રૂ. 1.76 લાખ કરોડનાં કથિત કૌભાંડમાં શું થયેલું?

પૂર્વ ટેલિકૉમ પ્રધાન એ. રાજાની તસવીર Image copyright Getty Images

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 2G સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડનાં તમામ આરોપીઓને મુક્ત કરી દીધા છે.

સમાચાર સંસ્થા PTIના અહેવાલ મુજબ, પૂર્વ સંચાર પ્રધાન એ. રાજા તથા કનિમોડી સહિત તમામ 17 આરોપીઓ જેમાં 14 શખ્સો તથા ત્રણ કંપનીઓ (રિલાયન્સ ટેલિકૉમ, સ્વાન ટેલિકૉમ અને યુનિટેક)ને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યાં છે.

તત્કાલીન વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘે કહ્યું હતું કે, ચુકાદાથી સ્પષ્ટ થયું છે કે યુપીએ સરકાર સામેના આરોપો આધારહીન હતા.

નાણાપ્રધાન અરુણ જેટલીએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ આ ચુકાદાને મેડલ તરીકે ન દેખાડે. 2012માં સુપ્રીમે ઠેરવ્યું હતું કે, કૌભાંડ થયું હતું.

તમને આ પણ વાંચવું ગમશે

તપાસનીશ એજન્સીએ કાયદાકીય અભિપ્રાયના આધારે આગળની તજવીજ હાથ ધરવાની વાત કરી છે.

કેગે તેના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, 'વહેલા તે પહેલા'ની નીતિથી સ્પેક્ટ્રમ ફાળવવાને કારણે દેશની તિજોરીને રૂ. એક લાખ 76 હજાર કરોડનું કૌભાંડ થયું હતું.

આ ચુકાદા બાદ ડીએમકે કાર્યકરોમાં ખુશીની લહેર ફરી વળી હતી.


ચુકાદા અંગે પ્રતિક્રિયાઓ

રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ આ ચુકાદા અંગે ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, હાઈકોર્ટમાં ચુકાદાને પડકારીને સરકાર તેના પ્રમાણિક ઇરાદાઓનો પરિચય આપે.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદ સંબોધી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, આજે સત્ય બહાર આવ્યું છે. મોદી તથા ભાજપનાં નેતૃત્વે દેશની માફી માંગવી જોઇએ.

જેમણે ત્રણ વર્ષ સુધી સંસદની કાર્યવાહી ચાલવા દીધી ન હતી.

સીબીઆઈના પ્રવક્તા અભિષેક દયાલે કહ્યું હતું કે, એજન્સીને હજુ સુધી ચુકાદાની નકલ મળી નથી. અમે ચુકાદાનો અભ્યાસ કરીને કાયદાકીય અભિપ્રાયનાં આધારે આગળની કાર્યવાહી કરીશું.

બીજી બાજુ, પૂર્વ સંચાર પ્રધાન એ. રાજાએ કહ્યું હતું કે, આ ચુકાદાથી 'ખુશ' છું.

ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ એમ.કે. સ્ટાલિને કહ્યું હતું, "વિશેષ અદાલતના ચુકાદાથી અમે ખુશ છીએ. ચુકાદાથી સાબિત થયું છે કે કશું ખોટું નહોતું થયું."

આ ચુકાદા બાદ ચેન્નાઇમાં ડીએમકે (દ્રવિડ મુનેત્ર કઝગમ)ના કાર્યાલયે ખુશીની લહેર ફરી વળી હતી. પાર્ટીના કાર્યકરોએ ફટાકડાં ફોડી અને નાચગાન દ્વારા ખુશી વ્યક્ત કરી હતી.

નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું હતું, "કોંગ્રેસી નેતાઓ આ ચુકાદાને મેડલની જેમ દેખાડી રહ્યાં છે. જાણે કે તે પ્રમાણિક નીતિ હતી.

એ એક ભ્રષ્ટ અને અપ્રમાણિક નીતિ હતી. 2012માં સુપ્રીમ કોર્ટે જ આ બાબત ઠેરવી હતી.

એ પછીની હરાજીઓમાં વધુ રકમ ઉપજી હતી, તેનાંથી સ્પષ્ટ છે કે, એ નીતિને કારણે દેશની તિજોરીને નુકસાન થયું હતું.

આરોપોમાંથી નિર્દોષ છૂટેલા કનિમોડીએ કહ્યું હતું કે, અમે ખુશ છીએ કે ન્યાય થયો છે. ડીએમકે પરિવાર માટે મોટો દિવસ છે.

અમારી ઉપરના તમામ આરોપોનો જવાબ મળી ગયો છે. અમારી સાથે રહેલાં લોકોનો આભાર માનું છું.

કથિત કૌભાંડ સમયે દેશના વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘે ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કોર્ટના ચુકાદાનું સન્માન કરવું જોઇએ. હું ખુશ છું કે કોર્ટના ચુકાદાથી સાબિત થયું છે કે, યુપીએ સરકાર સામેના આરોપો આધારહીન હતા.


શું છે 2G કૌભાંડ અને આરોપીઓ?

Image copyright Getty Images

2G કૌભાંડની વાત વર્ષ 2010માં બહાર આવી હતી. CAGએ પોતાના એક રિપોર્ટમાં વર્ષ 2008માં કરાયેલી સ્પેક્ટ્રમ ફાળવણી પર સવાલ ઉઠાવ્યા હતા.

2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં કંપનીઓની હરાજીના બદલે 'વહેલા તે પહેલા'ની નીતિ પર લાઇસન્સ આપવામાં આવ્યાં હતાં.

CAGના રિપોર્ટ મુજબ, જો લાઇસન્સ હરાજીના આધારે આપવામાં આવ્યા હોત તો, આશરે એક લાખ 76 હજાર કરોડની રકમ સરકારી તિજોરીમાં જમા થઈ હોત.

જોકે, કેગના નુકસાનના આંકડાઓ પર ઘણા પ્રકારના મતમતાંતર હતા, પરંતુ તે એક રાજકીય વિવાદનો મુદ્દો બની ગયો હતો.


PMOની ભૂમિકા પર સવાલ

Image copyright Getty Images

દેશના કથિત સૌથી મોટા કૌભાંડ મામલે પ્રધાનમંત્રી કાર્યાલય અને તત્કાલીન નાણાં મંત્રી પી. ચિદમ્બરમની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.

આ મામલે મુખ્ય તપાસ એજન્સી સીબીઆઈએ એ. રાજા ઉપરાંત મોટા ઉદ્યોગપતિઓ અને કંપનીઓ વિરુદ્ધ આરોપ નક્કી કર્યા હતા.

પૂર્વ દૂર સંચાર મંત્રી પર આરોપ હતો કે તેમણે વર્ષ 2001માં નક્કી કરાયેલા ભાવના આધારે સ્પેક્ટ્રમની ફાળવણી કરવામાં આવી હતી, જેમાં તેમની પસંદગીની કંપનીઓને મહત્ત્વ આપવામાં આવ્યું હતું.

લગભગ સવા વર્ષ (15 મહિના) સુધી જેલમાં રહ્યા બાદ એ. રાજાને જામીન મળ્યા હતા.

તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ. કરૂણાનિધીના દીકરી કનિમોડીએ પણ આ મામલે જેલ જવું પડ્યું હતું.

જોકે, ત્યારબાદ તેમને જામીન મળી ગયાં હતાં. 2G કૌભાંડથી ભારતની આંતરરાષ્ટ્રીય છબીને પણ નુકસાન પહોંચ્યું છે.

Image copyright Getty Images

2G સ્પેક્ટ્રમ કૌભાંડ મામલે એ રાજા સિવાય રાજકારણ અને ઉદ્યોગ જગતના ઘણા ખ્યાતનામ લોકોની અલગ અલગ આરોપસર ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર કેસ ચલાવવામાં આવ્યા હતા.

(અમે આ સમાચાર અપડેટ કરી રહ્યાં છીએ, વધુ માહિતી માટે અહીં વાંચતા રહો)

આ મામલે દેશની સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો