ગુજરાતમાં લોકોએ શા માટે પસંદ કર્યો NOTA?

અમિત શાહ અને નરેન્દ્ર મોદી Image copyright Getty Images
ફોટો લાઈન ભાજપને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 99 બેઠક સાથે જીત મળી છે

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 99 બેઠક પર, કોંગ્રેસ 77 તથા અન્યો છ બેઠક પર વિજયી થયા છે.

આ વખતે ચૂંટણીમાં 5.52 લાખ મતદાતાઓએ 'None of The Above' એટલે કે નોટાની પસંદગી કરી છે.

હિમાચલ પ્રદેશની વાત કરીએતો 33,741 મતદાતાઓએ નોટાની પસંદગી કરી હતી.

વિજય રૂપાણીની બેઠકમાં 3309 અને જિગ્નેશ મેવાણીની વડગામ બેઠક પર 4255 મતદારોએ નોટાની પસંદગી કરી હતી.

તમને આ પણ વાંચવું ગમશે

આ વખતે ચૂંટણીમાં સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે, બે મુખ્ય પક્ષ પછી સૌથી વધારે મતદાન નોટામાં થયું.


શું છે નોટા ?

Image copyright Getty Images
ફોટો લાઈન ગુજરાતના 5.52 લાખ મતદાતાઓએ 'None of The Above' એટલે કે નોટાની પસંદગી કરી

નોટા એટલે એવો વિકલ્પ છે. 'ચૂંટણીમાં લડી રહેલાં ઉમેદવારોમાંથી એકપણ ઉમેદવારને તમે મત આપવા ઇચ્છતા નથી અને લોકતંત્રમાં તમારી ભાગીદારી નોંધાવવા માટે ઇચ્છો છો.'

ગુજરાતમાં કેટલાંક મતદારોએ પોતાનાં અનુભવો જણાવ્યાં કે તેમણે શા માટે નોટાની પસંદગી કરી?

સાબરમતીના અક્ષર પટેલનું કહેવું છે, "મને કોઇપણ પક્ષ કે ઉમેદવાર તરફથી સંતોષ નહોતો.

"મતદાન કરવું દરેક નાગરિકની ફરજ છે, જ્યારે નાગરિક ઉમેદવાર કે પક્ષથી સંતોષ ન હોય ત્યારે નોટાના વિકલ્પથી નાગરિક તરીકેની ફરજ બજાવી શકે છે.

જેમજેમ નોટામાં લોકોનું મતદાન વધશે તેમ ઇલેક્શન કમિશન અને લોકોને ખ્યાલ આવશે કે આટલા લોકો પક્ષ કે ઉમેદવારોથી ખુશ નથી."


ઉમેદવારો પ્રત્યે અસંતોષ દર્શાવવાનો રસ્તો

Image copyright Getty Images
ફોટો લાઈન નોટાની પસંદગી કરવા વાળા મતદાતા કહે છે કે તે ઉમેદવાર પ્રત્યે અસંતોષ દર્શાવવાનો રસ્તો છે

જીત ધોળકિયા કહે છે, "મેં નોટાની પસંદગી એટલા માટે કરી હતી કારણ કે, તેનાથી હું મારા હકનો ઉપયોગ કરી શકું છું અને મારા વિસ્તારના ઉમેદવારો પ્રત્યે મારો અસંતોષ દર્શાવી શકું છું.

"નોટા વિશે મારું વ્યક્તિગત એવું માનવું છે કે, જો યુવાનોમાં નોટા વિશે જાગૃતતા આવશે તો ભવિષ્યમાં લોકોમાં તેની અસર થશે.

"કોઇને કોઇ સ્થળે ચોક્કસ એવું જોવા મળશે, જ્યાં ઉમેદવાર કરતાં નોટામાં મોટા પ્રમાણમાં મતદાન થશે અને નોટાને મતદાન કરી હું કોઈ પણ સરકાર કે વ્યક્તિના મુદ્દાઓને લઇને આંગળી પણ ચીંધી શકું છું."


પ્રથમ વખતનાં વોટર

Image copyright Getty Images
ફોટો લાઈન મતદારો મત એળે ન જાય તે માટે નોટાની પસંદગી કરી લોકતંત્રની ફરજ નિભાવે છે

દેવલ જાદવ કહે છે,"લોકતંત્રમાં નોટા ખૂબ જ અગત્યનું પાસું છે. ઉમેદવારો પ્રત્યે જનતાનો અસંતોષ દર્શાવવાનો અગત્યનું હથિયાર છે.

"મેં વિધાનસભામાં પ્રથમ વખત મતદાન કર્યું છે. મારો મત એળે ન જાય માટે મેં નોટાની પસંદગી કરી અને લોકતંત્રમાં મારી ફરજ નિભાવી.

"મારા વિસ્તાર સાણંદમાં મારા જેવા બીજા ચાર હજાર કરતાં વધારે મતદારોએ નોટાની પસંદગી કરી છે."


નેતા બનવા શૈક્ષણિક લાયકાત જરૂરી

Image copyright Getty Images
ફોટો લાઈન પસંદગી પામેલા ઉમેદવારો પાસે શૈક્ષણિક લાયકાત ન હોવા પર પણ મતદારો નોટાની પસંદગી કરે છે

નિરાલી પટેલનું માનવું છે, "જેમ ડૉક્ટર બનવા માટે કોઇ લાયકાત જોઇએ તેમ નેતા અથવા લીડર બનવા માટે શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે.

"જ્યાં સુધી ઉમેવારોમાં શૈક્ષણિક લાયકાત નહીં હોય ત્યાં સુધી હું નોટાની પસંદગી જ કરીશ.

"ગુજરાતમાં આ વખતે જેમ મોટા પ્રમાણમાં લોકોએ નોટાની પસંદગી કરી છે તેમ વધારેમાં વધારે લોકો આ રીતે અલગ અલગ કારણોસર પોતાની નારાજગી વ્યક્ત કરી શકે તેનો વિકલ્પ છે.

"હું તો વિચારું છું કે જેમ પક્ષના લોકો પોતાનો પ્રચાર કરે છે. તેમ નોટાની પસંદગી કરવા ઇચ્છતા લોકોએ પણ પોતાનાં અવાજને તે દરમિયાન સામે લાવવો જોઇએ અને નોટાનો જ પ્રચાર કરવો જોઇએ."


જ્ઞાતિ-ધર્મનું રાજકારણ દેશની પ્રગતિમાં અવરોધક

Image copyright Getty Images
ફોટો લાઈન જ્ઞાતિ અને ધર્મનું રાજકારણ દેશ અને તેના વિકાસમાં અવરોધક સાબિત થઈ શકે છે

નીતિન કાપુરે કહે છે, "અત્યારની પરિસ્થિતિમાં જે સ્તરનું રાજકારણ થઇ રહ્યું છે એ ગુજરાત રાજ્ય અને દેશના ભવિષ્ય માટે સારું નથી.

"જ્ઞાતિ અને ધર્મનું રાજકારણ દેશને આગળ વધવામાં અવરોધક સાબિત થઈ શકે છે. આમ પણ જ્ઞાતિ અને ધર્મના આધારે ઉમેદવારોની પસંદગી થાય છે.

"ઉમેદવારની લાયકાત બાબતે કોઇ સ્પષ્ટીકરણ થતું નથી. ફક્ત જ્ઞાતિ અને ધર્મને આગળ રાખીને ચૂંટણી જીતવા માંગે છે.

"આ કારણે એક યુવાન તરીકે મને એવું લાગ્યું કે ધર્મ અને જ્ઞાતિના રાજકારણ વિરુદ્ધ અવાજ ઉઠાવવો હોય તેના માટે નોટાનો વિકલ્પ મને સારો લાગ્યો."

Image copyright Getty Images
ફોટો લાઈન ઉમેદવારો પ્રત્યે અસંતોષના કારણે લોકો નોટાની પસંદગી કરે છે

આશ્ચર્યની વાત એ છે કે, જે લોકો સાથે વાત કરી તેમાંથી મોટાભાગના લોકો 30 વર્ષથી નીચે ઉંમરનાં હતાં. જેમાંથી બે પ્રથમ વખત મતદાન કરી રહ્યા હતાં.

નોટાની પસંદગીના દરેકનાં કારણો અલગઅલગ હતા, પણ મુખ્ય કારણ ઉમેદવાર પ્રત્યેનો અસંતોષ જ હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો