એક પોલીસ ઇન્સ્પેક્ટરે કઈ રીતે યુવકને મરતા બચાવ્યો?

પોલીસ ઈન્સપેક્ટર સંજયકુમાર
ફોટો લાઈન પોલીસ ઇન્સ્પેક્ટર સંજયકુમાર

સંજયકુમાર આમ તો પોલીસ ઇન્સ્પેક્ટર છે પણ રાજુના પરિવાર માટે તેઓ કોઈ દેવદૂતથી કમ નથી.

સંજયકુમાર રોજની માફક શનિવારે સાંજે પણ બાડા હિન્દુ રાવ પોલીસ સ્ટેશનમાં બેઠા હતા.

સાંજે છ વાગ્યે પીસીઆર વાનમાંથી ફોન આવ્યો ત્યારે ખબર પડી કે તેમના વિસ્તારમાં 20-21 વર્ષના એક યુવકે આપઘાત કર્યો છે.

સંજયકુમારે કેટલાક પોલીસ કર્મચારીઓ અને એમ્બ્યુલન્સને ઘટનાસ્થળે તત્કાળ મોકલ્યાં હતાં.

તમને આ પણ વાંચવું ગમશે

થોડીવાર પછી ફરી ફોન આવ્યો જેમાં જણાવવામાં આવ્યું હતું કે યુવકનું મૃત્યુ થયું છે અને તેને પોસ્ટમોર્ટમ માટે શબઘર લઈ જવામાં આવી રહ્યો છે.

સંજયકુમારે ઘટનાસ્થળ પર ઉપસ્થિત તેમના કર્મચારીઓને જણાવ્યું હતું કે હું ત્યાં પહોંચી રહ્યો છું અને હું ન પહોંચું ત્યાં સુધી કોઈએ ક્યાંય જવાનું નથી.


ઘટનાસ્થળે શું હતું?

ફોટો લાઈન રાજુ

સંજયકુમારે કહ્યું હતું કે ''હું ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે ત્યાં 40-50 લોકો એકઠા થયેલા હતા."

"મેં જોયું હતું કે એક દુબળો-પાતળો યુવાન બેડશીટનો ફાંસો બનાવીને પંખા પર લટકેલો હતો.''

સંજયકુમારના જણાવ્યા અનુસાર પંખાની ત્રણેય પાંખો વળી ગઈ હતી અને યુવાનના પગ લટકતા હતા.

એ યુવક મૃત્યુ પામ્યો છે કે કેમ એ કોઈએ ચેક કર્યું ન હતું.

યુવકે ફાંસો ખાધો હોવાથી એ મૃત્યુ જ પામ્યો હશે એવું લોકોએ માની લીધું હતું.

સંજયકુમારે કહ્યું, ''યુવકના પગને જમીન તરફ લટકતા જોયા ત્યારે મને લાગ્યું હતું કે એ મૃત્યુ પામ્યો નથી."

"અમને ટ્રેનિંગ દરમિયાન જણાવવામાં આવતું હોય છે કે ફાંસી વખતે કોઈ સપોર્ટ ન મળે તો મોત નક્કી હોય છે."

"તેનું કારણ એ છે કે ફાંસી પર લટકતી વ્યક્તિની ગર્દનના પાછલા હિસ્સાનું હાડકું ભાંગી જતું હોય છે.''

સંજયકુમારે ઉમેર્યું, ''આ કિસ્સામાં યુવકના પગને જમીનનો સહારો મળ્યો હતો. તેથી મને એ મૃત્યુ પામ્યો હોવા બાબતે શંકા પડી હતી."

"મેં તરત જ તેને પંખા પરથી ઉતરાવ્યો હતો અને તેના ગળા પરનો ફંદો ખોલાવ્યો હતો.''

આપઘાતકર્તા રાજુએ ચાદરને ચારેય તરફથી એટલી કસીને બાંધી હતી કે ગાંઠ ખોલવામાં એક-બે મિનિટ ચાલી ગઈ હતી.


જીવંત હોવાનો સંકેત

ફોટો લાઈન આ ઓરડામાં રાજુએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો

સંજયકુમારે કહ્યું હતું કે ''ગાંઠ ખુલતાંની સાથે જ મેં તેની નર્વ્ઝ ચેક કરી હતી. તેના ધબકારા ચાલુ હતા પણ ધીમી ગતિએ ચાલતા હતા.''

સંજયકુમારે રાજુને તરત બાજુની હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. સાત વાગ્યા સુધી ડોક્ટરોએ રાજુ પર નજર રાખી હતી.

સંજયકુમારે કહ્યું હતું કે ''આઠેક વાગ્યે મેં હોસ્પિટલમાં ફોન કર્યો ત્યારે ખબર પડી હતી કે રાજુના જીવ પર હવે કોઈ જોખમ નથી."

ડોક્ટરોના કહેવા અનુસાર રાજુને સમયસર હોસ્પિટલે લાવવામાં ન આવ્યો હોત તો એ નિશ્ચિત રીતે મૃત્યુ પામ્યો હોત.

થોડા દિવસ હોસ્પિટલમાં સારવાર લઈને રાજુ ઘરે પરત આવ્યો હતો. એ જીવંત છે અને એકદમ સ્વસ્થ છે.

સંજયકુમારે યોગ્ય સમયે નિર્ણય ન કર્યો હોત તો?

એ સંજોગોમાં રાજુને પોસ્ટમોર્ટમ માટે શબઘરમાં લઈ જવાયો હોત અને ત્યાં કપડામાં લપેટીને તેને રાતભર ફ્રીઝરમાં રાખવામાં આવ્યો હોત અને મૃત્યુ પામ્યો હોત.


જીવ બચાવ્યાનો સંતોષ

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

સંજયકુમારના ચહેરા પર કોઈનો જીવ બચાવ્યાનો સંતોષ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.

તેમણે વિનમ્રતાપૂર્વક સ્મિત કરતાં કહ્યું હતું કે ''એક પોલીસવાળાએ જે કરવું જોઈએ એ જ મેં કર્યું હતું."

"મેં કંઈ અલગ કે એકસ્ટ્રા કામ કર્યું નથી. જીવ બચાવવાવાળો તો ભગવાન છે.''

રાજુના પિતાએ જણાવ્યું હતું કે રાજુને નશો કરવાની લત છે એટલે તેના પર ઘણીવાર ગુસ્સો કરવો પડે છે.

તેથી નારાજ થઈને રાજુએ આપઘાતનું પગલું ભર્યું હતું.

લોકોના મનમાં સામાન્ય રીતે પોલીસની નકારાત્મક ઈમેજ હોય છે એ વાત સંજયકુમાર જાણે છે.

તેમણે કહ્યું હતું કે ''હું યુનિફોર્મ પહેરીને શાક ખરીદવા પણ જતો નથી. લોકોને એવું લાગે કે હું પોલીસવાળો છું એટલે મફતમાં વસૂલી કરતો હોઈશ. એ છાપનો અનુભવ હું કરું છું.''

સંજયકુમારે કહ્યું હતું કે ''પોલીસની નોકરીમાં લોકોની મદદ કરવાની ઘણી તક મળતી હોય છે. મને કોઈનું જીવન બચાવવાનો મોકો મળ્યો તેની મને ખુશી છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો