વૅલેન્ટાઇન ડે : અંકલેશ્વરના પારસી યુવક અને હિંદુ યુવતીની સંઘર્ષભરી પ્રેમકહાણી

  • રજનીશ કુમાર
  • બીબીસી સંવાદદાતા
કુરુષ અને દીપિકા
ઇમેજ કૅપ્શન,

કુરુષ પારસી પુજારી છે જ્યારે દીપિકા હિંદુ બ્રાહ્મણ છે

ગોરખપુરનાં દીપિકા દુબે માટે પ્રેમની ઉડાન માત્ર જ્ઞાતિના આકાશ સુધી જ સીમિત હતી. ધર્મની દીવાલને તોડવી તો દૂરની વાત હતી.

પરંતુ દીપિકાએ ઉડાનને સીમિત ન કરતાં આકાશની મર્યાદા અને દીવાલ તોડીને પ્રેમ કરવાનો નિર્ણય કર્યો.

દીપિકા અને કુરુષની મુલાકાત યુપીના નોઇડાની ઍમિટી યુનિવર્સિટીમાં થઈ હતી.

બન્નેએ એકબીજાને પ્રપોઝ કર્યું ન હતું પણ પ્રસ્તાવ વગર જ પ્રેમ પાંગરવા લાગ્યો.

કુરુષ પારસી છે. માત્ર પારસી જ નહીં, પણ તેઓ પારસીઓના પૂજારી - દસ્તૂર છે. એક દસ્તૂરના હિંદુ બ્રાહ્મણ યુવતી સાથે લગ્ન સરળ નહોતાં.

પ્રેમમાં ધર્મ અને જાતિ પર કોઈ ધ્યાન આપતું નથી પણ જ્યારે લગ્નની વાત આવે છે તો મામલો માતાપિતા સુધી પહોંચે છે.

પ્રેમ જ્યારે વ્યક્તિગત હોય છે ત્યારે કોઈ પ્રતિબંધ હોતા નથી પણ જ્યારે સાર્વજનિક થાય છે તો જ્ઞાતિ અને ધર્મ વચ્ચે આવે છે. કુરુષ અને દીપિકા સાથે પણ એવું જ થયું.

પારસી અને બિનપારસીનાં લગ્નનો સંઘર્ષ

ઇમેજ કૅપ્શન,

પારસી યુવક હિંદુ કે મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરે છે તો તેમના પત્ની ક્યારેય પારસી નથી બની શકતાં

દીપિકા કહે છે, "મને એવું નથી લાગતું કે પ્રેમમાં પ્રતિબંધોને તોડવા કોઈ મુશ્કેલ કાર્ય છે અથવા તો તમે કહી શકો છો કે આ સંબંધ મામલે અમે આરપારના મૂડમાં હતાં."

કુરુષ કહે છે કે જ્યારે દીપિકા અને તેમનો સંબંધ શરૂ થયો ત્યારે ઘણો વિચાર કરવો પડ્યો કે આગળ વધવું જોઈએ કે નહીં.

કુરુષ કહે છે, "અમે તર્ક-વિતર્ક માટે રોકાયાં નહીં. અંદરથી લાગતું હતું કે અમે બન્ને માતાપિતાને સમજાવી લઈશું."

2010માં દીપિકા ઍમિટીમાંથી એમબીએની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ નોકરી કરવા બેંગલુરુ જતાં રહ્યાં અને કુરુષ પોતાના ઘરે ગુજરાતના અંકલેશ્વર પહોંચી ગયાં હતાં.

બન્ને 2015 સુધી અલગ રહીને પણ સાથે હતાં.

આખરે 2015ના જાન્યુઆરી મહિનામાં તેઓ લગ્નનાં બંધનમાં બંધાઈ ગયાં.

આ લગ્નમાં જેટલી મુશ્કેલીઓ દીપિકા માટે હતી તેટલી જ કુરુષ માટે પણ હતી.

પારસી યુવક કે યુવતીનાં લગ્ન બિનપારસી સાથે થવા એ કોઈ યુદ્ધ કરવા કરતાં ઓછું નથી.

જો કોઈ પારસી યુવક હિંદુ કે મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરે છે તો તેમનાં પત્ની ક્યારેય પારસી બની શકતાં નથી.

દીપિકા પારસી અગિયારી જાય છે, તો બહાર જ રહે છે

ઇમેજ કૅપ્શન,

પારસી યુવક સાથે લગ્ન બાદ પણ યુવતીના રીતરિવાજ મૂળ ધર્મ જેવા જ રહે છે

એ યુવતી પારસી પતિનાં પત્ની બનીને પણ હિંદુ કે મુસ્લિમ જ રહેશે.

તેનો મતલબ એવો છે કે જીવનના બધા રીતરિવાજ યુવતીના મૂળ ધર્મ જેવા જ રહે છે.

દીપિકા માટે પણ એવું જ છે. દીપિકાના પતિ પારસી પૂજારી છે, પરંતુ તેઓ પારસી અગિયારીમાં જઈ શકતાં નથી.

દીપિકા જ્યારે કુરુષ સાથે અગિયારી જાય છે તો તેઓ અગિયારીની બહાર જ રહે છે.

આખરે આટલા પ્રતિબંધ હોવા છતાં કુરુષે આ પ્રેમને તેની મંજિલ સુધી કેવી રીતે પહોંચાડ્યો?

કુરુષ કહે છે, "હું માનવતા પર ભરોસો કરું છું. મારા માટે ધર્મ પછી આવે છે. અમારા બન્ને વચ્ચે પ્રેમનો પાયો માનવતાનો જ છે. તે જ કારણ છે કે ધર્મ વચ્ચે નથી આવ્યો."

દીપિકા જણાવે છે કે તેમની માટે પ્રેમ કરવું સહેલું હતું પણ લગ્ન કરવાં ઘણું મુશ્કેલીભર્યું કામ હતું.

આખરે પ્રેમને સફળતા કેવી રીતે મળી?

ઇમેજ કૅપ્શન,

દીપિકા અને કુરુષનાં લગ્નનો વિરોધ સૌથી વધારે દીપિકાનાં મમ્મીએ કર્યો હતો

દીપિકા કહે છે, "મારાં માતાપિતા તો નાનપણથી જ આંતરજ્ઞાતીય લગ્નની વિરુદ્ધ હતાં. બીજા ધર્મના યુવક સાથે લગ્ન અંગે વિચારવું પણ પાપ હતું."

"આ લગ્ન વચ્ચે શું મુશ્કેલીઓ આવશે તેની મને ખબર હતી, પરંતુ જ્યારે મેં નિર્ણય કરી લીધો તો પાછળ ખસવાનો તો સવાલ જ ન હતો."

"મારા માટે મોટી વાત એ હતી કે મારા જીવનસાથી સારા છે."

કુરુષ કહે છે કે તેમના સંબંધનો સૌથી વધારે વિરોધ દીપિકાનાં મમ્મીએ કર્યો હતો.

દીપિકા કહે છે કે ગોરખપુરમાં જે રીતે છોકરીઓનું પાલનપોષણ થાય છે તેમાં છોકરી બીજા ધર્મના યુવક સાથે લગ્ન અંગે વિચારી શકતી પણ નથી.

ઇમેજ કૅપ્શન,

પારસી યુવતી બિન પારસી યુવક સાથે લગ્ન કરે તો તેમના બાળકો માટે પણ પારસી ધર્મના દરવાજા બંધ થઈ જાય છે

આ યુગલ માટે પ્રેમ કોઈ પ્રસ્તાવ કરતા વધારે એક સવાલ હતો.

દીપિકા કહે છે કે બન્ને મિત્રતા દરમિયાન મજાકમાં કહેતા કે જો આ મિત્રતાએ પ્રેમનું સ્વરૂપ ધારણ કરી લીધું તો શું થશે?

આખરે આટલી મુશ્કેલીઓ વચ્ચે આ પ્રેમને સફળતા કેવી રીતે મળી?

કુરુષ કહે છે, "દીપિકાનાં માતાપિતા હા અને ના વચ્ચે અંકલેશ્વર આવ્યાં. તેઓ મને મળ્યાં અને ઘરે આવ્યાં તો તેમને થોડી ખાતરી થઈ."

"તેમને લાગ્યું કે અમે બન્ને આ સંબંધથી ખૂબ ખુશ છીએ. આ ખુશીને તેઓ કેવી રીતે નકારી શકતાં?"

ઇમેજ કૅપ્શન,

દીપિકા અને કુરુષ માટે પ્રેમ સહેલો હતો પણ લગ્ન મુશ્કેલ હતાં

તો દીપિકા હવે શું છે? પારસી છે કે હિંદુ?

કુરુષ અને દીપિકા એક સ્વરમાં કહે છે કે તે મનુષ્ય છે. દીપિકા બાદ દીપિકાની નાની બહેને પણ એક તમિલ યુવક સાથે લગ્ન કર્યાં છે.

કુરુષ અને દીપિકા કહે છે, "કોઈ પણ વ્યક્તિએ કોઈ વસ્તુ માટે દબાણ નથી કર્યું. હું હજુ પણ શાકાહારી છું. જે મને ભાવે છે તે હું ખાઉં છું."

જો કોઈ પારસી યુવતી કોઈ બિનપારસી યુવક સાથે લગ્ન કરે છે તો તેમનાં બાળકો માટે પણ પારસી ધર્મના દરવાજા બંધ થઈ જાય છે.

ભારતમાં પારસીઓની ઘટતી વસતી માટે આ નિયમોને પણ જવાબદાર ગણવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો