હાર્દિક પટેલે કહ્યું, 'ભાજપ દાદરના રોગ સમાન છે, 2019-2022 સુધી મટી જશે'

હાર્દિક પટેલ Image copyright facebook/hardik patel
ફોટો લાઈન 'ભાજપ દાદરના રોગ સમાન છે, 2019 અને 2022 સુધી મટી જશે'

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. ભાજપે 99 બેઠકો પર જીત મેળવી લીધી છે.

ચૂંટણી પહેલાં અમિત શાહે દાવો કર્યો હતો કે આ વિધાનસભા ચૂંટણીમાં તે 150+ બેઠકો જીતીને બતાવશે. પણ જે પરિણામ આવ્યું તે બધાની સામે છે.

ભાજપને હાર નથી મળી. પરંતુ 150 બેઠકના આંકડાથી ખૂબ દૂર છે.

ચૂંટણીના પરિણામ બાદ હાર્દિક પટેલે બીબીસી ગુજરાતી સાથે ફેસબુક લાઇવ દરમિયાન વાત કરી હતી.

તેમાં તેમણે જણાવ્યું કે ભાજપનો વોટ શૅઅર વધ્યો છે તેની પાછળ પણ EVM સાથે છેડછાડ જવાબદાર છે.

તમને આ પણ વાંચવું ગમશે


"ભાજપ દાદરના રોગ સમાન"

Image copyright FACEBOOK/HARDIKPATEL.OFFICIAL
ફોટો લાઈન હાર્દિક પટેલનું માનવું છે કે ભારતમાં પણ બૅલટ પેપરથી મતદાન થવું જોઈએ

ભાજપનો દાવો 150 બેઠકો મેળવવાનો હતો. પણ માત્ર 99 બેઠકો મળી છે.

તેના પર પ્રતિક્રિયા આપતા હાર્દિક પટેલ કહે છે, "દાદર પર દવા લગાડવાની સાથે જ તે મટતી નથી, તેમાં વાર લાગે છે. ભાજપ પણ દાદરના રોગ સમાન છે."

"હમણાં દવા લગાડી, 2017માં રોગ થોડો મટી જાય? 2019 અને 2022માં આ રોગ સંપૂર્ણપણે મટી જશે."

હાર્દિક પટેલ જણાવે છે, "આ ચૂંટણી સાથે ભાજપને એક મજબૂત વિપક્ષ પણ મળ્યો છે."

"હવે ભાજપને ખબર પડશે કે યુવાનોની, બેરોજગારીની, ખેડૂતોની વાત નહીં કરીએ તો ફેંકાઈ જઈશું."

હાર્દિક પટેલે એવું પણ કહ્યું છે, "મારા કારણે કોંગ્રેસને આ વખતે 16 બેઠકો પર ફાયદો મળ્યો છે. આગળ 32 બેઠકોનો, ત્યારબાદ 64 બેઠકોનો ફાયદો મળશે."


બૅલટ પેપરથી મતદાન કેમ નહીં?

EVM સાથે છેડછાડનો મુદ્દો છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો છે.

તે અંગે ચૂંટણી પંચે સ્પષ્ટતા પણ કરવી પડી છે. પરંતુ તેમ છતાં હાર્દિક પટેલ માને છે કે EVMમાં ગરબડ કરીને જ ભાજપને વધારે મત મળ્યા છે.

હાર્દિક પટેલ કહે છે, "EVM દ્વારા મતદાન થાય છે તેથી આજે અથવા કાલે મતગણતરી કરી શકાય છે."

"પરંતુ 9મી તારીખે અને 14મી તારીખે ચૂંટણી પૂર્ણ થયા બાદ 18મી તારીખે મતગણતરી થાય છે. આટલા દિવસ બાદ મતગણતરી થવાનું કારણ શું છે?"

"EVMને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે, પણ સ્ટ્રોંગ રૂમના પાછળના દરવાજા તોડીને કોઈ અંદર ઘૂસી જાય છે. કેટલીક જગ્યાએ વાઈ-ફાઈ કનેક્ટેડ હોય છે."

વધુમાં હાર્દિક ઉમેરે છે, "શંકા દૂર કરવા બૅલટ પેપર પર મતદાન થવું જોઈએ. આજે ઇઝરાયલ અને જાપાન જેવા દેશમાં પણ બૅલટ પેપરનો ઉપયોગ થાય છે, તો ભારતમાં કેમ નહીં?"


આગળની રણનીતિ શું હશે?

Image copyright Getty Images
ફોટો લાઈન હાર્દિક પટેલ માને છે કે આ વખતે ભાજપની જીતથી પ્રદેશમાં માત્ર બે જ લોકો ખૂશ છે

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હાર ન મળી શકી.

તે મામલે હાર્દિક પટેલ કહે છે, "વડાપ્રધાન મોદી પાસે સત્તા છે, પૈસા છે, પાવર છે."

"પણ તેમ છતાં 150 બેઠકો ન લેવા દીધી અને 99 બેઠકો પર લાવીને અટકાવી દીધા."

"આ વખતે પણ ચૂંટણી જીતીને પ્રદેશમાં માત્ર બે જ લોકો ખુશ છે."

હાર્દિક પટેલ જણાવે છે કે આ પરિસ્થિતિ બાદ હવે 2019ની લોકસભા ચૂંટણીમાં મજા આવશે.

Image copyright FACEBOOK/HARDIK PATEL

જોકે, હાર્દિક પટેલે પોતાની રણનીતિ અંગે કોઈ વાત નથી કરી.

તેમણે માત્ર એટલું કહ્યું છે કે આંદોલનકારી તરીકે ભવિષ્યમાં ખૂબ દોડીશું.

શહેરી વિસ્તારમાં ભાજપને ઘણો ફાયદો પહોંચ્યો છે.

તે અંગે હાર્દિક પટેલે કહ્યું, "શહેરીજનોને ખબર નથી પડતી કે અસલી સમસ્યા શું છે."

"શહેરી વિસ્તારના મિત્રો જાગૃત નથી. તેઓ વિકાસની તસવીર માત્ર રિવરફ્રન્ટ અને સારી સારી હોટેલ્સમાં જ જુએ છે."

"યુવાનો પાસે નોકરીઓ નથી. લોકો ફિક્સ પગાર અંગે જાગૃત નથી."

"આગળ ભાજપને તાકાત બતાવવાની જરૂર છે. તેનાથી ભાજપને જનતાનો પાવર ખબર પડશે."

પાટીદાર આંદોલન અંગે તેઓ કહે છે, "હું જે સમાજનો છું તેના હિત માટે વાત કરતો રહીશ."

"એક વખત પાટીદાર સમાજ એક થઈ જશે તો હું ઠાકોર, બ્રાહ્મણ, યાદવ જેવી અલગ અલગ જાતિઓ માટે પણ લડીશ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો