‘જિગ્નેશ, અલ્પેશ, હાર્દિકની જેમ કોઈ મુસ્લિમ યુવાન કેમ ઊભો ન થયો?’

જિગ્નેશ, અલ્પેશ અને હાર્દિક
ફોટો લાઈન હાર્દિક, અલ્પેશ, જિગ્નેશ જેવા યુવાનોએ ભાજપને રાજકીય પડકાર આપી ઇતિહાસ રચ્યો છે

ચૂંટણી લોકશાહીનું પર્વ કહેવાય છે. આ હકીકતનું તાત્પર્ય ગુજરાતે નજરોનજર જોયું અને અનુભવ્યું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ખૂબ જ રોચક તથા રસપ્રદ હતી અને પરિણામ પણ એટલું જ રસપ્રદ છે.

છેલ્લા અઢી દાયકાથી સત્તામાં રહેલી ભાજપ અજેય હોય તેમ માનવામાં આવતું હતું. અત્યાર સુધીની ચૂંટણીઓમાં કોઈ પ્રતિયોગિતા હોય તેમ લાગતું જ નહોતું.

તમને આ પણ વાંચવું ગમશે


પહેલો પડકાર

Image copyright Getty Images
ફોટો લાઈન ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેટલી રોચક હતી, તેના પરિણામ પણ એટલા રસપ્રદ હતા

૨૦૧૨ અને એ પહેલાં ૨૦૦૨ અને ૨૦૦૭ માં ભાજપની સામે કોઈ પડકાર ન હતો.

કોંગ્રેસ અને આમ આદમી જેવા અન્ય રાજકીય પક્ષોનું મતદારો સામે ખાસ ઉપજતું નહોતું.

ચૂંટણી એક નીરસ પ્રક્રિયા હોય એમ લાગતું, કારણ કે સરકાર તો ભાજપ જ બનાવશે તે વાતની જાણ અને ખાતરી દરેકને ચૂંટણી અગાઉ જ રહેતી

પરંતુ આ વખતે ગુજરાતની ધરતી પર ભાજપ સરકાર સામે ઘણા બધા પડકારો ઊભા થયા.

હાર્દિક, અલ્પેશ, જિગ્નેશ જેવા યુવાનોએ ભાજપ જેવા મજબૂત પક્ષને રાજકીય પડકાર આપીને નવો ઇતિહાસ રચ્યો.

ભાજપનો વિજય 99ના આંકડા પર સીમિત રહ્યો. નરેન્દ્ર મોદીના પ્રભાવ અને લોકપ્રિયતા વગર કદાચ આ આંકડો પણ અશક્ય બની જાત!

લોકપ્રતિનિધિત્વ લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોમાં ગણી શકાય. નાગરિકો માટે ચૂંટણી પ્રતિનિધિત્વનો અવસર પ્રદાન કરે છે.

સાથે સાથે ચૂંટણી દરમિયાન દરેક નાગરિકને પોતાની વાત કરવાનો કે પોતાનું હિત સાચવવાનો મોકો મળે છે.

આ ત્રણેય યુવાનોએ આ મોકાનો ખૂબ સદુપયોગ કર્યો. તેમણે ગુજરાત સરકારના વિકાસ અને સુશાસનના દાવા સમક્ષ એક લોકપડકાર ઊભો કર્યો.

અહીં વાત માત્ર ભાજપ કે કોંગ્રેસ કે અન્ય કોઈ રાજકીય પક્ષની નથી.


નવનિર્માણ આંદોલન

Image copyright Kalpit Bhachech
ફોટો લાઈન નવનિર્માણ આંદોલન દરમિયાન અમદાવાદના કોટ વિસ્તારમાં રસ્તા રોકો અને બસ રોકો ઝુંબેશ

લોકશાહીમાં દરેકને પોતાની મરજી મુજબ મત આપવાનો હક છે.

અહીં વાત લોકવિકલ્પની છે. લોકશાહીમાં check and balance અર્થાત લોકો સામે જેટલા વધુ વિકલ્પ હોય તેટલું વધુ સારું.

૧૯૮૦ પછી જન્મેલી પેઢીને કદાચ નવનિર્માણ આંદોલન વિશે જાણકારી ન પણ હોય.

લાંબા સમય સુધી સત્તામાં રહીને કોઈપણ રાજકીય પક્ષ લોકોના પ્રશ્નોની અવહેલના કરે તેવો ખતરો ઊભો થતો હોય છે.

આ યુવાનોએ ગુજરાતના નાગરિકોને લોકચળવળ દ્વારા નવીન વિકલ્પ પૂરો પડ્યો છે.

વિશેષ રીતે સામાજિક રીતે નબળા વર્ગોને પોતાનું પ્રતિનિધિત્વ કરવાનો સોનેરી અવસર મળ્યો છે.

ખેડૂતો, રોજની મજૂરી કરનારા શ્રમિકો, ગામડાંના લોકો - સૌને લોકચળવળમાં વાચા મળી છે.

મારા મતે આવી લોકચળવળોને જાતિવાદનું નામ આપવું યોગ્ય ના કેહવાય.

લોકઆંદોલનનું મહત્વ લોકશાહીમાં જેટલું અંકિત થાય તેટલો લોકશાહીને વેગ મળે છે.


જવાબ કોણ આપશે

Image copyright Getty Images
ફોટો લાઈન ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં સ્ત્રીઓને પ્રતિનિધિત્વનો ખાસ અવસર નથી મળી શક્યો

દુર્ભાગ્યની વાત છે કે આ ચૂંટણીમાં ગુજરાતની સ્ત્રીઓને પ્રતિનિધિત્વ નો ખાસ અવસર ન મળી શક્યો.

પાછલી વિધાનસભામાં ૧૬ સ્ત્રી પ્રતિનિધિની સંખ્યા ઘટીને અત્યારે ફક્ત ૧૩ થઈ ગઈ.

ભાજપ કે કોંગ્રેસ બંને પક્ષોએ સ્ત્રી ઉમ્મેદવારો ને ખાસ સ્થાન નથી આપ્યું.

એમ તો લગભગ દરેક ચૂંટણી વખતે પુરુષ પ્રધાન સમાજની પ્રતીતિ થતી હોય છે.

આ વખતે પણ પરિસ્થિતિ યથાવત હતી. ઉપરાંત આપણા દેશમાં જ નહીં પણ દુનિયાભરમાં રાજકારણ અને જાહેર ક્ષેત્રે સ્ત્રીઓની હાજરી હંમેશા નામ માત્રની હોય છે.

Image copyright Getty Images
ફોટો લાઈન ભાજપે આ વખતે મુસ્લિમોના મુદ્દા પર વાત પણ નથી કરી

એક બીજી દુર્ભાગ્યની વાત એ છે કે આ ચૂંટણીમાં ગુજરાતના મુસ્લિમ સમુદાયની ભાગીદારી ખાસ જોવા ન મળી.

અહીં વાત ફક્ત મુસ્લિમ ઉમેદવારો પુરતી સીમિત નથી. અહીં મુદ્દો જનપ્રતિનિધિત્વનો છે.

'સબકા સાથ, સબકા વિકાસ'નો નારો આપનાર વડાપ્રધાનના રાજકીય પક્ષે એક પણ મુસ્લિમ ઉમેદવારને વિધાનસભા ચૂંટણીની ટિકિટ ન આપી.

કોંગ્રેસ પક્ષે પણ મુસ્લિમ સમુદાયને લગતા કોઈ મુદ્દાઓ હાથ ન ધર્યા.

એથી મોટો અને મહત્વપૂર્ણ પ્રશ્ન એ પણ ઉઠે છે કે જીગ્નેશ, અલ્પેશ, હાર્દિકની જેમ કોઈ મુસ્લિમ યુવાન આગેવાન કેમ ઊભો ન થઈ શક્યો.

ક્યાંક કોઈ કમી તો જરૂર છે. આ પ્રશ્નનો જવાબ આપવાની તસદી શું રાજકીય પક્ષો અને મુસ્લિમ સમાજના આગેવાનો ઊપાડશે? કદાચ નહીં.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ