ગુજરાત અડધી વસતિને હક અપાવવામાં પાછળ

મતદાન કેન્દ્ર બહાર મહિલાઓ Image copyright Reuters
ફોટો લાઈન આ વખતે ગુજરાત વિધાનસભામાં માત્ર 13 મહિલા ધારાસભ્યો હશે

ગુજરાત વિધાનસભા આગામી દિવસોમાં કેવી દેખાશે - તેની તસવીર હવે સ્પષ્ટ થઈ ચૂકી છે.

વિધાનસભામાં 99 બેઠકો પર ભાજપના ધારાસભ્યો બેસશે અને 77 બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યો બેસશે.

પરંતુ આશ્ચર્યની વાત છે કે આખી વિધાનસભામાં માત્ર 13 મહિલાઓ જ હશે. આ આંકડો કુલ ધારાસભ્યોના આશરે સાત ટકા છે.

ગુજરાત વિધાનસભામાં 2012માં 16 મહિલાઓ હતી પરંતુ આ વખતે તેમની સંખ્યામાં ઘટાડો થયો છે.

તમને આ પણ વાંચવું ગમશે


ચૂંટણીનાં મેદાનમાં મહિલાઓ

Image copyright Reuters
ફોટો લાઈન ભાજપ અને કોંગ્રેસે આ ચૂંટણીમાં વધુ મહિલાઓને ટિકિટ આપી ન હતી

અસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મના આંકડા અનુસાર પહેલા તબક્કાની ચૂંટણીમાં 57 મહિલાઓ ચૂંટણીના મેદાનમાં હતી.

તો બીજા તબક્કામાં કુલ 61 મહિલાઓ ચૂંટણી લડી રહી હતી.

પરંતુ ભાજપ અને કોંગ્રેસ જેવા મોટા પક્ષોએ પુરુષોની સાપેક્ષે મહિલાઓને આ ચૂંટણીમાં ઓછી ટિકિટ આપી હતી.

ગુજરાતમાં ભાજપના મીડિયા પ્રભારી હર્ષના જણાવ્યા અનુસાર ભાજપે 12 મહિલાઓને ટિકિટ આપી હતી જેમાંથી નવની જીત થઈ હતી.

કોંગ્રેસે 10 મહિલાઓને ચૂંટણીના મેદાનમાં ઉતારી હતી. તેમાંથી ચાર મહિલાઓની જીત થઈ હતી.


મહિલા ધારાસભ્યો

Image copyright Reuters
ફોટો લાઈન કોંગ્રેસે 10 મહિલાઓને ટિકિટ આપી હતી જેમાંથી ચાર મહિલાઓની જીત થઈ છે

આ ચૂંટણીમાં મહિલા ધારાસભ્યોમાં સૌથી ચર્ચિત ચહેરો કોંગ્રેસનાં આશા પટેલનો છે.

આશા પટેલે ઊંઝા બેઠક પરથી જીત મેળવી હતી. ઊંઝા બેઠકમાં વડાપ્રધાનનું ગામ વડનગર પણ આવે છે.

ત્યાં કોંગ્રેસ માટે ભાજપને હરાવવો નિશ્ચિતરૂપે વધુ મહત્ત્વ ધરાવે છે.

આશા પટેલ છેલ્લાં દસ વર્ષોથી ગુજરાતનાં રાજકારણમાં સક્રીય છે.

બીબીસી સાથે વાતચીત દરમિયાન આશા પટેલે કહ્યું, "આ જીત મારા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે."

"ખાસ કરીને એટલા માટે કે ગત વખતે મેં આ બેઠક પર પરાજયનો સામનો કર્યો હતો."

આ ચૂંટણીમાં ઘણા દિગ્ગજોએ પણ હારનો સામનો કરવો પડ્યો હતો.

તેમાંથી એક દિગ્ગજ ગુજરાતના સ્વાસ્થ્ય મંત્રી રહી ચૂકેલા શંકર ચૌધરી પણ છે.

કોંગ્રેસનાં ગેનીબહેન ઠાકોરે આ ચૂંટણીમાં શંકર ચૌધરીને હરાવ્યા હતા.

ગેનીબહેન ગુજરાતના બનાસકાંઠાની વાવ બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતાં.

ગેનીબહેને બીબીસી સાથે વાત કરતા જણાવ્યું, "આ મારી ત્રીજી વિધાનસભા ચૂંટણી હતી. બે વખત હાર બાદ મને પહેલી વખત જીત મળી છે. આ તકનો ઉપયોગ હું શિક્ષણનો વિસ્તાર કરવા માટે કરીશ."

Image copyright SAROJ SINGH
ફોટો લાઈન ભાજપના ઝંખનાબહેન પટેલ સુરતની ચોર્યાસી બેઠક પરથી જીત્યાં છે

મહિલાઓમાં ભાજપનાં ઝંખનાબહેન હિતેશકુમાર પટેલે સુરતની ચોર્યાસી બેઠક પરથી જીત મેળવી છે.

તેમણે કોંગ્રેસના યોગેશ પટેલને એક લાખ કરતાં પણ વધારે મતોનાં અંતરથી હરાવ્યા છે.

મહિલાઓમાં ઝંખનાબહેનની જીતનું અંતર સૌથી વધારે છે.

તેમણે રાજકારણ પોતાના પિતા પાસેથી વારસામાં મળ્યું છે.

તેમના પિતાનાં મૃત્યુ બાદ પેટા ચૂંટણીમાં તેમને ટિકિટ આપવામાં આવી હતી ત્યારે તેમણે પહેલી વખત રાજકારણમાં પ્રવેશ કર્યો હતો.

બીબીસી સાથે વાત કરતા તેમણે જણાવ્યું, "મારી જીતમાં મારા પિતાનું ખૂબ મોટું યોગદાન છે. તેમનાં અધૂરાં કાર્યોને પૂરાં કરીને જ આજે હું અહીં સુધી પહોંચી શકી છું."

ફોટો લાઈન મહિલા ધારાસભ્યોના પ્રતિનિધિત્વમાં પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને બિહાર સૌથી આગળ છે

અસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ દ્વારા જાહેર થયેલા આંકડા અનુસાર મહિલા ધારાસભ્યોના પ્રતિનિધિત્વમાં પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને બિહાર સૌથી આગળ છે.

રિપોર્ટના આધારે પશ્ચિમ બંગાળમાં 294 ધારાસભ્યોમાંથી 40 મહિલા ધારાસભ્યો છે.

ADRના રિપોર્ટના આધારે રાજસ્થાનમાં કુલ 200 બેઠકમાંથી 28 મહિલા ધારાસભ્યો છે.

બિહાર વિધાનસભાની 243 બેઠકોમાંથી કુલ 34 મહિલાઓ છે એટલે કે લગભગ 14 ટકા.

ઉત્તરપ્રદેશની 403 વિધાનસભા બેઠકોમાં માત્ર 38 મહિલા ધારાસભ્ય છે. આ આંકડો 10 ટકા કરતા પણ ઓછો છે.

આ આંકડાઓને ધ્યાનમાં રાખતા ખબર પડે છે કે મહિલા પ્રતિનિધિત્વમાં ગુજરાત ખૂબ જ પાછળ છે.


કઈ પાર્ટી પર છે મહિલાઓ મહેરબાન?

Image copyright Reuters
ફોટો લાઈન 2017 વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પુરુષોની સરખામણીએ મહિલાઓએ વધારે મત આપ્યા હતા

સેન્ટર ફૉર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાઇટીઝ (CSDS)ની માહિતી અનુસાર આ વખતે ભાજપને પુરુષોની સરખામણીએ મહિલાઓએ વધારે મત આપ્યા હતા.

CSDSના ડાયરેક્ટર સંજય કુમારના જણાવ્યા અનુસાર 100 લોકોમાંથી ભાજપને 50 મહિલાઓના મત મળ્યા હતા.

તો આ તરફ 100 લોકોમાંથી 48 પુરુષોએ ભાજપને મત આપ્યો હતો.

પરંતુ કોંગ્રેસ માટે સ્થિતિ અલગ છે. સંજય કુમારના જણાવ્યા અનુસાર 100 લોકોમાંથી 42 પુરુષો અને 41 મહિલાઓએ કોંગ્રેસ માટે મતદાન કર્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો