ગળાના કેન્સરના દર્દીઓને માત્ર 65 રૂપિયાના ખર્ચે વાચા આપતું યંત્ર

  • કેરોલિન રાઇસ
  • ઈન્નોવેટર્સ, બીબીસી ન્યૂસ
સિલિકોન ઓમ વોઈસ બોક્સ
ઇમેજ કૅપ્શન,

આ યંત્ર દર્દીના ગળામાં બેસાડવામાં આવે છે

ડૉ. વિશાલ રાવ ભારતમાં ગળાના કેન્સરના દર્દીઓનું જીવન બદલવામાં મદદ કરી રહ્યા છે.

ભારતમાં દર વર્ષે આશરે 30,000 લોકો સ્વરપેટીનાં કેન્સરનો ભોગ બને છે.

એવા દર્દીઓ પાસે કેન્સરના આગલા તબક્કામાં તેમની સ્વરપેટી કઢાવી નાખવા સિવાયનો કોઈ વિકલ્પ રહેતો નથી. પરિણામે તેઓ મૂક થઈ જાય છે.

મૂળ સ્વરપેટીનાં સ્થાને પ્રોસ્થેટિક વૉઇસ બોક્સ બેસાડવાની સર્જરી માટે આશરે 1,000 ડોલરનો એટલે કે અંદાજે 65,000 રૂપિયાનો ખર્ચ થાય છે. એટલો ખર્ચ ઘણા દર્દીઓને પરવડતો નથી.

તમને આ વાંચવું પણ ગમશે:

બેંગ્લોરના હેલ્થ કેર ગ્લોબલ ખાતે સર્જિકલ ઑન્કોલૉજિસ્ટ તરીકે કાર્યરત ડૉ. વિશાલ રાવે કહ્યું હતું કે ''આપણે ત્યાં રોગની સારવારનો ખર્ચ જાતે ઉપાડવો પડે છે અને મોટા પ્રમાણમાં નાણાં ખર્ચવાનું બધાને પરવડતું નથી."

"આ કારણસર મને લાગ્યું હતું કે સ્વરપેટીનાં કેન્સરના દર્દીઓ ફરી બોલતાં થાય એ માટે તેમને મદદ કરવાની તાતી જરૂર છે. બોલવું એ દરેક વ્યક્તિનો અધિકાર છે, વિશેષાધિકાર નથી.''

દર્દીની વ્યથાએ વિચારતા કર્યા

ઇમેજ કૅપ્શન,

ડો. વિશાલ રાવ માને છે કે દરેક દર્દીને ઉચ્ચ કક્ષાની સારવાર મળવી જોઈએ.

નારાયણ સ્વામીનાં ગળામાંથી કેન્સરને કારણે સ્વરપેટી કાઢવી પડી હતી.

એ કારણે તેઓ બોલી શકતા ન હતા અને તેની તેમનાં જીવન પર માઠી અસર પડી હતી.

નારાયણ સ્વામીએ કહ્યું હતું, ''હું જે કંપનીમાં કામ કરતો હતો, ત્યાંના કામદાર સંગઠનનો નેતા હતો."

''હું અન્ય કામદારોને મદદ કરતો હતો. મારો અવાજ ચાલ્યો જતાં હું તેમના માટે નિરુપયોગી બની ગયો હતો.''

નારાયણ સ્વામીએ ઉમેર્યું હતું, ''અવાજ ગુમાવી દેવાનું મારા માટે જીવન ગુમાવી દેવા જેવું હતું."

''હું મારા જીવનનો અંત આણવા ઈચ્છતો હતો. મને આનંદ થાય એવું કંઈ પણ હું કરી શકતો ન હતો.''

નારાયણ સ્વામી જેવા દર્દીઓની વ્યથા સાંભળ્યા બાદ ડૉ. વિશાલ રાવ તેમને મદદ કરવાની દિશામાં વિચારતા થયા હતા.

સૌને પોસાય તેવી કૃત્રિમ સ્વરપેટી બનાવવા એક દોસ્તે ડૉ. વિશાલ રાવને સૂચન કર્યું હતું. ડૉ. વિશાલ રાવ જાણે કે એ સૂચનની રાહ જ જોતા હતા.

તેમણે તેમના ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયર દોસ્ત શશાંક સાથે મળીને વોઈસ બોક્સ બનાવવાની દિશામાં કામ શરૂ કર્યું હતું.

બે વર્ષની મહેનતના અંતે તેમણે 'ઓમ વોઇસ બોક્સ' વિકસાવ્યું.

એકાદ સેન્ટિમીટરનું કદ ધરાવતાં એ ડિવાઇસની કિંમત છે લગભગ એક ડોલર.

કેન્સરના જે દર્દીઓની સ્વરપેટી કાઢી નાખવામાં આવી હોય તેમના ગળામાં ઓમ વૉઇસ બોક્સ બેસાડી શકાય છે.

અનેકને મળ્યું નવજીવન

વીડિયો કૅપ્શન,

ASIA INNOVATORS માત્ર રૂ. 65માં ફરી અવાજ આપે તેવું યંત્ર

ઓમ વૉઇસ બોક્સને કારણે નલિની સત્યનારાયણ જેવા અનેક દર્દીઓને નવું જીવન મળ્યું છે.

નલિની ફરીથી બોલતાં થયાં છે. તેઓ ગળાની સર્જરી કરાવી હોય તેવા અન્ય દર્દીઓને સલાહ-સૂચન અને સધિયારો પણ આપે છે.

નલિની સત્યનારાયણે કહ્યું હતું કે ''હું નવજીવન પામી છું અને કેન્સર પછીની જિંદગી કેવી હોય તેનું હું જીવંત તથા આનંદમય ઉદાહરણ છું.''

ડૉ. વિશાલ રાવે કહ્યું હતું કે ''ગળાના કેન્સરના દર્દીઓની સ્વરપેટી રોગના ચોથા સ્ટેજમાં કઢાવવી પડે છે, કારણ કે ત્યાં સુધીમાં સ્વરપેટી સંપૂર્ણપણે નકામી થઈ ગઈ હોય છે.''

''આવા દર્દીઓની શ્વાસનળીને અન્નનળી સાથે જોડવામાં આવે અને તેમના ફેંફસાંમાંથી હવા અન્નનળીમાં કંપન સર્જી શકે તો તેઓ ફરી બોલતા થઈ શકે છે."

"એ પરિસ્થિતિમાં દર્દીનું દિમાગ તેમની અન્નનળીને કંપનના સંકેત આપતું થાય છે.''

ઓમ વૉઇસ બોક્સની કિંમત આટલી ઓછી હોવાનું કારણ એ છે કે જેમણે આ પ્રોજેક્ટ માટે એકેય પૈસો લીધા વિના કામ કર્યું હતું.

ડૉ. વિશાલ રાવના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટમાં સંકળાયેલા લોકો સામાજિક પરિવર્તન લાવવા અને દર્દીઓને પોસાય તેવી સારવાર લેવાની તક આપવા ઇચ્છતા હતા.

ભારતમાં જ ઉત્પાદન

ઓમ વૉઇસ બોક્સનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવે છે.

મોટાભાગનાં અન્ય પ્રોથેસ્ટિક વૉઇસ બોક્સિસની આયાત કરવામાં આવતી હોવાથી મોંઘાં હોય છે.

ડૉ. આલોક ઠાકર ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિઝ ખાતે હેડ અને નેક સર્જરીના નિષ્ણાત તરીકે કાર્યરત છે.

તેઓ માને છે કે ઓમ વૉઇસ બોક્સ દર્દીઓનું જીવન બદલવાની ક્ષમતા ધરાવે છે.

ડૉ. આલોક ઠાકરે ઓમ વૉઇસ બોક્સની ઉપલબ્ધતા વધારવાની બાબતને ડૉ. વિશાલ રાવ અને તેમની ટીમ માટે મોટો પડકાર ગણાવી હતી.

ડૉ. આલોક ઠાકરે જણાવ્યું હતું કે પૂરતા પ્રમાણમાં ડિવાઇસનું ઉત્પાદન ન થવાને કારણે અગાઉના આવા પ્રોજેક્ટ વ્યાપક પ્રભાવ સર્જવામાં નિષ્ફળ રહ્યા હતા.

ડૉ. વિશાલ રાવ ઓમ વૉઇસ બોક્સને દેશનાં તમામ પ્રાદેશિક કેન્સર હેલ્થકેર સેન્ટર્સ પર ઉપલબ્ધ કરાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

તેમનો હેતુ ગળાનાં કેન્સરના તમામ દર્દીઓ સુધી ઓમ વૉઇસ બોક્સનો લાભ પહોંચાડવાનો છે.

ડૉ. વિશાલ રાવે કહ્યું હતું કે ''આ એક સાદી શોધ છે, જેનો લાભ અનેક જિંદગીઓને સરળતાથી મળ્યો છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો