સોશિઅલ: રાહુલ ફિલ્મ જોવા જતાં લોકોએ મોદીનું ટ્વીટ યાદ અપાવ્યું

સ્ટાર વોર્સની તસવીર Image copyright Getty Images

ટાઇમ્સ નાઉ ટીવી ચેનલે દાવો કર્યો છે, ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પરાજય મળ્યા પછી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી એક ફિલ્મ જોવા માટે ગયા હતા.

એક સમયરેખાના માધ્યમથી ટાઇમ્સ નાઉએ જણાવ્યું કે, જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારની સાંજે ચૂંટણીનાં પરિણામોનું વિશ્લેષણ કરી રહ્યાં હતાં, ત્યારે રાહુલ ગાંધી હૉલિવુડ ફિલ્મ 'સ્ટાર વૉર્સ' જોવા સિનેમા હૉલમાં ગયા હતા.

ચૅનલે દાવો કર્યો હતો કે, તેની ટીમ તે સિનેમા હૉલમાં પૂછપરછ માટે ગઈ હતી. આ અંગે જાણકારી પ્રાપ્ત કર્યા પછી, ચૅનલે જણાવ્યું હતું કે રાહુલ ગાંધી તેમના 'ચાર મિત્રો' સાથે 'જે' રોમાં 'ઇવનિંગ શો'માં 'પૉશ સોફ્ટ સીટ' પર બેઠા હતા.

તમને આ પણ વાંચવું ગમશે


Image copyright YouTube Screen Grab/Times Now

ચેનલે આ ઘટનાને ટ્વિટર પર પણ જાહેર કરી અને વધુમાં હૅશટૅગ #AreYouSeriousRahul (રાહુલ આપ ગંભીર છો) શરૂ કર્યું હતું.

ભાજપ આઈ.ટી. સેલના પ્રમુખ અમિત માલવીયએ આ ઘટના અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

પહેલાં ટ્વીટમાં તેમણે લખ્યું, "આટલા જ ગંભીર છે રાહુલ ગાંધી રાજકારણ અંગે-- ગુજરાત ચૂંટણીમાં હારવા બાદ તેમના પાર્ટીના કાર્યકર્તાઓ અને મીડિયા સાથે વાત કરવાને બદલે

"તેઓ ફિલ્મ જોઈ રહ્યા હતા. શું તેમનો વ્યક્તિગત સમય જાહેર પ્રતિબદ્ધતાથી વધારે મહત્વપૂર્ણ છે? #AreYouSeriousRahul''

તેમણે તરત જ બીજી વાર ટ્વીટ કરીને લખ્યું, "ગુજરાત સિવાય, હિમાચલમાં પણ કોંગ્રેસ હારી ગઈ અને રાહુલ ગાંધી સ્ટાર વૉર્સ જોવામાં વ્યસ્ત હતા! #AreYouSeriousRahul''

બે કલાક બાદ તેમણે ફરી એક ટ્વીટમાં લખ્યું, "જો રાહુલ ગાંધીએ ફિલ્મ છોડીને ગુજરાતમાં (હિમાચલમાં હાર ગંભીર હતી) તેમની પાર્ટીના પ્રદર્શનનું વિશ્લેષણ કર્યું હતું, તો તેઓ જાણતા કે સૌરાષ્ટ્રમાં, જ્યાં તેમની પાર્ટીએ ઘણી બેઠકો જીતી છે ત્યાં પણ ભાજપે વધુ મતો મેળવ્યા છે. ( ભાજપના 45.9% કૉંગ્રેસના 45.5% સામે) #AreYouSeriousRahul"

આ હૅશટૅગ અમિત માલવીયના ટ્વીટ પછી ટ્રેન્ડ થવા લાગી હતી.

જવાબમાં ટાઇમ્સ નાઉથી ગુસ્સે થયેલાં લોકોએ #AreYouSeriousTimesNow હૅશટૅગ શરૂ કર્યું હતું.

કોંગ્રેસના સોશિયલ મીડિયા કાર્યકર્તા દિવ્યા સ્પંદના ઉર્ફ રામ્યાએ 'સ્ટાર વૉર્સ'ના એક પાત્રનો ઉલ્લેખ કરીને ટ્વીટમાં લખ્યું, "શું થાય જો હું તમને કહું કે ટાઇમ્સ નાઉ પર સિથના ડાર્ક લૉર્ડે કબજો કરી લીધો છે?"

સ્ટાર વૉર્સ સિરીઝમાં સિથ ખરાબ લોકોનો એક સમુદાય છે અને ડાર્ક લૉર્ડ તેમના નેતા છે.

ટ્વિટર યૂઝર સૅમસેઝ લખે છે, "શું રાહુલ ગાંધી જણગણમન માટે ઊભા થયા હતા? તેમણે પૉપકોર્ન ખાધું કે નાચોસ? કેટલી વખત તેઓ બાથરૂમ ગયા હતા? #AreYouSeriousTimesNow#PrimeTimeSuggestions''

વરિષ્ઠ પત્રકાર પ્રીતિશ નંદીએ લખ્યું, "મને સમજણ નથી પડતી કે આ ટીવી ઍંકરને રાહુલ ગાંધીના સ્ટાર વૉર્સ જોવાથી કેમ નાપસંદગી છે? શું આ પણ વિરોધી પ્રવૃત્તિ છે?''

પત્રકાર સ્વાતિ ચતુર્વેદીએ ટ્વિટના માધ્યમથી સવાલ પૂછ્યો, "શું ફિલ્મ જોવી એ 'ગદ્દારી' છે? સમસ્યા શું છે? સ્ટાર વૉર્સ પણ હિટલિસ્ટમાં પદ્માવતી જેવી હતી? શું આ જ પત્રકારત્વ છે? ખરેખર?''

ફિલ્મ ક્રિટિક ઍના એમ.એમ. વેટ્ટિકડે લખ્યું, "સિનેમા હૉલમાં મૂવી જોવાની ક્રિયાને નિંદનીય કહેવા માટે ટાઇમ્સ નાઉનો આભાર. જો રાહુલ ગાંધી, કર્ણાટકના વિધાનસભ્યોની જેમ, પોતાના મોબાઇલ ફોન પર પોર્ન જોતા ઝડપાયા હોત તો તમને વધારે ગમ્યું હોત? #AreYouSeriousTimesNow"

ઇન્વિન્સિબલ નામના ટ્વિટર હૅન્ડલથી વડાપ્રધાન મોદીની માર્ચ 2013ની ટ્વિટ રીટ્વિટ કર્યું હતું, જેમાં મોદીએ કહ્યું હતું કે તેઓ અમદાવાદના આઇમેક્સ 3ડી થિએટરમાં ગુજરાતના તમામ ધારાસભ્યો અને તેમના પરિવારોની સાથે ફિલ્મ જોવાની વાત લખી હતી.

ટ્વિટર યૂઝર આબુ દુજાનાએ લખ્યું, "શું આ પત્રકારત્વ છે કે ટાઇમ્સ નાઉ ભાજપના સમર્થનમાં બોલે છે? આ એક પ્રકારની માનસિક બીમારી છે. તરત જ ચિકિત્સા માટે એક માનસિક રોગ ચિકિત્સક પાસે જાઓ. એ મદદરૂપ થશે. તમે પત્રકારત્વની મજાક ઉડાવી છે. શું રાહુલ ગાંધી બાથરૂમમાં ગયા હતા, જ્યારે ગુજરાત ચૂંટણીઓનાં પરિણામોની ઘોષણા થઈ હતી?"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો