રસ્તો ક્યાંય રોકાતો પણ નથી અને ક્યાંય ફરતો પણ નથી.

ચીનનો દાવો છે કે તેઓ એવું કંઈ પણ નહીં કરે જેનાથી નદીના નીચાણવાળા વિસ્તારમાં રહેતા ભારત કે બાંગ્લાદેશના લોકોને નુકસાન પહોંચે.

પરંતુ આસામમાં અધિકારીઓનું કહેવું છે કે તેમની પાસે ચિંતા કરવા માટે ઘણાં કારણ છે.

તેમના આધારે આ વર્ષે મે મહિનામાં વારંવાર પૂર આવ્યું. મે મહિના બાદ ચીને નદી વિશે કોઈ જાણકારી નથી આપી.

રાજ્યના નાણાં અને સ્વાસ્થ્ય મંત્રી હેમંત શર્માએ બીબીસીને જણાવ્યું, "પહેલાં ચોમાસા દરમિયાન બે અથવા ત્રણ વખત પૂર આવતું હતું પરંતુ આ વખતે મામલો અલગ છે."

"આ વખતે તો ત્રણથી ચાર વખત પૂર આવ્યું જ્યારે નદીના ઉપરના વિસ્તારમાં તો વરસાદ જ પડ્યો ન હતો."

તેઓ કહે છે, "આ બધી વાતોને તમે ડોકલામ વિવાદથી અલગ નથી જોઈ શકતા."

ચીન-ભારત વચ્ચે વિવાદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ચીન અને ભારત વચ્ચે સીમા પર હાજર કેટલાક વિસ્તારોને લઇને વિવાદ ચાલી રહ્યો છે

ચાલુ વર્ષે ઑગસ્ટ મહિનામાં જ ભારત અને ચીન વચ્ચે ઘણા મહિનાથી ચાલી રહેલા ડોકલામ વિવાદના ઉકેલ માટે મહત્ત્વની સમજૂતી થઈ હતી.

સીમા વિવાદના કારણે બન્ને દેશ 1962નું યુદ્ધ લડી ચૂક્યા છે.

પરંતુ હજુ પણ કેટલાક વિસ્તારોને લઈને વિવાદ છે જે ઘણી વખત તણાવનું કારણ બની જાય છે.

ગોવાહાટી વિશ્વવિદ્યાલયમાં ભૂગર્ભ વિશેષજ્ઞના પ્રોફેસર બીપી બોહરા કહે છે, "વૈજ્ઞાનિકો, રાજકારણીઓ અને રાજ્યતંત્ર વચ્ચે કોઈ વાતચીત નથી થઈ."

નદીના નીચાણવાળા વિસ્તારમાં સ્થિત બાંગ્લાદેશ ભારત પર આરોપ લગાવતું રહ્યું છે કે ભારત તેની ચિંતાઓને દરકિનાર કરતું આવ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો