'હાર્દિકની અસર ઓછી કરવા પટેલ નેતા CM બની શકે'

હાર્દિક પટેલ Image copyright facebook/ hardik patel

ગુજરાતની ચૂંટણીઓ પર રાજ્ય જ નહીં, દેશભરના રાજકીય પક્ષો અને વિશ્લેષકોની નજર હતી. સોમવારે બીજેપીએ વધુ પાંચ વર્ષ માટેનો ગુજરાત શાસનનો કાર્યકાળ મેળવી લીધો છે.

આ વિધાનસભા ચૂંટણી વિરોધાભાસોથી ભરપૂર હતી. પાટીદારોના અસંતોષ, ખેડૂતોની નારજગી, ઓબીસી આંદોલન અને દલિત આંદોલન, 22 વર્ષના શાસન છતાંય વધુ એક વખત ગુજરાતની જનતાએ ભાજપને શાસન સોંપ્યું છે.

આ સાથે જ જનતાએ ભાજપને ચેતવણી પણ આપી છે. પાર્ટી ત્રણ આંકડા સુધી પણ પહોંચી નથી શકી અને 99 પર અટકી ગઈ હતી.

આ અંગે બીબીસી ગુજરાતીના દીપક ચુડાસમાએ વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈ સાથે વાત કરી હતી.

તમને આ પણ વાંચવું ગમશે


નારાજ છે, ગદ્દાર નહીં

ગુજરાત ચૂંટણી દરમિયાન કોંગ્રેસને પાટીદાર ફેક્ટરનો લાભ નથી થયો.

યુવા પાટીદારોએ મતદાન કર્યું, પરંતુ વેપારીઓ અને મધ્યમ તથા મોટી ઉંમરના લોકોનું વલણ ભાજપ તરફી રહ્યું છે.

આ લોકોએ પાટીદારના મુદ્દા કરતા હિંદુત્વને વધુ મહત્વ આપ્યું.

સુરતમાં જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિઝ) તથા નોટબંધી જેવાં વિષયોને કારણે વાતાવરણ ઊભું થયું હતું.

પરંતુ વેપારીઓએ વિરુદ્ધમાં મતદાન ન કર્યું. મતદારોએ સંદેશ આપ્યો કે તે તેઓ 'ભાજપથી નારાજ છે, પરંતુ ગદ્દાર નથી.'

આ ઉપરાંત પાટીદાર ફેક્ટરની અસર હોવા છતાંય સુરતનાં પરિણામો મને નથી સમજાતાં.

કેટલાક લોકોને ભાજપની સામે ગુસ્સો હતો, પરંતુ તેઓ કોંગ્રેસને મત આપવા માંગતા ન હતા.

આથી, તેમણે નોટાનો ઉપયોગ કર્યો. જોકે, નોટાને કારણે ચૂંટણી પરિણામોમાં કોઈ મોટા ફેરબદલ થયા હોત, તેમ નથી લાગતું.

'પટેલને CM બનાવી શકે'

Image copyright Getty Images
ફોટો લાઈન હાર્દિક પટેલ અને તેમના માતા ઉષાબેનની તસવીર

રાજદીપના કહેવા પ્રમાણે, હાર્દિક પટેલની અસરને ઓછી કરવા તથા પાટીદારોની નારાજગીને દૂર કરવા માટે કોઈ પાટીદાર નેતાને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે તેવી શક્યતા છે.

રૂપાણી ભાજપના અધ્યક્ષ અમિત શાહના ખાસ છે, એટલે તેઓ રિપીટ થઈ શકે છે, પરંતુ વજુભાઈ વાળા મુખ્યપ્રધાન બને તેમ નથી લાગતું. તેમની ઉંમર થઈ ગઈ છે.

ગુજરાતમાં વિજય પછી અમિત શાહની નજર કર્ણાટક વિધાનસભાની ચૂંટણીઓ પર છે, 2019ની લોકસભા ચૂંટણીઓ પર છે.

જો હાલની સ્થિતિ યથાવત રહે તો લોકસભા ચૂંટણીઓમાં મોદી કે ભાજપ સામે કોઈ મોટા પડકાર હોય તેમ જણાતું નથી.

પરંતુ જો કોંગ્રેસ કોઈ સકારાત્મક એજન્ડા જનતા સમક્ષ રજૂ કરશે, તો તેને લાભ થઈ શકે છે.


....તો હાર્દિકનું ભવિષ્ય ઉજળું

હાર્દિક પટેલની ઉંમર હજુ ઓછી છે. જનતાને યુવા નેતાની જરૂર છે, એટલે નિઃશંકપણે તેનું ભવિષ્ય ઉજળું છે.

પરંતુ જો હાર્દિક જ્ઞાતિ આધારિત મુદ્દાઓ સાથે આગળ વધવાને બદલે રોજગારી અને ખેડૂતોના મુદ્દા લઈને આગળ વધશે તો રાજનીતિમાં તેનું ભવિષ્ય ઉજ્જવળ છે.


ત્રિપુટીની અસર થઈ?

Image copyright Getty Images
ફોટો લાઈન હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર તથા જિગ્નેશ મેવાણી એમ ત્રણ નેતાઓને કારણે ગુજરાત ચૂંટણીઓને ચોક્કસપણે અસર થઈ

હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર તથા જિગ્નેશ મેવાણી એમ ત્રણ નેતાઓને કારણે ગુજરાત ચૂંટણીઓને ચોક્કસપણે અસર થઈ છે.

ગુજરાતનાં રાજકારણમાં લાંબા સમયથી યુવા ચહેરાઓનો અભાવ હતો. જે આ ત્રણેયે દૂર કર્યો છે.

આ ત્રિપુટીના ઉદયથી કોંગ્રેસને ચોક્કસપણે લાભ થયો છે. એક તરફ તેના સિનિયર નેતાઓ હારી ગયા તો બીજી તરફ યુવા નેતાઓ વિજયી થયા છે.

યુવા નેતાઓનું ચૂંટાવું એ સારી બાબત છે. એટલે યુવાનો તેમના મુદ્દાઓ સાથે બાંધછોડ નહીં કરે.

રાજદીપના કહેવા પ્રમાણે, ગુજરાત ચૂંટણીઓમાં મણિ શંકર ઐય્યરના નિવેદનની ગુજરાત ચૂંટણીઓમાં અસર નથી થઈ, પરંતુ નરેન્દ્ર મોદી તેના આધારે વિકાસના મુદ્દાને ભાવનાત્મક દિશામાં લઈ જવામાં સફળ રહ્યા.

તેમણે આ મુદ્દાને ગુજરાતની અસ્મિતાનો મુદ્દો બનાવ્યો.

ખાડિયા : ચાર દાયકા બાદ ભાજપનો ગઢ તૂટ્યો

ગુજરાતનાં રાજકારણમાં છેલ્લા 57 વર્ષમાં શું થયું?


રાહુલ સફળ કે નિષ્ફળ?

Image copyright Getty Images
ફોટો લાઈન 19 રાજ્યોમાં ભાજપની સરકારો છે

ચૂંટણીઓમાં જે જીતે તે જ સિકંદર હોય છે. આજે 19 રાજ્યોમાં ભાજપની સરકારો છે. ગુજરાતમાં છઠ્ઠો વિજય છે.

એટલે નિશ્ચિતપણે મોદી અને અમિત શાહ જ વિજયી છે. જોકે, આ ચૂંટણીઓ દ્વારા રાહુલ ગાંધીએ સાબિત કરી દીધું કે તેઓ ટક્કર આપી શકે છે.

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ નિષ્ફળ ગઈ છે, પરંતુ ગુજરાતમાં કોંગ્રેસમાં દમ જોવા મળ્યો છે.


શહેરી મતબેન્ક

Image copyright Getty Images
ફોટો લાઈન 'ગુજરાત હજૂ પણ ભાજપનો ગઢ'

શહેરી વોટબેન્ક એ પરંપરાગત રીતે ભાજપની વફાદાર વોટબેન્ક છે, જોકે ખેડૂતો અને વેપારીઓની નારજગીને કારણે સૌરાષ્ટ્રમાં ભાજપને નુકસાન થયું છે.

ગુજરાતની ચૂંટણીઓથી વધુ એક વખત સ્પષ્ટ થયું છે કે આ રાજ્ય ભાજપનું ગઢ છે. તેમાં કોઈ મોટી ક્ષતિ થઈ હોય, તેમ જણાતું નથી. હા, મતદાતાઓએ ચેતવણી ચોક્કસ આપી છે.

મતદારો સમજુ છે, ચૂંટણીઓ પહેલા જ જો નેતાઓ પક્ષપલ્ટો કરે કે દેખા દે તો ચલાવી ન લે.

હિંદુ અબજપતિએ બનાવી મુસ્લિમો માટે મસ્જિદ!

'ચાણક્યે નહીં, EVM અને પૈસાએ ભાજપને જીતાડ્યો'

એટલે જ ભાજપ 100ની અંદર સમેટાઈ ગયું છે. જનતા ઇચ્છે છે કે તેમની સમસ્યાઓ સાંભળવામાં આવે અને તેનો ઉકેલ લાવવામાં આવે, માત્ર ભાષણથી નહીં ચાલે.

સામાન્ય જનમાનસમાં કોંગ્રેસની મુસ્લિમ તરફી છાપ છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંદિરોની મુલાકાત લઈને એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે પાર્ટી હિંદુત્વ વિરોધી નથી.

જોકે, આ એક લાંબાગાળાની યોજના ન હોય શકે. કોંગ્રેસ દૂરનું હિત સાધવું હોય તો બેરોજગારી અને આર્થિક મુદ્દા ઉઠાવવા જોઇએ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ