ભાજપના ધારાસભ્યોની બેઠક: હિમાચલમાં કોણ બનશે મુખ્યમંત્રી? નડ્ડા કે ઠાકુર?

જે. પી નડ્ડા અને જયરામ ઠાકુરની તસવીર Image copyright TWITTER
ફોટો લાઈન પ્રેમ કુમાર ધુમલ ચૂંટણી હાર્યા બાદ કોણ મુખ્યમંત્રી બનશે?

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ હશે? આ મામલે દિલ્હીથી શિમલા સુધી મંથન થઈ રહ્યું છે.

મુખ્યમંત્રી પદ માટે ભાજપ દ્વારા જાહેર કરાયેલા પ્રેમ કુમાર ધુમલ ચૂંટણી હારી ગયા છે. આથી કોને મુખ્યમંત્રી બનાવવા તે ભાજપ માટે મૂંઝવણનો પ્રશ્ન બની ગયો છે.

ધૂમલની હાર બાદ સમીકરણ બદલાઈ ગયા છે. હાલ મુખ્યમંત્રીની ખુરશી માટે બે નામો રેસમાં સૌથી આગળ છે.

કેન્દ્રીય પ્રધાન જે. પી. નડ્ડા અને જયરામ ઠાકુર આ બે નામો માંથી ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ કોઈ એકને મુખ્યમંત્રી બનાવે તેવી શક્યતા છે.

રાજ્યના મુખ્યમંત્રીને લઈને ચર્ચા કરવા માટે આજે ભાજપના ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે.

જેમાં ચર્ચા વિચારણાના અંતે નામ જાહેર કરાય તેવી સંભાવના છે.


નડ્ડાનો દાવો

Image copyright TWITTER/JPNADDA/BBC
ફોટો લાઈન નડ્ડા અને ઠાકુર બંને નેતાઓ સંઘ પરિવાર સાથે સંકળાયેલા છે

હિમાચલ પ્રદેશના વરિષ્ઠ પત્રકાર અને ઇન્ડિયન એક્સપ્રેસ સાથે સંકળાયેલા અશ્વિની શર્માના જણાવ્યા અનુસાર નડ્ડા અને ઠાકુર એમ બન્નેનાં નામો પર પક્ષમાં ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે.

બીબીસી સાથેની વાતચીતમાં અશ્વિની શર્માએ કહ્યું,"બંને નેતાઓ સંઘ પરિવાર સાથે સંકળાયેલા છે."

"જયરામ ઠાકુર મંડી જિલ્લાના છે અને પાંચમી વખત ધારાસભ્ય બન્યા છે."

"તેમની સામે કોઈ પણ પ્રકારના આરોપ નથી લાગ્યા. તેમની ગણના કામ કરનારા નેતાઓમાં થાય છે."

શિમલાના વરિષ્ઠ પત્રકાર પ્રકાશ લોહાની કહે છે, "ધુમલના નામની જાહેરાત પહેલાં એવું માનવામાં આવતું હતું કે વિજય મળ્યા બાદ ભાજપ જે. પી. નડ્ડાને જ મુખ્યમંત્રી બનાવશે."

"પરંતુ ધૂમલ ચૂંટણી હારી ગયા હોવાથી સમીકરણો ફરી બદલાઈ રહ્યા છે."


કેંદ્રીય નેતૃત્વ

Image copyright Getty Images
ફોટો લાઈન રાજ્યમાં ધૂમલના જૂથને ખૂબ જ મજબૂત માનવામાં આવે છે

જે. પી. નડ્ડા છેલ્લાં પાંચ વર્ષોથી ભાજપની કેન્દ્રીય ટીમમાં કામ કરી રહ્યા છે.

મોદી સરકારમાં તે આરોગ્ય પ્રધાન છે અને ભાજપના સંસદીય બોર્ડના સચિવ પણ છે.

જ્યારે જયરામ ઠાકુરને 1998માં રાજ્યના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

તે સમયે ભાજપે તેમના નેતૃત્વમાં ચૂંટણી જીતી હતી અને પ્રેમ કુમાર ધુમલ બીજી વખત મુખ્ય પ્રધાન બન્યા હતા.

ત્યાર પછી તેમને કેબિનેટમાં પણ સામેલ કરવામાં આવ્યા હતા.

પ્રકાશ લોહાની કહે છે, "જો જે. પી. નડ્ડાને મુખ્યમંત્રી બનાવવામાં નહીં આવે તો જયરામ ઠાકુર પણ તે જ જૂથના છે."

"આમ જો બન્નેમાંથી કોઈ પણ મુખ્યમંત્રી બને તો તેમાં કોઈ તફાવત નહીં હોય."

બન્ને પત્રકાર માને છે કે મુખ્યમંત્રીની પંસદગીમાં રાજ્યના નેતૃત્વનો કોઈ હસ્તક્ષેપ નહીં રહેશે.

કેન્દ્રીય નેતૃત્વ તેમની પાસેથી સલાહ જરૂર લઈ શકે છે.


ધૂમલને નજરઅંદાજ કરવા કેમ મુશ્કેલ?

Image copyright TWITTER/PREMKUMARDHUMAL/BBC
ફોટો લાઈન જેમનું નામ ચર્ચામાં ના હોય તેમને મુખ્યમંત્રી બનાવવાની ભાજપની પરંપરા છે

જોકે, ધૂમલ એકમાત્ર વરિષ્ઠ નેતા નથી જે ચૂંટણી હાર્યા છે.

પાર્ટીના પ્રદેશ પ્રમુખ સતપાલસિંહ સત્તી, ભૂતપૂર્વ પ્રધાન રવીન્દ્ર સિંહ રવિ, ધૂમલના વેવાઈ ગુલાબસિંહ ઠાકુર જેવા વરિષ્ઠ નેતાઓએ પણ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.

રાજ્યમાં ધૂમલના જૂથને ખૂબ જ મજબૂત માનવામાં આવે છે. વિધાનસભા દળમાં પણ જૂથ મજબૂત છે.

ઘણા ધારાસભ્યો છે જેમણે ધૂમલને મુખ્યપ્રધાન બનાવવાની માગણી કરી છે.

નવા ચૂંટાયેલા ધારાસભ્ય વીરેન્દ્ર કંવરે ધૂમલ માટે પોતાની બેઠક છોડવાની જાહેરાત કરી હતી.

જાતીય સમીકરણ અને બે વાર મુખ્યમંત્રી તરીકેના અનુભવને કારણે પણ તે સ્પર્ધામાં સામેલ છે.


અન્ય નામો પણ ચર્ચામાં

Image copyright Getty Images
ફોટો લાઈન હિમાચલમાં ભાજપને મોટી બહુમતી મળી છે

અશ્વિની શર્મા કહે છે કે સુરેશ ભારદ્વાજ, અજય જામવાલના નામ પર પણ ચર્ચા ચાલી રહી છે. પરંતુ તેઓ રેસમાં પાછળ છે.

વધુમાં પ્રકાશ લોહાની કહે છે કે ભાજપને રાજ્યમાં મોટો બહુમત મળ્યો છે.

આવી સ્થિતિમાં ધારાસભ્યોના મંતવ્યો પક્ષને મહત્વના નથી લાગતા.

તેઓ કહે છે કે ભાજપમાં એવી પણ પરંપરા રહી છે કે જેમના નામો ચર્ચામાં ન હોય તેમને અચાનક જ મુખ્યમંત્રીઓ બનાવી દેવામાં આવે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો